" પરમ તત્વ શિવોહમ્ "
તમે સત્ય સનાતન, અનાદિ અગમ છો,
તમે પોતે જ અગ્નિ, તમે પોતે જ જળ છો,
હું શોધું છું તમને, ને સ્મરે રોમેરોમ,
તમે શિવોહમ્, શિવોહમ્, શિવોહમ્!
નથી બંધનો કોઈ, નથી કોઈ સીમા,
નથી કોઈ કાયા, નથી કોઈ માયા,
તમે મુક્ત સ્વરૂપે બ્રહ્માંડમાં ઓમ,
તમે શિવોહમ્, શિવોહમ્, શિવોહમ્!
દિશાઓ બધી આપના શ્વાસે જ ચાલે,
આ સૂરજ અને ચંદ્ર તમારા જ અંશ છે,
તમે શૂન્યમાંથી જ સર્જી છે આ ભોમ,
તમે શિવોહમ્, શિવોહમ્, શિવોહમ્!
નથી જન્મ તમારો, નથી મૃત્યુ તમારું,
આદિ અનાદિ કાળથી ભ્રમણ તમારું,
તમે આનંદ રૂપે જ ધર્યો ભાલે સોમ,
તમે શિવોહમ્, શિવોહમ્, શિવોહમ્!
વિચારો શમી જાય જ્યાં આવીને આ,
મળે મોક્ષ એવા પરમ તત્વમાં બસ ત્યાં,
એ ભાવે હૃદયથી પુકારે આ " વ્યોમ"
તમે શિવોહમ્, શિવોહમ્, શિવોહમ્!
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર.