"ઘમંડ" (અછાંદસ કાવ્ય રચના)
હું પર્વત નથી બન્યો,
બસ ખીણોને નાની ગણવા લાગ્યો છું.
મારા ખભા પર
મારી જ છાયાનો ભાર છે,
ને મને લાગે છે કે આખું આકાશ મેં ઉપાડ્યું છે.
મેં કોઈને નમવાનું છોડ્યું ત્યારથી,
કોઈ મારી સામે ઝૂકતું નથી.
ઘમંડ એ કોઈ શિખર નથી,
એ તો ઊંડી ખાઈ છે -
જ્યાં માણસ એકલો પડે છે,
અને પડઘાને પોતાની વાહવાહી સમજી બેસે છે.
હવે હળવે હળવે શીખું છું,
ઊંચા થવા કરતાં,“સ્વયમ્'ભૂ”
ઊંડા ઉતરવું વધુ અઘરું છે.
અશ્વિન રાઠોડ - "સ્વયમ્'ભૂ"