'આપણે મા-બાપને બદલી નથી શકતાં. ન તો એમનો સ્વભાવ બદલી શકીએ, ન તો એમની પ્રકૃતિ. ન એમની પેરન્ટિંગ સ્ટાઇલ બદલી શકીએ, ન અટૅચમેન્ટ સ્ટાઇલ. એમના ઉછેરની પદ્ધતિ, એમના વિચારો, માન્યતાઓ કે મર્યાદાઓ, મા-બાપ વિશેનું કશું જ આપણે બદલી નથી શકતાં. અને આપણે એવો આગ્રહ પણ ન રાખવો જોઈએ કે તેઓ બદલાય.
પરિવર્તન દરેક માટે શક્ય નથી હોતું. દરેકનો ઉછેર, સંજોગો અને બાળપણના અનુભવો અલગ હોય છે. મમ્મી-પપ્પાને પ્રેમ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એમને સ્વીકારી લેવાનો હોય છે. તેઓ જેવાં છે, જેવી મનોદશા કે માનસિકતા સાથે જીવે છે, એ હાલતમાં એમને સ્વીકારી લેવા એ સંતાનનું ખરું કર્તવ્ય છે. એમનો સ્વભાવ બદલવાની જીદ કે શરત વિના એમને પ્રેમ અને આદર આપવો એ એમની ઉત્કૃષ્ટ સેવા છે. ઉછેર દરમિયાન થયેલી ભૂલો માટે મા-બાપને માફ કરી દેવાં, એ આધ્યાત્મિક આરોહણનું પહેલું પગથિયું છે, કારણ કે જેઓ મા-બાપને માફ નથી કરી શકતાં, તેમનામાં કરુણા ઊગવાની શક્યતા નહીંવત્ હોય છે.’