વાર્તા ૧: ટાઈપિંગ...
રાતના બે વાગ્યા હતા. આખું શહેર સૂઈ ગયું હતું, પણ નીરવના ફોનની સ્ક્રીન પર એક નામ સતત ચમકતું હતું— 'ચાર્મી'.
ચેટ વિન્ડોમાં ઉપર લખાઈને આવતું હતું: Typing...
નીરવ શ્વાસ રોકીને જોઈ રહ્યો. એ 'ટાઈપિંગ' શબ્દમાં કેટલીય અપેક્ષાઓ, કેટલીય માફીઓ અને કેટલાય અધૂરા સવાલો છુપાયેલા હતા. તેને થયું કે હમણાં લાંબો મેસેજ આવશે, કદાચ બે વર્ષનો હિસાબ આજે આ એક મેસેજમાં પૂરો થઈ જશે.
પાંચ મિનિટ થઈ... દસ મિનિટ થઈ. પેલું 'Typing...' દેખાતું અને વળી પાછું અદૃશ્ય થઈ જતું. સાચું કહીએ તો, સામે છેડે ચાર્મી મેસેજ ટાઈપ નહોતી કરતી, પણ પોતાની હિંમત એકઠી કરી રહી હતી.
અચાનક, 'Typing...' દેખાતું બંધ થઈ ગયું. નીરવને થયું કે હમણાં નોટિફિકેશન આવશે. પણ ના, તેને બદલે ઉપર 'Online' દેખાવું પણ બંધ થઈ ગયું. એણે માત્ર 'Last Seen' જોયું—જે હમણાંનું જ હતું.
આધુનિક પ્રેમની આ સૌથી મોટી કરુણતા છે; જ્યાં સૌથી વધુ કહેવું હોય છે, ત્યાં જ આંગળીઓ 'બેકસ્પેસ' પર આવીને અટકી જાય છે. દિલમાં હજારો પાનાઓ ટાઈપ થાય છે, પણ જિંદગીની સ્ક્રીન પર માત્ર 'મૌન' જ સેન્ડ થાય છે.
લેખિકા
માનસી દેસાઈ શાસ્ત્રી
"અનકહી કોફી " ભાગ 1 🙏