"હળવાશ..!"
આ જ કેપ્શન સાથે એક સ્ટોરી પોસ્ટ કરી હતી ફેસબુકમાં પાંચ વર્ષ પહેલાં અને આજે મેમરીસ તરીકે ફીડમાં આવી ગઈ!
એ સમય આજે પણ યાદ છે! કોરોના ટાઈમ હતો અને લોકડાઉન હળવું(અથવા પૂરેપૂરુ હટાવી લેવામાં આવ્યું હતું હાલ તો બહુ યાદ નથી!) થયું હતું અને એ જ સમયે નવું નવું ટેલિસ્કોપ લીધું હતું! ચંદ્ર, ગ્રહો અને તારાઓ જેને માત્ર ફોટોમાં જોયા હતા તેને પોતાની આંખોથી જોવા માટે એક અલગ જ પ્રકારનો ઉત્સાહ હતો અને સાથે સાથે દિવસે પણ વાદળોને અને વૃક્ષોમાં રહેતાં નાના જીવોને જોવાની પણ અલગ જ મજા હતી! એ જ સમયે ચોમાસું પણ શરૂ જ થયું હતું એટલે રાત્રે વાદળો સાથે એક અલગ જ પ્રકારની લડાઈ ચાલતી..
એ સમયે વરસાદના કારણે વૃક્ષો પરની ધૂળ દૂર થઈ ગઈ હતી અને તેના પર્ણો પણ સૂર્ય સાથે, કોણ વધુ પ્રકાશિત છે ની સ્પર્ધામાં હતાં! આ જ ઘટના જીવનમાં પણ લાગુ પડે જ છે આપણે ક્યાંકને ક્યાંક એવા વરસાદની રાહ જોઈને બેઠા જ છીએ જે મનમાં બાઝેલી ધૂળ રૂપી હતાશા અને નકારાત્મકતાને દૂર કરે જેથી આપણી અંદરનો સકારાત્મક પ્રકાશ ફરીથી દેખાય..
પરંતુ હાલ પરિસ્થિતિ બદલાઈ છે, જીવન ડાર્ક મોડ અને બે સ્ક્રીનની વચ્ચે જ ક્યાંક અટવાઈ ગયું છે! ના કોઈ વાદળોને નિહાળવાનો સમય, ના કોઈ એસ્ટ્રોનોમિકલ ઇવેન્ટની ઉત્સુકતા...
હવે તો બસ એક જ અપેક્ષા હોય છે, સ્ક્રીન પર "BUILD SUCCESSFULLY" લખાયેલું જોવા મળે અને હવે એ જ "હળવાશ" હોય છે..!
-નીલકંઠ