"બસ, પાંચ કિલો ખાંડ!"
હમણાં મારી ઈશ્વર અને ભાગ્ય પ્રત્યે શ્રદ્ધા ઓચિંતી ઉમટી પડી. આખી જિંદગી god fearing અને pious હોવા છતાં થયું કે દાન ધર્મ કરીએ, કંઇક રાહત મળે, ભગવાન રાહત આપે.
આજે શ્રીમતી બોપલ ભવ્યપાર્ક પાસે મારી જ કોઈ વસ્તુ લેવા ઉભેલ અને હું સાઇડ પર એકટીવા લઇને.
પહેલાં એક સાધન આવતું, light diya and god appears (એટલે એક તકતી પર ભગવાનની અદૃશ્ય છબી હોય, સાથેની દીવીમાં દીવો કરો એટલે ગરમીથી એ તકતી પર ભગવાનની છબી દેખાય.) એમ હવામાંથી કે કોણ જાણે ક્યાંથી એક ડોશી ભિખારણ પ્રગટ થઈ. "મારા વીરા, કાંઈક દાન કર, તારી બધી યાતનાઓ દૂર થઈ જશે" વગેરે કહેવા લાગી. (એને ક્યાં થી ખબર મારા મનમાં શું ચાલી રહ્યું હોઈ શકે? ફેસ રીડિંગ ની પ્રેક્ટિસ?)
હવે ઓચિંતા ધાર્મિક બનેલા મારા ખીસામાં પાકિટ નહીં. બધું યુપીઆઈ થી કરું. એને કહ્યું તો કહે "ભઈલા, સમજું છું. સામેની દુકાનમાંથી કાંઈક અપાવી દે." શ્રીમતી દૂર હતી, દેખાતી ન હતી. મેં કહ્યું બોલ, શું જોઈએ છીએ? તો કહે તું જે આપે એ. મેં કહ્યું એક બે કેરી કે ફ્રૂટ અપાવું? તો કહે ના, ફ્રુટ તો નથી લેવું. એમ કર, મારે પીવા ચા ખાંડ અપાવી દે. એ કરિયાણા વાળો સ્કેન લેશે. ઠીક, મેં કહ્યું ભલે, સો ગ્રામ ખાંડ અપાવું. તો કહે અરે બાપલા, એટલામાં શું થાય? પાંચેક કિલો કરી દે
!!
અમને બે ને પણ મહિને માંડ દોઢ કિલો કે ઓછી જોઈએ.
દાન નો વિચાર માંડી વાળ્યો . મુશ્કેલીઓ તો ઝળુંબે , આર્થિક અને અનેક ભય કે ટેન્શન લેતી આવે પણ એટલે આમ દાન કરવું ન ગમ્યું. ત્યાં શ્રીમતી આવી. મેં કહ્યું આને વીસેક રૂપિયા આપી દે. તો એ કહે બાઈ, સો તો સામાન્ય કહેવાય! Mrs કહે આ ગમે ત્યાંથી ટપકી પડે છે. અમુક ભિખારીઓ આવાં માર્કેટ પ્લેસ, મંદિરો પાસે પેધાં પડ્યાં હોય છે. હાલો, કરો એક્ટિવા સ્ટાર્ટ.
એ બાઈ થી પીછો છોડાવવા ત્રણ વાર મારી એક્ટિવા સાથે જગ્યા બદલી, એ બધે થોડી સેકન્ડમાં આવી ગઇ.
શ્રદ્ધા, દાન થી મુશ્કેલીઓમાં રાહત થશે વગેરે અંધ માન્યતા જેમાં અત્યારે હું પણ આવી ગયો, એ રહેશે ત્યાં સુધી આ ભિખારીઓ નો ધંધો અમર રહેશે. આમાં પણ નેગોશીએશન હશે, જે પાંચ કિલો કહી પાંચસો ગ્રામ પર આવશે?