આજથી શરૂ થતા સાતમ આઠમ તહેવારની શુભકામનાઓ 🙏
જેવો સાતમ આઠમનો તહેવાર આવે એટલે આજે પણ ચહેરા પર પહેલા જેટલો જ હરખ આવી જાય છે. સાતમ આઠમ તહેવાર ઉજવવાની રીત ભલે થોડીક બદલાઈ ગઈ હોય, પણ તહેવાર તો આખરે તહેવાર કહેવાય.બાળપણની સાતમ આઠમ વખતે જે પારંપરિક જમવાનું મેનુ બનાવતા,તે આજે પણ બનાવીએ જ છીએ. તહેવાર એનો એ જ છે, બસ આપણે મોટા થઈ ગયા છે. બાળપણની સાતમ આઠમ એટલે મીની વેકેશન, નાગ પાંચમથી પારણા નવમી સુધીનું. સાતમ અને આઠમ બંને દિવસે મેળો હોય છે. બે મેળા હોવાથી,મેળામાંથી કયું રમકડું લેવાનું છે એ અગાઉથી નક્કી થઈ જતું.
રાંધણ છઠ્ઠને દિવસે કઈ રસોઈ બનાવવાની છે ?કોણ ક્યાં કામમાં રોકાશે ? વગેરે અગાઉથી નક્કી થઈ જતું. જમવાના મેનુમાં મીઠાઈ, ફરસાણ, થેપલા - ઢેબરાં,પૂરી, રસા વગરનાં બટેટાનું તીખું અથવા ભરેલા ભીંડાનું શાક,રાયતું વગેરે રહેતું. મીઠાઈમાં લાડવા, મોહનથાળ, બરફીચૂરમુ વગેરે.અમે ખીર બનાવતા, હજુ પણ બનાવીએ છીએ.રાયતું અને થેપલા એ સાતમ - આઠમ તહેવારના કેન્દ્રસ્થાને હોય છે. આની વગરની સાતમ આઠમ અધૂરી કહેવાય.હવે સમય થોડોક બદલાયો છે એટલે અમુક નવી વસ્તુ ઉમેરાણી છે - સાતમને દિવસે સાંજે ખાવા માટે ઘણા સેન્ડવીચ, પાણીપુરી, ભેળ વગેરે રાખે છે.
સાતમના મેળામાં સવારે શીતળા માતાના મંદિરે દર્શન કરી સીધા મેળામાં જતા. ચકડોળ - ચરખીમાં બેસી પછી સીધા રમકડાના સ્ટોલ પર જતા અને પછી મેળામાં થોડોક નાસ્તો કરતા. ઘરે આવીને આજુબાજુ રહેતા મિત્રો જોડે એકબીજાના રમકડાં સરખાવતા.પછી બપોરે રાંધણ છઠના પકવાન આરોગવાના. આમ કરીને આખો દિવસ પસાર થતો.
બીજે દિવસે આઠમનો તો ઉપવાસ હોય છે પણ એ તો ઘરના મોટાને રહેવાનો હોય. ફરી પાછા મેળામાં જવાની તૈયારી કરવાની.આઠમનો મેળો થોડોક મોટો હોય છે. માણસોની ભીડ વીંધીને ગમે એમ કરીને નાસ્તાના સ્ટોલ પર કે ચરખી હોય ત્યાં પહોંચતા પછી ફરી પાછા રમકડાં.ઘરે આવીને રાતના બાર - એક વાગ્યા સુધી જાગવાનું, કૃષ્ણ જન્મ માટે. કૃષ્ણ જન્મની પણ ખૂબ મજા માણતા, પંજરીની પ્રસાદી વગેરે. બીજે દિવસે એટલે કે નોમને દિવસે ફૂલ આરામ કરવાનો.
- વિશાખા મોઠિયા