અભિન્ન ભાગ ૫
રાત્રીના સમયે પોતાના વિચારોમાં મગ્ન બની રાહુલ ટેરીસમાં ઉભા રહીને ગાર્ડનનો નજારો જોઈ રહ્યો હતો. એટલામાં એને શોધતા મહેશ પગથિયાં ચડી ત્યાં આવી પહોંચ્યો.
"અરે યાર! તમે અહીં છો." એનો અવાજ સાંભળતા રાહુલનું ધ્યાન એના તરફ ગયું. "તમને ખબર છે? હું ક્યારનોય તમને આખા ઘરમાં શોધું છું."
તે તેને કહેવા લાગ્યો, "હા બસ, થોડું ખુલી હવા ખાવાનું મન થયું એટલે અહીં આવી ગયો."
મહેશ તેને કહેવા લાગ્યો; "અને આમેય પણ, તમે જયારે ટેંશનમાં કે નર્વસ હોઉ, અથવા કંઈક યાદ કરતા હોઉ છો ત્યારે આમ એકલા જ રહો છો."
તેની વાત પર હળવું સ્મિત આપતાં તે બોલ્યો; "હકીકત તો એ છે કે પ્રીતિને લઈને હું થોડો ટેંશનમાં છું."
એના ખભા પર હાથ મૂકીને મહેશ બોલ્યો; "ભાઈ! આ રીતે ટેંશન ના લો."
તેની સામે ફરીને રાહુલે તેને કહેવા લાગ્યો, "ઘણીવાર મને વિચાર આવે છે કે હું જ્યારે ટેંશનમાં હોઉં છું, ત્યારે મારો નાનો ભાઈ હોવા છતાં તું હંમેશા મારો સાથ આપે છે."
એનું એટલું કહેતા જ બંને ભાઈઓ ભેટી પડ્યા. મહેશે કહ્યું "I'm always for you my bro!" અને રાહુલે તેને "Thanks" કહી તેની પીઠ થાબડી અને બન્ને છૂટા પડ્યા.
મહેશ ફરી બોલ્યો; "ભાઈ, જો મારી એક સલાહ માનો તો જે થયું તેની ભૂલી જઈને પ્રીતિભાભી સાથે એક નવી શરૂઆત કરો. કારણ કે આ જ તમારા બન્ને માટે સારી શરૂઆત રહેશે." એની વાત સાંભળતા સાંભળતા રાહુલે ગાર્ડન તરફ ફરી નજર કરી.
ત્યાંથી તેને નીચે ગાર્ડનમાં બેસીને કેરમ બોર્ડની ગેમ રમતા હરિ, પ્રીતિ અને નિશા દેખાયા. ચીટિંગ કરીને હરિ પોતાને સાબિત કરવાની કોશિશ કરી રહ્યો હતો અને નિશા પ્રીતિને પૂછી રહી હતી. આ દ્રશ્યને જોતા જોતા રાહુલ બોલ્યો; "કોશિશ તો એ જ કરી રહ્યો છું."
મહેશે ફરી પૂછ્યું; "ભાઈ તમને શું લાગે છે? પ્રીતિભાભી અને... શું ભાભીએ અત્યારે તમારી સાથે આવવું જોઈતું હતું કે પછીથી તમારી સામે?"
"યાર મને લાગે છે કે!..." પોતાની વાતને અટકાવી રાહુલ ભાવુક બની ગયો. નીચે હરિએ પોતાની ભૂલ સ્વીકારી અને નિશાને રમતમાં આગળ કરી. મહેશ પણ પાળી પાસે આવી રાહુલની જેમ નીચે ગાર્ડનમાં જોવા લાગ્યો. નીચે પ્રીતિ તરફ જોતા રાહુલ બોલ્યો; "જ્યારે પ્રીતિને ખબર પડશે ત્યારે શું થશે? હું એજ વિચારું છું."
મહેશ બોલ્યો; "એ બધું હવે સમય પર છોડી દ્યો. પપ્પા નીચે બોલવે છે એટલે હું તમને લેવા આવ્યો છું. ચાલો બધા જોડે મન મૂકીને વાતો કરીયે."
બન્ને એકબીજા સામે જોઈને આ કહી રહ્યા હતા એટલામાં નિશાએ તેઓને સાદ કર્યો, "ભાઈ, મોટાભાઈ, નીચે આવો." તેનો સાદ સાંભળી મહેશે હસી કરતા કહ્યું; "હવે તો નીચેથી પણ અવાજ આવે છે." એની વાત સાંભળી બંને હસવા લાગ્યા. મહેશ બોલ્યો; "ચાલો નીચે સાથે મળીને ગેમ રમીએ. ખબર નહિ ગઈ વખતની જેમ તમે ક્યારે પાછા આવશો."
તો રાહુલ "ચાલ" કહેતા તેની સાથે નીચે બધા પાસે ગયો.
તેઓને આવતા જોઈ હરિ ઉભો થઈ ગયો અને કહેવા લાગ્યો, "હવે તમે બધા અહિંયા બેસો અને ગેમ રમો. હું ત્યાં તારી મમ્મી અને આંટી બેઠા છે ત્યાં જાઉં છું." તેના ગયા પછી રાહુલ અને મહેશ ત્યાં પહોંચી ગયા. મહેશને જગ્યા આપતા પ્રીતિ બોલી, "અહીં બેસો." તો એ જ ક્ષણે મહેશે પ્રીતિને કહ્યું, " અને ભાભી તમે ભાઈની બાજુમાં જ બેસજો."
તેની વાતને આગળ વધારતા નિશા બોલી; "હમ્મ... ચોક્કસ. ભાભી તમે ગેમ રમશોને?" તો પ્રીતિએ પોતાનું માથું હલાવી ના પાડી. આ જોઈને મહેશે કડકાઈથી બોલ્યો, "ભાઈ, તમારી ઘરવાળીને કહી દો કે ગેમ રમે." એટલે પ્રીતિએ રાહુલ સામે જોયું તો રાહુલે પણ તેની સામે જોયું. કશું કહ્યા વગર પ્રીતિ શરમાઈને ગેમ રમવા બેસી ગઈ. આ જોઈ બધા હસવા લાગ્યા.