સોમનાથ મહાદેવ મંદિરનાં પવિત્ર સ્થળે પ્રવિણ એનાં છ સભ્યો સાથે હસી ખુશીથી જીવન પસાર કરી રહ્યો હતો. પોતે એક બ્રાહ્મણ હોવાથી નોકરી પરથી નિવૃત થઈને સોમનાથનાં પવિત્ર ઘાટે આવીને એનો ફુરસદનો સમય એના પિતાજીનુ ગોરપદુ સંભાળીને દેશ - વિદેશથી સોમનાથ આવનાર યાત્રાળુઓ માટે નાની મોટી પૂજાવિધિ કરાવી લેતો અને એ લોકો જે કોઈ દક્ષિણા આપે એ સોમનાથ દાદાનો પ્રસાદ માનીને માથે ચડાવી લેતો. એવામાં મુંબઈથી આવેલ એક ફેમિલી એમનાં મૃત પતિનાં આત્માની શાંતિ માટે પ્રવિણ પાસે અઢી કલાક પિતૃકાર્ય કરાવ્યું. પ્રવિણના કહેવાથી એ વૃધ્ધ મહિલાએ પ્રવિણને પાંચસો રુપિયાની નોટ પકડાવીને ત્યાંથી વિદાય લઈ લીધી.
પ્રથમ તે વૃધ્ધ મહિલાએ પ્રવિણ પાસે ખોટું બોલી હતી કે, એ પ્રવિણનાં પિતા અમર મહારાજ સાથે એમનાં પતિનો વર્ષો જુનો સંબંધ હતો પણ વાસ્તવમાં પ્રવિણના પિતાનુ નામ અમર મહારાજ છે જ નહિ. એ તો સોમનાથ પવિત્ર સ્થળ પર દલપત મહારાજના નામે વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. આ સાથે પ્રવિણની મહેનતના એ વૃધ્ધ સ્ત્રીએ એને પાંચસો રુપિયા આપેલા તો એણે દાદાનુ નામ લઈને માથે ચડાવી લીધા. પ્રવિણ પાસે આવેલ તેનો પૌત્ર વત્સલ ક્યારનો એ વૃધ્ધ સ્ત્રીની આવી હરકત જોઈ રહ્યો હતો. તેમનાં ગયાં પછી વત્સલે એના દાદાને પુછ્યું, "દાદાજી એ ખોટું બોલીને તમને મૂર્ખ બનાવીને જતાં રહ્યાં. તમે એમને કશું જ ના બોલ્યાં? તમારે એમને એટલું તો કહેવું જોઈએ કે તમારા પિતાજીનુ નામ અમર મહારાજ નહિ પણ દલપત મહારાજ છે. એ એમનાં ખોટાં બોલવાથી ભોઠપનો અનુભવે એવું મહેસુસ તો થવાં દેવું જોઈએ !"
વત્સલની વાત સાંભળીને પ્રવિણ મંદ મંદ હસવા લાગ્યો. તેણે વત્સલના ખભે હાથ મુકીને ઘર તરફ જવા લાગ્યો અને વત્સલે પુછાયેલા એક એક સવાલનો જવાબ દેવાનુ ચાલુ કર્યુ, "તને એવુ લાગી રહ્યુ છે કે મને ખરેખર પૈસાનો મોહ છે ? હવે હું નિવૃત થઈ ચુક્યો છું. પાંત્રીસ વર્ષની મારી સરકારી નોકરીમા મે ખૂબ આવક ઊભી કરી લીધી છે. મે તારા પપ્પાને ટ્રાન્સપોર્ટનો મોટો બિઝનેસ પણ ચાલુ કરાવી દીધો છે. મે જમા કરેલી પૂંજીથી તારી પેઢી પણ આરામથી બેઠા બેઠા જીવન પસાર કરી શકે છે. મારે રોજ આ ઘાટ પર આવીને આવાં તડકામા ગોરપદુ કરીને વધુ રૂપિયા ભેગા કરવાની જરૂર નથી."
"દાદાજી, હું તમને એ જ કહી રહ્યો છું કે, તમે આટલાં વર્ષો આટલી મહેનત કરી છે તો તમારે હવે મોટા દાદાજી સાથે થોડોક સમય પસાર કરવો જોઈએ. મમ્મી પણ એવુંજ કંઈક કહી રહ્યાં હતાં." વત્સલ તેના દાદાજીના પગલે ચાલવા લાગ્યો.
"તારી મમ્મી હેતલ શું કહી રહી હતી ?" પ્રવિણ ઊભો રહીને વત્સલને સવાલ કર્યો.
"એ જ કે મોટા દાદાજીની ઉંમર થઈ ગઈ છે. તેઓ તેમની લાકડીના ટેકે મંદિરે માંડ પહોંચી શકે છે. એમની સાચી લાકડી તમે અને પપ્પા છો. જો તમે મોટા દાદાજીના જીવનની છેલ્લી ક્ષણે એમની સાથે રહો અને તમે એમનો હાથ પકડીને મંદિરે લઈ જાવ તો એમની આત્માને કેટલી રાહત મળી શકે છે !" વત્સલે પ્રવિણની આંખોમા જોઈને કહ્યું.
"આ બધું તને હેતલે કહ્યું ?"
"એમણે ખાલી એમ જ કહ્યુ હતુ કે દાદાજી રોજ સવારે છ વાગ્યે ઘરથી બહાર નીકળીને ઘાટ પર આવી જાય છે તો મોટા દાદાજીને સાથે લઈ જતા હોય તો."
"હા, એટલે મારી સાથે તારા મોટા દાદાજી પણ ઘરની બહાર જ રહે.. જેથી તારી દાદીમાને અને હેતલને નડતરરૂપ ના બને."પ્રવિણે કટાક્ષ કર્યો.
"અરે દાદાજી, તમે વાતને ઉલ્ટી દિશામાં કેમ લઈ જઈ રહ્યા છો ?મોટા દાદાજી તમારી સાથે આ ઘાટ પર આવે તો એમની તબિયત માટે પણ સારુ છે. તેઓ અહી આવશે તો અહીંયા બે ચાર લોકોને જોશે તો તેમનો મગજ ઘરે બેસી રહેવાથી નકારાત્મક વિચારોથી ઘેરાયેલો છે તો એમાંથી એ બહાર આવી શકશે. મમ્મીએ તો ખાલી મોટા દાદાજીને તમારી સાથે આવવાનું કહ્યું હતું. જેથી એ અને દાદીજી ઘરનાં બાકીનાં કામો ઝડપથી અને સરળતાથી કરી શકે. આ હું કહું છું કે, આ ઉંમરમાં મોટા દાદાજી વધુ તમારી સાથે રહે તો એમને તમારી સાથે સમય પસાર કરવાથી રાહત રહે. તમારે એમને અહી ના લઈ આવવા હોય તો કાંઈ નહિ પણ તમે મોટા દાદાજી સાથે ઘરે તો રહી શકો છો." વત્સલે સરળતાથી પ્રવિણને સમજાવી રહ્યો હતો.
"હું મારા જીવનમાં જ્યારથી સમજણો થયો છું, ત્યારથી કોઈ દિવસ ઘરે રહ્યો નથી. સોમનાથ દાદાની કૃપાથી તાલુકા પંચાયતમાં નોકરી મળી ગઈ. અઠવાડિયાના સાત દિવસમાં મારે રવિવારની રજા અને બીજી સરકારી રજા પર મારે ઘરે રહેવાનું આવતું. એ દિવસોએ હું કોઈપણ બહાનું કાઢીને પૂરો દિવસ અહી સોમનાથ મંદિરના ઘાટ પર આવીને એકાંત માણતો. હું રજાના દિવસે તારી દાદીમાને ઘરે દર્શન આપતો નહિ."
"દાદાજી, મને એવુ કેમ લાગી રહ્યુ છે કે તમારા ચહેરા પર આ ડાઘ છુપાવીને ફરો છો. એમાં પણ કોઈ બહુ મોટી કહાની છુપાયેલી છે !" વત્સલે પ્રવિણનો જમણો ગાલ ગમછાથી ઢાંકેલો હતો એના પર નજર કરતા બોલ્યો.
"તું હજી નાનો છે. તું જેવું વિચારે છે એવુ કાંઇ નથી. એ તો યુવાનીમાં એક અકસ્માતમા મારો આ ભાગ દાઝી ગયો છે." પ્રવિણ ગમછો ગાલ પર સરખો કરતા ઘાની સાથે વત્સલ સામે ભુતકાળને ઢાંકી દીધો.
"એ બધુ છોડો પણ આ વૃધ્ધ સ્ત્રી વાળુ મને હજી સમજાયુ નહિ." વત્સલે વાતને ટાળીને મૂળ વાત પર ફરી સવાલ કર્યો.
"ઓહ્...હજી તું એ ભુલ્યો નથી ! તે એ વૃધ્ધ માતાજીની સામે જોયેલુ નહિ હોય. તેમના પતિ નાની ઉંમરે દેહાંત પામી ચુક્યાં છે. તેમણે એ સમયે કેટલાય કષ્ટ વેઠીને એમનાં દીકરાંને મોટો કરેલો હશે. એમનાં દીકરાનાં સ્વભાવથી મને એવું લાગતું હતું કે એ એની માતાની સાથે રહેતો નહિ હોય. અહીં સુધી એ માતા એમનાં દીકરાને જબરદસ્તી લઈ આવ્યાં હશે. જો આવાં સમયે મે એમની પાસે દક્ષિણાની જેટલી માંગ કરી હોય તો એ માતા મને આપી દીધી હોત. પાંચસોનાં બદલામાં એમણે મને બે હજાર પણ દઈ દીધાં હોત પણ જો મે એમની પાસે વધુ દક્ષિણા માંગી હોત તો એમને જીવન નિર્વાહ માટેની થોડી ઘણી મૂડી બચાવેલી હતી એ પણ વપરાય જાત."
"દાદાજી, હું તો તમને દાદીજીની જેમ ભોળા સમજતો હતો. તમે તો એક તમારુ જ નહિ પણ દરેકનું વિચારો છો. તમારી અંદર આટલી ઉમદા ઉદારતા છે તો દાદીજી હજું તમને ઓળખી કેમ શક્યાં નહિ ?"
"એ તો દરેક પુરુષ જાતની તકલીફ છે. સ્ત્રીઓ તો એમની અંદરની લાગણી બોલીને બહાર કાઢી શકે છે. પુરુષને તો જન્મથી મૌન રહી ઘરનું ગુજરાન ચલાવવા બહાર કામ કરવા જવું પડે છે. સ્ત્રીઓ તો ઘરની સાથે બાળકોને મોટા કરે છે. તેમને એમના કામ માટે રવિવારની રજા મળતી નથી. અમુક સ્ત્રીઓ પુરુષ સાથે કદમથી કદમ મિલાવવા માટે પરિવારની સાથે બહાર કામ કરવાં જતી જોવાં મળી રહી છે. એક સાથે અનેક કામ કરનારી સ્ત્રીની લોકોએ હંમેશા એની મહાનતા જોઈ છે. પુરુષ શિવ છે તો સ્ત્રી શક્તિ છે. આમ જોઈએ તો શિવ અને શક્તિ બન્ને એક જ છે. શિવ વિના શક્તિ અધુરી છે તો, શક્તિ વિના શિવ અધુરાં છે. સંસાર ચલાવવા માટે બન્નેની એટલી જ આવશ્યકતા છે."
"સ્ત્રી એક સાથે અનેક કામો કરી શકે છે. એટલાં માટે તેમને જગત જનની જગદંબા કહી છે. આ ખૂબી સ્ત્રીઓમાં જોવાં મળી રહી છે. સ્ત્રીઓ ઘરની બહાર નીકળીને પુરુષનાં અનેક ક્ષેત્રોએ કામ કરી શકે છે. જ્યારે મોટા ભાગના પુરુષો સ્ત્રીઓ સાથે ઘરનાં અમુક કામોમાં સાથ આપવાં જાય તો એને વહુ ઘેલો કે બાયલો કહીને એની ઠેકડી ઊડાડવામાં આવે છે. આવા શરમ અને સંકોચને કારણે પુરુષ નાનપણથી એમનુ પૌરૂષત્વ સંભાળવવાં માટે મૌન ભાષાએ થોડીક કડકાઈથી એમની લાગણીઓને છુપાવતો આવ્યો છે." પ્રવિણ બોલતો હતો અને વત્સલ સાંભળતો હતો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"