રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:15
સ્થળ: કેન્ટીન
સમય: 8:20
સૂર્યા કેન્ટીનમાં પહોંચે છે.તે ઊડતી નજર આખા કેન્ટીનમાં ફેરવે છે. ત્યાં મુનાભાઈ તેમના કામમાં વ્યસ્ત હતા અને રાકેશ શક્યવત હજી આવ્યો ન હતો.આજે કેન્ટીનમાં ભીડ પ્રમાણમાં ઓછી હતી બે ત્રણ ટેબલ સિવાય બીજા ટેબલો ખાલી હતા.એક ટેબલ પણ બે છોકરા બેઠા બેઠા મોબાઈલમાં કશુંક મથી રહ્યા હતા.તેમને આજુબાજુ શુ થઈ રહ્યું છે તેનો પણ ખ્યાલ નહોતો.બીજા એક ટેબલ પર એક છોકરો એકલો બેઠો હતો અને નાસ્તો કરવામાં પોરવાયેલો હતો.બીજા એક ટેબલ પર ચાર પાંચ સ્ટુડન્ટ હતા તેઓ પણ એમની જ વાતમાં મશગૂલ હતા અને ખુણાના એક ટેબલ પર કિંજલ એકલી બેઠી બેઠી મોબાઈલમાં મથી રહી હતી.સૂર્યા તેની પાસે જાય છે.
"આજે કેમ એકલી પેલા બન્ને ક્યાં?" સૂર્યાએ સવાલ કર્યો.
"ઓહ સૂર્યા બેસ બેસ.... શુ કહું યાર રિયાના મમ્મીની તબિયત વધારે ખરાબ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે એટલે એ બન્ને આવ્યા નથી" કિંજલે કહ્યું
"ઓહ તો મને લાગે છે આપડે એકવાર તેમને મળવા હોસ્પિટલ જવું જોઈએ તેમને સારું લાગશે" સૂર્યાએ કહ્યું.
"હું પણ એજ વિચારતી હતી તો ક્યારે જઈશું?" કિંજલે પૂછ્યું.
"બપોરના સમયે હેરાન કરવા ઠીક નથી. તો આજે સાંજે પાંચ વાગ્યે જઈએ"
"ઓકે ડન તેઓ કર્ણાવતી હોસ્પિટલમાં છે" કિંજલે કહ્યું
સૂર્યાનું સંપૂર્ણ ધ્યાન હવે મુનભાઈની કેબીન પર જ હતું.તેને પોતાનું લેપટોપ કાઢ્યું અને તેને સેટપ કરી રાખ્યું.
"સૂર્યા અત્યારે તો વિડીયોગેમ રમવાનો ઈરાદો નથી ને?" કિંજલે હસતા હસતા પૂછ્યું.
" ના યાર પપ્પાનું એક પ્રેઝન્ટેશન છે એમને બીજું કામ આવી ગયું તો મારે બપોર સુધીમાં પૂરું કરીને આપવાનું છે." સૂર્યાએ કહ્યું
"ઓહ એમ વાત છે તો હું નાસ્તો મંગાવી લવ છું બોલ તું શું ખાઈશ." કિંજલે પૂછ્યું
"કાંઈ પણ યાર એક કામ કર તું મંગાવે છે એ જ મંગાવી લે" સૂર્યાએ ઉપર જોયાં વગર કહ્યું.
કિંજલે પોતાની રીતે ઓર્ડર આપ્યો.
સૂર્યા બિલકુલ કિંજલની સામેની ખુરશીમાં બેઠો હતો આથી કિંજલને નહોતું દેખાઈ રહ્યું કે તે લેપટોપમાં શુ કરી રહ્યો છે પણ જે રીતે તેની આંગળીઓ લેપટોપ પર ચાલી રહી હતી તેટલી સ્પીડ તેને જિંદગીમાં કોઈ દિવસ જોઈ નહોતી. કિંજલ ફક્ત તેના હાથો સામે જ જોઈ રહી હતી.
સૂર્યા હવે રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે રાકેશ આવે.તેને એક વાર ઇન્સ્પેક્ટર વિક્રમ સાથે કન્ફર્મ કરી લીધું હતું કે તે રેડી છે. તે કિંજલ સાથે નોર્મલી વાત કરી રહ્યો હતો.થોડીવાર પછી પ્રોફેસર રાકેશ કેન્ટીનમાં પ્રવેશે છે ત્યારે સૂર્યાની બધી ઈન્દ્રિયો એક સાથે સતેજ થાય છે.રાકેશ મુનાભાઈ પાસે જઈને ઉભો રહે છે.કેન્ટીનમાં સારી એવી શાંતિ હતી આથી તેમની વાતચીત સ્પષ્ટ સંભળાઈ રહી હતી.
"ઓહ સાહેબ મને એમ કે આજે તમે નહીં આવો! ઘણું મોડું કર્યું સાહેબ" મુનભાઈએ કહ્યું
"અરે હોતું હશે કાઈ!! મુનાભાઈની ચા વગર દિવસ કેમ શરૂ થાય? આ તો આજે ઉઠવામાં સહેજ મોડું થયું એટલે હું મોડો આવ્યો" રાકેશે હસતા હસતા કહ્યું.
"લ્યો આ તમારી ચા" મુનભાઈએ એક કપ આપતા કહ્યું
રાકેશ એ કપ લઈ અને ચા ની ચૂસકી લીધી અને પછી અહીં તહીંની વાતો કરવા લાગ્યો.
સૂર્યાએ ફરી લેપટોપ ખોલ્યું અને તેની આંગળીઓ કીબોર્ડ પર એ રીતે ફરવા લાગી જે રીતે કેરમની કુકરી ફરે.તરત જ મુનાભાઈના મોબાઈલમાં એક રિંગ વાગી.મુનાભાઈએ નામ જોયું તો તે મોહનનો ફોન હતો. તેમને તરત ફોન ઉપાડયો અને કહ્યું "હાલો મોહન કયા છે તું? અચાનક ગાયબ કયા થઈ ગયો? ઠીક તો છે ને?" મુનાભાઈએ પ્રશ્નનો મારો ચલાવ્યો.
આ સાંભળી રાકેશના પગ નીચેથી જમીન ખસી ગઈ તેને તેના કાન પર વિશ્વાસ ન આવ્યો.
"હું ઠીક છું અને બીજા જવાબો પછી આપીશ અત્યારે મારે રાકેશ સાહેબ સાથે વાત કરવી છે." ઇન્સ્પેક્ટર વિક્રમે સહેજ અવાજ બદલતા કહ્યું
"હા તેઓ અહીં જ છે હું આપું છું" આટલું કહી મુનાભાઈએ રાકેશને ફોન આપ્યો.
રાકેશના બધા રુવાડા ઉભા થઇ ગયા.તેને ફોન લીધો પણ તે વાત કરવા માટે બહાર જતો રહ્યો.આ તરફ વિક્રમને હાશ થઈ કે સૂર્યાએ અવાજનું કંઈક સેટિંગ કર્યું છે જેથી મારો અવાજ ન ઓળખાયો.રાકેશ જેવો બહાર ગયો તરત જ સૂર્યાએ હેડફોન ચડાવ્યા અને શું વાત કરે છે તે સંભાળવા લાગ્યો.
"હાલો" રાકેશે કહ્યું
"હાલો સાહેબ મોહન બોલું" સામેથી વિક્રમે કહ્યું.
રાકેશને જે અવાજ સંભળાતો હતો તે જો મોહનની પત્નીને પણ સંભળવવામાં આવે તો તે પણ એમ ન કહી શકે કે તે મોહનનો અવાજ નથી.
"મોહનીયા..તારી...તું આટલા દિવસથી...." રાકેશે તૃટક વાક્યો બોલ્યા.
"સર હું..હું સમજાવું છું.મને કોઈકે કિડનેપ કર્યો છે..મારી પાસે વધારે સમજવાનો સમય નથી.હું જેમ તેમ ભાગી નિકળ્યો છું,તે લોકો હજી મારી પાછળ છે.મેં હજી કોઈનું નામ આપ્યું નથી. પણ હું અહી શહેરની બહાર રસ્તામાં આવેલ શંકર ભગવાનના મંદિરની બાજુમાં રહેલ પેલા તૂટેલા મકાનની અંદર છુપાયેલો છું" મોહને(વિક્રમે) ઉતાવળમાં કહ્યું
"અરે ત્યાં કઈ રીતે પહોંચ્યો બાબુ તારી સાથે છે? જલ્દી કોલેજ આવ" રાકેશ હડબડી સાથે બોલ્યો.
"હા સર એ સાથે જ છે પણ કોલેજે આવવું મુશ્કેલ છે અમને લાગે છે તે હજી અમને શોધે છે તો પ્લીઝ અમને અહીં આવી ને બચાવી શકો" મોહને કહ્યું
"એ બધું પછી પહેલા એ બોલ કે મને ડાયરેકટ કેમ કોલ ન કર્યો?" રાકેશે શંકાસ્પદ અવાજે કહ્યું
"અરે સર તમારો ફોન ટ્રેક હોઈ શકે છે આથી મેં બુદ્ધિ દોડાવી સર બીજું બધું પછી પહેલા અહીં આવો" મોહને કહ્યું.
"પણ હું..ઠીક છે ચાલ હું ઉપર કોન્ટેક્ટ કરું છું કોઈક તમને લઈ જશે" રાકેશે કહ્યું
"અરે! સર એમાં તો બહુ વાર લાગશે એટલીવારમાં તો અમે ચોક્કસ પકડાઈ જશું અને પકડાયા તો સો ટકા એ તમારું નામ અમારી પાસેથી કઢાવી લેશે સર બહુ ખાતરનાખ ટોર્ચર કરે છે" મોહને કહ્યું
આ સાંભળીને રાકેશના હાઝા ગગડી ગયા.તેને કહ્યું "ઠીક છે હું આવું છું પણ હોશિયાર રહેજે" આટલું કહી રાકેશે ફોન કટ કર્યો.આ સાથે જ સૂર્યાએ પણ હેડફોન ઉતાર્યા અને વિજયસુચક સ્મિત તેના મોઢા પર આવી ગયું.
રાકેશ અંદર આવ્યો અને ફોન મુનાભાઈને આપ્યો અને મુનાભાઈ કંઈક પૂછે તે પહેલાં જ તે બહાર નીકળી ગયો.તે તેની કેબિનમાં ગયો અને એક અલમારી ખોલી તેમાંથી એક ગન બહાર કાઢી.
**************
આ તરફ સૂર્યાએ કિંજલને કહ્યું " ચાલ હવે કલાસ તરફ જઈએ."
"એની હવે જરૂર નથી" કિંજલે કહ્યું
"કેમ શુ થયું? રાકેશ સરનો લેક્ચર ભણવાનો મૂડ નથી" સૂર્યાએ પૂછ્યું
"મૂડ તો છે પણ સરનો લેકચર લેવાનો મૂડ નથી લાગતો મેસેજ ચેક કર" કિંજલે કહ્યું
સૂર્યાએ મેસેજ ચેક કર્યા તો કોલેજના ગ્રૂપમાં રાકેશસરનો થોડીવાર પહેલા આજે કોઈ લેક્ચર નથી એવો મેસેજ આવ્યો હતો. સૂર્યાના મુખ પર એક સ્મિત રમી ગયું પણ સૂર્યા રાકેશને હજી જેટલો સીધો સમજતો હતો તેટલો સીધો રાકેશ હતો નહીં.
****************
વિક્રમ મંદિરે રાકેશની રાહ જોતો બેઠો હતો.ત્યાંથી પહેલું જર્જરિત મકાનનો ખખડધજ દરવાજો નજરે પડતો હતો.મંદિરમાં પૂજારી ન હતા.તે સવારે પૂજા કરીને ચાલ્યા જતા હતા. કોઈ રડયું ખડયું ક્યારેક દર્શન માટે આવી જતું હતું.કોઈ માનતા પુરી કરવા આવી જતું તો કોઈ માનતા માનવા માટે આવી જતું.વિક્રમ મંદીરની પરસાળની વંડી પર બેસીને એકી ટશે દરવાજા તરફ જોઈ રહ્યો હતો.તે અત્યારે સાદા પહેરવેશમાં હતો અને મોઢા પર ભરેલ દાઢી અને મૂછ કૃત્રિમ રીતે ચોંટાળેલી હતી.તેને સૂર્યાને એક મેસેજ કરી દીધો હતો કે તે મંદીર પહોંચી ગયો છે.
મંદીર તારાપુરના મુખ્યમાર્ગ પર નહોતું. તારાપુરના મુખ્યમાર્ગથી એક ધુળિયો રસ્તો ફંટાતો હતો.તે રસ્તો કોઈ ગામને નહોતો જોડતો,તે રસ્તો ખેતરો તરફ જતો જતો જે તારાપુરના ખેડૂતો અને કેટલાક જમીનદારોના નામે હતા.તે રસ્તો જ્યાંથી ફંટાતો હતો ત્યાં બસો મીટર જેટલા અંતરે તે મંદિર આવેલું હતું. તેની આસપાસ કોઈ બીજી વસાહત નહોતી,પરંતુ એક ખંડેર જેવું દેખાતું ઘણું મોટું મકાન હતું.તે અત્યારે જર્જરીત દેખાતું મંદિર એક સમયના તેના ભવ્ય ઇતિહાસની સાક્ષી આપી રહ્યું હતું.તેનો દરવાજો ખૂબ જૂનો પણ મજબૂત હતો.તેના પર ઘણી કોતરણીકામ થયેલું હતું જે સમયની થપાટું સાથે થોડું આછું પડ્યું હતું.તે ભૂતકાળમાં કોઈ મોટાં જમીનદારનું તે નિવાસસ્થાન હશે તે સ્પષ્ટ જણાઈ રહ્યું હતું.
***************
ક્રમશ: