Redhat-Story ek Hacker ni - 24 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 24

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 24


        રેડ હેટ:સ્ટોરી એક હેકરની
        પ્રકરણ: 24

      એક આલીશાન ઓફીસમાં લાલ પ્રકાશ ફેલાયેલો હતો.તે પ્રકાશ ખૂબ આછો હતો કેમકે તે ફકત ટેબલલેમ્પમાંથી આવી રહ્યો હતો. તેની વ્યવસ્થાએ રીતે કરવામાં આવી હતી કે ટેબલ પર પડેલી વસ્તુ તે લાલ પ્રકાશમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી,પરંતુ બીજે બધે લગભગ અંધારું હતું.તે રૂમ પ્રમાણમાં મોટો હતો.તે રૂમની એક તરફ કોમ્પ્યુર રાખવામાં આવ્યું હતું અને બીજી તરફ થોડીક ફાઈલો અને બુકો હતી.વચ્ચે એક ટેબલ હતું અને ત્યાં એક સોફાવાળી ખુરશી હતી અને સામેની બાજુ ત્રણ સાદી ખુરશી પડી હતી.તે રૂમ એ.સીની હવાથી ખૂબ ઠંડો હતો. તે રૂમના દરવાજા પર તારાપુર હેડ અને નીચે એક લાલ ટોપી હતી. 

      તે રૂમમાં ચેર પર કોઈ સ્ત્રી બેઠી હતી તેના હાથ જે ટેબલ પર હતા તે સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા પણ અંધારામાં તેનું મોઢું દેખાઈ રહ્યું નહોતું. આ રીતની ખાસ વ્યવસ્થા લોકોને પોતાનો ચહેરો બતાવ્યા વગર મિટિંગ કરી શકે.તેની સામે એક વ્યક્તિ બેઠો હતો.

        "તો બોલ કોલેજમાં પોલીસ કેમ આવી હતી?" પેલી સ્ત્રીએ એક સત્તાવર સ્વરમાં કહ્યું.

       "મેડમ એ તો મને નથી ખબર પણ ફક્ત બે ત્રણ પ્રશ્નો બધા સિક્યોરિટીને પૂછ્યા હતા. જેમ કે તમે રાત્રે અહીં કોઈ શંકાસ્પદ વ્યક્તિઓને જોયા છે? રાત્રે અહીં કોણ કોણ આવે છે? સિક્યોરિટીની ડ્યુટી વિશે વગેરે વગેરે પણ તે સ્ટોરરૂમ તરફ ગયા ન હતા." પેલાએ સવિસ્તાર જણાવ્યું.

       "હમ્મ...પણ અત્યારે સ્ટોરરૂમમાં કરોડોનો માલ પડ્યો છે આગલા બે ચાર દિવસ ખૂબ ધ્યાન આપજે જ્યા સુધી તે માલ ખાલી ન થાય" પેલી સ્ત્રીએ કહ્યું.

       "ઠીક છે હું તેનું પૂરતું ધ્યાન રાખીશ પણ મેડમ પેલો રાકેશ કાલ સવારથી ગાયબ છે એનું શું કરવાનું છે?"

       "હા મેં તેની તપાસ કરાવી છે પણ કમબખ્ત ક્યાંય મળ્યો નહીં, તેનું લાસ્ટ લોકેશ પણ શહેરથી દુરનું હતું.મને લાગે છે આપણી પાછળ કોઈ હાથ ધોઈને પડ્યું છે,પણ તું ચિંતા ન કર હું તેનું કંઈક કરી લઈશ." પેલી સ્ત્રીએ સામે બેઠેલા આદમીને કહ્યું અને પછી જવાનો ઈશારો કર્યો. એટલે પહેલો વ્યક્તિ બહાર ગયો.અને તે મહિલા ફરી પોતાના કામમાં જોતરાઈ ગઈ.

****************

સમય: રાતના નવ
સ્થળ: ઇન્દુ પાર્ક
  

          "અરે યાર આટલી વાર કેમ થઈ કિંજલને તે તો હંમેશા સમય પર આવે છે" રિયાએ કહ્યું અત્યારે ઇન્દુ પાર્કમાં સૂર્યા,રિયા અને આરવ આવી ગયા હતા અને કિંજલની રાહ જોઈ રહ્યા હતા.

          "આવી જશે ચિલ યાર બેસ થોડી વાર" આરવે કહ્યું.

          "સૂર્યા તું એકદમ તૈયાર થઈ ગયો એનું મને આશ્ચર્ય થાય છે" રિયાએ સૂર્યા તરફ જોઈ કહ્યું.

          "ના મારુ એમ પણ મન હતું જ કેમ કે મારો એક મિત્ર દિવ રહે છે.લગભગ બે વર્ષથી હું તેને મળ્યો નથી.તેને મળવાની ઈચ્છા હતી જ" સૂર્યાએ કહ્યું

        "ઓહ એમ વાત છે" આરવે કહ્યું.

        "ઓહ સોરી ફ્રેન્ડ્સ થોડુ મોડું થઈ ગયું" કિંજલે આવતાની સાથે જ કહ્યું.

      "થોડું નહિ ઘણું મોડું થઈ ગયું છે" રિયાએ કહ્યું.

       "વાત એમ છે ને કે મમ્મીને અચાનક કઈક કામ આવી ગયું હતું, એટલે તે ખૂબ મોડી આવી હતી એટલે થોડું મોડું થઈ ગયું." કિંજલે કહ્યું અને સૂર્યાની સામે બેસી.

        "હમમ તો બોલો કાલે ક્યારે નીકળવું છે" સૂર્યાએ કહ્યું.

         "સૂર્યા અઢીસો કિલોમીટરનો રસ્તો છે તો હું વિચારું છું કે સવારમાં પાંચ સાડાપાંચ વાગ્યે નીકળી જઈએ તો પણ ત્રણેક કલાકમાં પહોંચી જઈશું" આરવે કહ્યું.

         "એક મિનિટ તમે લોકો બાઇક પર જવાની વાત તો નથી કરતા ને?" કિંજલે કહ્યું.

         "મારી તો ઈચ્છા એ જ હતી પણ આ વરસાદના મોસમમાં ન જઈ શકીએ" આરવે કહ્યું.

         "તો પછી?" રિયાએ કહ્યું.

        "શુ તો પછી મારી કાર છે ને!" સૂર્યાએ કહ્યુ.

      "અરે યાર પણ તું ડ્રાઈવર અંકલને સાથે ન લેતો" રિયાએ કહ્યું.

       "હું કહીશ તો પણ એ નહિ આવે" સૂર્યાએ હસતા હસતા કહ્યું.

       "તો ક્યાં મળશું કાલે?" આરવે પૂછ્યું.

       "ક્યાંય નહીં,રાત્રે કઈ રીતે આવશો તમે?, હું જ તમને ઘરેથી પિકપ કરી લઈશ" સૂર્યાએ કહ્યું.

     "હા એ ઠીક છે પણ હા બધા સમયસર તૈયાર થઈ જજો" કિંજલે કહ્યું.

       "હા તો ચાલ હવે સુઈ જઈએ કુંભકર્ણ" રિયાએ આરવ તરફ જોઈને કહ્યું.

       "હું તારા કરતા ઓછું ઉંધુ છું તું તો બપોરે પણ ઘોંટી જાશ" આરવે ઉચા અવાજે કહ્યું.

       "હા તો હું તો સવારે વહેલી ઉઠીને મમ્મીને મદદ કરું છું તારી જેમ નહીં નવ વાગ્યા સુધી ઊંઘતારામ!!" રિયાએ વળતો પ્રહાર કર્યો.

       "ઓકે ઓકે ફ્રેન્ડ હવે ઝગડો કર્યા વગર તમે બન્ને જશો" સૂર્યાએ કહ્યું.

        "નહિ તો શું ગમે ત્યારે ઝઘડવા લાગો છો" કિંજલે કહ્યું અને બન્નેને રવાના કર્યા.

         "ચાલ તો બાય સૂર્યા" કિંજલે કહ્યું.

       "બાય..પણ મારો પ્રપોઝલ યાદ છે ને" સૂર્યાએ આછા હાસ્ય સાથે કહ્યું.

       "એટલી મહત્વની વસ્તુ કેમ ભૂલી શકું પણ સાચું કહું ને સૂર્યા તો મને તું પહેલી નજરેથી જ ગમતો હતો.હું તારા સાથે પહેલા દિવસથી જ વાત કરવા જંખતી હતી,પણ તું કોઈ સાથે વાત કરતો નહીં તો હું સહેજ ખચકાતી.થોડા દિવસ બાદ જ્યારે હું ક્લાસરૂમમાં આવી ત્યારે રિયા અને આરવ તારી સાથે વાત કરી રહ્યા હતા અને એ વાત મારા માટે લોટરી કરતા ઓછી ન હતી,આથી હું તરત ત્યાં આવી ગઈ" કિંજલે સૂર્યાની બાજુમાં પુન: બેઠક લેતા કહ્યું.

        "તો પછી શું પ્રોબ્લેમ છે?"સૂર્યાએ કહ્યું.

     "પ્રોબ્લેમ તારો સ્વભાવ છે.જો સૂર્યા પ્રેમમાં જ્યાં સુધી પારદર્શકતા ન આવે ત્યાં સુધી બધું વ્યર્થ છે.ઘણા લોકો લગ્ન કરીને પણ એક બીજા પર શક કરતા રહે છે અને ઘણા ફક્ત યાદોમાં પણ વફાદારી નિભાવતા હોય છે.બધો ખેલ પારદર્શકતાનો છે અને તું અત્યારે ક્યાં રહે છે એ પણ મને ખબર નથી." કિંજલે કહ્યું.

           "પણ કિંજલ હું કોઈ વસ્તુ છુપાવતો નથી ફક્ત સમયે આવ્યે તને તું પૂછીશ તે કહી દઈશ એટલું જ કહું છું." સૂર્યાએ કહ્યું.

           "તો હું તને એ જ કહું છું ને કે જો તું અત્યારે નથી કહેતો એના બે જ કારણ હોય શકે એક તો તને મારા પર વિશ્વાસ નથી અને બીજું કે તું કોઈ ખોટા કામ સાથે સંડોવાયેલો છું અને તે બન્નેમાંથી મને શેની શક્યતા વધારે લાગે છે એ કદાચ તું પણ જાણે છે." કિંજલે કહ્યું.

       "ઓહ તો તને એમ લાગે છે કે મને તારી પર વિશ્વાસ નથી" સૂર્યાએ કંઈક આશ્ચર્ય સાથે કહ્યું.

       "હા જો તને મારા પર વિશ્વાસ હોય તો ચાલ અત્યારે જ મને તારા ઘરે લઈ જા" કિંજલે કહ્યું.

        "હા તો ચાલ" સૂર્યાએ કિંજલનો હાથ પકડતા કહ્યું.

         "સાચે જ" કિંજલે કઈક ઉત્સાહ સાથે કહ્યું.

          "હા સાચે જ મને કદાચ એમ હતું કે સમય આવ્યે તને કહીશ તો વધારે મજા આવશે પણ હવે ચાલ" સૂર્યાએ કહ્યું.
 
        "તું ચિંતા ન કર હું એમ પણ અત્યારે નથી આવી રહી મમ્મીને અડધી કલાકમાં પાછી આવું છું એમ કહીને નીકળી છું તો અત્યારે એમ પણ શક્ય નથી." કિંજલે હસતા હસતા કહ્યું.

      "એ ઠીક છે પણ યાર તું કોઈ પણ કારણ વગર એમ કહે કે મને તારા પર વિશ્વાસ નથી તો એ ઠીક નથી" સૂર્યાએ કહ્યું.

       "અરે યાર એમ જ હું મસ્તી કરતી હતી અને હા એક હિન્ટ આપું" કિંજલે આછા સ્મિત સાથે કહ્યું.

       "હિન્ટ શેની હિન્ટ?" સૂર્યાએ કિંજલ સામેં જોતા કહ્યું

       "એજ કે તારા પ્રપોઝલનો જવાબ હું તને દિવમાં આપી દઈશ" કિંજલે કહ્યું.

        " અરે પણ જો તારો જવાબ તૈયાર જ હોય તો મને અત્યારે કહી દે ને!કેમ મને રાહ જોવડાવે છે" સૂર્યાએ કહ્યું.

        "ના એવું નથી કે મારો જવાબ તૈયાર છે,પણ કાલ પરમદિવસ સુધી હું કરી લઈશ" કિંજલે કહ્યું.

        "ઠીક છે" સૂર્યાએ સહેજ ખુશ થતા કહ્યું 

     "બહુ ખુશ થવાની જરૂર નથી જવાબ ના પર હોય શકે છે" કિંજલે મજાકિયા સ્વભાવમાં કહ્યું.

    "હોઈ શકે છે પણ મને જવાબ પહેલેથી જ ખબર છે" સૂર્યાએ તેના મૂળ સ્વભાવમાં કહ્યું.

      "ઓહ તો કેમ આટલો આતુર છે જવાબ જાણવા" કિંજલે કહ્યું.

      "બસ એમ જ મારું પ્રીડીકશન કેટલું સાચું છે તે જાણવા" સૂર્યાએ કહ્યું.

       "અચ્છા એમ તો બે દિવસ રાહ જોઇલે અને હા હવે કાલે સવારે મળીયે" કિંજલ આટલું કહી સૂર્યાના જવાબની રાહ જોયા વગર ચાલી ગઈ.

*******

ક્રમશ: