કોઈ વ્યક્તિ હેતલનાં નિર્ણય પર સાથ આપી રહ્યું હતું. દરેક સભ્યે એ વ્યક્તિ ને જોયો તો કોઈ વિશ્વાસ કરી શક્યું નહી કે હેતલને અલગ થવા માટે દલપતદાદા કહી રહ્યાં હતાં.
આંગણામાં ક્યારનાં ચૂપચાપ સાંભળી રહેલાં દલપતદાદા એક હાથમાં લાકડી અને બીજો હાથ વત્સલના ખભાનો ટેકો લઈને અંદર આવતા હતા. સૌ દલપત દાદાની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા.
દલપતદાદા આખરે હેતલનાં પક્ષમાં રહીને બોલ્યાં. એ વાતની સૌથી વધુ ખુશી હેતલને થવાની જ હતી ! દલપતદાદાના ફેસલાથી જો સૌથી વધુ નાખુશ હોય તો એ પારુલ હતી. હવે પ્રવિણને પણ પારુલની લાગણી સમજાય રહી હતી. એ હવે ઈચ્છતો ના હતો કે રવિ અને હેતલ ઘર છોડીને અલગ રહે.
"મોટાદાદા મમ્મી અને પપ્પા ક્યાં જાવાની વાત કરે છે ?"
નિર્દોષ બાળ મગજ ધરાવતો વત્સલ આ દરેક વાતથી બેખબર હતો. તેના મનમા એ જ હતુ કે એની મમ્મી થોડાક દિવસ માટે ઘરથી દૂર જવાં માંગે છે. આથી તો એણે દલપતદાદાને નિર્દોષ સવાલ કર્યો.
"વસુ બેટા, આજે હુ તને એક પક્ષીની વાર્તા સંભળાવીશ. તારે એ વાર્તા સાંભળવી છે ?"
"હા મોટાદાદા, મને વાર્તા સાંભળવી બહુ ગમે છે."
"એક પક્ષીનુ યુગલ એમના આવનાર બચ્ચા માટે અલગ અલગ જગ્યાએથી સળી અને સાંઠીકડાંથી એક મોટા વૃક્ષ પર માળો બનાવ્યો. એ માળો એના સમયે બની ગયા પછી માદા પક્ષીએ એમાં ઈંડાં મુક્યાં. પક્ષી ઈંડાં મૂકીને પોતાનાં બચ્ચાઓને નવી દૂનિયામાં લઈ આવે છે તો એને રહેવા માટે ઘર તો જોઈએ. આથી પક્ષી અગાઉથી એમને રહેવા માટે માળાની વ્યવસ્થા કરી આપી હતી. નવી દૂનિયામાં આવેલાં પક્ષીનાં બચ્ચાઓ શું કરે છે, તને ખબર છે વસુ ?"
"ના મોટા દાદા." અણસમજુ થઈને વત્સલે નકારમાં માથુ ધુણાવ્યુ.
"એ પક્ષીના બચ્ચા એ માળામાં મોટા થાય છે. એમની રીતે દાણા ખાતા શીખી જાય છે. પોતાની પાંખો વડે એમનો ખોરાક જાતે શોધવા માટે તૈયારી બતાવે છે. પછી એમને જન્મ આપનાર માતા પક્ષીની એમને જરુર રહેતી નથી. પરિણામે જે માળામાં મોટા થાય છે, એ માળો એમને નાનો લાગવાથી તેઓ એમની મોટી પાંખો ફફડાવીને માળામાંથી ઊડીને જતા રહ્યા."
"દાદા, પછી એ બચ્ચા ફરી એ માળામાં પાછાં તો આવે છે !"
"ના વસુ, જેણે એકવાર એક સ્થળ છોડી દીધું હોય એ ફરીવાર એની મુલાકાત કરવા આવતુ નથી. એ બચ્ચા મોટા થઈને પક્ષી બની જાય છે. ક્રમ પ્રમાણે એ પણ એના આવનાર બચ્ચા માટે સાંઠીકડાં ભેગા કરીને નવો માળો બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે."
"મોટા દાદા, એ બચ્ચા ઊડી ગયા તો ખાલી પડેલા માળાનું કોણ ધણી થયું હશે ?"
વત્સલ એની ઉંમર પ્રમાણે ખૂબ મોટો સવાલ વડીલની સામે લાવીને ઊભો કરી દીધો હતો. દલપતદાદા ઊભા રહીને થાકી જવાને કારણે ત્યાં પાસે પડેલી એક ખુરશી પર બેસી ગયા. ઈશારેથી દલપત દાદાએ મોટાઓને અવગણીને વત્સલ પાસે પીવાનું પાણીનો એક ગ્લાસ મંગાવી લીધો. વત્સલ પાણી ભરેલો ગ્લાસ દલપત દાદાના હાથમાં ધર્યો અને એક શ્વાસે પાણી પી ગયા.
"હવે મોટા દાદા, તમે કહો કે સુનો પડી ગયેલા એ માળાનુ પછી શુ થયુ ?"
"વસુ દીકરા, થવાનુ શુ હોય ? એક દિવસ ખૂબ મોટુ વાવાઝોડું ઊપડ્યું હતું. એ વાવાઝોડાનું જોર એટલું બધું તીવ્ર હતુ કે એના જોરને કારણે ઝાડ પર રહેલો માળો નીચે પડીને જમીનની માટીમાં ભળી ગયો." દલપત દાદાએ એક ઊંડો નિસાસો નાખ્યો, "આ જ કાળચક્ર વર્ષોથી ચાલ્યુ આવે છે. ખાલી પડેલો માળો એક દિવસ તો વિરવિખેર થવાનો છે."
"મોટા દાદા, એમાં તમે દુઃખી કેમ થાવ છો ? તમે જ કહો છો કે આ કાળચક્ર વર્ષોથી આમ જ ચાલ્યા કરે છે. જે બચ્ચા મોટા થઈને એમના બચ્ચા માટે માળો બનાવશે અને જ્યારે એમના બચ્ચા એમને છોડીને ઊડી જશે ત્યારે એ જ એ પક્ષીને એની મહેનતથી બનાવેલા માળાની કદર થશે. ટીટ ફોર ટેટ. અમારા ટીચર પણ એ જ શીખવે છે. જેવાં સાથે તેવાં. કુદરત લાચારીનો સમય એક દિવસ એમનાં જીવનમાં જરૂર લઈને આવશે."
દલપત દાદાની પક્ષીના માળાના ઉદારહણથી આટલી મોટી શીખ સ્કુલમા એકડો ઘુંટતો વત્સલ સમજી ગયો હતો. અફસોસ એ કે જે માતા પિતાએ એને આટલો મોટો કર્યો એમના મગજમાં વાત ઊતરે તો વ્યાજબી કહેવાય ! પારુલ હેતલની સામે જોવાં લાગી પણ હેતલને દલપત દાદાની વાર્તાથી કોઈ ફરક પડ્યો ન હતો.
"મોટા દાદા આ પક્ષીની વાર્તા તમે મને અને બધાને કહી દીધી. હવે એમ કહો કે મમ્મી અને પપ્પા ક્યાં જાય છે ?"
"વસુ દીકરા, તારા મમ્મી અને પપ્પા આ માળાનાં બચ્ચા છે. મે અને તારાં મોટા દાદીએ પ્રેમ અને લાગણીની હુંફથી આ માળો બનાવ્યો. પછી તારા દાદાનો જન્મ થયો.તારી દાદી આ માળામાં આવ્યાં. એમણે સહનશીલતા અને સમજાદારીથી અસ્તવ્યસ્ત થઈ ગયેલાં માળાને સાચવીને બેઠાં છે. અસ્ત વ્યસ્ત થઈ ગયેલાં માળાને હજુ એમણે વિખેરવાં નથી દીધો. ત્યારબાદ હવે તારાં મમ્મી અને પપ્પાને આ જુનો થઈ ગયેલો માળો ખૂંચવા લાગ્યો છે. એ તને અમારાથી દૂર કરીને હંમેશને માટે બીજાં માળામાં રહેવા જાવાની જીદ્દ કરે છે."
"મોટા દાદા, જેમ પક્ષીઓમાં કાળચક્ર ચાલે છે એ જ કાળચક્ર એમની સાથે પણ ચાલશે. હું પણ મોટો થવાનો જ છુ. જ્યારે હું એમનાથી અલગ થવાની વાત કરીશ ત્યારે જ એમને ખબર પડશે કે આપણે ઉછેર કરેલાં બચ્ચા મોટા થઈને ઊડીને જતાં રહે છે ત્યારે કેવી વેદના થાય છે !"
વત્સલની વાત સાંભળીને સૌ નિ:શબ્દ થઈ ગયાં. દલપત દાદા, પારુલ અને પ્રવિણની આંખોમાં આંસુઓ ભરાઈને બહાર આવી ગયાં. વત્સલની વાતનો રવિ અને હેતલ પાસે કોઈ જવાબ ન હતો. એમણે વત્સલની વાત સાંભળીને એમનું માથુ શરમથી નીચું કરી નાખ્યું.
થોડીક ક્ષણ માટે કોઈ કાંઈ ના બોલ્યુ. પાંચેક મિનિટ પછી રવિએ ખોખારો ખાધો અને બોલવા માટે હોઠ ખુલ્યા, "મારે મારા કામ પર જાવાનુ મોડુ થાય છે. હેતલ, મારું ટિફીન લાવ."
હેતલે રસોડામાં જઈને ટિફીન લઈને રવિનાં હાથમાં પકડાવી દીધું. રવિ પ્રવિણ, પારુલ અને દલપત દાદાના ચરણ સ્પર્શ કરીને તેનું બાઈક લઈને પોતાની કંપનીએ જવાં નીકળી ગયો.
બાકીના સભ્યો સૌ સૌના કામમાં વ્યસ્ત થવા માટે લાગી ચુક્યાં. દલપત દાદા એમના લીવીંગ રૂમમાં જતા રહ્યા. વત્સલ તેના રૂમમાં એનુ હોમવર્ક કરવા જતો રહ્યો. પ્રવિણ એનુ ટીફીન લઈને જોબ પર જઈ રહ્યો હતો, એવામાં કોઈ એને બોલાવવા આવી ચડ્યું.
"પ્રવિણકાકા, તમે જલ્દી સિવિલ હોસ્પિટલે ચાલો.તમારી ખૂબ જરૂર છે."
"કાના, સિવિલ હોસ્પિટલે કેમ જાવાનુ થયુ? બધાં હેમખેમ તો છે ને?"પ્રવિણને ફાળ પડી.
"કાકા, અડધી કલાક પહેલા આ યોગીએ ઝેરની બોટલ ગટગટાવી દીધી છે. તાત્કાલીક એની સારવાર માટે સિવિલમાં લઈ જવું જોશે. ત્યાંના ડૉકટર તમારા દોસ્ત છે તો તમે સાથે રહેશો તો એની સારવાર તાત્કાલિક કરશે. નહિતર તેઓ સ્યુસાઈડનો કેશ સમજી પોલીસને બોલાવશે અને સારવાર કરવામાં વાર લાગશે તો આપણે યોગીને હંમેશને માટે ખોઈ ના દેવો પડે."
"કાના, આવુ નકારાત્મક ના બોલ. યોગીને કાંઇ નહિ થાય. આ બધુ અચાનક બન્યુ તો અડધી કલાક પછી કેમ તુ આવ્યો ? ત્યારે જ એને હોસ્પિટલ લઈ જાવો જોઈએ."
પ્રવિણ યોગીની વાત સાંભળીને ગભરાઈ ગયો. પારુલ અને હેતલ પણ એમનાં કામો પડતાં મૂકીને કાનાની વાતો સાંભળવાં લાગ્યાં.
"કાકા, એ બધી વાત આપણે પછી કરશુ પહેલા તમે તાબડતોબ ચાલો મારી સાથે."
"હે સોમનાથ દાદા, યોગીના જીવની રક્ષા કરવી એ હવે તમારા હાથમાં છે. યોગીના શરીરમાં ઝેરની અસર ના થાય અને એ જલ્દી મૌતના મુખમાંથી પાછો આવે." ભોળી સ્વભાવની પારુલ મનોમન યોગીનાં જીવની પ્રાર્થના કરવાં લાગી.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"