પ્રવિણને જોબ પર જવાનું મોડું થઈ રહ્યું હતું. બપોરનો સમય થઈ ગયો હોવાથી તેણે તેના ઘરે જમીને પછી જોબ પર જશે, એવો વિચાર કરી લીધો. તેણે બાકીના લોકો માટે ટિફીન પેક કરીને મોકલવાની વાત કરી પણ યોગીના પિતા પ્રવિણને વધુ તકલીફ દેવા માંગતા ન હતા. એ આસપાસની હોટલમાં થોડોક નાસ્તો કરી લેશે. એમ એ લોકોએ જણાવી દીધું. પ્રવિણ સાંજે યોગીની તબિયત પૂછવા આવશે એવી વાત કરીને જતો રહ્યો.
પૂરા રસ્તામા પ્રવિણને યોગીએ કરેલ ડરપોકવાળી ભૂલનો અફસોસ કરી રહ્યો હતો. આ સાથે એ ઘરના ટેન્શનને ઘરે મૂકીને હોસ્પિટલ નીકળી ગયો હતો. ઘરનું એ ટેન્શન તેને મગજમાં ચકરાવવા લાગ્યું. સોમનાથ દાદા બધું ઠીક કરી દેશે એવુ મનોમન નક્કી કરીને ઘરે પહોચી ગયો.
પારુલ પ્રવિણનાં આવવાની રાહ જોઈ રહી હતી, "તમે ગયાં પછી ત્યાંથી કોઈના મોબાઈલમાંથી ઘરે ફોન કરી દેવાય ! મને યોગીની કેટલીય ચિંતા થઈ રહી હતી. યોગીની તબિયત કેમ છે ? એ પૂરી રીતે સાજો તો થઈ ગયો છે ?"
"સોમનાથ દાદાની કૃપાથી યોગી હવે ખતરાથી બહાર છે. થોડીક નબળાઈ છે પરંતુ ચિંતા જેવું કાંઈ નથી. સારવારને કારણે બે દિવસમાં સારુ થઈ જશે."
યોગી સલામત છે એ જાણીને પારુલે રાહતનો શ્વાસ લીધો. યોગીએ અવળું પગલું ભર્યું એવી બાતમી દલપત દાદાને મળી તો એ પણ યોગીની ચિંતા કરવા લાગ્યા હતા. પારુલ પ્રવિણ માટે જમવાનું પીરસવાની તૈયારીમાં લાગી ગઈ. પ્રવિણ લીવીંગ રૂમમાં યોગીની સારી તબિયતના સમાચાર દલપત દાદાને દેવા જતો રહ્યો.
"આજના જુવાનિયામાં સહનશક્તિનો અભાવ જોવા મળે છે. થોડાંક ટેન્શનમાં આવી જાય તો જીવનથી કંટાળીને વિચાર્યા વગરનું પગલું ભરી લે છે. યોગીને આવું કરવાની જરૂર શું પડી !એવા તો એના ઉપર શુ દુઃખના પહાડ તુટી પડ્યા કે સોમનાથ દાદાએ એને આપેલો આટલો અમુલ્ય મનુષ્ય અવતાર ખત્મ કરવા તૈયાર થઈ ગયો ?" દલપત દાદાએ દુઃખી સ્વરે બોલ્યા.
"પિતાજી, આ વાત હુ કોઈને ના કહુ એના માટે તેણે મારી પાસેથી વચન લીધુ છે. બસ બંધ બાટમા એટલુ જ કહી શકું છું કે પોતાની કિંમતી વસ્તુને ના પામવાનું દુઃખ એ ઘણા દિવસોથી મગજમા લઈને ફરી રહ્યો છે. વિચારો મગજમાં હાવિ થઈ જવાને કારણે અંતમા તેણે ઝેરની બોટલ હાથમાં ઝાલી."
પ્રવિણની વાત સાંભળીને દલપત દાદા બસ એટલુ બોલ્યા, "સોમનાથ દાદા સર્વને સદ્દબુધ્ધિ આપે. હું સવારે હેતલ વહુને અલગ થવાં માટે એટલે જ કહી રહ્યો હતો. તેમને આ ઘરમાં રહેવું નથી તો જબરદસ્તી આપણે તેમને ઘરમાં રાખી ના શકીએ. હેતલ વહુ જો યોગીની જેમ વિચાર્યા વગરનું આવું પગલું ભરશે અને ના કરે નારાયણ એનો જીવ ટુંકાવી નાખે. આપણે એના પિયર પક્ષને અને સમાજને મોઢું દેખાડવા જેવા નહિ રહીએ. વર્ષોથી મે ગોરપદુ કરીને કમાયેલી આબરૂ એક ક્ષણમાં ધૂળમાં ભળી જશે. તું આજ સાંજે મારી ખાતર રવિને કહી દેજે. જો તેને અલગ થવુ હોય તો અમે રાજી ખુશીથી તેમને અલગ કરવાં તૈયાર છીએ."
"પિતાજી, તમે એવી ચિંતા ના કરો. જો એ લોકો અલગ થાય, એનાથી તમને કોઈ વાંધો ના હોય તો ઠીક છે. એમની ખુશી માટે હું મારો નિર્ણય ફરી બદલી નાખીશ."
પ્રવિણ દલપત દાદાના શબ્દોનુ કદાપિ ઉલંઘન કરતો નહિ. એ જ કારણ છે કે એ લોકો વચ્ચે આટલો ખુશ રહી શકતો હતો. જમવા માટે પારુલનો અવાજ આવતા પ્રવિણ હોલમાં જમવાં જતો રહ્યો. દલપત દાદાએ રવિને ઘરથી અલગ થવાની વાત જમતાં જમતાં પ્રવિણે પારુલને જણાવી દીધી.
દલપત દાદાનો ડર પારુલનાં મગજનાં કોઈ એક ખૂણે ઘર કરી ગયો. સ્ત્રીઓ તો જન્મથી શંકાશીલ માનવામાં આવે છે. એકવાર એનાં મગજમાં શંકાનું બીજ રોપી દેવામાં આવે તો ધીરે ધીરે એ શંકાનાં બીજમાંથી વૃક્ષ ઊભું કરી દેવાની ક્ષમતા ધરાવી લે છે.
જે પારુલ કોઈ પણ કિંમતે રવિને આ ઘરથી દૂર કરવાં માંગતી ન હતી એ આજની જનરેશનમાં રહેલ સહનશક્તિની ઉણપને કારણે અલગ કરવાં માટે મન કમને પ્રવિણને હા કરી.
પ્રવિણ જમીને એના જોબ પર જતો રહ્યો. સાંજે સાત વાગ્યે છુટીને એ પહેલા ડાયરેક્ટ હોસ્પિટલ પર યોગીને મળવા જતો રહ્યો હતો. યોગીને આઈ.સી.યુ.માંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરી દીધો હતો. યોગીના માતા અને ભાભી તેની ખબર અંતર પૂછવા ત્યાં ઉપસ્થિત હતા. ગંભીર માહોલને હળવો કરવા માટે પ્રવિણ જનરલ વોર્ડમા દરેકને હસાવવા માટે નવા નવા જોક્સ કરવામા વ્યસ્ત થઈ ગયો. પ્રવિણની હાસ્યભરી વાતોથી યોગીના પરિવારજનોને થોડીક ક્ષણ માટે એમનું દર્દ ભૂલાય ગયું હતું. યોગીના ચહેરા પર પ્રવિણની વાતોથી સ્માઈલ આવી ગઈ હતી. તેની સ્માઈલ જોઈને એના પિતાને રાહત થઈ.
પ્રવિણને ઘરે પહોચવામા મોડું થઈ રહ્યું હતું. તેણે યોગીના પરિવાર પાસેથી રજા લીધી અને ઘરે જવા માટે પ્રયાણ કર્યુ. ઘરે પહોચવા માટેના એના ડગ ધીમા પડી ગયા હતા. ઘરે તેને રવિને અલગ થવાની મંજુરી આપવાની હતી. આ મંજુરીથી એ તેની પત્ની અને તેના દીકરાં સાથે અલગ રહેવા જતો રહેશે. હૃદય પર પથ્થર રાખીને મન ના હોવા છતાં પરિવારના સભ્યો ઘરથી દૂર થઈ જશે. રવિની નસોમા કે વત્સલની નસોમા એનુ લોહી ન હતુ તે છતા એની સાથે લાગણીનો સંબંધ લોહીના સંબંધ કરતા વધુ મજબુત બની ગયો હતો. પારુલ ઈચ્છે તો એ રવિને જણાવી શકત કે પ્રવિણ સાથે એનો સંબંધ લોહીનો નથી. તેને જન્મ આપનાર તેના સાચાં પિતાએ તેને અને તેની માંને એકલાં છોડી દીધાં હતાં. વર્ષોથી આ વાત રવિને ના કહેવા માટે પ્રવિણે પારુલ પાસેથી વચન લીધું હતું. તેનુ કારણ ફક્ત એટલુ હતુ કે રવિના હૃદયને એવુ ફીલ ના થાય કે પ્રવિણની લાગણી તેને દયાભાવથી મળેલી હતી.
રવિને હાલ સુધી એ ફીલ થાય છે કે તેને જન્મ આપનાર એના પિતા પ્રવિણ રહ્યા છે, કારણ કે રવિ એક વર્ષનો હતો ત્યારે એ પ્રવિણના ઘરમા પ્રવેશ કર્યૉ હતો. પ્રવિણે રવિને એના હાથમા લીધો. એ સમયે પ્રવિણને એક પિતા બનવાની જવાબદારીનો અહેસાસ વિકસિત થયો. એ સમયથી પ્રવિણ રવિની નાની નાની જીદ્દ પૂરી કરવામા તત્પર રહેતો હતો. રવિના શોખ પૂરા કરવામાં ક્યારેક પારૂલ પાછી પડી જતી પણ પ્રવિણને રવિના શોખ પૂરા કરવા માટે પૂરા દિવસની થકાવટ ઊતરી જતી હતી.
પ્રવિણ વિચાર કરતા ઘરે પહોચી ગયો. રવિ પ્રવિણની જમવાની રાહ જોઈ રહ્યો હતો. દલપતદાદા તો એમના સમયથી બંધયેલા હોવાથી જમીને વહેલા સુઈ ગયા હતા. વત્સલ પ્રવિણની રાહ જોઈને ભૂખ્યો બેઠો હતો.
"અરે, તમે હજુ કોઈ જમ્યા નથી ?" ઘરની અંદર આવતા પ્રમાણે સવાલ કર્યો.
"તમને મૂકીને અમે ક્યાંથી જમવાના છીએ ? આમપણ પપ્પા, આપણે બન્ને પિતા પુત્ર રાત્રે એક સાથે જમવા માટે ભેગા થઈએ છીએ." રવિનું વર્તન સવારના વર્તન કરતા અલગ લાગી રહ્યુ હતુ. સવાર કરતા એ રાત્રે થોડોક વધુ ખુશ લાગી રહ્યો હતો.
"હા બેટા, કદાચ આ આપણો એક સાથે બેસીને જમવાનો છેલ્લો સમય હોય શકે." પ્રવિણે રવિ સામે જોતા મનમા બોલ્યો. પ્રવિણ વિચારમાંથી બહાર આવીને સ્વગત કહ્યુ, "હું હમણા પાંચ મિનિટમાં મારા હાથ ધોઈને જમવા બેસું છું. રવિની માં ત્યાં સુધી તમે અમારા બન્નેની જમવાની થાળી તૈયાર કરો."
પારુલ પ્રવિણે ના વ્યક્ત કરેલાં દુઃખદ શબ્દને સમજી ગઈ. તેણીને ખબર હતી કે એ રવિને અલગ થવા માટે વાત કહી દેશે અને પછી બીજે દિવસે રવિ એક નવું ઘર શોધીને ત્યાં રહેવા જતો રહેશે. પારુલ અને હેતલ કશુ બોલ્યાં વિના પ્રવિણ અને રવિની જમવાની થાળી તૈયાર કરવાં લાગ્યાં. આ સાથે હેતલ વત્સલ માટેની થાળીમાં જમવાનું પિરસવા લાગી.
"હેતલ, આજે જમવામાં ખૂબ મોડું થઈ ગયું છે. એક કામ કરો તું અને મમ્મી પણ અમારી સાથે જમવાં બેસી જાવ." રવિએ જણાવ્યું એ સાથે પ્રવિણ હાથ ધોઈને જમવા બેસી ગયો.
"રવિ, વર્ષોથી આપણાં ઘરમાં પરંપરા ચાલી આવી છે કે ઘરનાં દરેક પુરુષો જમી લીધાં પછી સ્ત્રીઓને જમવું જોઈએ. આજે મોડું થઈ ગયુ છે તો એમાં પરંપરાનો અનાદર ના કરવો જોઈએ." પારુલ બોલી.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"