Maru ghar, mari niyati chhe - 17 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | મારુ ઘર, મારી નિયતિ છે - 17

The Author
Featured Books
Categories
Share

મારુ ઘર, મારી નિયતિ છે - 17

મારુ ઘર મારી નિયતિ છે

મીરા એરપોર્ટ પર આકાશને શોધી રહી હતી. આકાશની નજર મીરા પર પડી. તેણે જોરથી બૂમ પાડી, "મીરા!"

મીરા આકાશ પાસે ગઈ. આકાશે તરત જ મીરાને ભેટીને શાંતિનો શ્વાસ લીધો અને કહ્યું, "ફ્લાઈટ ઉપડવાનો સમય થઈ ગયો છે. તું ક્યાં હતી? મને એમ હતું કે તું નહીં પહોંચી શકે, પણ તું સમયસર આવી ગઈ. ચાલ મીરા, મોડું થાય છે, છેલ્લી જાહેરાત પણ થઈ ગઈ છે."

મીરાએ આકાશનો હાથ છોડાવતાં કહ્યું, "હું અહીં તારી સાથે લંડન આવવા માટે નથી આવી. હું ફક્ત તને એટલું કહેવા આવી છું કે હું તારી સાથે નહીં આવું. આકાશ, હું તને પ્રેમ નથી કરતી. હું માનવને પ્રેમ કરું છું અને હું મારા મા-બાપ પ્રત્યેની મારી જવાબદારી નિભાવવા માગું છું."

આકાશે કહ્યું, "પણ મીરા, માનવ તો તને ડિવોર્સ આપવાનો છે, તો પછી શું કામ તું મારી સાથે નથી આવતી?"

મીરાએ કહ્યું, "હું અહીં જ રહેવા માગું છું. મને ખબર છે કે તું મને પ્રેમ નથી કરતો. આ તો તારી જીદ માત્ર છે."

આકાશે કહ્યું, "ઠીક છે, મારી જીદ છે. પણ તું જ્યાં પાછી જઈ રહી છે, ત્યાં તો તારો કોઈ સાથી નથી. તો પછી શું કામ તું પાછી જઈ રહી છે?"

મીરાએ કહ્યું, "આકાશ, તું ખૂબ સારો છે. તું મારો બાળપણનો મિત્ર છે. એ સિવાય તારા માટે મને બીજી કોઈ લાગણી નથી. પ્લીઝ આકાશ, તું મને ભૂલી જા." એમ કહીને મીરાએ આકાશને ભેટ્યો અને કહ્યું, "આકાશ, તું એવી છોકરી સાથે લગ્ન કરજે જે તને પ્રેમ કરતી હોય." એમ કહીને મીરાએ આકાશને 'બાય' કહ્યું અને એરપોર્ટની બહાર જતી રહી.

આકાશ મીરાને જતી જોઈ રહ્યો. પછી આકાશ પણ લંડન ન ગયો, તેની ફ્લાઈટ જતી રહી. તેને માનવ પર ખૂબ ગુસ્સો આવ્યો. મીરાના ગયા પછી થોડી જ વારમાં આકાશે એક ગુંડાને ફોન કર્યો અને કહ્યું, "તું માનવને બરબાદ કરી નાખ. હું તારી સામે રૂપિયાના ઢગલા કરી દઈશ. બસ, હું માનવને બરબાદ કરવા માગું છું. તેણે મીરાને મારાથી દૂર કરી દીધી છે."

પેલા ગુંડાએ આકાશની વાત માની લીધી. પછી તે ગુંડાએ પોલીસને ખોટી માહિતી આપી કે માનવ ગેરકાયદેસર રીતે નાના છોકરાઓ પાસે બાળમજૂરી કરાવે છે અને તેના ગેરેજમાં બધું ગેરકાયદેસર કામ થાય છે. એવી ફરિયાદ નોંધાવી.

આ બાજુ, પોલીસ અને બાળ સંસ્થાના માણસો માનવના ગેરેજે પહોંચ્યા અને બે બાળકોને પોતાના કબજામાં લઈ સંસ્થામાં મોકલવાનું કહ્યું. પોલીસે માનવ પર ગેરકાયદેસર કામ અને બાળમજૂરી કરાવવાનો આરોપ મૂક્યો અને તેની ધરપકડ કરી.

મયુરી સંસ્થાવાળા બેનનો હાથ છોડાવીને દોડતી માનવના ગળે વળગી પડી અને રડતાં રડતાં કહેવા લાગી, "ઉસ્તાદ, મારે ક્યાંય નથી જવું. મારે ખાલી તમારી પાસે રહેવું છે. તમે જ મારા પપ્પા છો. આ લોકોને કહો કે મને એમની સાથે ન લઈ જાય." મયુરીને જોઈને માનવ લાચારી અનુભવતો હતો. પણ તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું, "મયુરી, તું બિલકુલ ચિંતા કરીશ નહીં. તું અત્યારે આ લોકો સાથે જા. તારો ભાઈ પણ તારી સાથે જ છે, તું ડરતી નહીં. તું ત્યાં રહે, હું તને જરૂર છોડાવીને ઘરે પાછી લઈ આવીશ. હું તને અને તારા ભાઈને કાયદેસર રીતે મારી પાસે રાખીશ. તું બિલકુલ ચિંતા કરતી નહીં. હું પાછો આવું ત્યાં સુધી તું તારી અને ભાઈની સંભાળ રાખજે, બેટા."

સંસ્થાવાળા બેને બળજબરીથી મયુરીને માનવથી દૂર કરી અને ગાડીમાં બેસાડી. માનવને પણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. ગેરેજને સીલ લાગી ગયું. એક વ્યક્તિ દોડતો શારદાબેન પાસે ગયો અને તેમને બધી વાત કરી.

શારદાબેને તરત જ પોતાના જાણીતા વકીલને બધી વાત કરી અને માનવને છોડવાનું કહ્યું. દીપાએ તરત જ મીરાને ફોન કર્યો. મીરા પોલીસ સ્ટેશને પહોંચી તો દિનેશ પણ ત્યાં આવી ગયો હતો. દિનેશે મીરાને બધી વાત કરી અને આ બાજુ વકીલ પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા.

વકીલ સાહેબે પોલીસ પાસેથી બધી વાત જાણી. મીરાએ માનવને મળવા માટે કહ્યું, પણ પોલીસે ના પાડી. વકીલ સાહેબ મીરાને ઓળખતા હતા. તેમણે મીરાને કહ્યું, "મીરા, તારા મમ્મી સાથે વાત કર. માનવના જામીન માટે મોટી વ્યક્તિની જરૂર પડશે. જો તારા મમ્મી જવાબદારી લેશે તો માનવના જામીન તરત જ થઈ જશે."

મીરાએ વકીલ કાકાને કહ્યું, "ભલે, હું મોમ સાથે વાત કરું છું."

મીરાએ વિજયાબેન સાથે વાત કરી અને રાત્રે માનવના જામીનની બધી ઔપચારિકતા પૂરી કરી. મીરાએ વકીલ કાકાને કહ્યું, "કાલ સવારે આપણે માનવને છોડાવી લઈશું. હું સવારે તમને અહીં જ પોલીસ સ્ટેશનમાં મળીશ. તમે જજ સાહેબના સહી લઈને સીધા અહીં પોલીસ સ્ટેશન આવજો."

પછી મીરા વસ્તીમાં માનવના ઘરે પહોંચી. શારદાબેને મીરાને કહ્યું કે માનવને પોલીસ લઈ ગઈ છે. શારદાબેને મીરાનો હાથ પકડીને કહ્યું, "મીરા, તું તો વકીલાત ભણી છે. મારા માનવને પોલીસ સ્ટેશનથી છોડાવી લાવીશ ને?"

મીરાએ કહ્યું, "મમ્મી, તમે બિલકુલ ચિંતા કરશો નહીં. હું પોલીસ સ્ટેશનથી જ આવું છું. મેં વકીલ કાકા સાથે વાત કરી દીધી છે. વિજયા મોમ જામીનના કાગળો પર સહી કરવા તૈયાર છે. કાલે માનવને લગભગ જામીન મળી જશે. તેની ગેરંટી હું આપું છું."

મંજરી રડવા જેવી થઈ ગઈ અને કહેવા લાગી, "હું મારા માનવને મળવા જાઉં છું." પણ દીપાએ મંજરીનો હાથ પકડીને તેને રોકી. મંજરી દીપાને ભેટીને રડવા લાગી. મીરાએ મંજરીને કહ્યું, "તમે બિલકુલ ચિંતા કરશો નહીં, હું માનવને છોડાવી લઈશ."

મંજરી ગુસ્સામાં કહે છે, "મીરા, તારા લીધે જ બધું થયું છે. મારા માનવને પોલીસ પકડી ગઈ!" એમ કહીને મંજરી રસોડામાં ચાલી ગઈ. દીપા મંજરીની પાછળ રસોડામાં ગઈ અને કહ્યું, "તું શું બોલે છે તને ખબર છે? મીરાં તો માનવને છોડાવવા માટે બધું કરી રહી છે."

શારદાબેને મીરાને કહ્યું, "મંજરીની વાતનું ખોટું ન લગાડતી, મીરા. તે માનવને ખૂબ પ્રેમ કરે છે. તે તેના દીકરા જેવો જ છે."

મીરાએ શારદાબેનને કહ્યું, "હું સમજું છું, મમ્મી." એમ કહીને મીરા ઉપર તેના રૂમમાં જઈને બેઠી. તે વિચાર કરતી હતી કે માનવ તો છૂટી જશે, પણ પેલા બે બાળકોનું શું થશે?

મીરા ઊભી થઈને ફ્રેશ થઈ અને વકીલની બુક્સ શોધવા લાગી. પછી તેને યાદ આવ્યું કે દીપાએ અમુક બુક્સ પલંગ નીચે એક બોક્સમાં રાખી હતી. મીરા પલંગ નીચેથી બોક્સ કાઢે છે તો તેમાં માનવનો સામાન હોય છે. તે તેમાંથી એક બુક કાઢીને વાંચે છે તો તેમાં એક કવિતા લખેલી હતી. મીરા થોડીક વાંચે છે.

પછી તે તરત જ માનવના બધા ચોપડા તેના બોક્સમાં નાખીને પોતાનું બોક્સ બહાર કાઢે છે અને તેમાંથી વકીલાતના ચોપડા કાઢીને વાંચવા લાગે છે. થોડીકવાર પછી મીરાને મયુરી યાદ આવે છે. તે તરત જ એક નંબર પર ફોન કરે છે અને પૂછે છે, "ચાઈલ્ડ કેર હોમ?" સામેથી જવાબ આપે છે, "હા, આ ચાઈલ્ડ કેર હોમ છે." મીરા પૂછે છે, "શું હું મયુરી સાથે વાત કરી શકું છું? હું મયુરીની વકીલ બોલું છું." ચાઈલ્ડ કેર હોમમાંથી લેડી કહે છે, "અત્યારે બધા જ છોકરાઓ સૂઈ ગયા છે, બહુ મોડું થઈ ગયું છે. તમે કાલે ફોન કરજો." પણ મીરા કહે છે, "આજે ચાઈલ્ડ કેર હોમમાં મયુરીનો પહેલો દિવસ છે. જો તેને કંઈ પણ તકલીફ પડે તો તમે મને આ નંબર પર ફોન કરજો, પ્લીઝ મારી વિનંતી છે."

ચાઈલ્ડ કેર હોમવાળી લેડી કહે છે, "ભલે, એવું લાગશે તો હું તમને જરૂર ફોન કરીશ." એમ કહીને ફોન મૂકી દે છે.

બીજે દિવસે સવારે મીરા વહેલી તૈયાર થઈને પોલીસ સ્ટેશન માટે નીકળી જાય છે. આ બાજુ, મીરા વકીલને ફોન કરી અને કહે છે, "તમે પોલીસ સ્ટેશન આવો, હું પહોંચું છું." વકીલને આવતા થોડું મોડું થાય છે. મીરાના ફોનમાં નીતાનો ફોન આવે છે, "મીરા, ક્યાં છે? આજે તારું છેલ્લું પેપર છે. થોડીવારમાં તારી પરીક્ષા છે."

વકીલ સાહેબ વાત સાંભળી લે છે. વકીલ સાહેબ કહે છે, "મીરા, તું જા પરીક્ષા દેવા. તારી પરીક્ષા આપવી જરૂરી છે. તું માનવની બિલકુલ ચિંતા કરતી નહીં, હું તેને છોડાવી લઈશ." મીરા ના પાડે છે, પણ વકીલ સાહેબના આગ્રહ કરવાથી મીરા પરીક્ષા આપવા જાય છે.

આ બાજુ, માનવને વકીલ છોડાવી લે છે. માનવ ઘરે પહોંચે છે. શારદાબેન માનવને જોઈને ખુશ થઈ જાય છે. બધા ભેગા મળીને જમે છે.

આ બાજુ, મીરાને ચાઈલ્ડ કેર હોમમાંથી ફોન આવે છે કે મયુરીની તબિયત બરાબર નથી. તે પોતાના માથાના વાળ ખેંચે છે. તે ડિપ્રેશનમાં આવી ગઈ હોય છે. તેણે ખાવા-પીવાનું છોડી દીધું છે. બસ એક જ વાતનું રટણ કરતી હતી, "માનવને બોલાવી આપો."

મીરા કોલેજ પછી સીધી ચાઈલ્ડ કેર હોમમાં જાય છે. આ બાજુ, માનવ પણ ચાઈલ્ડ કેર હોમ માટે નીકળે છે. મીરા ત્યાં પહોંચે છે તો જુએ છે કે માનવ પહેલેથી જ ત્યાં આવી ગયો હોય છે. મીરા માનવને જોઈને ખુશ થાય છે. તેની આંખમાં આંસુ હોય છે.

મયુરી માનવને ભેટીને રડે છે. તે માનવને કહે છે, "મને અહીંથી લઈ જાવ, ઉસ્તાદ." માનવ કહે છે, "હું તને જલ્દી અહીંથી લઈ જઈશ, બેટા. થોડાક દિવસ રાહ જો."

મયુરી રિસાઈને એક ખૂણામાં બેસી જાય છે. મીરા મયુરી પાસે જાય છે અને જુએ છે કે તે પોતાના વાળ ખેંચતી હતી. ચાઈલ્ડ કેર હોમવાળા બેન આવીને કહે છે, "મળવાનો સમય પૂરો થઈ ગયો છે. હવે તમે પછી ક્યારેક આવીને મળજો."

માનવ મીરાને ઠપકો આપતા બોલે છે, "મીરા, તું અહીં શું જોવા આવી છે? હજી કંઈ બાકી રહી ગયું છે?" મીરાને ગુસ્સો આવી જાય છે. તે માનવને માત્ર એટલું જ બોલે છે, "આ બધું મારા લીધે નથી થયું. માનવ, હું તમને એટલી ક્રૂર લાગુ છું કે હું આ બધું કરું કે મારી મૉમ આ બધું કરાવે? તમારી સાથે વાત કરવી જ નકામી છે." એટલું કહીને મીરા ચાઈલ્ડ કેર હોમની બહાર નીકળી જાય છે.

માનવ દિનેશને મળવા જાય છે. દિનેશ માનવને કહે છે, "મીરા મયુરી અને તેના ભાઈના દત્તક માટે આજે એક મોટા વકીલને મળવાની છે. તે ઘણી મહેનત કરી રહી છે. મને વિશ્વાસ છે કે તે થોડાક દિવસમાં મયુરી અને તેના ભાઈને આપણે ઘરે પાછા લઈ આવશે."

પછી માનવ વકીલ સાહેબને ફોન કરે છે કે મયુરીને કાયદેસર રીતે દત્તક લેવામાં કેટલો સમય લાગશે. વકીલ સાહેબ કહે છે, "મેં મીરા સાથે બધી વાત કરી લીધી છે. તમે તેની સાથે વાત કરી લેજો." માનવ કહે છે, "મીરા સાથે શું વાત કરવાની છે?" વકીલ સાહેબ કહે છે, "એણે તો તમને છોડાવવામાં બધી મદદ કરી છે. વિજયાબેને તમારા જામીન આપ્યા છે એટલે તો તમે બહાર છો, નહીં તો તમારા જામીન કોણ આપત? અને મીરા જો તમારી સાથે રહેવા તૈયાર થશે તો જ તમે મયુરીને દત્તક લઈ શકશો."

વકીલ સાહેબ કહે છે, "તમને છોડાવવા માટે મીરા તો તેની પરીક્ષા પણ આપવા માગતી ન હતી. આ તો મેં તેને દબાણ કર્યું એટલે તે પરીક્ષા આપવા ગઈ. તેણે તમારી પાછળ ખૂબ દોડધામ કરી છે."

માનવ દિનેશ પાસેથી બધું બરાબર જાણી લે છે. માનવ મનોમન વિચાર કરે છે કે મીરા આકાશ સાથે લંડન કેમ ન ગઈ.

આ બાજુ, મીરા મોટા વકીલને મળીને મયુરીને દત્તક કેવી રીતે લેવી તેની બધી જાણકારી લઈ લે છે. મીરાને કોલેજમાંથી ફોન આવે છે, "જો તમારે ઇન્ટર્નશિપ કરવી હોય તો તમારા માટે એક ઓફર છે." મીરા ઇન્ટરવ્યૂની તારીખ લઈ લે છે. અને પછી તે પાછી વસ્તીમાં નીતાના ઘરે જાય છે. મીરા નીતાની મમ્મી પ્રમિલાબેનને પૂછે છે, "શું હું એક-બે દિવસ માટે તમારા ઘરે રહી શકું છું?"

પ્રમિલાબેન કહે છે, "તું મારા માટે નીતા જેવી જ છે. એમાં ત્યારે પૂછવાનું હોય? તારે જેટલા દિવસ મારી સાથે રહેવું હોય, તું એટલા દિવસ રહી શકે છે." નીતા ખુશ થઈને મીરાને ભેટી પડે છે અને પ્રમિલાબેનને કહે છે, "મમ્મી, તમે કેટલા સારા છો." પ્રમિલાબેન કહે છે, "માખણ લગાવવાનું રહેવા દે, મારે તો દુકાને જવા માટે મોડું થાય છે." પ્રમિલાબેન કહે છે, "દુકાનેથી પાછી આવીને આજે હું મીરા માટે ખાસ જમવાનું બનાવીશ."

શું માનવ મીરાને માફ કરશે?