ભુજથી છ કિલોમીટર દૂર માધાપર ગામ આવેલું છે. ભારતમાં સૌથી વધુ બેન્ક માધાપરની અંદર આવેલી છે. માધાપરનાં નાના એવા ગામમાં સતર બેન્કનો સમાવેશ થાય છે. જેમાં કરોડો રૂપિયાનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ભારતમાં સૌથી વધુ પૈસાદાર લોકો માધાપર ગામમાં આવેલ છે.
માધપરના દરેક પરિવારમાંથી બે લોકો લંડન પૈસા કમાવવા જતા રહે છે. ત્યાંથી તેઓ પૈસા કમાઈને અહીંની માધાપરની બેન્કમાં ટ્રાન્સફર કરતાં રહે છે. હજુપણ એ લોકો વિદેશોમાંથી કરોડોની આવક માધાપર મોકલે છે. માધાપરમાં સારી આવક મળવાથી ત્યાંના સ્થાનિક સ્થળોમાં ઘણો બધો સુધારો જોવા મળી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે જે લોકો માધાપર વસવાટ કરે છે એમણે હજું એમનું ખેતીનું કામ છોડ્યું નથી. પરિણામે એ લોકોનું જીવન નિર્વાહ ખેતીની પેદાશમાંથી નીકળી જાય.
રાજ અને હાર્દિકને પ્રવિણના ઘરમાં ખૂબ સુંદર રીતે મહેમાનગતિ માણવા મળી રહી છે. રાજ એના કરિયરને લઈને પ્રવિણ અને હાર્દિક સામે ખોટુ બોલ્યો કે તે સરકારી જોબ માટે અપ્લાય કરી રહ્યો છે.
"રાજ, તારાં પેરેન્ટ્સ તારી સાથે આવ્યાં નથી? તું એકલો જ આવ્યો છે."
હાર્દિકે રાજના મનમાંથી વાત બહાર કાઢવા સવાલ કરવાના ચાલુ રાખ્યા. રાજ હાર્દિકના સવાલનો જવાબ આપે એ પહેલા તેના મોબાઈલમાં ફોનની રીંગ વાગી. રાજે કોલ કટ નાખ્યો. ફરી પાછી બીજી વાર ફોનની રીંગ વાગવા લાગી.
કોનો કોલ આવી રહ્યો છે? તારી જી.એફ. નો કોલ તો નથી ને! કદાચ, એ કારણથી તું કોલ ઊપાડવા માટે તૈયાર થઈ ના રહ્યો હોય." હાર્દિકને રમુજ સુજી.
"અરે એ તો એમ જ હું હમણાં વાત કરીને આવું." રાજે કોલ ડિસ્કનેટ કરીને ઘરની બહાર જઈને કોલ પર વાત કરવા નીકળી ગયો.
"શું હાર્દિકભાઈ, તમે મારી જેમ હવે મસ્તી કરવા લાગ્યા છો?" પ્રવિણે હસતા મુખે હાર્દિકને કહ્યું.
"કોણ જાણે કેમ મને એ છોકરો કંઈક છુપાવતો હોય એવું લાગી રહ્યું છે. જાવા દો એ બધી વાતો ચાલો આપણે બહાર લટાર મારીને આવીએ."
હાર્દિકના કહેવાથી પ્રવિણ તેની સાથે બહાર જવા તૈયાર થઈ ગયો. દલપત દાદા તેમના લોખંડના પલંગ પર લાકડીને સાઈડમાં રાખીને આરામ કરવા માટે સુઈ ગયા.
રાજે બહાર જઈને જે નંબર પર કોલ આવેલો એ નંબંર ડાઈલ કર્યો. કોલ ઊપાડતાની સાથે એ બોલ્યો, "હેલો મમ્મી, કેમ મને વારંવાર કોલ કર્યા કરો છો? હું જ્યાં છું ત્યાં તો મને શાંતિથી જીવવા દો. પપ્પાએ મારી પોકેટમની બંધ કરી દીધી. રોજ રોજના એક વાક્ય સાંભળીને કંટાળી ગયો હતો કે કામ ધંધે લાગી જા. કામ કરીશ તો ઘરમાં આવક આવશે. મમ્મી, બસ હવે હું તમારા માટે ઘરમાં આવક ઊભી કરવાનું સાધન થઈ ગયો છું. મારે મારી લાઈફ મારી રીતે જીવવી છે. પૈસા કમાવવા માટે પૂરી લાઈફ પડી છે. અત્યારે હું જલ્સા નહિ કરું તો પછી ક્યારે જલ્સા કરીશ?"
"રાજ, દીકરા મને તારી ચિંતા થાય છે. આ તું ચોથી વારનો તારાં બાપના શબ્દો સાંભળીને ઘર છોડીને જતો રહ્યો છે. તારાં બાપે તો તને શોધવાની ના પાડી દીધી છે. એક માનું હૃદય આમ એના આંખોના રતનને એનાથી અળગો ના રાખી શકે. દીકરા, તું પાછો ઘરે આવી જા. હું તારાં બાપને સમજાવીશ કે એ હવે તને કાંઈ નહિ કહે." રાજની મા તેની સામે કરગવા લાગી.
રાજ તેની માને કહી દીધું કે એ જ્યાં પણ છે એ સલામત છે. એને જ્યારે ઘરે આવવાની ઈચ્છા થશે ત્યારે ઘરે આવી જશે. આટલું બોલીને રાજ પાછળ વળીને જુએ છે તો પ્રવિણ અને હાર્દિક પાછળ ઊભા હતા. રાજે ધીમેથી તેની માને આવજો કહીને સંપર્ક વિચ્છેદ કરી નાખ્યો.
"તારાં ચહેરા પર બાર કેમ વાગ્યા છે? જાણે, કોઈ સિંહ જોઈ લીધો હોય." રાજનું ડરામણું મોઢું જોઈને પ્રવિણે સવાલ કર્યો.
"અરે, તમે લોકો સિંહથી ઓછા થોડીને છો. અચાનક તમે મારી પાછળ આવીને ઊભા રહી ગયા એટલે ડરી ગયો." રાજ થોડોક રિલેક્સ થતા બોલ્યો.
"ઓહ્ સારુ હાલ અમે બજારમાં ફરવા જઈએ છીએ. તારો સમય પસાર થઈ જશે."
હાર્દિકના કહેવાથી રાજ એમની સાથે બજારમાં નીકળી ગયો. સાંજના પાંચ વાગ્યા સુધી તેઓ આસપાસ ખૂબ ફર્યા. પ્રવિણ એક કામ માટે તેના દોસ્તની શોપમા ગયો. હાર્દિક અને રાજ એકલાં પાનના ગલ્લે ઊભા હતા. રાજનું ધ્યાન બજારમાં અવરજવર કરતા લોકો પર હતું. હાર્દિકને રાજ સાથે વાત કરવાની સારી તક મળી ગઈ હતી.
"રાજ, હવે અહીં આપણે બન્ને વચ્ચે કોઈ નથી. તારાં મનમાં શું ચાલી રહ્યું છે, એ મને જણાવીશ."
"મારા મનમં તો સોમનાથનો દરિયો પાર કરવાનું ચાલી રહ્યું છે. એ તો હું બધા વચ્ચે જણાવી શકું છું. એના માટે મારે એકાંતની જરૂર નથી."
"હું તારા શોખ વિશે પુછતો નથી. તું સારી રીતે જાણે છે કે કઈ વાતને કારણે મે તને સવાલ કર્યો છે." હાર્દિક ગંભીર થતાં બોલ્યો.
હાર્દિકે રાજનો હાથ પકડીને તેની સામે જોઈને કહ્યું. રાજે પોતાની નજર રસ્તામાંથી હટાવીને હાર્દિક સામે કરી. રાજે હાર્દિક સાથે વાત કરવા એની આંખોમાં આંખો પરોવીને વાત આગળ કરી.
"કાકા, સાચું કહું તો ખરેખર મને ખબર નથી કે તમે મારી પાસે કઈ વાત જાણવા માંગો છો. મેં મારા ફેમિલી વિશે અને હું ક્યાં રહું છું એ બધું બધાને જણાવી દીધું છે."
"તારાં કરીયર વિશે તે કહ્યું એ બધું સાચું છે?"
હાર્દિકનો સવાલ સાંભળીને રાજની નજર આંખોથી ખસી ગઈ. એણે પાનના ગલ્લા સામે જોઈને કહ્યુ, "મારે બધાની સામે ખોટું બોલવાની જરૂર શું છે? હું સરકારી નોકરી માટેનો તૈયારીઓ કરી રહ્યો છું."
"આ વાત તું મારી સામે નજર રાખીને પણ બોલી શકે છે. તારે તારી નજર કેમ ફેરવી પડી?"
"મારી આંખોમાં કચરો પડ્યો હતો. બસ, એ જ હતું. મને લાગે છે કે તમે શંકાશીલ બહું જ છો."
"આ વાત તું તારી માનાં સમ ખાઈને કહે તો હું એમ માનું કે તું સાચો છે."
હાર્દિકની વાત સાંભળીને રાજ થોડોક ઊશ્કેરાય ગયો. હાર્દિકને કહેવા માટે એની પાસે બીજા કોઈ જવાબ હતા નહિ. તેણે હાર્દિક સામે તેની નજર લાવીને વાત કરી.
"જુઓ કાકા, તમારો રસ્તો અલગ છે અને મારો રસ્તો અલગ છે. હું જાણું છું કે તમે તમારી લાઈફમાં ફેમિલી વગર એકલા રહો છો. તમારા હૃદયને દુઃખ ના પહોચે એ કારણે મેં હજી સુધી તમને સવાલ કર્યો નથી. આપણે અહી થોડીક કલાકો માટે મળેલા છીએ. આવતી કાલે તમે તમારી જુની મંઝીલે જતાં રહેશો અને મારું તો શું, હું તો મનમોજીલો માનવી છું. હું મારી રીતે જીવવાવાળો છું. મારી લાઈફમાં મારે જે કરવું હોય એ જ હું કરીને રહું છું. મારી લાઈફની અંદર મે મારાં પપ્પાને પણ દખલગીરી કરવા દીધી નથી. સમજ્યા, મિસ્ટર હાર્દિક ?"
રાજની ગુસ્સાભરી વાતોથી હાર્દિકને આપેલ સંબોધનમાં કાકા પરથી મિસ્ટર હાર્દિક કહેવા સુધી આવી ગયો હતો. હાર્દિક રાજની આવી વાતો સાંભળીને સ્થિર થઈ ગયો હતો.
હાર્દિક તેની નજરની સામે આજના યુવાન રાજને જોઈ રહ્યો હતો. જેને પોતાની જવાબદારીનું કોઈ ભાન જ નથી. પોતાનું જીવન પોતાના નિયમ પ્રમાણે જીવનારને એ પણ ખબર નથી હાલ જ એની ઉંમર છે કે એની મહેનતથી એ પરિવારને બે પૈસા કમાઈને આપે. જેથી એના માતા પિતાનું માથુ ગર્વથી સમાજની સામે ઊંચું રહે.
આજના યુવાનની ઉપર જ્યારે જવાબદારીનું પોટલું માથે ઊપાડવાનું થશે તો જ એમની આંખો ખુલશે. જો એ આવી રીતે મસ્ત મૌલાની જેમ જીવન જીવતા જ રહેશે તો ક્યા દીકરીનો બાપ એની દીકરીને આવા બેજવાબદાર વ્યક્તિના વિશ્વાસે સોંપવા તૈયાર થશે. હાર્દિક એના વિચારીમાંથી બહાર આવ્યો.
"રાજ, હું તને ફક્ત એટલું જ કહું છું કે તું ભારતનું ભવિષ્ય છે. આજ સુધી તું તારાં ફેમિલીની અસ્કામત હતો પણ હવે તારી ઉંમર પ્રમાણે તારા પિતાની મિલ્કત છો. તારી ઉંમર કરતા હું નાનો હતો ત્યારે મારી પાસે બિઝનેસ કરવા માટે રૂપિયા હતા નહિ તો હું નાની મોટી નોકરી કરી લેતો હતો. એક કંપનીમાં મેં વોચમેનની આઠ વર્ષ નોકરી કરી હતી. પૈસા કમાવવા હોય ત્યારે કોઈ કામ આપણી હેસિયત પ્રમાણે નાનું છે કે મોટું એ જોવાનું હોતું નથી. તને સરકારી જોબ ના મળે ત્યાં સુધી તું બીજી કોઈ પ્રાયવેટ જોબ પણ કરી શકે છે."
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ 'મીરા'