છ મહિના રેખાબેન અને નિસર્ગ સિવિલમાં રહીને બહાર નીકળ્યાં ત્યારે કોઈ જોઈને કહી ના શકે કે આ જ તેઓ મા અને દીકરા હશે જે છ મહિના પહેલાં રસ્તે ભીખ માંગી રહ્યાં હતાં. રેખાબેન માનસિક રીતે સ્વસ્થ થઈ ગયાં હતાં. એમણે કરેલી એમની ભૂલનું ભાન થતાં તેઓ નિસર્ગ સાથે સંજયભાઈનાં ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી.
સંજયભાઈએ તેઓ બન્નેને અડધી રાત્રે ઘરની બહાર કાઢ્યાં પછી નિસર્ગની જરાય મરજી પાછી એ ઘરે જવાની હતી નહિ. રેખાબેન ઈચ્છા પરથી જીદ્દ કરવા પર ઊતરી આવ્યાં. નિસર્ગનું રેખાબેનની જીદ્દ પાસે કશું હાલ્યું નહિ. અંતે એની મમ્મીની ખુશી માટે સંજયભાઈનાં ઘરે જવા માટે હા કરી દીધી.
સંજયભાઈનાં ઘરે પહોચતાં રેખાબેને આઠ વર્ષ એણે કરેલી ભૂલની માફી માંગી લીધી. એણે અજાણતાં માનસિક ત્રાસ એણે ભોગવ્યો અને સાથે સંજયભાઈને ભોગવવો પડ્યો. એ દરેક અપરાધ ભાવની દિલગીરી મહેસુસ કરી. એ સાથે તેણે સંજયભાઈ પાસે ચોખવટ કરી લીધી કે એ હવે બિલકુલ સ્વસ્થ થઈ ગઈ છે અને ફરી એ આવી ભૂલ કોઈ દિવસ નહિ કરે.
રેખાબેનની વાતોનો કોઈ પ્રભાવ સંજયભાઈ ઉપર પડ્યો નહિ. રેખાબેને સાથે રહેવાની ઘણી આજીજી કરી પણ સંજયભાઈને રેખાબેન પ્રત્યે હૃદયથી નફરત થઈ ગઈ હતી. તેણે રેખાબેનનો અસ્વીકાર કર્યો. સંજયભાઈને મનાવતાં અંતે હારીને રેખાબેને એમ કહીને ઘર છોડી દીધું કે, "હું તમારી જીવનભર રાહ જોવીશ. મને વિશ્વાસ છે કે એક દિવસ તમે મને શોધતાં જરૂર આવશો. તમારાં ઘર અને હૃદયમાં પાછું પહેલાં જેવું સ્થાન આપશો."
એ ઘડી પછી રેખાબેન અને નિસર્ગ આશ્રમમાં રહેવા જતાં રહ્યાં. આશ્રમમાં રેખાબેને નિસર્ગને ભણાવી ગણાવીને પગભર કર્યો. નિસર્ગ વડોદરામાં એન્જિયર બની ગયો. તેને પ્રાવેટ કંપનીમાં મહિનાની દોઢ લાખનો પગાર ચાલુ થઈ ગયો. સારી ઇન્કમથી એણે ફલેટ લીધો. સંસ્કારી નિસર્ગને સંસ્કારી હિમજા નામની છોકરી સાથે મેરેજ થઈ ગયાં.
નિસર્ગે એની આઠ વર્ષનાં જીવનમાં જેટલાં સંઘર્ષો કર્યા એ જાણીને ત્રિપૂટીના હાથ પર રુંવાડાં ઊભા થઈ ગયા હતા. પ્રવિણ અને હાર્દિકનુ દર્દ નિસર્ગ પાસે તો કાંઈ હતુ નહિ. નાની ઉંમરમાં પિતાએ તિરસ્કાર કર્યો અને સાથે જીવનના આવતા પડકારો એકલા હાથે ઝીલી લીધા. ભગવાને આપેલી મુશ્કેલી એણે એકલાં હાથે સામનો કરી બતાવ્યો હતો. રાજ તો નિસર્ગની વાતો સાંભળીને શરમથી નીચું જોઈ ગયો. એને એના પિતા પર માન ઊપસી આવ્યું હતું. એના જીવનનાં બાવીસ વર્ષમાં એની નાની ઇચ્છા પૂરી કરવા માટે રાતભર બીજા ખેતરમાં ડાળીયા તરીકે કામ કરવા જતા હતા.
પ્રવિણ પાસે નિસર્ગને આપવા માટે આશ્વાસનના શબ્દો બે હોઠ વચ્ચે દબાઈ ગયા હતા. હાર્દિકની કહાની નિસર્ગથી મળતી આવતી હતી પણ એનો સુખી સંસાર વેરવિખેર કરવામાં માત્ર એના સાસરીયાનો પૂરો દોષ હતો. હાર્દિક આર્યને યાદ કરીને આંખોમાંથી આંસુઓની ધાર વહેડાવવા લાગ્યો.
સાંજનો સૂરજ દરિયાની પાછળ જતો રઢિયામણો લાગી રહ્યો હતો. જાણે! એ કહી રહ્યો હોય કે દુઃખ પછી સુખ, સુખ પછી દુઃખ આવે છે : એમ દરેક કહાનીનો અંત આટલો સુંદર રીતે અસ્ત થતા એક નવી આશાએ એક નવા કાગળ પર એક નવી કહાની લખવાની ટ્રાઈ કરવા પ્રેરે છે. નિસર્ગથી દુઃખભરી યાતના સાંભળીને હાર્દિકે એની કહાની કહેવાની શરૂ કરી.
હાર્દિક મૂળ રહેવાસી મહેસાણાનો હતો. હાર્દિકના પરિવારમાં માતા પિતા અને બે ભાઈઓ હતા. ઘરમાં સૌથી મોટો હાર્દિક એટલે ઘરની જવાબદારી એણે ખૂબ નાની ઉંમરથી પોતાના માથે લઈ લીધી હતી. દિવસના એ સ્ટડિ કરતો અને રાતના સમયે એ કંપનીમા વોચમેન તરીકે નોકરી કરતો હતો. પૈસા કમાવવા માટે હાર્દિક કોઈ પણ કામને નાનુ કામ સમજતો નહિ.
હાર્દિકે કોલેજ પૂરી કરી લીધા પછી એના લગ્નની વાત ઘરમાં ચાલવા લાગી. હજુ, હાર્દિક એના પગભર થયો ન હતો. તેની ઈચ્છા એક સારો નાનો એવો બિઝનેસ ખોલવાની હતી. તે છતાં માતા પિતાની ઈચ્છા આગળ એનું કશું ના ચાલ્યું. ઘરમાં સૌ સભ્યો છોકરીનાં માંગા આવતાં તો અલગ - અલગ જગ્યાએ છોકરી જોવાં નીકળી જતાં.
હાર્દિકે દસ બાર છોકરીઓ સાથે મિટીંગ કરી ચુક્યો પણ એનું મન કોઈપણ છોકરીને પસંદ કરવામાં માનતું ન હતું. તેને એની કર્મભૂમિ પાટણ બનાવવાની હશે તો પાટણથી રિંકલ નામની છોકરીનું માંગું આવ્યું. હકીકતમાં એવું હતું કે રિંકલ સરકારી શિક્ષીકા હતી અને એની નોકરી મહેસાણા સાઈડ મળી હતી. એમનાં પેરેન્ટ્સની એવી ઈચ્છા હતી જો મહેસાણા કોઈ સારો છોકરો મળી જતો હોય તો રિંકલને નોકરી કરવું સહેલું પડશે. જેથી એ લોકોએ સામેથી રિંકલનાં લગ્નની વાત હાર્દિકનાં પરિવારને જણાવી હતી.
હાર્દિકને નવી કોઈ જગ્યાએ એક નવી છોકરી સાથે મિટીંગ કરવા માટે હુકમ ફરમાવી દીધો, "આના કરતાં, મેં દસ ઈન્ટવ્યુ આપેલા હોય તો મને બેસ્ટ નોકરી મળી ગઈ હોત."
હાર્દિકને પાટણ જાવાનો કંટાળો આવી રહ્યો હતો. પેરેન્ટ્સનું માન રાખવા એણે પહેલીવાર પાટણમાં પગ મુક્યો. રિંકલ સાથે મિટીંગ થઈ. થોડીક ઔપચારિક વાતો કરી અને એકબીજાની પસંદ અને નાપસંદ જણાવી દીધી. બન્ને પાત્રમાં ખાસ વાત એ હતી કે એ કર્મને પ્રાધાન્યતા આપતાં હતાં. એમનાં માટે એમનું પહેલું કામ અને બાકી બીજું.
બે દિવસમાં હાર્દિકે રિંકલ સાથે લગ્ન કરવા માટે એની ઈચ્છા જાહેર કરી દીધી. પંદર દિવસની અંદર બન્નેની સગાઈ કરી દીધી. રિંકલ એની જોબ માટે મહેસાણામાં હોસ્ટેલમાં ટેમ્પરરી રહેવાં લાગી ગઈ હતી. હાર્દિકને રિંકલ સાથે મળવાનું સહેલું થઈ ગયું હતું. હવે એની પાસે રિંકલ સાથે એકાંતમાં મળવાનું લાયસન્સ હાથમાં આવી ગયું હતું.
દર રવિવારની રજા પર હાર્દિક રિંકલને મળવા જતો રહેતો હતો. રિંકલને હાર્દિકની કંપની સારી લાગવા લાગી હતી. બાઈક પર ઘણી વાર તેઓ નવાં કપલ લોન્ગ ડ્રાઈવે જતાં રહેતાં હતાં. આ વાત રિંકલનાં પરિવાર સુધી પહોચી ગઈ. દીકરીને લગ્ન પહેલાં એનાં પતિ સાથે એકલાં ફરવા મુકવી એ એમના સંસ્કારને વિરુધ્ધ લાગ્યું. ટુંક સમયમાં હાર્દિક અને રિંકલનાં લગ્ન કરાવવામાં આવ્યાં. રિંકલ પરણીને હાર્દિકની ઓફીસિયલિ પત્ની બની એનાં ઘરમાં આવી ચુકી હતી.
નવો પ્રેમ હંમેશા આંધળો જ હોય છે. હાર્દિક રિંકલની પાછળ પાગલ થઈ ગયો હતો. તેણે વોચમેનની નોકરી છોડીને બીજી કોઈ કંપનીમાં જોબ કરવા લાગી ગયો. સાંજે હાર્દિક અને રિંકલને રોજ બાઈક પર લોન્ગ ડ્રાઈવે જવાનું ફીક્સ થઈ ગયું હતું. હાર્દિકે એકવાર મેળામાં જઈને રિંકલનાં નામનું ટેટુ બનાવડાવી લીધું.
લગ્નનાં બે વર્ષ નીકળી ગયાં. અચાનક! રિંકલની નોકરી પાટણ લાગી ગઈ. જેનું કારણ રિંકલ હતી. તેણીએ સગાઈ પહેલાં પોતાની નોકરી પાટણ થઈ જાય એવી અરજી મુકી દીધી હતી. એ તો ભવિષ્યથી અજાણ હતી કે એનાં મેરેજ મહેસાણા થવાનાં હતાં.
હાર્દિકનાં પરિવારે રિકલનાં સારાં ભવિષ્ય માટે તેઓ બન્નેને પાટણ જવાની મંજુરી આપી દીધી. જોગનાજુગ હાર્દિક એનાં સાસરિયાની બાજુમાં રહેવા માટે ઘર ભાડે રાખી લીધું. ત્યાં હાર્દિકે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. રિંકલ ઘરકામ અને જોબ તેમ જ હાર્દિક પોતાના નવા બિઝનેસમાં રાત - દિવસ વ્યસ્ત રહેવા લાગ્યો. તેઓ લોન્ગ ડ્રાઈવ પર ભાગ્યે જતાં હતાં.
ભાડાનાં મકાને હાર્દિકે લોન પર રિંકલનાં નામે ખરીદી લીધું. બધું બરાબર ચાલતું હતું. થોડાક દિવસ પછી એમનાં લગ્નજીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. બહાર ભણવા ગયેલી રિંકલની બેન, રિમા સ્ટડિ કમ્પલિટ કરીને એના ઘરે પાછી આવી.
પોતાની બાજુમાં રહેતી એની મોટી બેનની ઘરે રિમાનું આવવા - જવાનું ચાલું થઈ ગયું.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ 'મીરા'