રિમાએ હાર્દિક અને રિંકલ વચ્ચે તિરાડ પાડવાની શરુઆત કરી દીધી હતી. કોઈ પતિ એની પત્ની માટે સૌથી પહેલી કોઈ ખાસ ભેટ ખરીદી કરીને આપે છે; તો એમાં પતિનો પ્રેમ અને લાગણી છલકાયેલી હોય છે. એ લાગણી એ બીજાં કોઈ સાથે શેર કરવાં માંગતો નથી.
હાર્દિકે જોયું કે એણે રિંકલ માટે ખરીદી કરેલ ડ્રેસ ખૂબ જ પ્રેમથી એને ભેટ આપેલ હતી. એ રિંકલે એની બેનને પહેવાં આપ્યો. આ જાણીને હાર્દિકનો મગજનો પારો ચઢી ગયો.
"એમાં આટલાં હાઈપર શું થાવ છો ? એને ડ્રેસ ગમ્યો હતો તો મેં એને પહેવાં આપી દીધો. આમ પણ અમે એકબીજાં સાથે વસ્તુ શેર કરતાં રહીએ છીએ." રિંકલ હાર્દિક પર ઉશ્કેરાઇ ગઈ.
"એકબીજાં સાથે શેર કરો છો પણ મેં આપેલી ભેટ જ તારે એની સાથે શેર કરવી હતી ! આવતી કાલે એને હું પસંદ આવી ગયો તો શું તારી બેનની ખુશી માટે મને પણ એની સાથે શેર કરી લઈશ ?" હાર્દિકને ગુસ્સામાં બોલવાનું ભાન ના રહ્યું. એ રિમાનાં મનમાં જે ખીચડી રંધાઈ રહી હતી એની સ્મેઈલ રિંકલ સુધી પહોચાડી દીધી.
"હાર્દિક ! હવે યાર હદ થાય છે. એક નાની વાતને તમે કેટલી બધી ખેંચી રહ્યાં છો ?"
"હું પણ તને એ જ કહું છું કે હવે હદ થાય છે. જ્યારે તું સમજીશ ત્યારે બહુ મોડું થઈ ગયું હશે."
હાર્દિક આટલું કહીને એનાં રૂમમાં જતો રહ્યો. સામેથી રિમા એની તરફ આવી તો ગુસ્સામાં એની તરફ નજર પણ ફેરવી નહિ. રિમાએ હાર્દિકની વાત સાંભળી લીધી.
"જીજાજી ! લાગે છે કે મારો આ પ્લાન સફળ થઈ ગયો છે. તમે જુઓ આગળ હજું કેટલુંય જોવાનું બાકી છે."
રિમા મનમાં બોલતી રિંકલ પાસે પહોંચી ગઈ. રિંકલ થેપલાને પડતાં મુકીને હાર્દિકની વાતો સાંભળીને દુઃખી થઇ ગઈ અને રડવાં લાગી.
"દીદી, તમે કેમ રડો છો ? શું થઈ ગયું ? જીજાજીએ તમને કાંઈ કહી દીધું ?" રિમાએ દરેક વાત સાંભળી લીધી હતી પણ જાણે કશું ખબર ના હોય એવો ડોળ કરવાં લાગી.
"કાંઈ નહિ, રિમા. આજે પહેલીવાર હાર્દિકે મારાથી ઊંચાં અવાજથી વાત કરી તો દુઃખ લાગી ગયું."
"એવી કઈ વાત એમણે કહી કે તમે દુઃખી થઈ ગયાં ? દીદી ! પ્લીઝ તમે રડો નહિ. હું તમને રડતાં જોઈ નથી શકતી."
રિંકલે એનાં આંસુ સાફ કરતાં થેપલાં વણવાં લાગી : "છોડને રિમા, આવું તો બધું સંસારમાં ચાલે રાખે. ગુલાબની અપેક્ષા રાખીએ તો કાંટાને પણ સ્વીકારવાં પડે."
"દીદી, આ હદ બહારનું છે. એ પુરૂષ છે તો આપણને અબળા સમજીને ગુસ્સામાં કાંઈ પણ બોલીને જતા રહે છે. આપણે બધું મુંગે મોઢે સાંભળી લેવાનું."
"રીમા, પ્લીઝ મારો મગજ ઠેકાણે નથી. તું ચૂપ થઈ જા...આ મમ્મી.." ગુસ્સામાં રિંકલ થેપલાને તવી ઉપરથી લેવાં ગઈ તો હાથમાં દાઝી ગઈ અને મમ્મીનાં નામની ચીસ નીકળી ગઈ.
"જુઓ, દાઝી ગયાં તો પીડા તમને જ થઈને. જીવનમાં એવું જ હોય છે. આપણે બોલશું નહિ અને બધું ચૂપચાપ સાંભળી લેશું તો પીડા આપણે સહન કરવી પડશે."
રિમા દૂધની તપેલીમાંથી ઠંડી મલાઈ લઈને રિંકલનાં દાઝેલાં ભાગ પર લગાવવાં લાગી : "મને તમારાં બન્ને પતિ પત્ની વચ્ચે જે થાય એનાથી કાંઈ નથી પડી, પણ આપણું કોઈ આત્મ સન્માન હોવું જોઈએ. મને લાગે છે કે જીજાજીને તમારાથી ઈર્ષા થાય છે. એ તમને કહી નથી રહ્યાં પણ મેં જોયું છે, એમની આંખોમાં."
રિમા રિંકલનાં દાઝેલાં ઘા પર મલમ લગાવીને એનાં હૃદયમાં એક નવાં ઘાનો પગ પેશારો કરવાં લાગી હતી.
"તું પણ શું ? જે મનમાં હોય એ બોલે છે. એમને મારાથી વળી કેવીક ઈર્ષા હોય !"
રિંકલનાં મગજમાં રિમાની વાત ઘર કરી ગઈ. સંબંધને તોડવાં માટે એક નાનું એવું વહેમનું બીજ રોપવાની જરૂર હોય છે. જે નાની ઉંમરમાં રિમા રિંકલનાં મગજમાં રોપી દીધું હતું. રિંકલે થેપલા બની ગયાં પછી ગેસ બંધ કરી દીધો અને નાસ્તાની ગોઠવણી જમવાની જગ્યા પર કરવાં લાગી.
"દીદી, મને મનમાં આવ્યું એ નથી કહેતી પણ મને એવું લાગે છે કે તમારે ગવર્મેન્ટ જોબ છે. આવતી કાલે તમે રિટાયર્ડ થઈ જશો તો તમે તમારી રીતે સ્વતંત્ર રહેવાના છો. તમારી ઈન્કમ જીજાજીની ઈન્કમ કરતાં વધારે છે. આથી, એ તમારાથી ઈર્ષા કરી રહ્યાં છે."
રિમાની વાત રિંકલને ધીરે ધીરે સાચી લાગવાં લાગી. રિમા ધ્યાન દઈને રિંકલ તરફ જોઈ રહી હતી.
"દીદી, એક કામ કરો. આજે તમે જીજાજી સાથે કોઈ વાત જ ના કરતાં. તમને જો એ પ્રેમ કરતાં હશે તો એ તમને જરૂર મનાવશે."
"રિમા, તારાં જીજાજી આવે છે. ચૂપ થઈ જા." રિંકલે ધીમેકથી રિમાને ચૂપ થવાનો ઈશારો કરી દીધો.
"તમે મેં કહ્યું એ વિચારજો. એમણે તમને હર્ટ કર્યા છે તો મનાવવાની તક એમને આપવાં દો." રિમાએ હળવેકથી રિંકલને કહીને નાસ્તો કરવાં બેસી ગઈ.
હાર્દિક કશું બોલ્યા વિના નાસ્તો કરવા બેસી ગયો. રિંકલે એને ચૂપચાપ નાસ્તો આપી દીધો. હાર્દિક રિંકલ સામે જોયાં વિના નાસ્તો કરવાં લાગ્યો. રિમાએ રિંકલને કોણી ભરાવીને એને કહી રહી હતી : "જોયું ! પુરૂષ જાત કેવાં અહંકારી છે !"
રિંકલ રિમાને કશું કહ્યાં વિના નાસ્તો કરવાં લાગી. હાર્દિક નાસ્તો કરીને ઊભો થઈ ગયો. બાઈકની ચાવી લઈને એ જોબ પર જવા નીકળવાની તૈયારી કરવા લાગ્યો.
"જીજાજી, તમે જોબ પર જતા હોય તો મને ડ્રોપ કરતાં જશો. મારે બજારમાં થોડુંક કામ છે. ઈફ યુ ડોન્ટ માઈન્ડ ?" રિમાનાં પૂછવાથી હાર્દિકે હકારમાં માથુ હલાવ્યું.
બાઈક સ્ટાર્ટ થતાં રિમા હાર્દિકનો સોલ્ડર પકડીને એની પાછળ બેસી ગઈ. આસપાસનાં પાડોશી રિમાની આવી હરકત જોઈને અંદરો અંદર વાતો કરવાં લાગી. હાર્દિકનું ધ્યાન એ પાડોશી પર પડતાં એણે પોતાનો સોલ્ડર હલાવીને રિમાનો હાથ પોતાનાથી અળગો કરી દીધો.
"ઉફ..સોરિ જીજાજી.."
હાર્દિકે બાઈકને ગલ્લીમાંથી બહાર કાઢીને હાઈવે પર ચડાવી દીધી.
"જીજાજી, મારે તમારી માફી માંગવી છે." રિમાનાં બોલવાથી હાર્દિકે કશો જવાબ ના આપ્યો.
"એચ્યુઅલિ ! જીજાજી, મારે ગઈકાલે તમારી પાસે ખોટું બોલવું પડ્યું, તેથી હું ખૂબ દિલગીરી છું."
વળી રિમા કઈ વાતને લઈને ખોટું બોલી હશે, એ જાણવાની હાર્દિકને તાલાવેલી થઈ ગઈ. રિમા આગળ કાંઈ બોલે એ પહેલાં સાઈડ મિરરમાં રિમાને જોતાં એણે સવાલ કર્યો : "કઈ વાતની તમારે માફી માંગવી છે ?"
"જીજાજી, મારે ગઈકાલ રાત્રે દીદી સાથે સુવું હતું તો તમને મેં કહ્યું કે ત્યાં મારાં રૂમમાં ઉંદર છે. ત્યારબાદ મને રિયલાઈઝ થયું કે તમને એવું ના લાગે કે મારે તમને બન્નેને અલગ કરવાં માટે તમારાં રૂમમાં સુઈ ગઈ. આ વાત મેં દીદીને કાલ રાત્રે જ કહી દીધી હતી. મેં એમને કહ્યું કે એ તમને સાચું બધું કહી દે તો એમણે મને એમ કહ્યું કે, હાર્દિક પણ એવી ઘણી વાતો મારાથી છુપાવતાં જ હશે. એ મને દરેક વાતો શેર કરતાં નથી તો મારે પણ આવી નાની વાત એમની સાથે શેર કરવાની જરૂર નથી."
રિમાની વાત સાંભળીને હાર્દિક મનોમન રિંકલ વિશે વિચારવાં લાગ્યો : "શું ખરેખર એ રિમા જે કાંઈ બોલી રહી હશે, એ બધું સાચું હશે ? રિંકલ સાચે જ મારાં વિશે એવું વિચારતી હશે કે, હું એનાથી વાતો છુપાવું છું. કાંઇક તો હશે તો જ રિમા બોલી હશે. એની બેન જેવી ચાલાક છે એવી જ પોતે હોવી જોઈએ."
હાર્દિકનાં મગજમાં શંકાનું બીજ રોપવામાં રિમા કામિયાબ થઈ ગઈ. એ આગળ બોલવાં લાગી : "જીજાજી, આજ નાસ્તો કરવાનાં સમયે તમારો મૂડ ખરાબ હતો. મને લાગ્યું કે દીદીનો વિચાર બદલાય ગયો હશે એટલે તમને મારી હરકતથી ખોટું લાગવાથી નારાજ હશો."
"એવી કોઈ વાત અમારાં વચ્ચે થઈ નથી. મારો મૂડ ઓફ હતો જ નહિ. હું મારાં કામનાં ટેન્શનમાં હતો એટલે કાંઈ બોલી રહ્યો ન હતો."
"જીજાજી, પ્લીઝ દીદી પર નારાજ ન થતાં. એમનો પહેલો પ્રેમ પૈસા જ રહ્યો છે. જ્યારથી ગવર્મેન્ટ જોબ મળી હતી ત્યારથી એમણે ઘરમાં મમ્મીને હેલ્પ કરવાનું બંધ કરી દીધું હતું. કાલ રાત્રે દીદીએ તમારાં વિશે ઘણી વાતો કરી હતી."
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"