હાર્દિક પોતાનો જરૂરી સામાન લઈને બીજાં રૂમમાં શિફ્ટ થઈ ગયો હતો. રિંકલને ડર હતો કે ઉંદરવાળી વાતથી હાર્દિક નારાજ થઈને ત્યાં જતો રહ્યો. રિંકલે ફરી રિમાને સાચી હકીકત હાર્દિકને જણાવવાની કહી.
"પણ એમને એવું લાગશે કે તું ખોટું બોલી. એમાં હું પણ સામેલ છું. યાર, મેં એમની પાસે જરાક સરખી વાત છુપાવી નથી. આ વાત મારે છુપાવી ના પડે."
"સોરિ ! દીદી, પણ જો તમે તમારી લાડકી સિસ્ટરને જીજાજીથી વધુ પ્રેમ કરતાં હશો તો આ વાત તમે એમને નહિ કહો. તમે થોડુંક તો સમજો એમને કેવું લાગશે કે એમની સાળી એમનાથી ખોટું બોલે છે. જો તમને ગિલ્ટ ફીલ થતું હોય તો જીજાજીનો સારો મૂડ હશે ત્યારે હું એમની પાસે માફી માંગી લઈશ."
રિમાની મધ ચાટેલી મીઠી જીભ સૌ કોઈને પોતાની વાત માનવામાં તૈયાર કરી દે એવી પૂરતી હતી. રિંકલને રિમાએ કહ્યું એ યોગ્ય લાગ્યું. એ એની જગ્યાએ જઈને સુવાની તૈયારી કરવા લાગી.
"દીદી, તમે એક વાત નોટીસ કરી ! જીજાજી અક્કડુ અને અહંકારી તો છે જ. આજ પૂરો દિવસ એમનાં ઈગોમાં આવીને તમને એકવાર પણ બોલાવી નહિ."
"તું એ બધું છોડ. હું ખૂબ થાકી ગઈ છું. સવારે મારે વહેલાં ઊઠવું છે."
રિંકલ રિમાને ગુડ નાઈટ કહીને એની વિરુધ્ધ દિશામાં માથુ રાખીને સુઈ ગઈ. રિમાની વાત રિંકલને સાચી લાગવાં લાગી. જે વ્યક્તિ એક કલાક એની સાથે વાત કર્યા વગર રહી શકતો ન હતો, એણે પૂરાં દિવસમાં એકવાર એને બોલાવી ન હતી. રિંકલ છાનાં આંસુડાં પાડીને રડતાં રડતાં સુઈ ગઈ.
પાંચ દિવસ રિમા ઘરે રહી એટલાં દિવસ હાર્દિક અને રિંકલ વચ્ચે અબોલા ચાલું રહ્યાં હતાં. સંબંધને સાચવવાં માટે કોઈ એકને જતુ કરવું પડતું હોય છે. આ કેશમાં કોઈ જતું કરવાં તૈયાર હતું નહિ.
બન્નેમાંથી જે જતું કરવાની તૈયારી બતાવે ત્યાં રિમા બોલતી : "આપણે સામેથી વાત કરવાની પહેલ કરવી ના જોઈએ. આપણું પણ કોઈ આત્મ સન્માન હોય છે. એકવાર આપણે નમતું મુકશુ તો એ દર વખતે આપણી સાથે ઝઘડો કરતાં રહેશે."
રિમાની વાત સાંભળીને રિંકલ અને હાર્દકની અંદર સંબંધ સુધારવાની થોડીક હિમ્મત આવતી એ પડી જતી હતી. છઠ્ઠો દિવસ થઈ ગયો. રિમા તેનાં મમ્મી - પપ્પા આવ્યાં તો એનાં ઘરે જતી રહી. હાર્દિક અને રિંકલ વચ્ચે વાતચીત કરવાં માટેની એકાંત મળી ગઈ.
રિંકલે મનથી નક્કી કરી લીધું હતું કે કાંઈ પણ થાય એ હાર્દિક સાથે વાત કરીને પાંચ દિવસનાં ઝઘડાનું સમાધાન લાવીને રહેશે. સાંજના સમયથી રિંકલે હાર્દિકને ખુશ કરવાં માટે એની ફેવરિટ ડિશ બનાવવાં લાગી. કહેવાય છે કે, 'પતિનાં દિલનો રસ્તો એનાં પેટથી થઈને નીકળી છે.' હાર્દિકને ભાવતું જમવાનું જમાડીને એ હાર્દિકનું દિલ જીતવાં માંગતી હતી.
રાતનાં સમયે હાર્દિકે પોતાની પ્રિય ડિશ જોઈને ખુશ થઈ ગયો હતો. રિંકલ કશું બોલ્યાં વિના હાર્દિકની થાળીમાં જમવાનું પીરસી દીધું. બન્નેને એકબીજાં સાથે વાત કરવાની એટલી જ અધીરાઈ દેખાય આવતી હતી. હાર્દિક એનાં પૌરૂષ સ્વભાવને કારણે સામેથી રિંકલને બોલાવીને ઝઘડાનો અંત કરવાં માંગતો ન હતો. આ તરફ રિંકલને એનો ઈગો વચ્ચમાં આવી ગયો : "મેં એમને મનાવવાં માટે ફેવરિટ ડિશ મહેનતથી બનાવી છે. હવે, બીજી પહેલ એમને મને બોલાવીને કરવી જોઈએ."
હાર્દિક કશું બોલ્યાં વિના રોજની જેમ જમીને રૂમમાં જતો રહ્યો. રિમા જતી રહી હતી તો પણ હજું એ એનો સામાન લઈને પોતાનાં રૂમમાં શિફ્ટ ન હતો થયો. રિંકલ હાર્દિકનાં આવાં વર્તનથી રડવાં લાગી. એની પસંદગીની બનાવેલી ડિશનાં બે શબ્દો સાંભળીને એ ખુશ થઈ શકતી હતી. હાર્દિકથી એટલું પણ બોલાયું નહિ.
રાતનું અંધારું ઘેરું થઈ ગયું. એક છત નીચે બન્ને દંપતી અલગ - અલગ રૂમમાં એકલાં સુઈ રહ્યાં હતાં. બન્નેને એકબીજાં સાથે વાત કરવાં માટે સારો એકાંત મળી ગયો હતો. તે છતાં સંબંધમાં અહંકાર નામની ચ્યુંગમ આવવાથી એ લાંબીને લાંબી ખેંચાવવા લાગી હતી. તેઓ પોતપોતાનાં બેડ પર છત પર ચાલતાં પંખાને નીહાળતાં સુઈ ગયાં.
સવારે રિંકલ એનાં કિચનમાં જમવાની તૈયારી કરવાં લાગી. દિવાલનાં કબાટની અંદર રહેલ ડબ્બો કાઢવાં એણે સ્ટુલની હેલ્પ લીધી. સ્ટુલ પર ચઢીને રિંકલ ડબ્બો લેવાં ગઈ ત્યાં જ એનું બેલેન્સ ડગવાં લાગ્યું અને એ ભોંય પર પડી. સદ્દનસીબે હાર્દિકે એને બચાવી લીધી. રિંકલે ડરનાં માર્યા આંખ બંધ કરીને ખોલીને જોયું તો એ હાર્દિકનાં હાથમાં હતી. હાર્દિકે એને સાચવીને સ્ટુલ પરથી નીચે ઊતારી દીધી.
"થેન્કયુ ! મને બચાવવાં માટે." રિંકલે માથુ નીચું કરીને આભાર માન્યો.
"આ તું મારી સામે જોઈને આભાર કહી શકતી હતી. માથુ નીચું કરીને વાત એ લોકો કરે જેમનાં મનમાં કોઈ પાપ હોય." હાર્દિકનાં મનમાં ઘણાં દિવસથી રિંકલ માટેનો ગુસ્સો હતો. એ બહાર આવી રહ્યો હતો.
"તમે આ જે બોલ્યાં એ ફરીથી તમે બોલો. તમારું કહેવું એમ છે કે મારાં મનમાં પાપ છે ? મેં એવું શું કર્યુ કે તમે આમ મને બોલો છો ?"
"વાતને છુપાવવી એ પણ એક પાપ છે."
"મેં તમારાંથી કોઈ વાત છુપાવી નથી. મારી લાઈફમાં અત્યારથી જે કાંઈ થતું આવ્યું છે એ બધું હું તમને કહેતી આવી છું." રિંકલે હાર્દિકને કહીને રિમાની ઉંદરવાળી વાત યાદ આવી ગઈ.
રિમાની કહેલી વાતો હાર્દિક રિંકલ પાસે કહીને ચોખવટ કરવાનો હતો, એ ક્ષણે એને રિમાએ આપેલાં સમ યાદ આવતાં વાત કરવાં માટે જીભે શબ્દનો સાથ આપ્યો નહિ.
"ઠીક છે ! તો મારામાં કોઈ ખામી હશે. હું જ ખરાબ છું."
"હાર્દિક તમને છ દિવસથી શું થઈ ગયું છે ? નાની વાતને લઈને તમે હજી મારાથી અબોલા લઈને ફરો છો. પહેલો ડ્રેસ મેં રિમાને પહેવાં આપ્યો. એ તમને ના ગમ્યો હોય તો હું એને મારી કોઈ વસ્તુ હવે પછી નહિ આપું. આપણે એક જ છત નીચે રહેવાનું છે. આમ, તમે ચૂપ થઈને રહેશો તો આપણે કેટલાં દિવસ છત નીચે સાથે રહી શકશું ?"
"હું એ ડ્રેસ વાળી વાત એ દિવસે જ ભૂલી ગયો હતો. ફરીથી તું મને એ વાત યાદ ના અપાવ."
"તો પછી આ રિસામણાં તમે શેનાં લીધાં છે ? ગઈરાત્રિએ તમારી ફેવરિટ ડિશ બનાવી હતી. એનાં તમે પ્રેમથી બે શબ્દ વખાણનાં બોલી શકવાનાં હતાં."
રિંકલની વાત સાંભળીને હાર્દિકને પસ્તાવો થવાં લાગ્યો. એની વિરુધ્ધ રિંકલે રિમાને ભલે જે કાંઇ કહ્યું હોય પણ એક પતિની ફરજ આવે છે કે એની પત્નીએ એનાં માટે પ્રેમથી ડિશ બનાવેલી હોય. એ ડિશનાં એ વખાણનાં બે ચાર ફૂલો વહેરી શકે. હાર્દિકને એ વાતથી અફસોસ થયો. તેણે એનો અહંમ સાઈડમાં રાખીને રિંકલની માફી માંગી.
રિંકલે મોટું મન રાખીને એને માફ કરી દીધો. હાર્દિકે રિંકલને પ્રેમથી હગ કરી લીધી. રિમાને કારણે પાંચ દિવસમાં આવેલી કડવાશને તેઓ બન્ને એ દિવસે જ ભૂલવાં તૈયાર થઈ ગયાં. રિંકલે હાર્દિક માટે ગરમાગરમ ઉપમા બનાવીને નાસ્તો તૈયાર કરી દીધો.
"તું આજ સાંજે તૈયાર રહેજે. ઘણો સમય થઈ ગયો. આપણે લોન્ગ ડ્રાઈવ પર ગયાં નથી. આપણે રાત્રે બહાર જ જમી લેશું." હાર્દિકનાં કહેવાથી રિંકલે હકારમાં અનુમતિ આપી દીધી.
સાંજે હાર્દિક એનાં બોલેલાં શબ્દોનું માન રાખવાં વહેલો ઘરે આવી ગયો. ઘરની અંદર પ્રવેશતાં જોયું તો રિમા અને રિંકલ વાતો કરી રહ્યાં હતાં. હાર્દિકને વહેલાં ઘરે જોઈને રિમાએ સવાલ કર્યો.
"અરે ! જીજાજી, આજ તમે વહેલા ઘરે આવી ગયા. તબિયત તમારી ઠીક છે ?"
"હમ્મ." રિમાની હાજરી હાર્દિકને પસંદ ના આવતાં ટુંકમાં જવાબ આપ્યો.
હાર્દિકનો આવો જવાબ સાંભળીને રિમાએ રિંકલને આંખનાં ઈશારેથી પૂછી લીધું.
"આજે અમારે લોન્ગ ડ્રાઈવ પર જવાનું છે. એમણે મને કહ્યું હતું કે એ સાંજે વહેલાં આવી જશે તો અમે લોન્ગ ડ્રાઈવ પર જશું." રિંકલ રિમાથી વાત કરી રહી હતી અને હાર્દિક રૂમ બંધ કરીને કપડાં ચેન્જ કરવાં જતો રહ્યો.
"દીદી, એમણે તમને મનાવી લીધા ? હા ! સારું કર્યુ તમે માની ગયાં."
"એમણે મને નથી મનાવી. મેં એમને મનાવ્યાં."
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"