એકાંત - 32 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 32

Featured Books
Categories
Share

એકાંત - 32

રાતનાં એક વાગી ગયાં હતાં. રિમા બેડ પર પડખાં ફરી રહી હતી. એની નિંદર એનાથી સો ગણી દૂર હતી. જાણે, નિંદર એનાં વર્તનથી નારાજ હોય ! એ બેડ પર બેઠી થઈ. કાંઈક વિચારીને એણે રિંકલનો નંબર ડાયલ કર્યો . સામે છેડે રિંગ વાગી રહી હતી. મોબાઈલમાં નામ જોયાં વિના હાર્દિકે રિમાનો કોલ કટ કરી નાખ્યો.

કોલ કટ થઈ જવાથી રિમાનો મગજ વધુ ગરમ થઈ ગયું : "રાતનાં એક વાગ્યે દીદીએ મારો કોલ કટ કર્યો. દીદી ગમે એટલાં ઊંઘમાં હોય એ મારો કોલ કટ કરતા નથી. જરૂર મોબાઈલ જીજાજીનાં હાથમાં અવી ગયો હશે. પણ, જીજાજી હજુ જાગી રહ્યાં હશે ? જો જીજાજી જાગતાં હોય તો દીદી પણ સુતાં નહિ હોય."

હાર્દિકને રિંકલ સાથે એકાંત મળી ગઈ. એ વિચારથી રિમા આગમાં સળગી રહી હતી. એનાં હાથ વડે કપાળ અને ગરદન પર પ્રસ્વેદ બુંદ ઊપસી આવ્યાં એને લૂંછવા લાગી. ઈર્ષાની આગ એને જ અંદર કોરી ખાઈ રહી હતી. તેનું મન રિંકલના રૂમમાં અટકેલું હતું. એ ઊભી થઈને રૂમની ચારેબાજુ રાઉન્ડ લગાવવાનાં ચાલું કરી દીધાં. રાતનાં ત્રણ વાગી ગયાં હતાં. વધુ ચાલવાથી એ થાકી ગઈ. થાકને કારણે એને બેડ પર સુતાની સાથે નિંદર આવી ગઈ.

સવારે રિંકલ તૈયાર થઈને રસોડામાં નાસ્તો કરી રહી હતી. રિમા સવારે ઊઠીને બ્રશ કરીને ડાયરેક્ટ રિંકલનાં ઘરે પહોંચી ગઈ.

"ગુડ મોર્નિંગ ! દીદી." રિંકલને એક પ્રેમાળ હગ આપ્યું. 

"ગુડ મોર્નિંગ ! દીકા. આજ, વહેલી સવારે નાઈટશુટમાં મારાં રસોડામાં આવી પહોચી !"

"દીદી, આ તમે થેપલા બનાવી રહ્યાં છો. એ થેપલાની સોડમ મને આપણાં ઘર સુધી આવી રહી હતી. મારાથી કંટ્રોલ ના થયું, તો બ્રશ કરતાની સાથે અહીં તમારાં થેપલા ખાવા આવી પહોંચી." રિમાએ તવી પર શેકાતા થેપલા પર નજર નાખતાં બોલી.

"હા, તો સારું કર્યુ તે. ચાલ મને થેપલા બનાવવામાં હેલ્પ કર. આપણે પછી શાંતિથી ગરમાગરમ થેપલાની મજા માણીએ."

રિંકલનાં કહેવાથી રિમા થેપલા વણવા લાગી. ચારેબાજુ, તેણે નજર કરી તો હાર્દિક દેખાય રહ્યો ન હતો. રિમાને રિંકલ સાથે વાત કરવાની તક મળી ગઈ.

"દીદી, ગઈ રાત્રે એક વાગ્યે મેં તમને કોલ કર્યો હતો. તમે મારો કોલ કેમ કાપી નાખ્યો હતો ?"

"મને તો એવું કાંઈ યાદ નથી. શાયદ, તારાં જીજાજીનાં હાથમાં મોબાઈલ આવી ગયો હશે. તને તો ખબર જ છે, હું તારાં કોલ કાપતી નથી."

"હા, મને એવું લાગ્યું એ પછી મેં બીજી વાર કોલ કર્યો નહિ. મને એમ કે જીજાજી રાત્રે એમનું ઓફીસ વર્ક કરી રહ્યા હશે તો એમને ડિસ્ટર્બ નથી કરવા."

રિમાની વાત સાંભળીને રિંકલ મનોમન શરમાતી હસવાં લાગી.

"તમે આમ બ્લશ કેમ કરી રહ્યાં છો ? મેં કોઈ જોક્સ કરેલો છે ?"

"નહિ તો, તું મને કહે કે તારે અડધી રાત્રે મારું શું કામ પડી ગયું હતું ?"

"દીદી, આટલાં દિવસ તમારી સાથે સુતી હતી. એકલાં મને નિંદર આવી રહી ન હતી. મને એમ કે તમે જાગતાં હોય તો તમારી સાથે વાત કરી લઉં."

"ઓહ્ ! આઈ એમ સોરિ રિમા. એચ્યુઅલિ ! ગઈરાત્રે હું હાર્દિક સાથે બિઝી હતી." રિંકલે થેપલા બનાવીને જમવાની જગ્યાએ મુકતાં કહ્યું.

રિમાએ એનાં હાથ થેપલા વણીને ધોતાં બોલી : "જીજાજી સાથે તમે ક્યાં કામથી બિઝી હતાં ?"

"એમનું ઓફીસ વર્ક વધુ હતું. એ કારણે અમે વ્યસ્ત હતાં." રિંકલે નજર ચોરાવતા બોલી. 

"દીદી, હું હજું કાંઇ સમજી રહી નથી." રિમા જાણતી હોવા છતાં મગનું નામ મરી રિંકલ પાસે સાંભળવા માંગતી હતી. 

"કાંઈ નહિ. ચાલ, નાસ્તો કરવા બેસી જા." રિંકલ વાતને ત્યાં કાપી નાખી. 

રિંકલની બાજુમાં બેસીને રીમા બોલી : "દીદી, તમને હું ચેતવી રહી છું. આ પુરૂષો ખૂબ જ સ્વાર્થી હોય છે. પોતાના સ્વાર્થ સુધી પત્નીને બોલાવશે પછી પૂરો દિવસ સામે પણ જોશે નહિ."

"રિમા, તને કેટલી વાર કહ્યું છે કે એ એવાં નથી."

"આજ સાબિત પણ થઈ જશે. તમે જીજાજીને કહેજો કે આજે તમારે માર્કેટ જવું છે.વહેલાં ઘરે આવી જાય. હું શ્યોર છું, એ તમને ના પાડશે."

રિમા અને રિંકલ નાસ્તો કરવાં બેસી ગયાં. હાર્દિક તૈયાર થઈને નાસ્તો કરવા આવી ગયો. હાર્દિક રોજ કરતા વધુ ખુશ લાગી રહ્યો હતો. એ રિમા સાથે પણ સરખી વાત કરી રહ્યો હતો.

રિમાનાં કહેવાથી રિંકલે હાર્દિકને વહેલાં ઘરે આવવાનું જણાવ્યું. ઓફિસમાં કામનો લોડ વધુ હોવાથી હાર્દિકે વહેલાં નહિ આવી શકે, એનાં માટે દિલગીર વ્યક્ત કરીને નાસ્તો કરી લીધો. નાસ્તો કર્યા પછી હાર્દિક ઓફીસે જતો રહ્યો.

"દીદી, જોયું તમે. જીજાજી ગઈકાલે શા કારણે તમને મનાવી રહ્યાં હતાં ? ઓલ જેન્ટલ એવાં જ હોય છે."

હાર્દિકે રિંકલને કહ્યું કે એ વહેલાં ઘરે આવી શકશે નહિ. આ વાતને લઈને રિમાએ રિંકલનાં કાનમાં ઝેર ભેળવવાનું ચાલું કર્યું. રિમાની વાત રિંકલને સાચી લાગવાં લાગી.

ધીરે - ધીરે આવી નાની વાતોથી રિમા રિંકલનાં મનમાં હાર્દિક વિરુધ્ધ વાતો કહીને રિંકલને હાર્દિકથી દૂર કરવાં લાગી. રિમાનાં ફેમિલી પણ રિમાને સાથ આપવાં લાગ્યાં. તેઓ આગમાં કેરોસીન રેડવાનું કામ ચાલું કર્યું.

રિંકલનાં પેરેન્ટ્સ રિંકલને હાર્દિકનાં પરિવારથી અલગ કરવાં માટે બનતાં પ્રયાસો કરવાં લાગ્યાં. રિંકલને એનાં પેરેન્ટ્સની કહેલી વાતો સાચી લાગવાં લાગી. પરિણામે હવે એનાં પેરેન્ટ્સ જે કાંઈ રિંકલને શીખવે એવી રીતે રિંકલનું વર્તન હાર્દિકનાં પરિવાર સાથે કરવાં લાગી. હાર્દિકના પેરેન્ટ્સે રિંકલનાં સ્વભાવને કારણે આવવાનું ઓછું કરી દીધું. હાર્દિક અને રિંકલ વચ્ચે ઝીણી અમથી વાતોથી કંકાસો વધવાં લાગ્યાં. ક્યારેક વધારે કંટાળો આવે તો હાર્દિક પૂરો દિવસ ઘરની બહાર રહેતો.

સમય પસાર થવાં લાગ્યો. દુઃખદ ક્ષણમાં હાર્દિક અને રિંકલનાં સંબંધને લાંબો સમય જકડી રાખવાં માટે રિંકલે હાર્દિકને ગુડ ન્યુઝ સંભળાવ્યાં : "તમે પપ્પા બનવાનાં છો અને આ ખાલી ઘરમાં કિલકારી કરતું બાળકનો જન્મ થવાનો છે."

આ વાત સાંભળીને હાર્દિક ખુશ થઈ ગયો. આટલાં સુંદર ન્યુઝ એ એનાં પેરેન્ટ્સને સંભળાવવાં માંગતો હતો પણ ત્યાં જ રિંકલનાં મમ્મી વચમાં બોલ્યાં : "એમને કહી, આ ઉંમરમાં અહીં સુધી આવવાનો ખોટો ધક્કો ના ખાય. રિંકલને સાચવવાં માટે હું અને મારી નનકી છીએ."

આ વાત સાંભળીને હાર્દિકનું મોઢું ઢીલુ થઈ ગયું. એના પેરેન્ટ્સને ગુડ ન્યુઝ દેવાની ઈચ્છા ના થઈ. એક મહિનો, બે મહિના એમ કરતાં રિંકલની પ્રેગનન્સીને સાત મહિના થઈ ગયાં. ડિલવરીનો સમય નજીક આવવાં લાગ્યો.

રિંકલે સાતમા મહિનાથી એનાં સ્કુલમાં અગાઉથી રજા મુકી દીધી હતી. જેમ ડિલવરીનો સમય નજીક આવવા લાગ્યો, તેમ હાર્દિકના મનની અંદર પોતાના પરિવારને તેના ઘરે બોલાવી લેવાની થઈ. 
એણે ઘરમાં રિંકલ એકલી હતી ત્યારે વાત એનાં કાનમાં નાખી.

"રિંકલ, હવે તારી તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો તારી ઈચ્છા હોય તો હું મારાં પેરેન્ટ્સને અહી બોલાવી લઉં ? તને કંપની મળી રહેશે અને તારી તબિયત પણ સચવાય જશે."

"એમની કોઈ જરૂર નથી." ઊંચા અવાજને ધીમો કરીને રિંકલ બોલી : "એટલે કે...રીમા મને કંપની આપે છે. મમ્મી આપણાં ઘરનાં કામ કરી લે છે. ખાલી ખોટાં આપણે કોઈને હેરાન કરવાં નથી."

રિંકલે 'કોઈને' શબ્દ વાપરીને હાર્દિકનાં પેરેન્ટ્સને પારકા કરી દીધા. હાર્દિક ચૂપ રહ્યો. એ આ બધું એનાં આવનાર બાળક માટે સહન કરતો રહ્યો.

નવ મહિના પૂરાં થતાં રિંકલને લેબર પેઈન ઊપડ્યું. ઘરે હાર્દિક હોવાથી રિંકલને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયો. એ સાથે રિમા અને એનાં પેરેન્ટ્સ પણ ગયાં. ડૉકટર રિંકલને લઈને ઓપરેશન રૂમમાં લઈ ગયાં.

ઓપરેશનની અંદર રિંકલ હતી. બહાર હાર્દિક અને બીજાં લોકો બાળકનાં રુદનનો અવાજ સંભળાય એની રાહ જોતાં હતાં.


(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"