રિંકલે હાર્દિક સામે બેધડક કહી દીધું કે, જે ઘરની અંદર પોતે રહી રહ્યો છે. એમાં ફક્ત એનો જ અધિકાર છે. એનાં સસરાએ એક નવી શરત રાખી બેઠાં હતાં કે જો એ એની બન્ને દીકરીને સાથે રાખવાં તૈયાર ના થાય તો રિંકલ અને આર્યને પણ એની સાથે લઈ જશે.
"અહીં મારી દીકરી રિમા ક્યાં તમારી સાથે ઘર વસાવવાં માટે રાજી છે ? અમે તમારાં લગ્ન એની સાથે કરાવવાનાં નથી કે તમે આટલી બધી સફાઈ આપી રહ્યાં છો. તમારી જાણ ખાતર કહી દઉં કે તમારાં જેવાં જમાઈ જોઈને એ ફરી કોઈ દિવસ લગ્ન નહિ કરે, એવો ફેસલો કરી લીધો છે. આ ઘર મારી દીકરી રિંકલનાં નામે છે. અમે ભવિષ્યમાં રહેશું નહિ તો રિંકલની ફરજ આવે છે કે એ એની બેનને એની સાથે રાખે અને એને સંભાળી શકે. રિમા તમારાં ઘરમાં મફતનો રોટલો ખાય બેસી રહે એવી નથી. એ હશે તો તમારું ઘર સચવાઈ જશે અને આર્ય દીકરો મોટો થઈ જશે." હાર્દિકનાં સાસુએ બધો ખુલાસો કરી નાખ્યો.
હાર્દિકને મનમાં થયું કે હાલ આ લોકોનો મગજ ગરમ છે. થોડોક મગજ શાંત થતાં સાચાં અને ખોટાંની જાણ થઈ જશે.
"ઠીક છે, તમે અમારાં કરતાં મોટાં છો. દૂનિયાદારીની અમારાંથી વધુ તમને ખબર છે. તમે રાખેલી શરત પર મારે વિચારવાં માટે સમય જોશે. ચોવીસ કલાકની અંદર હું તમને મારો ફેસલો સંભળાવી દઈશ કે મારી આ બાબત પર શું મરજી છે."
હાર્દિકે નિર્ણય લેવા માટે એમનાં સાસરિયાં વાળા પાસે ચોવીસ કલાકની મુદત લઈ લીધી. રિંકલનાં પરિવારનાં લોકોએ એની વાતને માન્ય રાખી. બન્ને સાઈડ જીત તો એ લોકોની હતી.
જો હાર્દિક રિમાને રાખવાં તૈયાર થતો હોય તો એમનાં ઉપરથી રિમાની જવાબદારી ઓછી થઈ જવાની હતી. બીજી રીતે એની શરત મુજબ હાર્દિક રિંકલ અને આર્યને છોડવાં તૈયાર થતો હોય તો એમણે નક્કી કરી લીધું હતું કે હાર્દિકને પહેરે કપડે એનાં ઘરથી બહાર ક્ઢવામાં આવે.
સૌ પોતપોતાનાં ઘરે જતાં રહ્યાં. રિંકલે ઘર પર ફક્ત પોતાનો અધિકાર જતાવ્યો એ વાતથી હાર્દિક દુઃખી થઈ ગયો હતો. જાણે, એણે આ ઘર ખરીદવાં માટે કોઈ મહેનત કરેલી જ ના હોય.
રિંકલે રાતનાં જમવાનું પિરસીને હાર્દિકને આપ્યું. હાર્દિકનું મન વિચારોનાં વમળમાં ખોવાયેલું હતું. જમવાની ભરી થાળીને એણે બે હાથ જોડીને ઊભો થઈ ગયો. રિંકલને આ બધાંથી કોઈ ફરક પડ્યો નહિ. રિંકલ તો ભૂખ લાગવાને કારણે ભર પેટ જમી લીધું.
હાર્દિક રૂમમાં જઈને ઓફીસનુ કામ ચૂપચાપ કરવાં લાગ્યો. એનું કામ એની આંખો સામે હતું પણ વિચાર તો હજું એનાં બંધ થઈ રહ્યા ન હતા. રિંકલ બધું કામ પતાવીને રૂમમાં આવીને આર્યને સુવડાવવાં લાગી. એ સુઈ ગયો પછી રિંકલ એક સાઈડ બેડ પર સુવાની તૈયારી કરવાં લાગી.
હાર્દિક રિંકલ પર બધું નિરિક્ષણ કરી રહ્યો હતો. એને એમ થયું કે શાયદ રિંકલે આ ઘર પર પોતાનો હક જતાવાની વાત કરીને અફસોસ કરી રહી હશે. એ કારણથી એ એની સામે નજરથી નજર મિલાવી શકતી નહિ હોય.
"રિંકલ, મારે તારી સાથે થોડીક વાત કરવી છે." હાર્દિકે પોતાનું લેપટોપ બંધ કરીને બોલવાની શરૂઆત કરી.
"આર્ય સુઈ ગયો છે. અવાજને કારણે એ જાગી જશે. હું પણ ખૂબ થાકી ગઈ છું. જે વાત કરવી હોય એ આપણે સવારે કરશું." પીઠ ફેરવીને રિંકલે કહ્યું.
"હું જસ્ટ પાંચ મિનિટ લેવાં માંગું છું. એ પછી તારે સુઈ જવું હોય તો સુઈ જજે. સાવ હળવેકથી હું વાત કરીશ. આર્યને ડિસ્ટર્બ નહિ થાય."
હાર્દિકનો વધુ આગ્રહ હોવાથી એ બેડ પર બેઠી થઈ ગઈ. હાર્દિક સામે જોયાં વિના એ બોલી : "કહો કઈ વાત તમારે કરવી છે."
હાર્દિકે રિંકલનો હાથ પકડ્યો. રિંકલે એનો હાથ હાર્દિક પાસેથી છોડાવી લીધો. હાર્દિકને થયું કે હજું આર્ય વાળી ઘટનાથી એ નારાજ હશે. એણે રિંકલનાં વર્તનનું ખોટું માન્યું નહિ.
"રિંકુ, તું જાણે છે કે મે હંમેશા તને પ્રેમથી રિંકુ કહીને જ બોલાવી છે. આજ સાંજે તારાં પરિવાર સામે આ ઘર પર તારો અધિકાર જતાવ્યો. એનું મને કોઈ દુઃખ નથી. કારણ કે હું જાણતો હતો કે આર્ય દાઝી ગયો હતો અને એનો ગુનેગાર તું મને માને છે. મેં જાણી જોઈને એવું કર્યું નથી કે આર્ય દાઝી જાય. આ એક અકસ્માત થયો છે. આવો અકસ્માત તારાં હાથે પણ થઈ શકે છે."
"બોલી લીધું તમે તો હું સુઈ જાવ." એક નજર હાર્દિક સામે કરીને રિંકલે કહ્યું.
"પ્લીઝ ! મારી પૂરી વાતને સાંભળ. આજે જે તારાં પપ્પાએ શરત મૂકી કે હું રિમાને આપણાં ઘરમાં રહેવાંના દઉં તો એ તને અને આર્યને મારાથી દૂર કરી દેશે. હું એક કલાક આર્ય વગર રહી શકતો નથી. આપણાં પવિત્ર લગ્ન એ કોઈ શરતોને આધિન ટકેલાં નથી. જો એમની શરત હું ના માનું તો એ મારાં દીકરાને મારાથી દૂર કરી શકે છે. કોઈ વ્યક્તિનો હક નથી કે એક દીકરાને એનાં પિતાથી અલગ કરી શકે. આ શરતમાં શું તારાં પપ્પાએ મૂકેલી શરતમાં તારી પણ મરજી છુપાયેલી છે ?"
હાર્દિકે રિંકલને સવાલ કર્યો. રિંકલ થોડીક વાર વિચારીને જવાબ આપ્યો : "રિમાને આપણી સાથે રાખવામાં તમને તમારો ઈગો નડે છે. તમને સ્ટાર્ટિંગથી રિમા પસંદ નથી. જો તમારાં ઈગોને કારણે તમારે રિમાને આપણી સાથે ના રાખવી હોય તો મારાં પેરેન્ટ્સ ખૂબ સમજદાર છે. મારાં દીકરાની સલામતી માટે મારે જે કરવું પડશે એ કરવાં તૈયાર છું."
રિંકલનાં મનમાં જે કાંઈ હતું એ હાર્દિકને કહી જણાવ્યું. રિંકલે એની વાત કરીને સુઈ ગઈ. પૂરી રાત હાર્દિક બેઠાં બેઠાં વિચારી રહ્યો હતો કે આખરે એને ફેસલો લેવાનો સમય આવે તો ક્યો ફેસલો સંભળાશે.
રિંકલ તો હાર્દિકને વિચારવાં એકલો મૂકીને સુઈ ગઈ. એને કોઈ ચિંતા હતી નહિ કે એ હાર્દિકથી અલગ થશે તો એનાં વગર જીવી શકશે કે નહિ. પોતાનાં પતિને અહંકારીનું લેબલ આપીને એ ચિંતામુક્ત થઈ ગઈ હતી. એને એવો ખ્યાલ આવ્યો નહિ કે જે પતિ સાથે ચાર ફેરા ફરીને આવી, જે પતિનાં સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર રહેશે - એ પતિની તો ચારે બાજુથી હાર દેખાય રહી હતી.
રિમાને જીવનભર એની સાથે રાખવાં તૈયાર થાય તો એ સમાજનાં મૈણાં એને જીવવાં ના દે. રિમાને સાથે રાખવાની ના પાડે તો એને એનાં દીકરાથી હંમેશને માટે અલગ થઈ જાવાનું હતું. એક તરફ કુવો હતો અને બીજી તરફ ખાડો જે એનાં સાસરિયા વાળાએ એનાં માટે ખોદેલો હતો.
જીવનમાં આટલી કપરી પરીક્ષાઓ લેવાની હશે. એવો હાર્દિકે કદી વિચાર કર્યો ન હતો. પરીક્ષા માટે પેપર કઢાઈ ગયું હતું. કોઈ પણ રીતે એને પેપર લખવાનું હતું. પેપરમાં કાંઈ પણ લખે. એ ફેઈલ થશે એ તો ફાઈનલ હતું.
વહેલી સવાર હાર્દિકની પાંપણે મટકું માર્યા વગરની પડી ગઈ હતી. ગઈ રાતના ઊજાગરાને કારણે આંખના પોપચા ભારે થઈ ગયા હતા. રિંકલે ચાય અને નાસ્તો બનાવી લીધો. નાહીધોઈને હાર્દિકે દુઃખી હૃદયે નાસ્તો કરી લીધો. ગઈકાલનું પેટ ખાલી હતું. એ પણ એનો ભાગ માંગી રહ્યું હતું. હાર્દિકે ખાલી પેટને નાસ્તા વડે ભરી લીધું.
હાર્દિકે ફોન કરીને એનાં પેરેન્ટ્સને પોતાનાં ઘરે બોલાવી લીધાં. એને એક એવો વિચાર આવ્યો કે જીદ્દી રિંકલ એનાથી માની રહી નથી. શાયદ ! એ લોકો એને મનાવે તો માની જાય. તે છતાં રિંકલ ના માને તો એણે એક ફેસલો હૃદય પર પથ્થર રાખીને કરી લીધો હતો.
હાર્દિકે રિંકલને જણાવી દીધું કે બપોરે એનાં પેરેન્ટ્સ આવે છે તો જમવાનું એમનું બનાવી લે. રિંકલે હકારમાં માથુ હલાવીને બપોરનું જમવાનું બનાવી લીધું. રિંકલ એનાં કામો કરીને સ્કુલે જવાં તૈયાર થઈ ગઈ હતી.
હાર્દિક રિંકલને સ્કુલે જતાં જોઈ રહ્યો હતો. એનાં પેરેન્ટ્સ હજું આવેલાં ન હતાં. એની ઈચ્છા એનાં પેરેન્ટ્સ સાથે જમવાં બેસવાની હતી. રિંકલનાં ગયાં પછી હાર્દિકે આર્યને સૂવડાવી દીધો.
આર્યને સુવડાવીને એ રૂમની બહાર આવ્યો. ત્યાં જ એનાં પેરેન્ટ્સ એની ઘરે પહોંચી ગયાં.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"