“ કાકુ..તમને હું ચા મૂકી આપું? પછી હું બાઈક પર બહાર આંટો મારી આવું..ઘણા સમયે આપણે આવ્યા
અહીં કશું લાવવાનું છે તો હું બજારમાથી લેતો આવું? નાહવાના સાબુ, શેમ્પુતો લાવવાનાં છે પહેલા ચા મૂકી
આપું..”સોહમ બોલ્યો.. દિગુકાકા અવાક બની સોહમ સામે જોવા લાગ્યા..બોલ્યા “ તું ચા બનાવીશ ? તને આવડે છે બનાવતા? અરે દિવાળીએ ક્યારની બનાવી દીધી છે દૂધ પણ એના વાડેથી લઇ આવેલી..અને જો તારી એણે રાખી છે..સરસ બનાવી છે કડક મીઠી.. તું પણ ગરમાંગરમ પી લે.. હું કહું છું એને કે તને આપી દે..પણ સોહુ તું વાડીએ ગયેલો કોણ મળ્યું? કેમ તરત પાછો આવ્યો ? કોઈ હતું નહીં ? બાઈક નથી ધર્મેશની ..ઘર બંધ હતું એ લોકો કદાચ બહાર ગયા હશે.. હું એને ફોન કરવાનું ભૂલી ગયેલો..એ લોકો માટે હું મુંબઈથી સામાન લાવ્યો છું પછી આપી દઈશું..” દિગુકાકા બધું સળંગ બોલી ગયા..
સોહમે બાઈકની ચાવી લીધી બોલ્યો “ કાકુ હું આવું છું હમણાં..આંટો મારી આવું..વાડીએ આપણું
ઓળખીતું કોઈ નહોતું .કદાચ બહારજ ગયા હશે.. હું ભુલ્યો સાબુ, શેમ્પૂ તમે ઘરેથી લાવેલા જ..હું…” દિગુકાકાએ કહ્યું“ અરે ચા અને મોરસ લેતો આવજે ..દિવાળીએ હમણાંજ કીધું બેઉ બહુ ઓછું છે બાકી કશું લાવવાનું નથી..અને હા..બાકી જરૂર પડે ધર્મેશને ત્યાંથી મળી રહેશે..આમેય આપણી રસોઈ તો ત્યાંજ બને છે વીરાભાભી બીજે જમવા પણ નહીં દે..એમની હાથની સ્વાદિષ્ટ રસોઈ છોડી બીજે થોડા જમવા જવાય ? “ પછી હસ્યા..
સોહમ ભલે કહી બાઈક કપડાથી લૂછી ઉતાવળો કીક મારી ચાલુ કરી સડસડાટ નીકળી ગયો..એનું મન
ખિન્ન થઇ ગયેલું..શંકા અને વહેમથી પીડાતો..સાચું વિશ્વા પાસેથી જાણ્યા વિનાજ નીકળી ગયો..વિશ્વા ઉતાવળે દોડતી ફળિયામાં આવી એણે જોયું દિગુકાકાની બાઈક નથી..એને હૈયે ફાળ પડી એણે ઝડપથી જતી બાઇકનો અવાજ પણ સાંભળેલો. સીધીજ જાળી ખોલી ઘરમાં ઘુસી..દિગુકાકા કપડા ગોઠવતા હતા..બોલ્યા “ એય વિશુ તું અહીંજ છે? સોહુ નથી મળ્યો ? ક્યાં હતી તું? “ વિશ્વાએ કહ્યું“ કાકુ સોહમ અને તમે હમણાં આવ્યાં? હું વાડીએ
પાણી વાળવા ગઈ હતી..પાવરનો સમય થઇ ગયેલો.. માંપાપા બજાર ગયા છે..સોહુ વાડીએ આવેલો..મળ્યો
મને પણ..ખબર નથી કેમ એ પાછો વળી ગયેલો હું પાછળ પાછળજ આવી એ નીકળી ગયો લાગે છે.. આવ્યો એવો બાઈક લઈને ક્યાં ગયો? હું તમને ચા મૂકી આપું..” બધું એકી શ્વાસે બોલી ગઈ વિશ્વા..
દિગુકાકા કહે એ હમણાંજ ગયો ખબર નથી એનો મૂડ નહોતો..આંટો મારી આવું છું કહીને ગયો છે મેં મોરસ અને ચા મંગાવી..પણ તમે મળ્યા તો એ કેમ પાછો આવી ગયો..મુંબઈથી તો એવો ઉતાવળો આવેલો.. રસ્તામાં આજે પૂછ્યા કરે હજી ગામ ના આવ્યું..જે રસ્તે કાયમ આવીએ એજ રસ્તે આવ્યા તોય..એને આ વખતે મુંબઈથી ગામનું અંતર ખુબ લાંબુ લાગેલું.. અહીં આવવા તલપાપડ હતો આવ્યો ઉત્સાહે વાડીએ દોડી ગયેલો..હું બધું સમજુ છું.. વિશુ.. તમારે બે વચ્ચે હમણાં કશું થયું નથીને? હું એને પાકો ઓળખું છું એ ડિસ્ટર્બ થાય આમ બહાર નીકળી જાય છે..ઠીક છે હમણાં આવી જશે..” પછી હસીને બોલ્યા “ચિંતા ના કરીશ..એને જેની સાથે ફાવે છે એમના વિના એક પળ રહી નથી શકતો..ખુબ સંવેદનશીલ છે ખુબ પ્રેમાળ છે એટલે એને ખોટું પણ જલ્દી લાગી આવે છે..”
વિશ્વાએ કોઈ કારણ ના આપ્યું ના કોઈ વાત ખુલાસા કર્યા ..બોલી “ કાકુ હું પણ એને બરાબર ઓળખું છું
એને કશુંક ઓછું આવ્યું હશે તો હું મનાવી લઈશ.. તમેચા પી લીધી છે તો હું હમણાં આવું છું ..કાકુ હું ઘર ખોલી નાખું છું તમને કશું કામ હોય કશું જોઈતું હોય તો આપીને જાઉં..” દિગુકાકા કોઈ ઊંડા વિચારોમાં પડી ગયા વિશ્વાની સામેજ જોઈ રહેલા..એ વિચારોમાં 20 વરસ પાછળ પહોંચી ગયાં..વિશ્વાએ કહ્યું“ કાકુ..કાકુ..” દિગુકાકા એકદમ જાણે તંદ્રામાંથી જાગ્યાં બોલ્યા “ હા હા દીકરા કશું કામ નથી તું જા..ભલે ઘર ખોલી રાખજે….પછી સ્વગત બબડ્યાં“ મારો સોહુ યજ્ઞેશનો દીકરો જરૂર છે પણ યજ્ઞેશ નથી..એ સોહુ છે સવેનશીલ લાગણી ભીનો છોકરો…” કાકુ કઈ કામ હોય કહેજો હું જાઉં..સોહુની ભાળ કાઢું..એને ખબર નથી હું પણ એની રાહ જોઈ જોઈ..”
દિગુકાકાએ પૂછ્યું “ શું કીધું દીકરા તે?” વિશ્વાએ કહ્યું“ કઈ નહિ કાકુ..એમ કહેતી બહાર દોડી ગઈ..પણ એની
આંખના ભીના ખૂણા દિગુકાકાથી અજાણ્યા નહોતા.. એ પણ સંવેદનશીલતા અનુભવી રહયા..દોડી જતી વિશ્વાને જોઈ રહયા અને અગમ્ય નિસાસો નાખ્યો..
વિશ્વાએ પોતાના સ્કર્ટથી ભીની આંખો લૂછી...મોજડી પહેરીને ગામ ભાગોળ તરફ પગ માંડ્યા..એક એક પગલે સોહમના વિચારોજ ઘેરાયેલાં હતા..મનોમન બોલી “ મને ખબર પણ નહોતી કે નીલિયો વાઘરી
વાડીએ આવ્યો છે મેં કહ્યું પણ ખરું જે સાચું હતું એજ છતાંએ સોહમે મારું એક ના સાંભળ્યું એ શેતાનને કારણેજ સોહુ ડિસ્ટર્બ થયો..પણ હું શું કરું ? મેં થોડો બોલાવેલો એને? “ મનોમન એને એવો વિચાર પણ આવ્યો..સોહુને મારાં માટે કેટલું..કેટલો મારાથી પઝેસિવ છે એને કોઈની હાજરી ના ગમી કેટલો મને પ્રેમ કરે છે..પણ હું કઈ કહું તો વિશ્વાસ પણ કરવો જોઈએને હું ફક્ત એનીજ છું..એના આવા ગુસ્સામાં પણ એનો પ્રેમ દેખાય છે મને..મારો બાવરો..મારો સોહુ..ક્યાં ગયો હશે ગુસ્સામાં..હું હાઇવેથી પડતાં ગામના રસ્તે એની રાહ જોઇશ..એની સાથેજ
ઘરે પાછી આવીશ..એમ વિચારતી આગળ વધી રહી..
વધુ આવતા અંકે.પ્રકરણ-30 અનોખી સફર..