કાજલની ઘરે દલપત કાકા અને પ્રવિણ એ બન્નેનાં લગ્નની વાત કરવાં આવી પહોંચ્યાં હતાં. અત્યાર સુધી બધું નોર્મલ હતું. કાજલે સૌને ચાય અને નાસ્તો પીરસી દીધાં હતાં.
દલપત કાકાએ ચાય પીવાની સાથે પ્રવિણ અને કાજલની વાત કાજલનાં પપ્પા પાસે ઊખેડી. એ હજુ આગળ બોલવાં જાય ત્યાં કાજલે એમની વાત કાપી નાખી.
"મારે પ્રવિણ સાથે થોડીક વાત કરવી છે. મહેરબાની કરીને અમે વાતો કરી લઈએ પછી આ સંબંધની વાત આગળ તમે વધારશો તો મને ગમશે."
કાજલે બે હાથ જોડીને વિનમ્રતાથી કહ્યું. કાજલનાં મમ્મીએ તર્જની હોઠ પર રાખીને કાજલને વડીલની વચ્ચે ના બોલવાં માટે ચૂપ કરાવી.
"મમ્મી આ મારી પૂરી જિંદગીનો સવાલ છે. મારે મારી જિંદગીનો ફેસલો લેવાનો હક છે." એની મમ્મી સામે જોઈને એ બોલી.
કાજલનાં મમ્મી દરેક સામે હસતાં હસતાં એને કીધું : "બેટા, આ સંબંધ તને અને પ્રવિણને પસંદ છે; એટલે તો એ લોકો અહીં આવ્યાં છે. હવે તારે એની સાથે જે કાંઈ વાતો કરવી હોય એ લગ્ન પછી કરી લેજો."
"વાતો લગ્ન પછી જ થાય એ પહેલાં અમે વાતો ના કરી શકીએ; એવું ક્યાં લખેલું છે ? લગ્નનું મુહૂર્ત કાઢવાનું છે. પણ હજુ લગ્ન લખાય નથી ગયાં."
"બેન, તમને ખોટું ના લાગે તો ભલે છોકરાઓ એકબીજાં સાથે એકાંતમાં વાત કરી લે; ત્યાં સુધી આપણે લોકો વ્યવહારિક વાતો કરશું." દલપત કાકાએ સમજણભરી વાત કરી.
દલપતકાકાનાં કહેવાથી કાજલ પ્રવિણને લઈને એનાં રૂમમાં જતી રહી. પ્રવિણ રૂમની અંદર જઈને કાજલને પ્રેમથી બાથ ભરી લીધી. કાજલને પસંદ આવ્યું નહીં. એણે જોરથી પ્રવિણને ધક્કો મારીને પોતાનાથી દૂર કર્યો.
"તમે આ શું કરો છો ?" ગુસ્સા સાથે કાજલ બોલી.
"કાજુ, થોડાંક દિવસ પછી આપણાં મેરેજ થવાનાં છે. હું મારી થનાર પરણેતરને પ્રેમથી હગ કરું છું."
"મેરેજ થવાના છે, પણ હજું થયાં તો નથી ?" કાજલે અદબ સાથે સવાલ કર્યો.
"તું યાર, આવું કેમ બોલે છે ? કોલ પર તું ગુસ્સામાં હતી. અત્યારે તું ગુસ્સે લાગે છે. વાત જણાવીશ તો ખબર પડશે."
"એ બધી વાત છોડો. પહેલાં તમે મને એમ કહો કે આપણે મેરેજ પછી ફરવાં ક્યાં જશું ?"
કાજલે એનાં બન્ને હાથ પ્રવિણનાં ખભા પર રાખીને એકદમ મૂડ બદલાવીને રોમેન્ટીક અદામાં પૂછવાં લાગી.
"ફરવાં ?" પ્રવિણને સમજાયું નહીં.
"હા જે લોકોનાં નવાં મેરેજ થયેલાં હોય. એમને એકાંત મળે એ હેતુથી ફેમિલીથી દૂર ફરવાં નીકળી જાય છે. અરે તમને ખબર છે, મારી અમુક સહેલી ત્યાંથી પાછી આવીને ફેમિલીને ગુડ ન્યુઝ પણ આપે છે. આપણે એવું કરવું છે કે થોડોક સમય રાહ જોવી છે."
પ્રવિણ કાજલની વાત સમજી ગયો. કાજલની વાતથી પ્રવિણની બોલતી બંધ થઈ ગઈ. એણે કાજલનાં હાથ પોતાનાં ખભેથી હટાવીને થોડોક દૂર જતો રહ્યો.
"આવી વાતોથી મારે શરમાવાનું હોય અને તમે જ શરમાઈ ગયાં. એ તો કહો કે આપણે ફેમિલી પ્લાનીંગમાં ફ્યુચરમાં કેટલાં છોકરા હોવાં જોઈએ ?" કાજલ પ્રવિણની પાસે આવીને પૂછ્યું.
"જો કાજલ મારે તને એક જરૂરી વાત કરવી છે."
"મારે પણ તમને એક વાત કહેવી છે."
"મારી વાત ઈમ્પોર્ટન્ટ છે. પ્લીઝ! એકવાર મારી વાત સાંભળી લે." પ્રવિણે કાજલ સામે જોઈને કહ્યું.
"પહેલું કહેવાય છે ને કે લેડિઝ ફર્સ્ટ. હું તમને વાત કરું એ પછી તમે વાત કરજો." કૃત્રિમ સ્મિત સાથે કાજલ બોલી.
"સારું તારી એવી ઈચ્છા હોય તો પહેલાં તું કહે."
હોલમાં દલપત કાકા પ્રવિણની અને કાજલનાં આવવાની રાહ જોઈને બીજી આડી અવળી વાતોએ લાગી ગયાં. જો પ્રવિણ કાજલને એની હકીકત જણાવી દે એ પછી કાજલ હા કરે તો દલપત કાકાને કાજલનાં પેરેન્ટ્સ પાસે પ્રવિણની હકીકત જણાવી સહેલી પડી.
પ્રવિણે કાજલને વાત કરવાની મંજુરી આપી દીધી. એ સાથે કાજલે સવાલોનાં તીર મારવાનાં ચાલું કર્યા.
"પ્રવિણ, હું તમને કહું એનો જવાબ હા અને નામાં આપજો."
"એવું કેમ?"
"મેં કહ્યું એટલે બસ." થોડીક કડકાઈથી કાજલ બોલી.
"ઠીક છે પૂછ, તારે જે પૂછવું હોય એ."
"આપણાં સંબંધની વાત તમે તમારાં ફેમિલી સિવાય બીજાં કોઈને કહી હતી?"
"હા કારણ કે.."
"મેં સફાઈ માંગી નથી. હા કે ના સાંભળવું છે." વચ્ચેથી કાજલનાં બોલવાથી પ્રવિણ ચૂપ રહ્યો.
"તમે એ લોકોને એમ કહ્યું હતું કે તમે મને એકાંતમાં લાબાં સમય સુધી મળ્યાં હતાં ?"
"હા" પ્રવિણ વિચારવાં લાગ્યો કે એ આવાં સવાલો કેમ કરે છે ?
"તમે પિતા બની શકતા નથી કારણ કે તમારું નાનપણમાં અકસ્માત થયુ છે?"
"હા આ વાત.."
"મે કહ્યું કે હા કે ના મારે સાંભળવી છે." કાજલે હાથ ઊંચો કરીને બોલી.
"તમે આ વાત એટલે કહી નહીં, કારણ કે હું તમારી સાથે મેરેજ કરવાની ના કરું નહીં." કાજલ બોલતાં જ ગળગળી થઈ ગઈ.
"આ બધું ખોટું છે. એ દિવસે હું તને બધું સાચું કહેવાં આવ્યો હતો, પણ તને વધુ ખુશ જોઈને હું આ વાત કરતાં ભૂલી ગયો. સાચું કહું તો મને વિશ્વાસ હતો કે જે છોકરી મને આટલો પ્રેમ કરે એ મારી તકલીફ સમજીને મેરેજ માટે હા કરશે."
"અત્યાર સુધી મારાં બધાં સવાલો સાચાં પડ્યાં અને હવે તમે એમ કહો છો કે આ બધું ખોટું છે." કાજલનાં આંખમાંથી ઝળઝળીયા આવી ગયાં.
"મારો વિશ્વાસ કર, કાજુ. અત્યારે પણ પપ્પા અને હું તારાં પેરેન્ટ્સ પાસે આ વાતનો ખુલાસો કરવાનાં છીએ." પ્રવિણે કાજલનાં બન્ને હાથ પકડીને કહ્યું.
"સાવ ખોટું બોલો છો. આ વાત લગ્ન લખાય જાય પછી તમે કહેવાનાં હતાં." કાજલે પ્રવિણનાં હાથને પોતાનાથી અળગા કર્યાં.
"કાજલ, તું પહેલાં ચૂપ થઈ જા. તારાથી વાતને સંતાઈને અમારે તને અંધારામાં રાખવી ન હતી. એવું કરવાં જાઉં તો સોમનાથ દાદાની સામે હું નજર ના મિલાવી શકું."
પ્રવિણે કાજલનાં આંખોમાં આંખ મિલાવીને કહ્યું. કાજલે એની નજર ફેરવી લીધી : "તમે આ બધું જાણી જોઈને કર્યું છે. બધાને એવી જાણ થઈ ગઈ છે કે, આપણે એકાંતમાં મળ્યાં હતાં. તમે લાસ્ટ સમયે આ વાત કરો, તો હું બદનામીનાં ડરને કારણે હા કરી દેવાની હતી."
પ્રવિણે કાજલનાં ગાલને પોતાનાં બન્ને હાથમાં પકડીને એનાં ચહેરાને પોતાની સાવ નજીક લાવીને બોલ્યો : "મારી આંખોમાં આંખ પરોવીને જો. હું તારી પાસે ખોટું બોલતો હોય પણ મારી આંખો તો ખોટું નહીં બોલતી હોય. આ આંખોમાં બસ તું અને તું સમાયેલી છે. મારાં અનંત જીવન સફરમાં આ જગ્યા કોઈ નહીં લઈ શકે."
કાજલે એની આંખો બંધ કરી નાખી. એ પ્રવિણની આંખો સામે જોવાં માંગતી ન હતી. પ્રવીણને જોરથી ધક્કો મારીને એ એનાથી ચાર ફુટ દૂર ખસીને ટેબલ પાસે પહોંચી ગઈ. જે ટેબલ પર એની બુકની સાથે ઘરમાં વપરાતી સેન્સેટીવ વસ્તુઓ પડી હતી.
"મારે કોઈની આંખો સામે જોવું નથી. જે ભ્રમથી મારી આંખો બંધ હતી એ આજ ખુલ્લી ગઈ છે. તું એક ખંડિત વ્યક્તિ છે. તું નામરદ છે. તું મરદ કહેવાને લાયક નથી. તને શું લાગ્યું કે હું એક સ્ત્રીનો અવતાર થઈને મા બનવાની ઈચ્છાને તારી સાથે જીવનભર માટે વેડફી નાખીશ. એક છોકરી સમજણી થાય ત્યારથી એનું એક સપનું હોય છે કે એનાં મેરેજ થાય અને એનો ખુદનો એક પરિવાર હોય. એ એનાં બાળકોને એનાં કૂખે જન્મ આપે. તેં એવું વિચારી કેમ લીધું કે તારી ખંડિતતાને કારણે મને કોઈ ફરક પડશે નહીં ?"
કાજલ ધ્રૂસકે ધ્રૂસકે રડવાં લાગી. પ્રવિણ કાજલની વાત સાંભળીને અવાક થઈ ગયો. એ પિતા બનવાનો નથી એ વાત સાંભળીને એનું એટલું દુઃખ ના લાગ્યું જેટલું દુઃખ કાજલનાં મુખેથી સાંભળ્યું કે એ નામરદ છે અને એ હવે ખંડિત થઈ ગયો છે.
કાજલને સમજાવવી ખૂબ મુશ્કેલ પડી ગઈ હતી. પ્રવિણની આંખમાંથી દુઃખનાં આંસુઓ ખરવાં લાગ્યાં. ખારાં પાણીથી ભરેલી આંખોથી એને કાજલનો ચહેરો ધૂંધળો દેખાવાં લાગ્યો. એ એની જાતને સંભાળી શકતો ન હતો; ત્યાં કાજલને સમજાવી એને મુશ્કેલ પડી રહી હતી.
પ્રવિણે એની જાતને સંભાળી લીધી. આંખમાંથી આંસુ સાફ કરીને એ થોડોક રિલેક્ટ થયો. કાજલને છાની રાખવાં એણે એની તરફ પગલાં માડ્યાં ત્યાં જ કાજલ એનાં પર તાડુકી.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"