આગળ આપણે જોયું, માનવ ધનરાજને ઓફિસમાં જઈને મળે છે અને કહે છે, "કાલે રાત્રે મેં તમને તમારી પર્સનલ સેક્રેટરી સાથે પબમાં જોયા હતા. સારું થયું કે હું અને મીરા બંને સાથે હતા અને મીરાએ જોયું નહીં, અમે તરત જ પબની બહાર નીકળી ગયા. જો મીરાએ જોયું હોત તો શું થાત? એટલે મહેરબાની કરીને તમારી સુંદર પત્નીને દગો ન આપો. આ ઉંમરે આવું બધું તમને શોભા નથી દેતું."
ધનરાજ ખીજાઈને કહે છે, "તારી હેસિયત શું છે? ગરીબ મિકેનિક, ચાલ નીકળ અહીંથી! તને અંદર આવવાની પરવાનગી કોણે આપી? અને તું છે કોણ મને સલાહ આપનાર? તું તારું કામ કર. હું મારી સેક્રેટરી સાથે ફરું કે બીજી ગમે તે સ્ત્રી સાથે ફરું, તેનાથી તારે શું?"
એમ કહીને ધનરાજ બોડીગાર્ડને બોલાવી લે છે અને કહે છે, "આ માણસ બીજી વાર મારી ઓફિસમાં ન દેખાવો જોઈએ." બંને ગાર્ડ માનવના હાથ પકડીને બહાર કાઢવાની કોશિશ કરે છે. માનવ ગુસ્સામાં કહે છે, "ખબરદાર, જો મને હાથ લગાડ્યો છે તો! ધનરાજ શેઠ, હજી તમે મને ઓળખતા નથી કે હું કોણ છું. હું ધારું તો બે મિનિટમાં તમારા આ ગાર્ડ અને તમને જમીનદોસ્ત કરી શકું છું, પણ મીરાને લીધે હું ચૂપ છું. હવે જો તમે આ તમારા ઊંધા ધંધા બંધ નથી કર્યા ને, તો હું સીધો વિજયાબેન પાસે જઈશ અને તમારી બધી પોલ ખોલી નાખીશ, સમજ્યા?" એમ કહીને માનવ ઓફિસની બહાર નીકળી જાય છે.
બીજી તરફ, મીરા ઘરે પહોંચે છે તો રસ્તામાં તેને રમોલા મળી જાય છે. રમોલાને ઠીક નથી લાગતું. તે મીરાને કહે છે, "જો તને બીજું કંઈ કામ ન હોય તો તું મારી સાથે હોસ્પિટલ ચાલ. હું અહીં એકલી રહું છું, મારી સાથે કોઈ બીજું નથી."
મીરા કહે છે, "હા હા, હું આવીશ તમારી સાથે. તમે મારા પડોશી છો, મારી ફરજ છે કે તમને કામ આવું. એક પડોશી જ બીજા પડોશીને કામ આવે છે."
પછી રમોલા હોસ્પિટલમાં એક ફોર્મ પર સહી કરે છે અને નર્સ મીરાને કહે છે, "આ તમે બહાર કાઉન્ટર પર સબમિટ કરી આવો." મીરા નર્સના હાથમાંથી ફોર્મ લઈ અને બહાર કાઉન્ટર તરફ જઈ રહી હોય છે, ત્યારે તેનું ધ્યાન ફોર્મ પર જાય છે. તેમાં એબોર્શન માટેની વિગત અને મરજી લખેલી હોય છે. મીરા ઊભી રહી જાય છે અને તે વિચારે છે, 'કોઈ સ્ત્રી મજબૂરી વગર કોઈ દિવસ એબોર્શન ન કરાવે, કારણ કે તેને પોતાનું બાળક પ્રિય જ હોય છે. એવી તે શું મજબૂરી છે કે એને એબોર્શન કરાવવું છે? મારે પહેલા તેની સાથે વાત કરવી જોઈએ. જો તે એબોર્શન કરાવી લેશે પછી તેને તેની ભૂલનું ભાન થાય અને પસ્તાવો થાય, એના કરતા હું તેની સાથે વાત કરી અને એક જીવ બચાવી શકું.' એટલે તે તરત જ ઓપીડીમાં અંદર રમોલા પાસે જાય છે.
નર્સ તેને અંદર જવા નથી દેતી અને કહે છે, "તમે અંદર ન આવી શકો." પણ મીરા માનતી નથી અને તે પરાણે અંદર ચાલી જાય છે અને રમોલાને કહે છે, "એવી તો શું તારી મજબૂરી છે કે તું તારા આ બાળકને મારી નાખવા માંગે છે, તેને જીવતું નથી રહેવા દેવું? શું પૈસાનો પ્રોબ્લેમ છે કે તું સિંગલ મધર તરીકે તેની જવાબદારી નથી લઈ શકતી? બોલો, રમોલા, મને જવાબ આપો. પહેલા વિચારો, પછી જ આ બાળકને એબોર્ટ કરવાનું વિચારજો. હજી સમય છે, પછી કંઈ નહીં થાય, ખાલી અફસોસ કરવાનો રહેશે."
રમોલા મીરાનો હાથ પકડીને રડવા લાગે છે અને કહે છે, "એના પિતા એને કોઈ દિવસ નહીં અપનાવે." મીરા કહે છે, "પિતા ન અપનાવે તો કંઈ નહીં, પણ માતા તો છે ને? શું તું આ બાળકને પ્રેમ નથી કરતી? શું આ બળજબરીની કોઈ નિશાની છે?"
રમોલા કહે છે, "ના, આ તો મારા પ્રેમની નિશાની છે."
મીરા કહે છે, "તો બસ, તો પછી શું જરૂર છે પિતાની? તેના પિતાને જરૂર ન હોય તો કાંઈ નહીં, પણ તારી તો આ પ્રેમની નિશાની છે, તું તેને કેમ ન અપનાવી શકે?"
મીરા રમોલાને કહે છે, "ડિસિઝન તારે લેવાનું છે કે તારે આ બાળક જોઈએ છે કે નહીં, એક જીવને બચાવવો છે કે તેની હત્યાનું કારણ બનવું છે. એ તારે નક્કી કરવાનું છે. હું બહાર ઊભી છું, મારી કંઈ પણ જરૂર હોય તો મને બોલાવજે." એમ કહીને મીરા બહાર નીકળી જાય છે. આ બાજુ રમોલાને પણ અહેસાસ થાય છે કે 'હું ખોટું કરી રહી છું. મારે આ બાળક સાથે આવું ન કરવું જોઈએ. શું વાંક છે તે બાળકનો? હું તેની હત્યા કરવા બેઠી છું.' પછી રમોલા ડિસિઝન લઈ લે છે કે હું આ બાળક રાખીશ, એને જન્મ આપીશ અને મોટું કરીશ.
એક નર્સ બહાર આવી અને કહે છે, "મેડમ, હવે તેમનું એબોર્શન નહીં થાય, પણ તેમને ઈન્જેક્શન આપ્યું છે એટલે તેઓ થોડી વાર હોસ્પિટલમાં જ રહેશે. તમે તેમને થોડી વાર પછી મળી શકો છો."
મીરા ઈમોશનલ થઈ જાય છે અને તેની આંખમાં આંસુ આવી જાય છે. એ બહાર વેઇટિંગ ખુરશી પર બેસી જાય છે.
આ બાજુ ધનરાજ પોતાના બીજા ઘરે, જ્યાં તેની સેક્રેટરી રહે છે, ત્યાં જાય છે. ધનરાજ ઘરના દરવાજા પર બેલ વગાડે છે તો દરવાજો તેની સેક્રેટરી અને એક નાની છોકરી ખોલે છે. છોકરી 'પપ્પા, પપ્પા' કહીને ધનરાજને ભેટી પડે છે.
ધનરાજ તેને તેડી લે છે અને કહે છે, "ઓ મારી વહાલી દીકરી, સોરી, મને થોડું આવતા મોડું થઈ ગયું, પણ હું તારા માટે ઘણી બધી ચોકલેટ લઈ આવ્યો છું."
નાની છોકરી કહે છે, "પપ્પા, હું ચોકલેટ નહીં ખાઉં. મને તાવ આવે છે એટલે મમ્મીએ ના પાડી છે."
ધનરાજ પૂછે છે, "શું હજી તાવ નથી ઉતર્યો? તો આપણે એક વાર હોસ્પિટલે જઈને બધા રિપોર્ટ કરાવી લઈએ. પાંચ દિવસ થતા આવ્યા છે પણ હજી ઉતરતો નથી. ચાલ તું તૈયાર થઈ જા, હું ડ્રાઈવરને ફોન કરું છું." પછી ધનરાજ, સેક્રેટરી અને તેની દીકરી ત્રણેય એ જ હોસ્પિટલે જાય છે જ્યાં મીરા રમોલાને લઈ ગઈ હોય છે.
તે જ હોસ્પિટલે માનવનો મિત્ર તેના એક ફ્રેન્ડ સાથે ગયો હોય છે. ત્યાં તે મીરા અને રમોલાને સાથે જુએ છે, એટલે તે માનવને ફોન કરે છે. માનવ તરત જ હોસ્પિટલ આવી જાય છે.
આ તરફ માનવ ધનરાજને મેડિકલમાંથી કંઈક દવા લેતા જુએ છે અને સાથે તેની સેક્રેટરી અને એક છોકરી પણ હોય છે. માનવ સન્ન થઈને ધનરાજ અને સેક્રેટરીની વાત સાંભળે છે. ધનરાજ કહે છે, "રિપોર્ટ સારા નથી આવ્યા. હવે સરખી દવા કરવી પડશે, તાવ વધી ગયો છે. હવે બધી દવા નિયમિત આપવાની રહેશે તો જ તાવ ઉતરશે. હું પણ બે દિવસ તમારા બંને પાસે રહીશ. હું વિજયાને કહી દઈશ કે હું બિઝનેસ મીટિંગ માટે બહારગામ જઈ રહ્યો છું."
આ બાજુ માનવ અને તેનો ફ્રેન્ડ આ બધી વાત સાંભળે છે અને બીજી તરફ મીરાને મેડિકલ સ્ટોર તરફ આવતા જોઈ જાય છે, એટલે માનવ જોરથી બૂમ પાડીને કહે છે, "મીરા, તું અહીં ક્યાંથી?"
ધનરાજ સાંભળી જાય છે અને તેને ખબર પડે છે કે મીરા પણ હોસ્પિટલમાં છે, એટલે તરત જ તે મીરા અને માનવની નજરથી બચીને હોસ્પિટલની બહાર નીકળી જાય છે.
માનવ પૂછે છે, "તું અહીં હોસ્પિટલમાં શું કરી રહી છે?" મીરા કહે છે, "હું મારી એક ફ્રેન્ડ સાથે અહીં આવી છું, પણ થોડું સિક્રેટ છે, હું તમને નહીં કહી શકું કે તે શું કરવા આવી છે. પણ તમે હોસ્પિટલમાં શું કરી રહ્યા છો?"
માનવ કહે છે, "હું પણ એટલા માટે જ આવ્યો છું, મારો એક ફ્રેન્ડ છે તેને લઈને. એટલે તું પણ મને ન પૂછતી કે હું શું કામ આવ્યો છું."
મીરા કહે છે, "ઠીક છે. સમય આવશે ત્યારે હું તમને બધી વાત કરી દઈશ. ત્યાં સુધી આપણા બંને વચ્ચે આ વાત રહેવી જોઈએ."
માનવ કહે છે, "ઠીક છે, મને કબૂલ છે. ચાલો, હવે આપણે ઘરે જઈએ." મીરા કહે છે, "તમે જાઓ, હું હમણાં થોડીક વારમાં આવું છું." પછી માનવ અને તેનો ફ્રેન્ડ ઘર તરફ જતા રહે છે.
હવે આગળ આપણે જોઈશું કે મીરાના આ ડિસિઝનથી તેના જીવનમાં શું થાય છે. શું માનવને આ વાતની ખબર પડશે તો તે મીરાને છોડી દેશે? અને રમોલાને અપનાવી લેશે? કે પછી રમોલાને છોડી દેશે? આગળ જોઈશું બીજા ભાગમાં.