Aekant - 78 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 78

Featured Books
Categories
Share

એકાંત - 78

પ્રવિણે પારુલને ઘાટ પર બોલાવી હતી. પારુલ પ્રવિણની પસંદની નવો સાડી પહેરીને ઘાટ પર એને મળવા આવી પહોંચી હતી. પારુલને પ્રવિણ પર અતુટ વિશ્વાસ હતો; એ જાણીને પ્રવિણને ખુશી થઈ.

"તને ખબર છે, જ્યાં ભરોસો હોય ત્યાં જ પ્રેમ હોય."

"મારાં માટે ભરોસો અને પ્રેમ બન્ને તમે છો. તમે મારાં જીવનમાં છો ત્યાં સુધી મને કશું થવાનું નથી."

"મેં અહીં તને એક ખાસ વાત કહેવાં માટે બોલાવી છે. કદાચ ! એ વાત તું જાણી લઈશ તો તારો મારા પ્રત્યેનો ભરોસો ડગમગી જશે." પ્રવિણે મુદ્દા પર વાત લાવીને જણાવ્યું. 

"મારા માટે તમારી ખુશીથી વધુ કશું નથી. તમને એવું લાગતું હોય કે હું એ વાતને જાણીશ તો તમારાં પ્રત્યે મને જેટલું માન છે એ ઓછું થઈ જશે એ તમારી ગેરસમજણ હશે."

"ઠીક તો તારે મારી વાત જાણવી જ છે તો સાંભળ."

પ્રવિણે પારુલને ઝાડ નીચે રહેલ મોટાં પથ્થર પર બેસાડી દીધી. પ્રવિણ એની પાસે પડેલ પથ્થર પર બેસી ગયો, ત્યાર બાદ એણે દરેક વાત પારુલને જણાવી દીધી જે એણે ચતુર્ભુજની સામે કહી હતી. એની કુલદીપ અને ભુપત સાથેની દોસ્તી, દોસ્તીની વચ્ચે ગીતા અને કાજલ આવવાથી દોસ્તોનું અલગ થવું, કાજલે એનાં પર ફેંકેલું એસિડનું કારણ - કાંઈ પણ એણે પારુલ પાસે છાનું રાખ્યું નહીં. પારુલ આ બધું ધ્યાન દઈને સાંભળી રહી હતી.

"મેં તને મારો પૂરો ભુતકાળ કહી જણાવ્યો. હવે તો તું કાંઈક બોલ." પારુલ કશું ના બોલી તો પ્રવિણને ચિંતા થઈ : "મને માફ કરી દે. મારે તારી પાસે કાજલની વાત કરવી ના જોઈએ."

"તમે હજું પણ એ સ્ત્રીને પ્રેમ કરો છો ?"

પારુલનાં પૂછાયેલાં સવાલથી પ્રવિણ મૌન થઈ ગયો. એણે નક્કી કરી લીધું હતું કે હવે પારુલ પાસે કોઈ વાત છુપાવશે નહીં. 

"એ મારો પહેલો પ્રેમ હતી કદાચ હજું પણ છે. તેણીએ મારી સાથે જે કાંઈ કર્યું એને કારણે હું તેણીને પ્રેમ કરવાનું છોડી ના શકું. એની ઉંમર જ બાલિશ હતી. પરિપકવતા એનામાં હતી જ નહીં. નાની વાતમાં એ ગુસ્સે થઈ જતી હતી. આપણાં શરીર પરનાં એક અંગ પર ઘાવ લાગવાથી આપણે એને નફરત તો કરી શકતાં નથી. મારું પણ તેણી સાથે કાંઈક એવું છે."

"તમે રોજ રાત્રે આપણાં શયનખંડમાં આવીને અરીસામાં દાઘને જોઈને એને જ રોજ યાદ કરતાં રહો છો ?"

"હા અને ના કારણ કે અરીસામાં ઘાવ જોઈને એની સાથે મને તેણીએ કહેલાં શબ્દો યાદ આવતાં હતાં. એની વાતો મારાં દાઝ્યાં ઘાવને વધારે દઝાડતી હતી. મેં તને એકવાર કહેલું હતું કે હું આટલાં વર્ષો તને કહી ના શક્યો એ મારી મૌન વાતને તું સમજી જા. મૌનની વાત એ જ સમજી શકે જે આપણાં હૃદય સાથે જોડાયેલું હોય. તારે તો મારાં હૃદયમાં નહીં પણ મારાં ચરણોમાં સ્થાન જોઈતું હતું. તેં એ સ્થાન મેળવી લીધું છે."

"એ મારો ભૂતકાળ હતી અને તું મારો વર્તમાન અને ભવિષ્ય છો. મેં તારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં કશું બાકી રાખ્યું નથી. એ તું પણ જાણે છે કે કારણ કે તું મારી અર્ધાગિંની છો. મારું અડધું અંગ બની ગઈ છો. તારાં માટે મને એટલો જ પ્રેમ અને માન છે. એનાં વગર મારે વર્ષો નીકળી ગયાં પણ તને એક દિવસ હું ઘરની અંદર ના જોઉં તો મારું મન બેચૈન થઈ જાય છે."

પ્રવિણે એની અંદર ચાલેલી દુવિધા વ્યક્ત કરી. પારુલને એનાં માટે પ્રવિણે કહેલી બે લાઈન ખૂબ ગમી ગઈ. કાજલનું નામ સાંભળીને એની અંદર સ્ત્રી સહજ ઇર્ષાએ ઘર બનાવી દીધું હતું, પણ કાજલની સાથે પ્રવિણ તેણીને પણ એટલો પ્રેમ કરે છે એ જાણીને એનાં હૃદયને વધુ ખુશી થઈ.

"સાચું કહું તો આજ પહેલી વાર તમારી પાસે એ સ્ત્રીનું નામ સાંભળીને મનમાં એક ડર પેશી ગયો. ડર એ વાતનો કે ભવિષ્યમાં હું તમને ખોઈ ના દઉં. એ સ્ત્રી પ્રત્યે મને થોડીક ઈર્ષા પણ થઈ. વર્ષો સુધી તમારાં હૃદયમાં જે સ્થાને મારે બિરાજમાન થવું હોય એ સ્થાન પર તો તમે તેણીની મુર્તિને કાયમ માટે સ્થાપના કરી ચુક્યાં છો. એ પછી છેલ્લે તમે એ સ્ત્રીની સાથે મને પણ એટલો પ્રેમ કરો છો એવું જાણ્યું તો મારાં હૃદયને રાહત થઈ."

"તમારી સાચી વાત છે કે મારે તમારી પત્નીની સાથે પ્રેયસી બનવાની જરૂર હતી. મને માફ કરી દો કે હું તમારી પ્રેયસી બનવાને નાકામિયાબ બની. જો હું તમારી પ્રેયસી બની જ ગઈ હોત તો તમારે વર્ષો સુધી અરીસામાં તમારો ચહેરો જોઈને ગ્લાનિ થવાની જરૂર ના પડી હોત. આટલું મોટું પાપ મારાથી થઈ ગયું એનાં માટે હું તમારી માફી માંગું છું."

પારુલે પ્રવિણની સામે બે હાથ જોડીને ધ્રુસકેને ધ્રુસકે રડવાં લાગી. પાંત્રીસ વર્ષમાં પારુલ પ્રવિણ સામે આટલું ક્યારેય પણ રડી ના હતી; જેટલું એ અત્યારે રડી રહી હતી. પ્રવિણે તેણીનાં બે હાથ પકડીને નીચાં કરી નાખ્યાં. તેણીનાં ગાલ પર ટપકતાં આંસુએ એનાં હાથેથી લૂંછી નાખ્યાં.

"તેં કેમ રડવાનું ચાલું કર્યું ? તને મેં તારાં વિદાયનાં સમયે આટલી રડતાં જોઈ નથી. તું રડવાનું બંધ કર નહિતર હું પણ રડવાનું ચાલું કરી નાખીશ."

પ્રવિણે પારુલ સામે ત્રાસી આંખે જોયું. પારુલ હજી રડી રહી હતી. પ્રવિણે રડવાની ખોટી એક્ટીંગ ચાલું કરી દીધી. પારુલે એની તરફ જોયું તો એ રડવાનું ખોટું નાટક કરીને મોંઢામાંથી અવાજો કાઢતો હતો. પ્રવિણને આમ રડતાં જોઈને પારુલ રડવાનું ભૂલીને હસવાં લાગી.

"તમે રડતાં જરાય સારાં લાગી નથી રહ્યાં. બસ કરો હવે તમારાં નાટક."

પારુલે પ્રવિણને નાટક કરતાં રોકી દીધો. પ્રવિણે નાટક બંધ કરીને પારુલનો હાથ પકડી લીધો. બન્ને એકબીજાંને ટગર ટગર આંખોમાં જોવાં લાગયાં. ખરાં તડકે બન્નેની આંખોમાં પ્રેમનાં પૂરો ઉમટવાં લાગ્યાં.

"એય, આજે તું કેવી લાગે છે એ ખબર છે ?" પ્રવિણે પ્રેમથી તેણીને કહ્યું. 

"કેવી ?"

"એક નવી નવેલી નવોઢા પરોઢે પતિની બાહોમાંથી પ્રેમની લાલી છીનવીને ખાલી પાણીનું બેડલું લઈને તળાવે પાણી ભરવાં જાય. પાણીની અંદર એ એનું પ્રતિબિંબ જોઈને જેવી સુંદર દેખાય છે એવી જ આજે તું સુંદર લાગી રહી છે."

પ્રવિણનાં મુખે પોતાનાં વખાણ સાંભળીને પારુલનાં ચહેરાં પર શરમની લાલીમા આવી ગઈ.

"આ ઉંમરમાં હવે આવી વાતો સારી ના લાગે. પ્રેમની વાતો અમુક ઉંમરે જ શોભે."

"એવું કોઈ પણ શાસ્ત્રમાં કહેલું નથી. તપસ્વી વિશ્વામિત્રે મેનકાને જોઈ તો એની તપસ્યા ભંગ થઈ ગઈ હતી. આપણે પામર મનુષ્ય કહેવાય."

"બહું સમય થઈ ગયો. ચાલો, આપણે ઘરે જઈએ. તમને ભૂખ પણ લાગી હશે."

"સારું, તું કહે છે તો આપણે જઈએ. એક એવી તારી વાત છે કે હજુ મેં તારી સામે જાહેર કરી નથી."

પારુલ ઘરે જવાં ઊભી થઈ ગઈ હતી. પાછળથી પ્રવિણ ઊભો થતા બોલ્યો.

"એવી મારી તે કઈ વાત કે હજી તમે મને કહેલી નથી અને હું જાણતી નથી." અણસમજથી પારુલે આંખોનાં નેણો ભેગાં કર્યાં.

"એ જ કે હું તને પહેલી વાર મળવાં આવ્યો ત્યારે તેં જે પીળાં રંગની સાડી પહેરી હતી. એમાં તું સાધ્વી જેવી લાગતી હતી. એ જ ક્ષણે એમ થયું કે તારી સાથે વાત કર્યા વગર જ તને રિજેક્ટ કરી નાખું."

પ્રવિણે તેણીની મજાક ઉડાડી. પારુલે એનાં પર ગુસ્સો જાહેર કર્યો.

"તમારે મને અગાઉથી કહેવવું જોઈએ કે તમને પીળો રંગ નહીં પણ ગુલાબી રંગ પસંદ છે. એ રંગની સાડી પહેરીને તમારી સામે આવી ચુકી હોત."

"મેં તો તને આજ સુધી કહ્યું નથી કે મને ગુલાબી રંગ પસંદ છે. આટલાં વર્ષોમાં મારી પસંદની સાડી પહેરીને મારી સામે આવી નથી તો આજે મને મળવાં કેમ આવી છે ?"

પ્રવિણે એનો ખભો પારુલના ખભાને મારતાં કહ્યું. પારુલ એની આવી હરકતથી શરમાઈ ગઈ.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"