Aekant - 84 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 84

Featured Books
Categories
Share

એકાંત - 84

રાજે પ્રવિણને આપેલું વચન પાળવા માટે માધાપર નોકરીની શોધ કરવા લાગ્યો. એણે ત્યાંની ઘણી બેન્કમાં નોકરી માટે અપ્લાય કર્યો, પણ દસ પાસ હોવાથી એને સારી પોસ્ટમાં નોકરી મળવી અશક્ય હતી.

ગામડામાં થોડુંક ભણેલાં યુવા વર્ગ કમાવા માટે લંડન નીકળી ગયા હતા. રાજને લંડન જઈને કમાવાની લાલચ પ્રગટ થઈ.

એક દિવસ ઘરની અંદર એના પિતા સુરેશભાઈ વાડીએથી ઘરે આવ્યાં. આરામ કરવા માટે તેઓ ઓશરીમાં રહેલ લાકડાની ખાટ પર બેઠા બેઠા ઝુલી રહ્યાં હતાં. રાજ એના પપ્પાનો સારો મૂડ જોઈને એના મનની વાત જાહેર કરવા એમની પાસે બેસી ગયો.

"પપ્પા, તમારી મારે મંજૂરી જોઈએ છે. જો તમે કહો તો હું આગળ વાત કરુ ?"

"શેની મંજુરી જોઈએ છે ?"

વાત પૂછતા સુરેશભાઈએ ખિસ્સામાંથી સુડી અને સુપારી કાઢ્યાં. સુપારીનો ચુરો ખાવા માટે એમણે સુડીની વચ્ચે સોપરી રાખીને ચુરો કરવા લાગ્યા.

"મારી નોકરી માટે."

"તને બેન્કમા ચોકીદારની નોકરી તો મળે છે તો કરી લે."

"પપ્પા, એવી નાની નોકરી મારે નથી કરવી."

"તો ?" સોપારીનો ચુરો મોઢામાં મુકતા એકાક્ષરીમાં સુરેશભાઈએ સવાલ કર્યો.

"મારે લંડન જઈને નોકરી કરવી છે. ત્યાં જઈને હું લખપતિ બનવા માંગું છું."

રાજની વાત સાંભળીને સુરેશભાઈ થોડીક વાર માટે કશું બોલ્યા નહીં. સોપારીને ચાવીને ગળેથી ઊતારીને જવાબ આપ્યો : "એ કોઈ કાળે નહીં બને. હું તને લંડન જવા માટે મંજુરી કોઈ પણ રીતે આપીશ નહીં."

"પપ્પા, હું એકલો તો લંડન જવાનો નથી. મારી પહેલાં ઘણા છોકરાઓ ગયા છે. જે લોકો ગયા છે એમનું જીવન ત્યાં સેટલ થઈ ગયું છે."

"એ લોકો ભલે ગયા, પણ તને હું લંડન નહીં મૂકું."

"પણ એનું યાર કોઈ તો કારણ હશે !"

"એનું એક જ કારણ છે કે તું મારો એકનો એક દીકરો છે. તને હું મારી નજરથી દૂર કરવા માંગતો નથી. તારે અહીં કોઈ નોકરી ના કરવી હોય તો આવતી કાલે મારી સાથે વાડીએ આવજે. ત્યાં હજુય ઘણું કામ કરવાનું બાકી છે. મારે એક દાળિયો ઓછો રાખવાનો થશે."

"તમે મને દાળિયામાં જ ગણતરી કરવા માંગો છો ? તમે મને તમારાથી દૂર કરવા માંગતા નથી; એ બંધન કહેવાય. મને આવું બંધન ગમતું નથી, એ તમને પણ ખબર છે." રાજે દુઃખી સ્વરે કહ્યું.

"તેં આટલા વર્ષો કોઈ કામ કર્યું નથી. બસ ! તારે રખડપટ્ટી કરવી છે. લંડન પણ તું ફરવા માટે જઈશ કે કમાવા એનો પણ મને ભરોસો નથી. તારે વાડીએ ના આવવું હોય તો કાંઇ નહીં, પણ હવે તું માધાપર છોડીને ક્યાંય નહીં જાય."

સુરેશભાઈએ કડક શબ્દોમાં રાજને જણાવી દીધું. એના પપ્પા એને લંડન જાવાની કદાપિ મંજુરી નહીં આપે એ વિચારીને રાજે નીર ભરેલ આંખો સાથે બહાર નીકળી ગયો.

ગામની શેરી વચ્ચે મોટા લીમડાની નીચે બનાવેલ ઓટલા પર રાજ દુઃખી થઈને બેસી ગયો. એના મનની અંદર ઘણા નકારાત્મક વિચારો આવવાના ચાલું થઈ ગયા. પોતાના મનની અંદર ચાલતા વિચારોના ઘમાસાણ યુધ્ધને એ કોઈ સામે વ્યક્ત કરી શકતો ન હતો. દુઃખ, ગુસ્સો, સંતાપ વગેરે જેવી લાગણીએ રાજના મનમાં કબ્જો જમાવી લીધો. એવામાં એના મોબાઈલની રીંગ વાગી.

ખિસ્સામાંથી કોલ ઊપાડવા રાજે મોબાઈલ કાઢીને જોયું તો પ્રવિણકાકાનું નામ ફ્લેશ થતું દેખાયું. કોલ ઉપાડીને એણે ઉદાસીના સ્વરે પ્રવિણને હેલો કહ્યું.

પ્રવિણે રાજનો ઉદાસ અવાજ સાંભળીને બોલ્યો : "તારો અવાજ કેમ કુતરો રડતો હોય એવો સંભળાઈ રહ્યો છે ?"

"કાકા, અત્યારે હું મસ્તીના મુડમાં નથી. તમારી સાથે પછી નિરાંતે વાત કરીશ. હું કોલ કાપુ છું."

"પહેલાં એ તો કહે કે શું થયું છે ? તું કોલ કાપી નાખીશ તો મારું મન તારી પાસે રહેશે, બધુ સહી સલામત તો છે ?" શબ્દોમાં ચિંતા વ્યક્ત કરતા પ્રવિણ બોલ્યો.

"મારે લંડન પૈસા કમાવા જાઉ છે અને પપ્પા ત્યાં મને જવાની ના પાડે છે."

"એમનું ના પાડવાનું કોઈ તો કારણ હશે ?"

"એ મને એમનાથી દૂર કરવા માંગતા નથી. એમને મારા પર હજું વિશ્વાસ નથી. એમને એવું લાગે છે કે હું ત્યાં ફરવા માટે જવાનું કહું છું. કાકા, સાચે જ મારે ત્યાં પૈસા કમાવા જ જવુ છે." જીદ્દ પકડતા રાજ બોલ્યો.

"જો તારે ખરેખર પૈસા કમાવા હોય તો તું માધાપર નોકરી કે ધંધો કરીને પૈસા કમાઈ શકે છે."

"મારા ભણતર મુજબ મને અહીં બેન્કમા વોચમેન તરીકે નોકરી મળી શકે એમ છે."

"વોચમેનની નોકરી મળે છે તો સારુ કહેવાય. હાર્દિકે એનો ધંધો ચાલુ કર્યો એ પહેલા વોચમેનની નોકરી પર હતો."

"મને એ નોકરી કરતા શરમ આવે છે. હાર્દિકકાકાના એ જમાનાનો યુગ અલગ હતો અને અમારો જમાનો અલગ છે. ટેકનોલોજીના યુગમાં મારી ઉંમરના કોઈ છોકરા આવી નોકરી કરતા નથી."

"જો તારે હૃદયથી પૈસા કમાવા હોય તો કોઈ કામને નાનુ ગણીને અવગણવું ના જોઈએ. તું તારા ભુતકાળમાં આગળ ભણ્યો નહીં. જો તેં ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હોય તો તને તારી મરજી મુજબની નોકરી મળી શકી હોત. તું ભુતકાળમાં ભણ્યો નહીં એવી એક ભૂલ કરી તો હવે વોચમેનની મળતી નોકરીને ઠુકરાવવાની બીજી ભુલ ના કર. યાદ રાખજે સારુ નસીબ એમનું જ બને છે જે કઠોર પરિશ્રમ કરે છે."

રાજ પ્રવિણની બધી વાતો સાંભળી રહ્યો હતો. પ્રવિણ એની વાત બંધ કરીને ફરીથી બોલ્યો, "તું મારી વાત સાંભળે છે કે નહીં ?"

"હા, બધી વાત સાંભળી." મોં મચકોડીને રાજ બોલ્યો.

"મારી વાત તે તારા ભેજામાં ઊતારી કે બધુ હવામાં ગયું ? તેં પ્રોમિસ આપતા મને એમ પણ કહ્યું હતું કે પાંચ હજારની નોકરી હશે તો તું નોકરી કરવાની ના નહીં પાડે !"

"એ તમારી દરેક વાત સાચી છે, પણ મારે લંડન જોવું છે." રાજે નારાજ થતાં કહ્યું.

"તારે લંડન જોઉ છે, એ તારી અંદર રહેલી લાલચ બોલે છે. તું તારી અંદર લાલચ, આળસ કે લોભ રાખીશ તો મહેનત કરી જ નહીં શકે. સોમનાથ દાદાનું નામ લઈને આવી વિકૃતિઓને આ ક્ષણે દફનાવીને આગળ વધ તો જ તું તારા પપ્પાનું નામ ઊજળું કરી શકીશ અને મને તારા પર ગર્વ થશે."

પ્રવિણની વાત સાંભળીને રાજે એને જણાવ્યું કે હવે પછી એ લંડન જવાની વાત નહીં કરે. બીજે દિવસે એ વોચમેનની નોકરી પર લાગી જશે.

રાજે એની નોકરીની વાત ઘરે આવીને એનાં મમ્મી અને પપ્પાને જણાવી તો એ લોકો ખુશ થઈ ગયા. કમળાબેન એની મમ્મીએ ખુશીનાં સમાચાર સાંભળીને લાપસીનાં આંધણ મૂકી દીધાં.

બેન્કમાં વોચમેનની નોકરીનો સમય સવારે આઠથી સાંજે છ વાગ્યાનો હતો. વચ્ચે બપોરે એકથી ત્રણ બે કલાકનો જમવાનો બ્રેક મળવાનો હતો.

રાજ બધી ગોઠવણ કરી ચુક્યો હતો. વોચમેનની નોકરીમાં એને દસ હજાર મળવાના હતા. કામમાં કોઈ બહારનું આવે એની એન્ટ્રી પાડવાની હતી અને કોઈ શંકાશીલ વ્યક્તિ પર નજર રાખવાની હતી. બેન્ક એના ઘરથી પંદર મિનિટ જ દૂર હતી. પહેલો દિવસ હતો એટલે એને વોચમેનનો યુનિફોર્મ મળવાનો બાકી હતો.

સવારે રાજ એના ઘરે ચાય અને નાસ્તો કરીને  આઠને પિસ્તાળીસ મિનિટે બેન્કે જવા નીકળી ગયો. બેન્કમાં પહોચતા એક ચપરાસીએ બેન્કના તાળા ખોલી નાખ્યા. રાજને જોઈને એણે જય સીયારામ કહીને આવકાર આપ્યો. નોકરીના પહેલા દિવસે ચપરાસી રાજનો મિત્ર બની ગયો હતો.

ઘડિયાળના કાંટા આગળ વધતા ધીરે ધીરે બેન્કની અંદર એક એક કરતા દરેક એમ્પ્લોય આવવા લાગ્યા. બેન્કની અંદર એ.સી.ને કારણ કાચનો દરવાજો સદંતર બંધ રાખવામાં આવતો હતો. રાજને તડકામાં નોકરીનો પહેલો દિવસ કંટાળાજનક લાગ્યો.

અનિચ્છાએ રાજને વોચમેનની નોકરી કરવા જવું પડતું હતું. વધુ કંટાળો આવવાથી ક્યારેક એને નોકરી મુકવાનો વિચાર આવી જતો પણ એ ઘડીએ પ્રવિણની વાતને યાદ કરીને સોમનાથ દાદાનું નામ લઈને નોકરી ચાલુ રાખતો.

એક દિવસની એવી ઘટના બની કે રાજ ...

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"