સ્ત્રી તો શબ્દો વડે એમની લાગણી જાહેર કરીને ચિંતામુક્ત થઈ શકે છે, પણ પુરુષ એક એવી પ્રજાતિ છે, જેને લાગણી વ્યક્ત કરતા આવડતી નથી. આથી એ એની પત્નીના હૂંફમાં રિલેક્સ થઈ જાય છે.
હિમજાની વાતથી નિસર્ગ ધીરે ધીરે અતુલભાઈની લાગણીને સમજવાં લાગ્યો પણ પૌરુષ તરીકે એ નમતું મૂકવાં તૈયાર થઈ રહ્યો ન હતો, "તને એવું લાગે કે એ પથ્થર હૃદયનાં માનવીની અંદર ક્યાંક લાગણીની વહેણ પસાર થઈ રહી છે ? એ જ કારણ હોય તો એ મને નહિ પણ મમ્મીનો સ્વીકાર કરીને એમની ઘરે લઈ જઈ શકે છે. એમને આ ઉંમરમાં મમ્મીથી ડિવોર્સ લઈને બીજાં મેરેજ કરવાના અભરખા ચડેલા છે." નિસર્ગે હિમજા સામે જોયાં વિના કહી દીધું.
"એમને બીજાં મેરેજ કરવાની જરાય પણ ઉત્કંઠા નથી. હવે, એમને નિજાનંદ તરીકે જીવવું છે. નામ પૂરતાં સંબંધ સાથે તેઓ મમ્મીને એમની સાથે બાંધવાં માંગતાં નથી. પૂરી રીતે એ મમ્મીને આઝાદ કરવાં માંગે છે. આવું વર્ષો પહેલાં થઈ શકતું હતું; પણ ના થયું. એનું એ જ કારણ છે કે ભગવાનની એવી ઈચ્છા છે કે જીવનની ડાયરીનાં છેલ્લાં પન્નાઓ બન્ને એક સાથે લખીને પૂરાં કરે. ભગવાનની મરજીને આપણે ઠૂકરાવી ના શકીએ. બીજી એક વાત નિસર્ગ તું જે અત્યારે મારાથી મોં ફેરવીને વાત કરે છે, એમાં ખબર પડી જાય છે કે, હવે તારી પપ્પા પ્રત્યેની નફરત ધીરે ધીરે ઓછી થવાં લાગી છે. અરે ! શ્રીકૃષ્ણ ભગવાને પણ શિશુપાલની સો ભૂલને માફ કરી દીધી હતી. આપણે તો પામર માનવી છીએ. એક પુત્ર શું એનાં પિતાની પહેલી અને છેલ્લી ભૂલને માફ કરી ના શકે..?"
હિમજાની વાત સાંભળીને નિસર્ગે તેણીની સામે જોયું તો નિસર્ગની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યાં. એનાં આંસુ હિમજા જોઈ ના શકી. તેણીએ નિસર્ગનું માથુ પોતાની છાતી સરસુ ચાંપી લીધું.
"રડી લ્યો નિસર્ગ. હું તમને રડતાં નહિ રોકું. જેટલું તમે રડશો એમ તમારાં આસુ સાથે પપ્પા માટેની નફરત પણ વહી જશે. હું તમારી વેદનાને મહેસુસ કરી શકું છું. પિતા વિનાનું જીવન જીવવું એટલું સહેલું નથી હોતું. ડગલે ને પગલે પપ્પાની ખોટ તમને વર્તાઈ રહી હતી. એક પિતા જ છે જે એનાં સંતાનને ખોટા રસ્તે જતાં અટકાવાં કડવાં વેણ કહી શકે તો, એ જ સંતાનની કામિયાબી જોઈને સૌથી વધુ ખુશ પણ થાય છે. પિતા મુશીબતનાં તાપમાં છત્રી બનીને પાછળ સતત ઊભા રહે છે, પણ અફસોસ સંતાનને મુશીબતમાં એની સાથે અને આગળ વ્યક્તિ હોય એ જ દેખાય છે. જે છત્રીએ એને છાયો આપ્યો છે, એને પાછળ વળીને જોવાની તસક્કી લેતો નથી."
નિસર્ગને એની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો હતો. એક દીકરા તરીકે એની મમ્મીને સાચવી શક્યો પણ એના પપ્પા તરફની એની ફરજને ચૂકી ગયો હતો.
"આઈ એમ સોરિ હિમ. હું એક આદર્શ દીકરો બની ના શક્યો દીકરાની ફરજ એ હોય છે કે એ એનાં મમ્મી અને પપ્પાને એક કરીને રાખે. મારા કારણે તેઓ આટલાં વર્ષો દૂર રહ્યાં."
નિસર્ગના રડવાથી હિમજાનું ટીશર્ટ એનાં આસુથી ભીનું થઈ ગયું. એણે હિમજાને બન્ને હાથથી પાછળથી કસીને પકડી લીધી. હિમજા એની ડાળખી જેવી પાતળી આંગળીઓ નિસર્ગનાં વાળમાં ફેરવવાં લાગી.
"જે સમય વીતી ગયો એ સમયમાં આપણે પાછાં તો જઈ શકતાં નથી. તમે કરેલી ભૂલ તમારે સુધારવાની છે. તમે પપ્પાની માફી માંગી લેજો. એ તમને પિતા તરીકે અચૂકથી માફ કરી દેશે. આપણાં સંબંધથી આપણો અહંકાર હાવિ ના થવો જોઈએ. કોઈ પણ સંકોચ વિના તમે એમની માફી માંગી લેજો."
હિમજાનાં કહેવાથી નિસર્ગે એનું માથું ઊંચું કરીને તેણીની સામે જોયું. ગાલ પરના આસુંઓને એણે સાફ કરી નાખ્યા.
"તું સાચું કહે છે. હું એમની પાસે માફી માંગી લઈશ. મમ્મી અને પપ્પા વચ્ચેની ગેરસમજને હું વર્ષો પહેલાં દૂર ના કરી શક્યો એ હવે પૂરી કરીને રહીશ."
હિમજાને નિસર્ગની વાત જાણીને સંતોષ થયો. એ એક પિતાના પ્રેમને યાદ કરીને સાવ ખાલીખમ થઈ ગયો હતો. ખાલી લાગણીને ભરવાં માટે એને સાથની જરૂર હતી, જે હિમજા પૂરી રીતે આપી રહી હતી.
એવામાં રૂમની બારીનો દરવાજો હવાને કારણે પછડાયો. ઓચિંતાનો અવાજ આવતાં બન્ને ગભરાઈને છુટાં પડીને અવાજ આવેલ દિશા તરફ નજર કરી.
"શાયદ બહાર વંટોળ ઉપડ્યું લાગે છે. હું બારી બંધ કરી આવું."
હિમજા બારી બંધ કરવાં ઊભી થઈ. ત્યાં નિસર્ગે તેણીનો હાથ પકડી લીધો, "પ્લીઝ ! તું મને છોડીને ક્યાંય ના જા. મને આજ તારી બહું જરૂર છે. હું તારાથી એક ક્ષણ દૂર નથી રહી શકતો."
"હું હમણાં આવું છું. બારી પછડાઈ રહી છે. વંટોળ વધુ હશે તો.!"
"એ વંટોળ તને મારાથી દૂર કરી દેશે તો ?"નિસર્ગને ડર પેશી ગયો.
હિમજા બારીનો ડોર બંધ કરવાનું માંડી વાળ્યું અને એની પાસે બેસી ગઈ, "કોઈ તમને મારાથી દૂર નહિ કરી શકે. તમે જ કહો છો ને કે હું તમારી વેલ બનીને તમને વીંટાળાઈ ચુકી છું. ભલા એક વેલ એનાં વૃક્ષથી અલગ કોઈ ના કરી શકે."
"આજ કોણ જાણે કેમ પવન કાંઈક ઊંધી દિશામાં વાય રહ્યો છે. તું મારી પાસે રહે."
નિસર્ગ હિમજાને કહીને એને ભેટી પડ્યો. હિમજા એને આગળ કશું ના કહ્યું અને એનાં છાતી પર માથુ રાખીને એની પાસે સૂઈ ગઈ.
સવારે દસ વાગ્યે નિસર્ગ ચાય નાસ્તો કરીને ઓફીસે જાવાની તૈયારી કરવાં લાગ્યો. હિમજા તેણીના રૂમમાં બેડની ચાદર સરખી કરવામાં વ્યસ્ત થઈ ગઈ. રેખાબેન એમના રૂમમાં ભગવાનનું પુસ્તક વાંચતાં હતાં. નીલ એની સ્કુલ જવાં માટેની દરેક તૈયારીઓ કરી રહ્યો હતો.
નિસર્ગ હિમજાને આવજો કહેવા રૂમમાં પ્રવેશ કરવાં ગયો, ત્યાં જ એના મોબાઈલમાં હાર્દિકનો કોલ આવ્યો. હાથમાં મોબાઈલ પકડ્યો હોવાથી નિસર્ગે બે રીંગમાં હાર્દિકનો કોલ ઊપાડી લીધો.
"હેલો હાર્દિકકાકા કેમ છો તમે ? આજ ઘણાં સમયે તમારો કોલ આવ્યો."
નિસર્ગે હિમજાને કપાળે કીસ કરીને ઈશારેથી આવજો કહીને ઓફીસ જવાં માટે દરવાજા તરફ ડગલા ભરવાં લાગ્યો.
"તારા જેવુ તો નથી." હાર્દિકે કટાક્ષમાં કહ્યું.
"મારા જેવુ નથી એટલે હું કાંઇ સમજ્યો નહિ." નિસર્ગ હસવા લાગ્યો.
"અરે તુ મને પહેલાં આ કાકા કહેવાની આદત છોડી દે. તારા અને મારા વચ્ચે થોડીક ઉંમરનો તફાવત છે. તુ મને ભાઈ પણ કહી શકે છે."
"સારુ મોટાભાઈ, હવે હું તમને મોટાભાઈ કહીશ. હવે બોલો આ નાના ભાઈ એના મોટાભાઈની શું સેવા કરી શકે છે ?" નિસર્ગે લિફ્ટની અંદર પ્રવેશ કર્યો.
"અરે હમણા બહુ કામ રહે છે. કોઈ સાથે વાત કરવાનો સમય રહેતો નથી. પ્રવિણભાઈ સાથે હમણાં ઘણા સમયથી વાત થઈ નથી. આજે તારી યાદ આવી તો થયું કે તને કોલ કરીને હાલચાલ પૂછી લઉં."
"આઈ નો મોટાભાઈ. તમે મને તમારો દીકરો સમજીને કોઈ પણ સમયે વાત કરી શકો છો."
નિસર્ગ જાણતો હતો કે, હાર્દિક એનામાં એના આર્ય દીકરાને શોધતો રહે છે. નિસર્ગની વાત સાંભળીને હાર્દિકની આંખો ભીની થઈ ગઈ. નિસર્ગ વાત કરતો પાર્કિગ એરિયામાં જઈને એની કાર સુધી પહોંચી ગયો. એણે પહેલાં ઊભા રહીને હાર્દિક સાથે શાંતિથી વાત કરવાનું વિચારી લીધું.
"એ તો હું પણ જાણું છું. આપણે દોસ્ત છીએ અને એકબીજાના હમદર્દીઓ પણ છીએ. તું મને એમ કહે કે તે તારા પપ્પાને માફ કરી દીધા છે ?"
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"