રાજને કોઈ છોકરી સાથે પહેલી વાર ક્રશ થયો હતો.થયો પણ એવી છોકરી સાથે જે એની સાથે ઝઘડી રહી હતી.પ્રેમથી બોલનાર વ્યક્તિ નજરે ચડતી નથી. જે સામે ઝઘડવાની હિમ્મત કરી જાણે એ જ નજરને પસંદ પડી જાય છે.
હંસા તર્જની ઊંચી કરીને રાજને ધમકી આપી રહી હતી.રાજ તો એની આંખોમાં ખોવાઈ ગયો હતો.
"આ છેલ્લી ચેતવણી છે.મારા બાપાને પાન દેખાડવાનું દૂર રહ્યું પણ એની સુગંધને પણ મારાં બાપાથી દૂર રાખજે."હંસાએ ફરી એવી જ ચપટી વગાડી,"ચાલો બાપા તમે ઘરે."
હંસા એનાં બાપાનાં હાથનો પંજો પકડીને લઈ જઈ રહી હતી.રાજ જ્યાં સુધી એની આંખોથી દૂર ના થઈ ત્યાં સુધી એને તાકતો રહ્યો.
રાજના ખિસ્સામાં ફોનની રીંગ વાગી.રાજે ફોન કાઢીને નામ જોયા વિના કોલ ઊપાડી લીધો.
"હલો રાજ તુ સમયને જો."રમેશભાઈ આગળ બોલ્યા,"આ સમયે તુ માધાપર આવી પહોચ્યો હોય છે.હજી તુ અહી પહોચ્યો નથી.ક્યા સલવાઈ ગયો નથી?"
રોજનાં સમય કરતાં રાજ માધાપર જવા માટે હંસાને જોવામાં મોડું થઈ ચુક્યું હતું.ચિંતામાં આવીને રમેશભાઈએ કોલ દ્રારા પૂછી લીધુ.
"કાકા સમય ગમે એટલો થયો હોય પણ હવે મારો પણ ગોલ્ડન ટાઈમ શરુ થઈ ગયો છે.પહેલુ નિસર્ગભાઈએ કહ્યુ હતુ...કે ..હેવન..હા સ્વર્ગની સવારી ચાલું થઈ ગઈ."રાજ એની બોડિને હલાવવા લાગ્યો.
"આ શું..સ્વર્ગ ને એવું બોલે છે.તુ ગામડે જ છે?"
"હા અહી જ છુ."રાજ સ્થિર થઈ ગયો.
"તુ કોઈ મુશીબતમાં તો નથી?મને તારી ચિંતા થવા લાગી છે.જલ્દી તુ અહી આવતો રહે.સૂર્યના આથમતા સમયે આવી સ્વર્ગની વાતો ના કર.ભગવાન તને ઘણુ જીવાડે."રમેશભાઈ આકાશમાં સૂર્યને આથમતા જોઈ રહ્યા હતા.
"હે ભગવાન !"રાજે કપાળ પર હથેળી મારી,"હુ કાંઇ કોઈ આ ઉંમરે સ્વર્ગ નથી જવાનો.મારી રાહ જોજો.બાઈકની એક કીક મારીને પહોંચી ગયો સમજો."
"તુ સ્વર્ગની સવારીની વાત કરે છે."
"એ તમને નહી સમજાય. "રાજે રમેશભાઈ સાથે સંપર્ક વિચ્છેદ કરીને સામાનને બાઈકના હૂંકમાં ભરાવીને કીક મારી.
સાંજના સાડા સાત વાગ્યા પછી અંધારુ થવાની તૈયારીમાં હતુ.રાજ બાઈકની લાઈટના વિશ્વાસે હળવી ગતિએ ચલાવી રહ્યો હતો.
મનમાં રાજને હંસાની વાતો રમતી દેખાતી હતી.એ રસ્તા પર નજર કરે તો એની પટપટ થતી આંખો અને એના ખોલ બંધ થતા હોઠો રાજને દેખાઈ રહ્યાં હતાં.
રાજે અચાનક બાઈકને બ્રેક મારી. માધાપર આવી ગયુ? ના માધાપર આવ્યુ ન હતુ તો રાજે બાઈકને બ્રેક કેમ મારી હશે?
રાજના બાઈક વચ્ચે એક લવારુ મરતાં મરતાં બચી ગયું.રાજને એક હાયકારાની સાથે હાશ થઈ.હંસાનાં વિચારોએ રાજનાં મગજ પર કબ્જો કરી લીધો હતો.
થોડીક મિનિટોમા માધાપરની પાદરની અંદર જઈને પોતાની કેબિને પહોંચી ગયો હતો.
ઘરેથી રમેશભાઈને આઠેક કોલ આવી ગયા હતા.રાજ આવે પછી એ ઘરે આવી રહ્યા છે, એવો એકનો એક જવાબ આપીને રમેશભાઈ અકડાઈ ગયા હતા.
"આટલું મોડું કોઈ કરતું હશે?તારા પપ્પા કેબિને આવીને તપાસ કરવા આવ્યા હતા."કેબિનથી ઊતરતા રમેશભાઈ ઠપકો આપવા લાગ્યા.
રાજે બાઈકને સ્ટેન્ડ પર રાખ્યું. સામાન કેબિનની અંદર મૂકી દીધો.બોલ્યા વિના એણે કેબિન બંધ કરીને તાળુ મારી દીધું. કેબિનની ચાવી એણે રમેશભાઈને આપી દીધી.
વ્યક્તિ ગુન્નામાં હોય તો એની પાસે સફાઈ આપવાના કોઈ શબ્દો હોતા નથી.રાજ એ સમયે એ વ્યક્તિમાંનો એક હતો.
હિસાબ એ સવારે બેન્કમાં જમા કરાવી દેશે.એવુ રાજે કહીને રમેશભાઈ પાસેથી ઘરે જવાની રજા લીધી.બાઈકમાં ચાવીને ફેરવીને એક કીકની સાથે યુ ટર્ન લઈ લીધુ.ડાબી સાઈડ વણાંક વાળીને ઘરે જતો રહ્યો.
"આજના નવજુવાન શુ બોલે અને શુ કરે? કાંઇ કહી શકાતુ નથી."રમેશભાઈ મનમાં બબડતા એમના ઘરે જવા નીકળી ગયા.
રાજનો ઘરે સુરેશભાઈ કાગડોળે રાજની રાહ જોઈ રહ્યા હતા.રાજે આંગણામાં આવીને બાઈક સ્ટેન્ડ પર લગાવીને અંદર ગયો.
"આ કોઈ તારી ઘરમાં આવવાની રીત છે?"ગુસ્સાભરી સુરેશભાઈની આંખોમાં રાજ માટેની ચિંતા ડોક્યા કરતી હતી.
"પપ્પા! મને માફ કરી દેજો.ગામડેથી નીકળવામાં મારે મોડું થઈ ગયુ."રાજે કાન પકડીને માફી માંગી.
રસોડામાં એની મમ્મી પાસે જઈને કહ્યું,"જલ્દી મને જમવાનું આપી દો.ભૂખ જોરદારની લાગી છે અને પપ્પાનો ગુસ્સો એ જોરદારનો લાગી રહ્યો છે.જમીને ડાયરેક્ટ રુમમાં જતા રહેવુ છે."
કમળાબેને જમવાનું બનાવી લીધું હતું. રાજનાં આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.રાજની મદદ લઈને બધું જમવાનું કમળાબેને જમવાની જગ્યાએ રાખવાં લાગ્યાં.
"તારા બાપાને તારી ઉપાધિ થતી હોય તો જ ખારા થયા હશે."ધીરેકથી કમળાબેન બોલ્યાં.
"હું સમજી શકું છું મમ્મી. મે એમની આંખોમાં મારા માટેની ચિંતા જોઈ હતી."છેલ્લી રોટલી જમવામાં સાથે લઈને હળવેકથી એણે જવાબ આપ્યો.
ત્રણેય સભ્યો બોલ્યાં વિના જમવાં લાગ્યાં. રાજ કશુંક છુપાવી રહ્યો છે, એવું એના વર્તન પરથી સુરેશભાઈને લાગી આવ્યુ.
"હવે તુ મને કહીશ કે શુ તુ મારાથી છુપાવી રહ્યો છે?"
"કાંઈ તો પપ્પા નથી છુપાવતો.એવુ હોય તો તમને જાણ કરી દઉંને."રોટલીનુ બટકુ મોંમા મૂક્યા પહેલા રાજે જવાબ આપી દીધો.
"યાદ રાખજે કે હુ તારો બાપ છુ.તુ મારો બાપ બનવાની ખોટી મહેનત કરતો નહિ."
"પપ્પા મારો વિશ્વાસ કરો. કહેવા જેવી બાબત હોય તો હુ તમને કહી દેવાનો જ છુ."રાજ હંસાની વાત સુરેશભાઈને કહી શકે એમ ન હતો.
રાજના મનમાં ઘણી ગડમથલ ચાલી રહી હતી.કોઈ છોકરીને મળીને ચારે તરફ એનો ચહેરો દેખાવો એવી અનુભૂતિ એની સાથે પહેલી વાર થઈ હતી.ચડતું લોહી હતું.એક ઉંમરે શરીરમાં હોર્મોનમાં થતાં બદલાવને કોઈ વિજાતીય આકર્ષણ થવુ સામાન્ય ઘટના કહેવાય.રાજ પણ સમજતો હતો કે સામાન્ય લાગતી ઘટના ઘણા અંશે અસામાન્ય થઈ ગઈ હતી.હંસાથી અલગ થઈ ગયાં પછી સતત હંસાનાં સાયુજ્યને ઝંખવા લાગ્યો.
રાજ જમીને આરામ કરવા બેડ પર આડો પડ્યો.મોબાઈલનો લોક ખોલ્યો તો સુરેશભાઈના દસ મિસ્ડ કોલ હતા.શાયદ બાઈક ચલાવવાના સમયે કોલ આવેલ હશે.રાજે સોશ્યલ મિડિયામાં આવેલા દોસ્તોના મેસેજ ચેક કરવા લાગ્યો.કોઈ ખાસ મેસેજ ના હોવાથી ઈન્બોક્સમાંથી બહાર નીકળીને વિડિયો જોવા લાગ્યો.
"ઓ..હંસની...મેરી..હંસની
ઓ..હંસની..મેરી...હંસની
કહા ઊડ ચલી ...
મેરે અરમાનો કે પંખ લગાકે..
કહા ઊડ ચલી..
ઓ...હંસની...મેરી...હંસની
કિશોર કુમારનુ સદાબહાર ગીતનો વિડિયો જોઈને રાજની આંખોમાં આધેડની હંસા તરવળવાં લાગી.
આ હંસા કોઈ પણ રીતે મારાં ખ્યાલોમાં આવી જાય છે.આ કોઈ સંજોગ ના હોય.! મારે વિડિયો જોવાં અને એ પણ હંસાનાં નામનો વિડિયો ચાલું થઈ જવો."રાજ મનમાં બડબડ્યો.
વોટ્સએપમાં ગ્રુપ વિડિયો કોલની ટ્યુન ચાલું થઈ ગઈ.નક્કી પ્રવિણકાકાએ કર્યો હોવો જોઈએ.
રાજે સુતા સુતા વિડિયો કોલ ચાલુ કરી દીધો.પ્રવિણ,નિસર્ગ અને હાર્દિક પહેલેથી હાજર થઈ ગયા હતા.
"જુઓ કાકા આપણા ભારતનું ભાવિ પણ આવી ગયું.એને પૂછો એ ગલ્લામાં કેટલો વકરો કરે છે?"નિસર્ગે મસ્તી ચાલુ કરી.
"નિસર્ગભાઈ તમારી એ.સી.માં બેસીને પેપર સાઈન કરવા.તમારા જેટલી આવક માટે બાર મહિના મહેનત કરવી પડે."રાજે એક બગાસુ ખાધુ.
"તુ તારા મસાલેદાર અને તાજા પાન અમને પણ ખવડાતો હોય."આગળ હાર્દિક બોલ્યો.
"દોસ્તોને કાંઈ આમંત્રણની રાહ જોવાની ના હોય.એમનો તો હક છે.એ કોઈ પણ સમયે એના દોસ્ત પાસેથી હકથી લઈ શકે છે.જ્યારે પણ તમે આવો ત્યારે આ હૃદયના દરવાજા તમને ખુલ્લા મળશે."
"એ તો મે તને થોડાંક દિવસ અગાઉ જ કહ્યુ હતુ.તુ તારા લગ્નનુ કાંઈક ગોઠવ.અમે એક સાથે ફેમિલીને લઈને હાજર થઈ જશુ."
પ્રવિણે કહી દીધુ એ સાથે રાજ કોઈ વિચારોમાં ખોવાઈ ગયો.દરેક દોસ્તો એકબીજાંથી વાતો કરવા લાગ્યા.રાજનાં મનને હંસા પાસે જવાં તાલાવેલી લાગી હતી.ક્યાંય સુધી રાજનો કોઈ શબ્દ સંભળાયો નહિ.
"રાજ ! અમે જ ક્યારના બોલી રહ્યા છીએ.તને ક્યારનો હુ જોઈ રહ્યો છુ.તારુ ધ્યાન કોઈ બીજા વિચારોમાં ખોવાયેલુ છે."
પ્રવિણના સવાલોમાં રાજ અટવાઈ ગયો.સાચુ કહેશે તો એ લોકો મસ્તી કરવાની ચાલુ કરશે.ખોટુ એ પ્રવિણ કાકા સામે બોલી શકતો ન હતો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"