મધુકર મોહન માટે આ બદલી ઘણા પરિવર્તન લઈને આવવાની હતી. એક તરફ તો મધુકર પોતાના પરિવાર થી દૂર થતો જઈ રહ્યો હતો. મધુકર મોહન ને પ્રમોશન મળતા તેની બદલી નવેમ્બર મહિનામાં થઈ હતી.
હવે આ સમયે શાળા નું સત્ર ચાલુ રહેતું હોય છે જેથી મહેચ્છા અને સરિતા તો મધુકર મોહન નો સાથ જ ન આપી શકે. બીજી તરફ હમણાં મધુકર ની મમ્મી ઘરમાં જ હોવાથી પુત્રપ્રાપ્તિ માટે તે જાણે અજાણે જ સરિતા ને મ્હેણું મારતી રહતી.
"સરિતા..તારે આ વંશાવલી આગળ વધારવી છે કે અંહી જ પુરી? તને પુત્ર નથી જોઈતો."
"મારી માટે ભગવાન જે આપે એ એનો પ્રસાદ છે.પણ હવે આટલા વર્ષો પછી પુત્રને શું કરવું? અમારો પરિવાર સંપૂર્ણ છે." સરિતા જણાવે છે.
"આ જ મારા દીકરા ના વિચારો છે. હું સમજી ગઈ કોણ ભડકાવે છે?" સરિતા ની સાસુ કહે છે.
"જો મમ્મી આ બધી વાતો જવા દો. સૌથી પહેલાં તો તમે એ સમજી લો કે હું તમારા પુત્ર ને બિલકુલ જ ભડકાવતી નથી. આ બધું તમારા મનનો વહેમ છે. બાકી મારા અને તમારા પુત્ર માટે છોકરો છોકરી એક જ સમાન છે." સરિતા કહે છે.
"હવે પાછી આ મધુકર ની બદલી થઈ તો આ બન્ને સાથે કેમ રહેશે?" સરિતા ની સાસુ બબડે છે.
"શું મમ્મી તમે પણ?" સરિતા મોઢું બગાડીને જતી રહે છે.
"એક તરફ તો આ (મધુકર) નથી અને આ માજી ની રોજરોજની ખટપટ.." સરિતા અંદર જઈને બબડે છે. થોડીવાર પછી જ શાળામાં થી મહેચ્છા છુટીને આવી તો આજે પપ્પા વગર જ જીવવું પડશે એ વિચારી ખુબ દુઃખ અનુભવે છે.
મધુકર પણ આ તરફ નવા સ્ટેશન પર હજી સેટ થઈ રહ્યો હતો.એ બધાને મળી તેમના નામ જાણી લીધા પછી પોતાનો પરિચય આપવામાં લાગ્યો હતો. પણ કહેવાય છે ને ઘર એ ઘર!!
બસ એ જ પ્રમાણે મધુકર માટે આ સ્ટેશન સાવ જ અજાણી જગ્યા હતી. એક તરફ તો પ્રમોશન એટલે બદલી લેવી જ પડે અને બીજી તરફ પરિવાર થી એકલું રહેવું.. કેટલી બધી વસ્તુઓ ત્યાગવી પડે?
હવે મધુકર શનિવાર અને રવિવારની રજાના અનુસંધાને જ ઘરમાં આવતો. વળી સાસુના ત્રાસથી સરિતા કંટાળી ગઈ હતી. પણ આ બધા ની અસર મહેચ્છા પર પડી રહી હતી.
શાળાની ત્રિમાસિક પરિક્ષા ના પરિણામ થી મહેચ્છા ના શિક્ષકો પણ હતપ્રભ બની ગયા. જે છોકરી પ્રથમ ક્રમે આવતી તે અચાનક જ દસમા ક્રમે ધકેલાઈ ગઈ. મહેચ્છા ને હવે ભણવા કરતા તોફાન અને ટીખળ કરવાનું ગમતું. એ હવે મોટી થઈ રહી હતી.
મધુકર ને જેમ જ આ પરિણામ ની ખબર પડી તો એ ખુબ જ ગુસ્સે થઈ ગયો. પોતાની નોકરી સાથે તો કોઈ જાતની બાંધછોડ થઈ ન શકે એટલે જ તેણે હવે કંઈક નવું કરવા માટે વિચાર કર્યો.
સરિતા ને તો ઘરના કામમાં થી વધુ નવરાશ ન મળતી એટલે મહેચ્છા ના ભણતર પર એ વધુ ધ્યાન ન આપી શકતી. એટલે જ હવે શનિવારે અને રવિવારે જ્યારે મધુકર આવતો ત્યારે એણે મહેચ્છા ને ભણાવવાનું શરૂ કરી દીધું.
આ તરફ મહેચ્છા ને હવે મધુકર હવે કોઈ વિલન જેવો લાગતો જે દર ચાર પાંચ દિવસ પછી આવીને તેને ભણાવવા માટે લાગી જતો. મહેચ્છા ને હવે ભણવું ગમતું ન હતું.મધુકર ની ખુબ મહેનત છતાં વાર્ષિક પરીક્ષામાં મહેચ્છા ના ૭૦ ટકા માર્કસ જ આવ્યા.
મધુકર માટે તો આ એક ખુબ મોટો આઘાત હતો. પણ તે મહેચ્છા ને સમજવા માટે પ્રયત્ન કરી રહ્યો ન હતો. મધુકર મનોમન પોતાના પરિવાર થી દૂર ન જવાય અને પોતાની નોકરી પણ ચાલુ રહે એમ વિચાર કરવા લાગ્યો.
આ વખતે વેકેશન પડતાં જ મધુકર પોતાના પરિવાર ને બિહાર મોકલવાની બદલે પોતાની સાથે જ રહેવા માટે ક્વાર્ટર માં આગ્રા ખાતે બોલાવી લે છે. સરિતા માટે તો આ રાહત હતી પણ નાનકડી મહેચ્છા ને આગ્રા આવવું જરા પણ ન ગમ્યું.
"મમ્મી મારે નથી આવવું. મારી બધી સખીઓ પોતાના દાદા કે નાના ના ઘરે જશે અને મારે આગ્રા જવાનું. ત્યાં શું કરવું? કોની સાથે રમવું?" મહેચ્છા કહે છે.
"જો દીકરી પપ્પા ની નોકરી ના લીધે આપણે જવું જ પડશે. આ વેકેશનમાં આપણે ત્યાં રહેવા જઈને થોડા સેટ થઈ જાય પછી બે મહિના પછી ત્યાં જ રહેવાનું છે." સરિતા સમજાવે છે.
"મમ્મી શું વાત કરો છો? હું મારી શાળા અને મિત્રો થી દૂર જતી રહીશ?" મહેચ્છા પુછે છે.
"પણ આ તો કરવું જ પડે. પપ્પા ક્યાં સુધી એકલા રહે?" સરિતા સમજાવે છે.
" ના..ના..ના.મારે એ પાગલો ના શહેરમાં નથી જવું." મહેચ્છા જવાબ આપે છે.
" તને તો તારા પપ્પા જ પહોંચી વળે." સરિતા માથું કુટેવ છે.
આ તરફ મધુકર બીજા દિવસે પરિવાર ને લેવા માટે આવવાનો હતો. મધુકર ની મમ્મી પણ પરિવાર ના વેકેશન દરમ્યાન ગામડે ન આવવાની વાતથી ખુશ ન હતા. પણ મધુકર ની મરજી એમણે માની લીધી.
સરિતા તો સવારથી જ ખુબ ઉત્સાહિત હતી. મધુકર પણ સવારે આઠ વાગ્યા ની ટ્રેન પકડી દિલ્હી માટે નીકળી જાય છે. આખા રસ્તે મધુકર પોતાની અઠવાડિયા ની થાક ઉતારતી ઊંઘ લે છે.
મહેચ્છા પાસે સમય પણ ન હતો. એ સવારે ઊઠીને જ બીજી છોકરીઓ સાથે ઘર ઘર અને ડોક્ટર ની રમતો રમી રહી હતી. તે જાણે પોતાને જવાનું છે એ વાતથી સાવ અજાણ જ હતી.
મધુકર થોડીવાર પછી ઘરમાં પહોંચી જાય છે. સરિતા મધુકર ને જોઈ ખુશ થાય છે. પછી બન્ને થોડીવાર વાતચીત કરી જમવા માટે બેસવાના હતા પણ મહેચ્છા ની કોઈ ખબર ન હતી.
"ક્યાં ગઈ આ છોકરી?" સરિતા બહાર નીકળી જોવે છે તો મહેચ્છા બીજી સખીઓ સાથે ગાડીઓ નો કાફલો જોવામાં મશગુલ હતી.
એક પછી એક એમ લાલ બત્તી વાળી કારો આવી રહી હતી. મહેચ્છા અને તેની સખીઓએ ક્યારેય પણ એક સાથે આટલી બધી કારો નો કાફલો જોયો ન હતો. મહેચ્છા સરિતા ને જોઈ તેની પહોંચી જાય છે.
"મમ્મી મમ્મી આ બધી કાર કોની છે? " મહેચ્છા પુછે છે.
" દીકરી આ બધી કારો જીલ્લા કલેકટર ના કાફલા ની છે. જોજે સૌથી છેલ્લી કાર ની અંદર થી એ બહાર આવશે.
"મધુકર મોહન કહે છે.
"પપ્પા. તમે?" મહેચ્છા બહુ લાગણીશીલ બની કહે છે.
"હા દીકરી. ચાલ આપણે બન્ને જોઈએ.." મધુકર મોહન પણ મહેચ્છા ને પોતાની સાથે લેતો જાય છે.
એક વિશાળ જનમેદની આગળ આ કારો નો કાફલો ઊભો રહી જાય છે. પછી છેલ્લી કાર ની અંદરથી સુટ પહેરીને એક આગંતુક ઉતરી પછી બધાને અભિવાદન કરી પછી પોતાની વાતો સમજાવા માટે શરૂઆત કરે છે.
તેની આગળ પાછળ સિક્યોરિટી ની લાઈન હતી. એ આગંતુક ખુબ જ પ્રેમાળ અને તેજસ્વી લાગી રહ્યા હતા.ભાષણ આપી દીધા પછી એ આગંતુક લોકો વચ્ચે જાય છે અને તેમની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરશે એમ બાંહેધરી આપે છે.
"પપ્પા.આ કોણ છે?" મહેચ્છા હતપ્રભ બની જાય છે.
મૌલિક વસાવડા