કુપ્પી ભાગ ૩
" લાસ્ટ ટાઈમ હું ગયો હતો એમની સાથે . ડોક્ટરે કહ્યું લાસ્ટ સ્ટેજ છે " દિલીપ ના મોઢે આ સાંભળી કુપ્પી દુઃખી થઈ ગયો .
" તું વધારે ચિંતા ના કર . બધું બરાબર થઈ જશે . જા પહેલા મમ્મી પપ્પા ને મળી લે . અમે તો અહીં જ છીએ " જીગલો બેગ હાથમાં લઇ સીડી ચડવા લાગ્યો . ભુરા એ થેલો ઉપાડી લીધો અને ચારે કુપ્પી ના ઘર તરફ જવા લાગ્યા .
" અરે વિકાસ અને વિનાયક ક્યાં છે ? " એ બંને પણ કુપ્પી ના ખાસ મિત્રો હતા .
" વિનાયક તો દુકાન પર હશે . અમે એને બોલાવી લાવીએ છીએ પણ વિકાસ નો કાંઈ પત્તો નહીં . " દિલીપે જવાબ આપ્યો .
" એટલે ! સમજ્યો નહીં . શું કરે છે ? "
" પોલિટિક્સમાં જોડાયો છે . આપણા લોકલ કોર્પોરેટર આદિત્ય ઈનામદાર સાથે ક્યાંય રખડતો હશે . કે પછી પાર્ટી કરતો હશે રાતના મળશે . કદાચ ! " જીગલા એ જાણાવ્યું .
કુપ્પી ના ઘરનો દરવાજો ખુલ્લો જ હતો . જીગલો પેહલા અંદર ગયો " ઓ માસી જુઓ કોને લઈ આવ્યા ? "
કુપ્પી ના મમ્મી સાડીથી હાથ લૂછતા લુછતા બહાર આવ્યા . કુપ્પી ને સામે જોઈ ખુશ થઈ ગયા માં દીકરો બંને ભેટી પડ્યા .
" આવી ગયો બેટા " એટલું બોલી નીલાબેન જોર જોરથી રડવા લાગ્યા . એક તરફ દીકરાને જોઈને ખુશી થઈ રહી હતી તો બીજી બાજુ પતિ ની બીમારીના કારણે દુઃખ પણ થઈ રહ્યું હતું .
નીલાબેન નો અવાજ સાંભળી જયેશભાઈ સમજી ગયા કે એમનો દીકરો કેનેડા થી પાછો આવ્યો છે . એ પથારી પર આરામ કરી રહ્યા હતા . તે પણ ખુશીથી ઊભા થઈ ગયા અને કુપ્પી ને જોવા બહાર આવ્યા . માં દીકરા નો મિલાપ દૂરથી જોઈ રહ્યા .
કુપ્પી ની નજર પપ્પા પર પડી . કુપ્પી અને એના પપ્પા વચ્ચેનો સંબંધ થોડો ખાટો મીઠો હતો . કુપ્પી જ્યારે અહીંયા હતો ત્યારે બંને વચ્ચે રોજ ઝઘડા થતા . કુપ્પી ના દેશ છોડવાના કારણમાં એમનો પણ ભાગ હતો .
" મને લાગ્યું તું નહીં આવીશ . પણ તું આવ્યો . હવે બધી જવાબદારી લઈ લે . મારી એકલી થી આ નથી થતું " નીલાબેન ની ફરિયાદમાં પણ વહાલ હતુ .
ત્રણે મિત્રો આ દ્રશ્ય જોઈ ભાવુક થઈ ગયા .
" કુપ્પી તું ફ્રેશ થઈ જા પછી બધા શાંતીથી મળિયે " સામાન મુુકી ત્રણે મિત્રો જતા રહ્યા .
" કેમ છો પપ્પા ? " કુપ્પી ના મોઢે આટલા શબ્દો સાંભળી જયેશભાઈ ભાંગી પડ્યા અને કુુપ્પી ને ગળે લગાવી રડવા લાગ્યા . જયેશભાઈ નું આવુ રુદન નીલાબેન અને કુપ્પી પહેલી વાર જોઈ રહ્યા હતા .
જયેશભાઈ ખુબ હિંમતવાળા . આખી જિંદગી પોતાની મરજી પ્રમાણે જીવ્યા . અને પોતાની બધી જ જવાબદારી સારી રીતે પૂરી કરી . મ્યુનિસિપાલટી માં નોકરી કરી જીવન વિતાવ્યું . આજે પણ પેન્શન આવે છે અને ક્યારેય પોતાના છોકરાઓ પાસેથી એક રૂપિયો પણ માંગ્યો નથી . સ્વાભિવાની પણ થોડા કડક સ્વભાવના . તમાકુ ખાવાની એક ખરાબ આદતને કારણે આજે મોઢાનું કેન્સર થયું છે જેની કોઈ દવા નથી .
આજે જાણે બધી જ હિંમત ભાંગી ગઈ . એમને જ્યારે આ બીમારી વિશે ખબર પડી હતી ત્યારે પણ એ જરાય ડગ્યા ન હતા . પણ આજે પોતાના દીકરા પાસે ભાંગી પડ્યા .
" તમે લોકો રડો નહીં પ્લીઝ . હવે હું આવી ગયો છું . ને તો બધું જ બરાબર થઈ જશે . પપ્પા તમે તો મોટી મોટી મુસીબત સામે ક્યારે હાર માની નથી . તો આ તો એક બીમારી છે . આની સામે શુ હાર માની લેશો ? આપણે ભેગા મળીને લડશું અને જીતશું ' કુપ્પી એ હિંમત આપવાનો પ્રયત્ન કર્યો .
વધુ આવતા ભાગમાં
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .