અભિન્ન ભાગ ૭
બહાર આવી પ્રીતિએ પોતાની જાતને સફાઈ માટે તૈય્યાર કરી. પોતાની સાડીનો એક છેડો પોતાની કમરમાં બાજુના ભાગે ખોસી તે આગળ ચાલી. એક પછી એક કરીને તેણે ઘરની તમામ વસ્તુઓ પરથી કપડાં હટાવવાનું શરુ કર્યું અને કપડાં ઝાટકી એમાં રહેલી ધૂળ ઉડાવવા લાગી.
જમીન પર જમા થયેલી ધૂળને સાવરણી મારી અને કપડાંની ઝાટકથી દીવાલો સાફ કરવા લાગી. એક પછી એક તમામ દીવાલ, રસોઈઘર અને તમામ રૂમોને સાફ કરવા લાગી. ઘરમાં જરૂરી વસ્તુઓ લેવા માટે રાહુલ બહાર ગયો અને પ્રીતિએ એના રૂમની સફાઈ શરુ કરી. કપડાં વડે અલમારી સાફ કરતી વેળાએ એના હાથથી પુસ્તકોને ધક્કો લાગ્યો અને ફરી પેલું સ્નેપ નીચે પડ્યું. પ્રીતિએ જોયું કે તુરંત સમજી ગઈ. "આ તો એ જ ફ્રેમ છે જે હમણાં રાહુલના હાથમાં હતી!" એણે સ્નેપ જોઈ, પણ જોતાંની સાથે જ જેમ હતી એમની એમ પાછી મૂકી અને ફટાફટ અલમારીનો દરવાજો બંધ કરી દીધો.
બેડ પાસે ગઈ અને બેડને વ્યવસ્થિત કરવા લાગી. બહાર હોલમાં આવી અને ખાલી તળિયામાં પાણી ભરેલી ડોલમાંથી પાણી ફેંક્યું. ઘરની સફાઈ પુરી કરી અને જે વસ્તુ જેમ હતી એમ ફરી પાછી સેટ કરવા લાગી. એટલામાં રાહુલ આવ્યો અને જોયું તો પ્રીતિ એકલી સોફા સાથે બળ કરી રહેલી. એણે પોતાના હાથમાંથી સામાન એકબાજુ મુક્યો અને ત્યાં જઈને બોલ્યો; "હું હેલ્પ કરું છું."
"તમે આવી પણ ગયા?!"
"હા, મને જેટલું જરૂરી લાગ્યું અને સમજાયું એટલું હું લાવ્યો. બાકીનો સામાન લેવા માટે તો તારે સાથે આવવું પડશે."
"ઠીક છે"
"લાવ હું તને મદદ કરું છું. તું એકલી નહિ કરી શકે." કહી તેણે પ્રીતિ સાથે મળીને ઘરના સોફા, ટેબલ અને રસોઈઘર જેમ હતું એવું જ ફરીથી સેટ કરી દીધું. પ્રીતિની સફાઈએ આખું ઘર ચમકવા લાગ્યું.
બાજુના સુપરમાર્કેટમાં બંને ઘરની વસ્તુઓ લેવા માટે ગયેલા. પ્રીતિ એકબાજુંના શેલ્ફમાં નજર કરતી હતી કે સામેના શેલ્ફમાંથી એક એર ફ્રેશનર લઈને રાહુલે પ્રીતિ તરફ જોયું. પ્રીતિએ એના તરફ ધ્યાન કરતા ના કહી. રાહુલે બાજુમાંથી બીજું લઈને એની સામે જોયું. પ્રીતિએ ફરી માથું ધુણાવી ના કહી. રાહુલે ત્રીજું ઉપાડ્યું અને એના તરફ જોયું. થોડે દૂર ઉભેલી પ્રીતિએ પોતાનો અંગુઠો બતાવી ઓકે કહ્યું કે તરત રાહુલે એ બોક્સ ટ્રોલીમાં મૂક્યું.
ખરીદી કરતા કરતા બંને આગળ ચાલ્યા. ટ્રોલીને ધક્કો મારતા મારતા રાહુલે પાછળ ફરીને જોયું તો પ્રીતિ ન દેખાય. એ પાછળ દોડ્યો અને જોયું તો પ્રીતિ શોપિંગ કરતી હતી. એને શાંતિ થઈ અને નજર સતત પ્રીતિ તરફ પરોવાઈ ગઈ. પ્રીતિએ તેની તરફ જોયું અને નેણ ઊંચા કરી ઇશારાથી પૂછ્યું 'શું થયું?' ને પોતાનું માથું હલાવી તેણે હસી સાથે ઈશારો કર્યો, 'કંઈ નહિ'.
કાઉન્ટર પર બિલ બનાવરાવી બિલને ચેક કરતો તે આગળ ચાલવા લાગ્યો. બિલ ખીંચામાં મૂકીને તેણે પાછળ જોયું તો બન્ને હાથમાં ન સમાય એટલો સામાન પ્રીતિ પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કરી રહી હતી. તે તેની તરફ ગયો અને એના હાથમાં રહેલા સમાનમાંથી અડધો સામાન પોતાના હાથમાં લઈને ચાલતો થયો. પ્રીતિ ખુશ થઈને એકીટશે એના તરફ જોવા લાગી. રાહુલે પાછળ ફરી એને ઈશારા વડે પૂછ્યું 'શું થયું?' ને પોતાનું માથું હલાવી તેણે હસી સાથે ઈશારો કર્યો, 'કંઈ નહિ'.
તેઓએ આમ જ પોતાના ઘરને સેટ કરવામાં સાંજ પાડી. થાકી ગયેલા બંને સાંજે એક રેસ્ટોરન્ટમાં જઈને જમ્યા. પાછા ઘેર આવ્યા તો બેમાંથી એક પણ કશું બોલી શકે એવી હાલતમાં નહોતા. લાવેલો સામાન આમ જ ત્યાં લિવિંગ રૂમમાં મૂકીને બંને સુઈ ગયા.
સવારે રાહુલ ઓફિસ માટે રેડી થઈને બહાર આવ્યો તો પ્રીતિ કિચનમાં ચા બનાવી રહી હતી. તે જઈને ટેબલ પર બેઠો અને ટેબલ પર પડેલા બ્રેડમાંથી બ્રેડ લઈને ખાવાનું ચાલુ કર્યું. એટલામાં પ્રીતિ આવી, એના હાથમાં ચાના બે કપ ભરેલી ટ્રે હતી. તે આવીને તેની બાજુની ખુરશી પાર બેઠી અને એક કપ રાહુલ તરફ મુક્યો. હજુ પ્રીતિએ કપ લઈને એક ઘૂંટ ભરી કે રાહુલે ફટાફટ ચાનો કપ ખાલી કરી નાખ્યો.
"હું જાઉં છું." પોતાના હાથ લૂછતાં રાહુલ બોલ્યો.
"તમે તો હજુ અડધી બ્રેડ જ ખાધી છે. આ ખતમ તો કરો."
"મોડું થઈ ગયું છે ને જો ટ્રાફિક હશેને તો વધારે વાર લાગી જશે ઓફિસ પહોંચવામાં." કહીને તે પોતાની બેગ લઈન નીકળી ગયો.
તેનું આમ કરવું સહજ હતું પણ પ્રીતિને એના આજના સ્વભાવમાં બદલાવ લાગ્યો. તેનું ધ્યાન બહાર જઈ રહેલા રાહુલ પર હતું. જતા જતા તે બોલ્યો "ટ્રાય કરીશ સાંજે વહેલા આવવાની. " અને બીજો એકપણ શબ્દ કહ્યા વગર સીધો બહાર ચાલ્યો ગયો. પ્રીતિનું મન આજે પહેલીવાર પોતાના પતિ સાથે બેસીને ચા પીવાનું હતું. પણ રાહુલે એના તરફ ધ્યાન જ ન આપ્યું. તે એની ડીશમાં પડેલા અડધા બ્રેડ તરફ જોઈને વિચારમાં પડી ગઈ.
સવારનો સમય હતો અને અમદાવાદના તમામ રસ્તાઓ ગાડીઓથી ભરેલા હતા. દરેક લોકો પોતાના કામે જવા નીકળી પડેલા. રાહુલ પોતાની ગાડી લઈને જઈ રહ્યો હતો એવામાં સિગ્નલ બંધ થયું અને તે અન્ય વાહનોની સાથે ઉભો રહ્યો. સિગ્નલ ખુવાને વાર હતી એટલે તે પોતાની ગાડીના સ્ટેયરીંગ વ્હીલ પર આંગળી બજાવતો અને મોઢેથી સીટી વગાડી આમ તેમ જોતો હતો. એવામાં એનું ધ્યાન ગયું કે બાજુમાં કોઈ એક છોકરી પોતાની બાઈક લઈને આવી અને ઉભી રહી. તેનું ધ્યાન રાહુલ તરફ ન્હોતું પણ રાહુલ એના સકાપ બાંધેલા ચેહરાને પણ જાણે ઓળખી ગયો.
એક ક્ષણ માટે તો એનામાં જ ખોવાઈ ગયો. સિગ્નલ ગ્રીન થયું અને બધાની સાથે તે છોકરી પણ ચાલતી થઈ. રાહુલને એ વાતનું ભાન જ ના રહ્યું કે તે ક્યાં છે. તે સતત તેને જતા જોઈ રહ્યો. એટલામાં પાછળ ઉભેલા વાહનોના હોર્નથી તે ભાનમાં આવ્યો અને પોતાની ગાડી આગળ ચલાવી.
આખરે કોણ હતી એ અજાણી છોકરી? શું તે રાહુલને ઓળખાતી હતી કે માત્ર રાહુલે જ તેના તરફ જોયું. અટપટા વળાંકોમાં ગૂંચવાયેલી આ વાર્તામાં આગળ શું? જાણવા માટે જોડાયેલા રહો મારી સાથે આ વાર્તામાં...