આ તરફ તમે જોયું કે મિન્સ તારા અને તેમનો મેનેજર ડોક્ટરની ઓફિસની બહાર ધનરાજ શેઠની રાહ જોઈ રહ્યા હતા.
મિસ્ટર જાનને જેન્સી તેના રૂમમાં દવા આપી રહી હતી. મિસ્ટર જાન થોડાક ભાનમાં હોવાથી તે જેન્સીનો હાથ પકડીને પૂછે છે, "હું અહીં કેટલા દિવસથી છું? મને કહેશો પ્લીઝ."
જેન્સી ધીમેથી જાનનો હાથ છોડાવતા કહે છે, "તમે અહીં ત્રણ-ચાર દિવસથી છો. તમારી સર્જરી કરી હોવાથી તમારે આરામની જરૂર છે. મેં તમને દવા આપી છે તેનાથી તમને નીંદર આવશે."
જાન ફરીથી જેન્સીનો હાથ પકડ્યો અને કહે છે, "મારે નથી સૂવું. મારે મારા અંકલને મળવું છે. મારે તેમની સાથે વાત કરવી છે. મારે નથી સૂવું, તમે સમજતા કેમ નથી? હું સૂવા નથી માંગતો, પ્લીઝ મને જવા દો." એમ કહી જાન હોસ્પિટલના બેડ પરથી ઊભા થઈ જાય છે, પણ જેન્સી તેમનો હાથ પકડી અને કહે છે, "તમે દવા આપી છે, તમને ચક્કર આવશે, તમે પડી જશો. પ્લીઝ તમે પાછા બેસી જાવ." પણ જાન સમજતા નથી અને તે ઊભો થાય છે અને ચક્કર આવવા માંડે છે અને તે પાછો બેભાન થઈ જેન્સીના ખભા ઉપર માથું નાખી દે છે.
મિસ્ટર જાનનો આખો ભાર જેન્સી ઉપર આવી જાય છે. જેન્સી મહામહેનતે તેમને સંભાળતા તેમને બેડ પર બેસાડે છે.
પણ જાન પાછું તેનું બાવડું પકડી લે છે અને પોતાના તરફ ખેંચે છે. જેન્સીનું બેલેન્સ રહેતું નથી અને તે જાનની સાથે પડી જાય છે.
જેન્સી પોતાના બંને હાથથી જાનનું માથું ધીમેથી પકડી લે છે અને માથાને સંભાળીને તકિયા ઉપર વ્યવસ્થિત રાખે છે. આમ કરવા જતાં જેન્સીના વાળ જાનના મોઢા ઉપર આવી જાય છે.
જેન્સી ધીમેથી જાનના મોઢા પરથી પોતાના વાળ હટાવી સરખા કરી અને ઊભી થઈ. જાનને તે બ્લેન્કેટ ઓઢાડે છે. જાન ફરીથી દવાની અસરથી સૂઈ જાય છે.
જેન્સી રાહતનો શ્વાસ લઈ પોતાને સ્વસ્થ કરે છે અને ખુરશી પર બેસી જાય છે. તે જાન તરફ જોતા વિચારોમાં ખોવાય છે, ત્યાં... બીજી નર્સ આવી અને કહે છે, "જેન્સી સિસ્ટર, હું આવી ગઈ છું. તમારી ડ્યુટી પૂરી થાય છે, તમારે જવું હોય તો તમે જઈ શકો છો. મિસ્ટર જાનને મેડિસિન આપવાની છે."
જેન્સી કહે છે, "ના, અત્યારની દવા મેં તેમને આપી દીધી છે. કાલ સવારે ડોઝ આપવાનો છે તે તમે આપી દેજો અને રાતના કોઈ પણ પ્રોબ્લેમ થાય તો મને જાણ કરજે તો હું તરત આવી જઈશ."
બીજી નર્સ કહે છે, "ઠીક છે."
જેન્સી જાનના રૂમમાંથી બહાર નીકળે છે અને સ્ટાફની કેબિનમાં જઈને પોતાનો સફેદ કોટ ઉતારી પાછો લોકરમાં મૂકે છે. અને પોતાનો કોટ પહેરવા જતાં તેનું ધ્યાન પાછું તેના હાથ પર જાય છે.
જેન્સી એકલી એકલી થોડુંક હસતા બોલે છે, "આ પેશન્ટ તો હાથ ધોઈને મારા હાથની પાછળ પડી ગયો છે. નોર્મલ થવા જ નથી દેતો. જેવો નોર્મલ થાય ત્યાં... પાછો લાલચોળ કરી નાખે છે...."
પછી જેન્સી હોસ્પિટલની બહાર નીકળી હોસ્ટેલ તરફ જાય છે.
આ બાજુ ધનરાજ કેબિનની બહાર નીકળે છે તો મિન્સ તારા ધનરાજને મળે અને કહે છે, "ગુડ ઈવનિંગ ભાઈ, કેમ છો તમે અને હવે જાનની તબિયત કેમ છે? ડોક્ટરે શું કહ્યું તમને?"
ધનરાજ કહે છે, "ગુડ ઈવનિંગ તારા, ડોક્ટર સાહેબ સાથે વાત કરી. તેઓ કહે છે હજી એક-બે દિવસ અહીં જાનને હોસ્પિટલમાં જ રાખવામાં આવશે. તેના માથાના ટાંકા કાલે ખુલી જાય ત્યાર પછી ડોક્ટર અમુક ટેસ્ટ કહેશે, ત્યાર પછી તે કહેશે. આપણે કાલ સુધી રાહ જોવી પડશે. ચાલો અત્યારે ઘરે જઈએ. આ બધી વાતો ઘરે જઈને ડિસ્કસ કરશું કે જાનને કેવી રીતે પાછો ઇન્ડિયા લઈ જવો."
પછી ધનરાજ અને તેની બહેન જતા રહે છે.
આ તરફ જેન્સી પોતાના રૂમમાં જાય છે તો નીતા ચૂપચાપ બેઠી હોય છે. જેન્સીને જોઈ નીતા બોલે છે, "ગુડ ઈવનિંગ ડિયર ફ્રેન્ડ જેન્સી, આજનો દિવસ કેવો રહ્યો? શું પેલા પેશન્ટે તને પ્રપોઝ કર્યું? શું તે ભાનમાં આવ્યો કે નહીં?"
જેન્સી કહે છે, "શું વાત છે, આજે તું ઘરે છો? ક્યાંય ગઈ નથી બહાર. સુધરી ગઈ કે શું?"
નીતા કહે છે, "આજે ક્યાંય જવાનું મન નથી થતું. બસ ઘરે જ રહેવું છે. મેં સરસ ડિનર બનાવ્યું છે. ચાલ આપણે બંને સાથે ડિનર કરીએ. તું હાથ-પગ-મોઢું ધોઈને ફ્રેશ થઈ જા."
જેન્સી કહે છે, "ઠીક છે, હું જરાક ફ્રેશ થઈને કપડા ચેન્જ કરીને આવું છું."
નીતા ટેબલ સજાવે છે. થોડીક વારમાં જેન્સી બહાર આવી અને ટેબલ પાસે ખુરશી પર બેસે છે. નીતાનું ધ્યાન જેન્સીના હાથ પર જાય છે.
નીતા બોલે છે, "જેન્સી, તારો હાથ હજી નોર્મલ નથી થયો? કે પછી આજે પાછો તારો હાથ મિસ્ટર જાનએ પકડી લીધો છે."
જેન્સી કહે છે, "હા યાર, આજ તો તે પેશન્ટ મિસ્ટર જાન ઊભો થઈ ગયો અને મારો પાછો હાથ પકડી લીધો."
નીતા ઇન્ટરેસ્ટ બતાવતા કહે છે, "પછી શું થયું... પછી શું થયું.."
જેન્સી કહે છે, "પછી શું, તેને ચક્કર આવી ગયા અને તેણે મારા ખંભા પર તેનું માથું નાખી દીધું. તેનો આખા શરીરનો વજન મારા પર."
નીતા ફરીથી વચ્ચે બોલે છે, "પછી શું...પછી શું થયું.."
જેન્સી કહે છે, "પછી શું, માંડ માંડ તેને સંભાળી અને બેડ ઉપર સુવળાવવા ગઈ તો હું પણ તેના પર પડી ગઈ. મેં તરત જ તેના માથાને ધીરેથી પકડી લીધું. તેના માથા પર કેટલા ટાંકા આવ્યા છે. જો એક ટાંકો પણ ખુલી જાત તો તેને કેટલી તકલીફ થાત...."
નીતા કહે છે, "પછી શું થયું, આગળ કહે ને.."
જેન્સી કહે છે, "પછી શું, તે પેશન્ટ જાનને વ્યવસ્થિત કરતી હતી ત્યારે તેણે મારો પાછો હાથ પકડી લીધો."
નીતા હસવા લાગે છે અને કહે છે, "નક્કી એ તારો આશિક થઈ ગયો છે."
જેન્સી કહે છે, "શું, કંઈ પણ... ચૂપચાપ ખાવામાં ધ્યાન આપ. તે માત્ર એક મારો પેશન્ટ છે, બીજું કંઈ નહીં."
નીતા કહે છે, "ઠીક છે, ઠીક છે, તું ગુસ્સે કેમ થાય છે? હું તો મજાક કરું છું.. તુ મજાક નથી સમજતી..."
આ તરફ ધનરાજ શેઠ અને તેમની બહેન ઘરે પહોંચે છે. ધનરાજ અને મેડમ તારા જમી અને પોતપોતાના રૂમમાં જતા રહે છે. થોડીક વાર પછી મેડમ તારાને કોઈકનો ફોન આવે છે.
"મેડમ તારા, મેં મારું કામ કરી નાખ્યું છે. મને હજી મારા પૈસા મળ્યા નથી તો મને મારા પૈસા ક્યારે આપશો? જો મને મારા પૈસા નથી મળ્યા, તો હું આ વાતની જાણ તમારા ભાઈને કરી દઈશ કે તમે આ એક્સિડન્ટ કરાવ્યું છે."
મેડમ તારા સામે ધમકી દેતા કહે છે, "આજ સુધી કોઈ મને બ્લેકમેલ કરી શક્યું નથી અને જેણે કોશિશ કરી છે તે આ દુનિયામાં જીવતું રહ્યું નથી. તે તે મારું કામ પૂરું કર્યું નથી. તે માણસ હજી જીવતો છે અને હોસ્પિટલમાં છે. મેં તને તેને જાનથી મારવાનું કામ સોંપ્યું હતું, પણ તે હજુ સુધી જીવતો છેઃ આજ પછી મને ફોન કરતો નહીં જો ફોન કરવાની હિંમત કરી છે તો જીવતો નહીં રહે." એમ કહી મેડમ તારા ફોન કાપી નાખે છે.
આ તરફ ધનરાજ શેઠનો સેક્રેટરી મેડમ તારાની બારી પાસે ઊભો ઊભો સિગરેટ પીતો હતો અને તે આ બધી વાત સાંભળીને ડરી જાય છે.
આગળ બાકી........
(આગળ જોશું ધનરાજ શેઠ જાનને પાછો તેની સાથે લઈ જઈ શકે છે કે નહીં..)
લેખિકા: હીના ગોપિયાણી