રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:28
"મેં તને પહેલા દિવસે જ્યારે જોયો હતો ને ત્યારથી તું જાણીતો જ લાગે છે,ખબર નહીં કેમ પણ આપણો સબંધ ખૂબ જૂનો હોય એવું લાગે છે,કદાચ ઉપવાળાએ આપણી જોડી ખૂબ વિચારીને બનાવી હશે.તને મળવાનું મન થાય છે,તારી સાથે જ રહેવાનું મન થાય છે,અને બસ તારી સાથે વાતો કરતું રહેવાનું મન થાય છે. સો આઈ ઍક્સેપટ યુ એસ માય બેટર હાફ અને મને હમેશા તંગ કરનાર એક ક્યૂટ સાથી તરીકે" કિંજલ અટકી રૂમમાં શાંતિ પથરાઈ બહારથી કોઈ અવાજ આવી રહ્યો નહોતો આ નિરવ શાંતિમાં એક અનોખું પ્રણય પાંગરી રહ્યું હતું. સૂર્યા હવે શબ્દો દ્વારા કોઈ ઉત્તર આપવા માંગતો નહોતો તે કિંજલની નજીક ગયો અને અધરો સાથે પોતાના અધરો ચાંપી દીધા.સૂર્યા માટે આ ઘડી અમૂલ્ય હતી.તે રેડ હેટ ગેંગ ભૂલી ગયો હતો.વાઇટ હેટ એસેમ્બલીને ભૂલી ગયો હતો.રશિયા અને ગુજરાત બન્ને ભૂલી ગયો હતો. તેને દુનિયા કિંજલમા જ દેખાતી હતી. થોડીવાર પછી બન્ને અળગા થયા.કિંજલની આખોમાં થોડી લજ્જા ભળી હતી. સૂર્યાના મોઢામાં હજી જે-પ્લેની સ્ટોબેરી લિપસ્ટિકનો સ્વાદ આવી રહ્યો હતો.રૂમમાં બે મિનિટ શાંતિ રહી.
"તે હા પાડવામાં ઘણો સમય લીધો" સૂર્યાએ કહ્યું
"મને ખબર છે પણ તે જેટલો પ્રપોઝ કરવામાં લીધો એટલો તો નહીં જ" કિંજલે કહ્યું
"હું...આઈ મીન આપડે મળ્યા એને માંડ દોઢેક મહિનો થયો છે અને મને થયું તું શું વિચારીશ?" સૂર્યાએ કહ્યું
"મુક એ જૂની વાતો પણ હું ખૂબ ખુશ છું મારે પણ એક વચન જોઈએ" કિંજલે કહ્યું.
"તો બોલ શેની રાહ જુવે છે?" સૂર્યાએ કહ્યું
"તું મને એક વાર રશિયા ફરવા લઈ જઈશ" કિંજલે બિનદાસ અવાજમાં કહ્યું.
સૂર્યાને કઈક નવાઈ લાગી તેને પૂછ્યું "કેમ રશિયા જ?"
"મને તે જગ્યા ખૂબ ગમે છે ત્યાનું વાતાવરણ ગુલાબી ઠંડી બર્ફીલા પર્વત અને ઘણું બધું"
સૂર્યા કિંજલ જ્યાં બેઠી હતી તેની પાસે આવ્યો તેના ખોળામાં માથું રાખી તે સૂતો.કિંજલ માટે તે ઘટના અણચિંતી હતી પણ સૂર્યાની આ હરકત તેના માટે સુખદાયી હતી, એટકે તેને તેના માથા પર હાથ મુક્યો.સૂર્યાએ હસતા હસતા કહ્યું કહ્યું "મારી પણ આ ઈચ્છા હતી તો મને થયું પુરી કરી લવ" કિંજલ પણ હસી પડી અને પછી કહ્યું "તે મારી વાતનો જવાબ ન આપ્યો"
"પણ તને ઠંડી ગમતી હોય તો આપડે હિમાલય સિમલા જઈએ તે શક્તિ મુક્તિ અને ભક્તિથી ભરેલી જગ્યા છે" સૂર્યાએ કહ્યું
"મને ખબર છે હું લગભગ ત્રણ વખત ત્યાં ગઈ છું,અને ગમેં એટલી વાર જાવ ત્યાનું વાતાવરણ તમને પરાસ્ત કરવામાં ક્યારેય નિરર્થક નહિ નીવડે,પણ રશિયા તો હું દેશ જોવા માટે જવાનું કહું છું.મને વિદેશી જો કોઈ આકર્ષણ હોય તો તે છે રશિયાનું બાકી આપણાં દેશની તો વાત જ નિરાળી છે." કિંજલે કહ્યું
"ચોક્કસ હું તને લઈ જઈશ અને એ માટે તારે વધારે રાહ નહિ જોવી પડે એક વર્ષની અંદર જ" સૂર્યાએ કહ્યું
"હું રાહ જોઇશ" કિંજલે કહ્યું
"તો હવે પેલા બન્નેને કોણ જણાવશે?" સૂર્યાએ કહ્યું
" તું બીજું કોણ" કિંજલે સૂર્યાને પોતાનાથી દુર કરતા કહ્યું.
"લે હું કેમ? તું પણ કહી શકે છે ને " સૂર્યાએ કહ્યુ
"નહિ યાર પ્લીઝ હું નહીં મને આવી વાતો.., હું નહિ કહી શકું" કિંજલે કહ્યું
"તું નાનપણ થી જ આવી છો" સૂર્યાએ મજાકિયા સ્વભાવમાં કહ્યું.
"મને નથી ખબર મેં તને કહ્યું હતુંને કે મને દસ વર્ષની હતી એ પહેલાંનું કશું યાદ નથી"
" અરે હા આઈ એમ સોરી હું ભૂલી ગયો હતો તું ચિંતા ન કર હું જણાવીશ,પણ અત્યારે હવે તું રૂમમાં જા" સૂર્યાએ કહ્યું એટલે કિંજલ તેને ગળે મળી બહાર ગઈ અને સૂર્યા તેને જતી જોઈ રહી.
**************
"અરે યાર શુ છે સૂર્યા બોલને જલ્દી મોડું થાય છે" આરવે સૂર્યાને કહ્યું
સૂર્યાએ અત્યારે બધાને તેના રૂમમાં અગત્યની વાત કહેવા બોલાવ્યા હતા.કિંજલ એક ખૂણામાં સૂર્યા સામે જોઈ ઉભી હતી. આરવ અને રિયા ખુરશી પર બેઠા હતા અને ગુરુ સૂર્યાની પાસે સેટી પર બેઠો હતો.સૂર્યાએ બધા તરફ નજર કરી અને કહ્યું " આઈ નો કે મોડું થાય છે પણ આ વાત બહુ જરૂરી છે સો પ્લીઝ પહેલા શાંતિથી સાંભળી લો" કહી સૂર્યાએ બધાને આખી વાત જણાવી.
આ સાંભળી આરવ અને રિયા કિંજલને સ્કૂલથી જાણતા હતા પણ તેને આ કિંજલનું નવુજ રૂપ કે વર્તન જોયું હતું.તેઓ બન્ને ખૂબ ખુશ હતા કેમ કે કિંજલના પપ્પાના અવસાન પછી તે ખૂબ ગુમનામ હતી પણ સૂર્યાના સાથથી તે જરૂર તે ચીરકારી સદમામાંથી બહાર આવશે. બધાએ બન્નેને અભીનંદન આપ્યા.પછી આરવે કહ્યું "તમે બન્ને છુપરઉસ્તમ નીકળ્યા અમને ભનક સુધ્ધા ન આવવા દીધી."
"ચલ છોડ એ બધી વાત હવે જઈએ નહિતર મોડું થઈ જશે" સૂર્યાએ કહ્યું.
ગુરુ ગાડી ચલાવી રહ્યો હતો તે અત્યારે નાગવા બીચ તરફ જઈ રહ્યા હતા.નાગોઆ બીચ એટલે ના-ગોઆ,ગોવાતો નહીં પણ ગોવાથી ઓછું પણ નહીં.સવારના દસથી લગભગ બપોરના બે વાગ્યા સુધી તેમને ત્યાં મજા કરી અને પછી જમ્યા બાદ ત્યાંથી દિવ ફોર્ટ તરફ ગયા. તે ફોર્ટમાં બધા ફરીને પછી સાંજે લગભગ પાંચ વાગ્યે ગુરુના ઘરે પાછા આવ્યા.આવીને બધા ફ્રેશ થયા અને તેમને તારાપુર માટે નીકળવાનું હતું જેમાં થોડુંક મોડું જરૂર થયું હતું પણ સૂર્યાએ જણાવી દીધું હતું કે ગુરુ પણ થોડા સમય માટે તારાપુર આવી રહ્યો છે.
**************
સૂર્યા અને ગુરુ બન્ને અત્યારે સૂર્યાના બંગલામાં હતા.મનુંકાકાએ ગુરુ માટે એક રૂમ ખૂબ આકર્ષક રીતે તૈયાર કર્યો હતો.ગુરુ અને સૂર્યા થોડા સમય પહેલા જ પેલા ત્રણેયને ઉતારીને બંગલા પર આવ્યા હતા.જોકે ગુરુનો સામાન તેમની પહેલા જ ત્યાં આવી ગયો હતો કેમકે ગુરુએ તેનો સામાન અને ખાસ કરીને કોમ્પ્યુટર સવારમાં જ મોકલી દીધા હતા. સૂર્યાની બિલકુલ સામેની રૂમમાં ગુરુએ તેના કોમ્પ્યુર્સ સેટ કર્યા હતા,તે પણ સૂર્યાના કોમ્પ્યુટરની જેમ એક ફાઈવ સ્ક્રીન કોમ્પ્યુટર હતું એ સિવાય બીજી એસેસિરિઝની વસ્તુઓ ફિટ કરી હતી,અને સુર્યાના બેડરૂમની એકદમ સામે ગુરુએ બેડરૂમ ગોઠવ્યો હતો.
"આટલી સરસ જગ્યા તને કોણે ગોતી આપી?" ગુરુએ પૂછ્યું.
"અરે આપડો જીનું બીજુ કોણ?"સૂર્યાએ કહ્યું.
"ઓહ જીનુંતો આ બધા કામમાં એક્સપર્ટ છે."ગુરુએ કહ્યું
"આ બંગલો એમતો ઠીક જ હતો પણ તેમ છતાં આને રહેવાલાયક બનાવવા લગભગ આખો ઉનાળો આની પાછળ કાઢ્યો છે" સૂર્યાએ કહ્યું.
"ચાલ હવે સુઈ જઈએ તે કહ્યું એ મુજબ કાલે પેલું રેકોર્ડીંગ પણ જોવાનું છે ને?" ગુરુએ કહ્યું.
"હા કાલે સવારે મારે ઇન્સ્પેક્ટર વિક્રમને લેવા પણ જવાનું છે ચાલ ગુડનાઈટ" સૂર્યા ગુડનાઈટ કહીને ચાલતો થયો.
સૂર્યા તેના રૂમમાં ગયો પથારીમાં પડ્યો.તેને કિંજલનો વિચાર આવ્યો,શુ તે આ મારી સચ્ચાઈને સહજીકતાથી સ્વીકારશે કે નહીં? અને શું મારા કામના લીધે કિંજલ પર કોઈ મુસીબત તો નહીં આવે ને?દાદાતો મારા આ નિર્ણયથી ખૂબ ખુશ થશે મમ્મી પપ્પાના ગયા પછી ફક્ત તે જ છે જે મને પૂરો સમજી શક્યા છે" વિચારતા વિચારતા સૂર્યા ઊંઘમાં સરી ગયો...
*************
સૂર્યા રોજની જેમ સવારમાં ચાર વાગ્યે ઉઠ્યો. તેને મોબાઈલ ચેક કર્યો તેમાં કોઈ મહત્વના મેસેજ નહોતા,તે કોઈને કામ વગરના મેસેજ કરતો નહીં,પણ આજે કદાચ પહેલીવાર તેને કિંજલને ગુડ મોર્નિંગનો મેસેજ નાખ્યો. તેની દૈનિક પ્રક્રીયાઓ પતાવીને ગેલેરીમાં આવ્યો અને એજ ઢબથી આકાશ તરફ જોવા લાગ્યો આજે ફરી તેને તેના મમ્મી પપ્પા યાદ આવી રહ્યા હતા.તે એ દિવસ બરાબર યાદ છે જ્યારે કેટલાક માણસોએ આવીને તેમના ઘરમાં ગોળીબાર કર્યો હતો તેના મમ્મીએ તેના જીવ માટે ભીખ માંગી હતી.ત્યારે સૂર્યા માત્ર પાંચ વર્ષનો હતો.તે કાચી ઉંમરમાં આ દુઃખની તેને ખબર નહોતી કે, માતા પિતા વગરની જિંદગી કેવી હોય છે!.તેના આંખમાંથી આંસુ અને મુખમાંથી શબ્દો સરી પડ્યા "કેવડો ત્યાગ...." તેને આજે પણ ઘણા મિશનમાં તેના પપ્પાને જીવિત કહીને ઢોંગ કરવો પડતો.તેનો તેને રંજ રહેતો.તે લગભગ એકાદ કલાક બાલ્કનીમાં બેસી તેના મનમાં જે વિચારો આવ્યા તે આવવા દીધા.થોડીવાર તેના મમ્મી પપ્પાના,તો થોડીવાર તેના દાદાના અદભુત વ્યક્તિતવના,તો કોઈવાર રશિયાના અદભુત પહાડોના,તો થોડીવાર મંત્રમુગ્ધ કરી દે તેવા વાતાવરણના,થોડીવાર કિંજલ અને ગુરુના થોડીવાર ત્રણ દિવસ પહેલા કેફેમાં મળેલી છોકરીના,થોડીવાર તેને આવેલ રહસ્યમય મેસેજના,તો થોડીવાર પેલા કેફેવાળાના,તો થોડીવાર શ્વેતા મેમ અને તેમની અનોખી ઓફીસના,તો થોડીવાર તેને લગાડેલા કેમેરાના.
તે જ્યારે બહાર આવ્યો ત્યારે ગુરુ નાહીને તૈયાર થઈ ગયો હતો અને કોમ્પ્યુટરમાં કંઈક મથી રહ્યો હતો.સૂર્યા તેના રૂમમાં પ્રવેશ્યો.
********
ક્રમશ: