Redhat-Story ek Hacker ni - 33 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 33

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 33


     રેડ હેટ:સ્ટોરી એક હેકરની
     પ્રકરણ:33

      "જો છોકરા ચાલાકી કરવાની જરૂર નથી એમ પણ હું તારી આ ગોળીથી નથી ડરતો મરશું તો બન્ને સાથે" રોકીએ કહ્યું

          સૂર્યા જાણતો હતો કે જો તે ગોળી ચલાવશે તો સામેથી રોકી ગોળી ચલાવ્યા વગર રહેશે નહીં.જો તે મૃત્યુથી ડરતો હોય તો આટલી આસાનીથી રેડહેટના સિક્રેટ વિશે કહે નહિ.આવડી મોટી ગેંગના સિક્રેટ આટલી આસાનીથી કહેવાનો મતલબ શુ થાય છે તે પોતે જાણતો હતો. તેને જરૂર કોઈ આફ્રિકાના જંગલ વચ્ચે ગીધ અને દીપડા માટે અથવા રશિયાના કોઈ ઠંડા નર્ક સમા પહાડો પર મરવા માટે મૂકી દેવામાં આવે, અને આવી ગેંગના માણસો રોકીને તેજાબમાં નાખતા પણ અટકે નહીં.તે વિચારમાંથી બહાર આવ્યો અને બોલ્યો "તું શું ઈચ્છે છે?"

           "મેં વિચાર્યું હતું કે તને ખતમ કરી નાખું પણ આ પરિસ્થિતિમાં તે શક્ય બનતું હોય તેવું લાગતું નથી તો મને જવા દે હું ફાયર નહિ કરું"

         "ઠીક છે પણ મારો ગન પોઇન્ટ તારા ઉપર જ રહેશે એટલે ચાલાકી નહિ" સૂર્યાએ કહ્યું

        "અને મારો પણ.." કહી રોકી સૂર્યા તરફ ગન રાખતો આગળ ચાલ્યો.

         સૂર્યા તેની પાછળ ચાલ્યો.તે બન્ને મુખ્યમેદાનમાં આવ્યા.ત્યાં અત્યારે કિંજલ અને બે ત્રણ માણસો સિવાય કોઈ નહોતું.કિંજલે તે બન્ને છેક નજીક આવ્યા ત્યારે જોયા તે બન્ને કિંજલને વટાવીને દૂર ગયા ત્યારે સફાળી બેઠી થઈ હતી,અને બન્નેના હાથમાં ગન જોઈ એક બાંકડા પાછળ છુપાઈ હતી,અને બીજા બે ત્રણ માણસો ત્યાં હતા તેમને પણ એક ઝાડના મોટા થડનો આધાર લઈ સંતાઈ ગયા.સૂર્યાએ કિંજલને જોઈ હતી પણ તે વાત કરી શકે તેમ નહોતો એટલે તે ત્યાં જોયા વગર આગળ વધ્યો.રોકીએ એક ચાલાકી કરવાનું નક્કી કર્યું તે આ અથવા પેલી પારનો પ્લાન હતો.તે ખૂબ ત્વરાથી નીચે નમ્યો અને ઉપર ત્રાસી ગોળી ચલાવી.સૂર્યાએ તે ધીમો પડ્યો ત્યારથી જ તેના પર શક થયો હતો.તે જેવો નીચો નમ્યો કે તરફ સૂર્યા બાજુમાં ખસીને ગોળી ચલાવી હતી આ પ્રક્રિયા એક સેકન્ડની અંદર થઈ હતી.રોકીની ગોળી કોઈને પણ વાગ્યા વગર કોલેજની બિલ્ડીંગમાં ઘુસી જ્યારે સૂર્યાની ગોળી રોકીના હાથ પર સ્પર્શીને પાછળની દીવાલમાં ઘુસી હતી.આ જોઈ કિંજલના મુખમાંથી ચીસ નીકળી ગઈ હતી.સૂર્યાએ તેની ગન તેના પેન્ટમાં ખોસી હતી અને સાથે જ રોકીને બે હાથ વડે કોલરથી પકડ્યો હતો સૂર્યાએ ખડતલને એક હાથે જ ઉંચો કર્યો હતો.સાથે જ રોકીએ તે મુક્કો ઉગામ્યો હતો.સૂર્યા તેને ખૂબ જ આસનથી રોકી શક્યો હોત પણ તેને પાછળ ઉભેલી કિંજલનો ખ્યાલ અચાનક આવ્યો હતો તેને રોકીની ગોળીથી કિંજલને કોઈ નુકશાન નથી થયુંને તે જોવા માટે પાછળ ફર્યો હતો.તેને એ જોઈ રાહત થઈ હતી કે તે એક બાંકડા પાછળ છુપાઈ હતી,પણ ત્યાંજ તેના મોઢા પર રોકીનો ચમચમતો મુક્કો પડ્યો હતો અને તેને અસહ્ય પીડા ઉપડી હતી,પણ તેના કરતાં તેનો મુખવટો ઉતરી ન જાય તેનો ડર હતો.તેના હાથમાંથી રોકી છૂટી ગયો અને પછી બંને વચ્ચે ઘણી ઝપાઝપી થઈ.તેમાં સૂર્યાનો શર્ટ થોડો ફાટ્યો હતો પણ રોકીને સૂર્યાએ ખૂબ માર માર્યો હતો.રોકી સૂર્યા પર આડેધડ વાર કરતો હતો પણ સૂર્યા તેને ઓછા પણ મર્મ સ્થાન પર જ વાર કર્યા હતા.રોકી ખૂબ ગુસ્સામાં હતો અને જ્યારે સૂર્યાએ તેના પર છેલ્લો વાર કર્યો ત્યારે તે જમીન પર પડ્યો હતો અને અચાનક તેના હાથમાં તેની ગન આવી હતી. સૂર્યાએ તે જોયું હતું અને હવે સૂર્યા પાસે બીજો કોઈ રસ્તો વધ્યો ન હતો.તેને એક પોતાની ગન કાઢી અને રોકીના માથા પર નિશાન લીધું અને ગોળી છોડી અને શું થાય છે તે જોયા વગર તે દોડ્યો અને ગાડીમાં બેસી બોલ્યો"ગુરુ હું તને બધું જાણવું છું,પણ અત્યારે ગાડી હું કહું તે તરફ લે અને જરા સ્પીડમાં નહિતર પછી કોર્ટ પહોંચવામાં મોડું થશે."

            આ તરફ ગોળી રોકીના માથા પર વાગી હતી.તે થોડીવાર કણસ્યો હતો પણ તેને દર્દ અનુભવાતું નહોતું કેમ કે ગોળીએ તેના બ્રેઇનના પેઈન રિસેપટર એરિયાને ડેમેજ કર્યો હતો.તે વગર દુઃખે કણસી રહ્યો હતો.તેની સામે તેનું આખું જીવન એક રીલની માફક આવતું ગયું અને પછી તે એક ખૂબ મોટા શ્વાસ સાથે શાંત થયો.પેલા બે ત્રણ જણા અને કિંજલ નજીક આવ્યા અને તેમને પોલીસને કોલ કર્યો.વિક્રમ અત્યારે કોર્ટ જવાની તૈયારી કરતો હતો.તેને કોલેજ રસ્તામાં જ પડતી હતી એટલે તેને ત્યાં જઈ આવવાનું વિચાર્યું.તે પહેલેથી જાણતો હતો કે શું થયું હશે, પણ જે રીતે ફોન કરેલા માણસે વાત કરી કે તેનું મર્ડર કોઈ યુવાને ઝપાઝપી દરમિયાન કર્યું છે.ત્યારે તે સમજી ગયો કે સૂર્યા પાસે કોઈ ઓપશન નહીં વધ્યો હોય એટલે જ તેને આમ કર્યું હશે.તે જ્યારે કોલેજ પહોંચ્યો ત્યારે ફોરેન્સિક ટીમ ત્યાં પહોંચી ચુકી હતી અને આથી તેને ગોહિલને બધું સમજાવીને કોર્ટ માટે નીકળી ગયો.એ જ સમયે આરવ ત્યાં ગાડી લઈને પહોંચ્યો હતો.તે આ ધમાચોકડી જોઈને સ્તબ્ધ બન્યો હતો.બોડી ફોરેન્સિક એમ્બ્યુલન્સમાં ચડાવી દેવાયું હતું એટલે તેને કાઈ વધારે સમજાયું નહીં.તે કિંજલ પાસે ગયો અને બોલ્યો "શુ છે આ બધું કિંજલ?" 

         "તને બધી ખબર પડી જશે પણ અત્યારે અહીંથી ચાલ" કિંજલે કઈક રુક્ષ સ્વરમાં કહયુ. 

      "હા હા જઈએ પણ..." આરવે કહ્યું,રિયા તો હજી લોકોના ઉમટાયેલા ટોળાને જ જોઈ રહી હતી.

         "તું આવે છે કે પછી હું રીક્ષામાં જતી રહું" કિંજલે ચાલતા કહ્યું.

           આરવને ખ્યાલ આવ્યો કે જરૂર કંઈક ખોટું થઈ રહ્યું છે પણ તે સમજી ન શક્યો અત્યારે તેની પાસે કિંજલની વાત માનવા સિવાય કોઈ રસ્તો નહોતો.

**************

            સૂર્યાએ ગુરુને બધી વાત કહી હતી. ગુરુ માટે કઈ મોટી વાત નહોતી પણ આ રોકી ખૂબ મહત્વનો માણસ હતો અને તેને તે જીવતો હાથમાં ન આવ્યો તેનો રંજ હતો.ગુરુએ અત્યારે શહેરની વિખ્યાત નદી 'રૂપેણ' ના કાંઠે ઉભો હતો તે હકીકતમાં ઓવરબ્રિજ પર હતા. સૂર્યાએ નિખિલનું મુખવટુ હાથમાં લીધું અને તેને સળગાવ્યું.તે સળગતું હતું તે દરમિયાન તેને ગાડીમાં જઈ કપડાં બદલ્યા તેને તેમાં રહેલી પેનડ્રાઇવ કાઢી ખીસામાં મૂકી અને કાઢેલા કપડાં પણ તેને સળગાવી દીધા અને બધું વ્યવસ્થિત સળગ્યા પછી તે રાખને રૂપેણ નદીના સ્વચ્છ જળમાં હોમી દીધી.

        ગુરુ આ દ્રશ્ય ગાડીના બોનેટ પર બેસીને જોઈ રહ્યો હતો.તેને પૂછ્યું "ભૈયા ઇતિહાસમાંથી અથવા માયથોલોજિકલ પાત્રો માંથી આઈડિયલ કોણ?"

          "રાજા યુધિષ્ઠિર અથવા ધર્મરાજા" સૂર્યાએ ટૂંકમાં જવાબ આપ્યો.

          "પણ એવું કેમ?" ગુરુએ પૂછ્યું.

        "કારણકે અધર્મની સામે લડવું એ અલગ વાત છે પણ સત્ય ચુક્યા વગર અધર્મની સામે લડવું ખૂબ અલગ વાત છે.તેના માટે હાર્યા પહેલા હારવાની તૈયારી રાખવી પડે.ધર્મરાજા પોતાના પહેલા દુર્યોધન વિશે વિચારતા,કે મારા ભાઈને કોઈ અન્યાય ન થાય.જ્યારે જયદ્રથ દ્રૌપદી હરણ કરવા આવ્યો ત્યારે તેમને દ્રૌપદી કરતા જયદ્રથની વધુ ચિંતા થઈ હતી અને એજ રીતે માફી માંગવી એ કદાચ મોટી વાત ન હોય પણ તમે પૂરતા કાબીલ હોય તેમ છતાં માફી માંગવી એ બહુ મોટી વાત છે.એક યુદ્ધ અને ચોરીયસી હજાર દેશનું રજવાડું હાથમાં હતું તેમ છતાં દુઃખ ભોગવીને વનમાં જવું કોઈ નાની વાત નથી.બીજી તરફ આપણે એક કેસને પાર પાડવામાં તે ગેંગમાં જેટલા લોકો નથી હોતા તેટલી વખત તો ખોટું બોલીએ છીએ અને અત્યારે પણ જો આ નદીને ગંદી કરી રહ્યા છીએ. હું તેમના જેવો બનવા માંગુ છું પણ સમજાતું નથી કે કઈ રીતે હા સંપૂર્ણ તો નહીં જ બની શકું પણ ફક્ત બે ટકા!!" સૂર્યાએ કહ્યું

            સૂર્યા અટક્યો ત્યારે તેના મોબાઈલ પર એક કોલ આવ્યો.તે કોલ કિંજલનો હતો.તેને ફોન રિસીવ કર્યો અને બોલ્યો "હાલો"

      "હાલો સૂર્યા કયા છો" સામેથી સહેજ આંસુ મિશ્રિત ગુસ્સાયુક્ત અવાજ આવ્યો.

       "બસ ઘરે જ છું હવે નીકળું છું હું કોર્ટ માટે" સૂર્યાએ કહ્યું

        "તું કોર્ટમાં આવ એ પહેલાં હું અહી બહાર ઉભી છું કોર્ટની સામે એક નાનું પ્લેગ્રાઉન્ડ છે ત્યાં આવવાનું છે." કિંજલે કહ્યું

       "પણ કિંજુ શુ થયું યાર?" સૂર્યાએ પૂછ્યું

        "સવાલ હું પૂછીશ,તું નહિ અને જો તું વિસ મિનિટમાં નહિ આવે તો આ આપણી છેલ્લી વાત હશે.એમ પણ મમ્મી મને કોલેજ છોડવાનું કહેતા જ હતા હું લોસ એન્જેલ્સ જતી રહીશ" કિંજલે કઈક ગુસ્સાયુક્ત આવજે કહ્યું.

         "ના કિંજલ એવું કશું કરવાની જરૂર નથી હું પહોંચું છું" સૂર્યાએ કહ્યું અને કિંજલે કોલ કટ કર્યો.

          "શુ થયું ભૈયા?" ગુરુએ કહ્યું

          "કિંજલનો કોલ હતો" સૂર્યાએ કહ્યું

         "ઓહ હો એમાં શું થયું પણ ભૈયા હમણે તું કહેતા હતો કે મારે ધર્મરાજા જેવું બનવું છે ને અત્યારે જ ખોટું બોલ્યો કે હું ઘરે છું" ગુરુએ હસતા હસતા કહ્યું.

      "અરે તો યાર એને એમ થોડો કહું કે રૂપેણના કાંઠે કપડાં સળગાવું છું.કેટલું અજીબ લાગે ને?અરે અજીબ છોડ એના પછીના જવાબો કેમ આપવા પણ હા હસવા જેવી વાત નથી મને લાગે છે કે તેને ખબર પડી ગઈ છે કે રોકી પર ગોળી ચલાવનાર હું જ હતો" સૂર્યાએ કહ્યું.

        "વોટ પણ કઈ રીતે" ગુરુએ બોનેટ પરથી કૂદકો મારતા કહ્યું.
  
         "એ હું નથી જાણતો" સૂર્યાએ કહ્યું.

        "તો ભૈયા તું તેને બધી હકીકત કહી કેમ નથી દેતો ભવિષ્યમાં તમે લગ્ન કરવાના છો એક દિવસતો તારે કહેવું જ પડશે ને?" ગુરુએ કહ્યું.

         "એ વાત તો સાચી છે પણ હું ખાતરી કરી લઈશ કે તેને સાચે વાત ખબર પડી છે કે નહીં.જો ન પડી હોય તો હું તેને હાલ પૂરતું કાઈ નહિ કહું કેમ કે તે એમ પણ ટેંશનમાં છે થોડા દિવસ પછી કહીશ"સૂર્યાએ કહ્યું.

         "અને જો ખબર પડી ગઈ હશે તો?" ગુરુએ કહ્યું.

           "તો સૂર્યાનો રહસ્યમય ઇતિહાસ વધુ ચાર લોકો એટલે કે કિંજલ,રિયા,આરવ અને ઈન્સ્પેકર વિક્રમ સમક્ષ રજુ થશે" કહી સૂર્યા ગાડીમાં બેઠો.

*******

ક્રમશ: