કાળી અંધારી રાત થઈ ચુકી હતી. સોમનાથના લોકો દરિયાના ઘુઘવાટા મોજાંઓનાં અવાજો સાથે મીઠી નિંદરમાં ગરકાવ થવાની તૈયારીમાં હતાં. ટેન્શન મુક્ત રહેનાર લોકો તો નિંદર સાથે દોસ્તી કરી પણ લીધી હતી. આ સોમનાથમાં આવેલાં નાના મોટાં ઘરોમાં પ્રવિણનું ઘર હજું ચિંતાઓથી ઘેરાઈને જાગી રહ્યું હતું. હેતલ તેનાં રૂમમાં રવિનો હાથ પકડીને સવારથી તેની અને વત્સલ સાથે બનેલી ઘટનાનું વર્ણન કરીને રવિને અલગ થવાં માટે ઉશ્કેરી રહી હતી, તો બીજી તરફ પ્રવિણ તેના રૂમમાં પારુલનાં પૂછાયેલાં સવાલ સામે એક નવો સવાલ પારુલ સામે લાવીને ઊભો કરી દીધો.
"મે તને જે સવાલ પૂછ્યો એ જ તારાં સવાલનો જવાબ છે. જો તું મારાં એ સવાલનો જવાબ આપી દઈશ, તો મને એમ લાગશે કે દૂનિયાથી મને વધુ સમજનારી એ મારી પત્નીની સાથે મારી પ્રેયસી બની ગઈ છે."
"જુઓ, તમારું આ તત્વચિંતન તમે જ જાણો. હું દસ ચોપડી ભણેલી છું. તમે તો સરકારીનાં મોટાં હોદ્દા પર બિરાજમાન છો. તમારી નીચે સેંકડો લોકો કામ કરનાર છે અને મારે તો હેતલની સાથે દરેક કામમાં સાથ આપવો પડે છે. તમે જ કહી દો કે તમને હજી મારી પાસેથી એવી કઈ ફરિયાદ છે કે તમારે મારી સામે મૌન ધારણ કરવું પડે છે ? આટલાં વર્ષોમાં તમને અને તમારાં ઘરને સાચવવાં માટે જો કાંઈ ઉણપ રહી ગઈ હોય તો મને માફ કરી દો પણ તમારી આ ચૂપી મારી આત્માને અંદરને અંદર કોરી ખાય છે."
પારુલ છેલ્લું વાક્ય બોલીને ભાવુક થઈ ગઈ અને પ્રવિણ સામે બે હાથ જોડીને માફી માંગવાં લાગી. પારુલનું આમ માફી માંગવું પ્રવિણને પસંદ ના આવ્યું. તેણે પારુલનાં બન્ને હાથ પકડીને નીચે મુકી દીધાં. પારુલને પોતાની છાતી સરસી ચાંપીને લાગણીની હૂંફ આપવાં લાગ્યો.
"પારુલ, માફી તો મારે તારી માંગવી જોઈએ. અરે તે મારાં જેટલું કર્યું એનો ઉપકાર તો હું કોઈ જન્મ ચુકવી નહિ શકું. તું મારાં જીવનમાં એ સમયે આવી, જ્યારે મારા જીવનમાં ચારેય તરફ અંધકારનાં વાદળો ઘેરાયેલાં હતાં. મારી સાથે બનેલી ઘટનાને કારણે મારો એક ચહેરો દાઝી ગયો અને ઉપરથી પિતા ના બનવાની વેદના મારાં અંતરમનમાં રોજ એ ઘાવને તાજો કરી જતી હતી. ચહેરાં પરનો દાઝેલો ઘાવ રૂઝાઈ ગયો પણ જે ઘટનાને કારણે ઘાવ થયો એ હજું મે તારી સામે અકબંધ રાખેલો છે."
"આ રુમની અંદર આવીને જ્યારે આ ઘાવને જોઉં છું ત્યારે એ ઘટના મારી નજર સામે આવી જાય છે. મને માફ કરી દેજે પારુલ મે તને પત્નીનાં દરેક હક આપ્યાં પણ એક પુરુષનાં હૃદયમાં તેની પ્રેયસીનું એક અલગ સ્થાન હોય એ હું તને આપી ના શક્યો. તું રવિને લઈને આ ઘરમાં આવી એ સાથે મને પતિ અને એક પિતા બનવાનો દરજજો આપ્યો. તેનાં માટે હું આજીવન તારો ઋણી રહીશ."
"મારી સરકારી નોકરીને કારણે તને જેટલો સમય આપવાનો હોય એટલો સમય પણ હું તને ફાળવી ના શક્યો. દરેક સ્ત્રીનાં અરમાન હોય છે કે તેનો પતિ તેનાં માટે કાંઈક ખાસ કરે. તારાં માટે મે કશું ખાસ કર્યુ નથી તે છતાં આટલાં વર્ષોમાં તે એક ફરિયાદ મને કરી નથી. ખરેખર, તું ખૂબ મહાન છે."
"હું પૂરો દિવસ મારાં કામમાં અટવાયેલો રહું છું. શરીરથી વ્યક્તિ થાકતો નથી પણ માનસિક રીતે ખૂબ થાકી જાય છે. આવી વ્યક્તિની વચ્ચે હું પણ આવી જાવ છું. રૂમની બહાર લોકોની સામે ખુશ રહેવાનું નાટક કરનારો અંદરથી એટલો ભાંગી ચુકેલો છે. એ ઘટના ના ભૂલવાનાં કારણે ક્યાંક હું તને અન્યાય કરતો રહું છું. એવું મારું અંતરમન કહ્યું રહ્યું છે. ક્યારેક એમ થાય છે કે તું મારી મૌન ભાષાને સમજી જા. હું તને જે નથી કહી શકતો એ મારી આંખો વાંચીને સમજી જા. દરેક વખત મને એક આશા હોય છે કે તું ક્યારેક તો મારી આંખો વાંચવામાં સફળ થઈશ. એટલી વખત હું મારી જાતથી હારી બેસું છું."
પ્રવિણે પારુલને થોડાકમાંથી વધુ કહી દીધું. પારુલને પ્રવિણનાં સવાલની સાથે એનાં સવાલનો પણ જવાબ મળી ગયો. એ પ્રવિણથી અળગી થઈ અને પ્રવિણનાં હોઠ પર પોતાનો હાથ રાખીને તેને ચૂપ કરાવી દીધો.
"બસ, બહું બોલી લીધુ તમે અને ઘણું સાંભળી લીધું મે. પહેલી વાત એ કે મે તમને તમારાં ચહેરાં પરનાં ઘાવ વિશે એકવાર પૂછેલું હતું, એ દિવસે તમે મને એમ કહ્યું હતું કે સમય આવે તમે મને સામેથી જણાવી દેશો. એ દિવસથી લઈને આજ સુધી હજું મે તમને કોઈ દિવસ સવાલ કર્યો નથી અને રાહ જોઉં છું કે ક્યારે તમે મને આ ઘાવની હકીકત જણાવશો ?"
"તમે મને લગ્ન કરીને એક પત્ની તરીકે આ ઘરમાં લઈ આવ્યાં. મારી સાથે તમે રવિને સ્વીકારવા માટેની માનસિક તૈયારીઓ બતાવી. આ ઘરમાં મને હંમેશા એક મહારાણીનું સ્થાન આપ્યું. હું કોઈ તકલીફમાં મુકાઈ છું, એ ક્ષણે હંમેશા તમે મારી પાસે ઊભા રહ્યાં છો. રવિને નવી જોબ ચાલુ કરવી હતી તો તમે તમારી ફે.ડી. તોડાવી નાખી. તેનાં કરિયર માટે તમે લોનનાં હપ્તા ભરવા માટે તૈયાર થઈ ગયાં. વર્ષોથી હું આ ઘરને પ્રેમ અને લાગણીનું સિંચન કરતી આવી છું. એ ફક્ત તમારાં સાથ સહકારને કારણે જ મારાં માટે શક્ય બન્યું છે."
"સ્ત્રીઓ હંમેશાં એમનાં પતિને ફરિયાદ કરતી આવી છે. હજું પણ આ યુગમાં કરે જ છે કે તમે મને કોઈ દિવસ નહિ સમજો. અરે, એક પુરુષ સ્ત્રીનાં હૃદયને જેટલું સારી રીતે સમજતો આવ્યો છે એટલી તો સ્ત્રીની ઔકાત નથી કે એ એક પુરુષની આંખોને વાંચી શકે !"
"તમે મને એક પત્નીનાં દરેક હક અને ફરજો નિભાવવાનાં હક આપ્યાં છે. તમારાં ઉપકાર નીચે તો હું દબાયેલી છું. વર્ષો સુધી એક ઘરની છત નીચે અને એક કમરાની ચાર દિવાલમાં કેદ થઈ ગયાં પછી હું તમારાં અંતરમનને સમજવાં માટે નિર્થક નિવડી તો એમાં ભુલ મારી કહેવાય. તમારી સાથે આ પરિવારને સાચવવામાં કદાચ તમારાં હૃદય સુધી પહોંચવામાં હું નાકામ નિવડી છું."
"બની શકે તો તમે મને માફ કરી દેજો. રવિ સાથે જોડાયેલ તેનાં લોહીનાં સંબંધનાં પિતાએ મને તરછોડી દીધી હતી. કોઈ સાથ આપવાં તૈયાર હતું નહિ ત્યારે તમે આગળ આવીને મારો હાથ પકડ્યો હતો. તમારાં હૃદય સુધી ના પહોંચવાનું એક કારણ કદાચ એ પણ હોય શકે. હું તમને મારી નજરમાં એક પ્રેમી નહિ પણ એક દેવતા માનું છું. દેવતાની તો હંમેશા પૂજા કરવાની હોય. તેનાં પર એક પ્રેયસી બનીને હક જતાવવાનો ના હોય."
"ભવિષ્યમાં જો તમારે મને પત્ની કરતાં વિશેષ કોઈ દરજ્જો આપવો હોય તો મને તમારી દોસ્ત બનાવીને રાખજો. પ્રેયસી બનીને હું તમારી પાસે અપેક્ષાઓ અને હક સિવાય બીજું કશું નહિ રાખી શકું. એક દોસ્તીનો એવો નિસ્વાર્થ સંબંધ છે કે તેને અપેક્ષા વગરનો સંબંધ નિભાવવામાં આવે છે." પારુલે એટલી જ સરળતાથી પ્રવિણ સામે પોતાની લાગણીને જાહેર કરી.
"તું ખોટું બોલવામાં અવ્વલ છો ! કહેવું પડે તને હો." પ્રવિણની વાતમાં નિખાલસતા આવી ગઈ તો જાણે ! રૂમમાં આનંદની ટકોર થઈ.
"હું તમારી સાથે કઈ વાતનું ખોટું બોલી ? ચોખવટ કરો તો ખબર પડે." પારુલની સમજણથી હજું બહાર હતું.
"એ જ કે તું દસ ચોપડી ભણેલી છે. અરે, તારામાં જેટલું જ્ઞાન છે એટલું બેરિસ્ટર કરેલ વ્યક્તિમાં ના હોય. હું સોમનાથ દાદાનો આભારી છું કે તું મારાં જીવનમાં પત્ની બનીને આવી છો." પ્રવિણની વાતથી પારુલનાં ચહેરા પર મુસ્કાન આવી ગઈ.
પ્રવિણ અને પારુલે એ પછી અહીંતહીંની વાતો કરી. સવારે હેતલે અલગ થવાનો વિચાર કર્યૉ એ પણ પારુલે પ્રવિણને કહી દીધું.
"કંઈ પણ થાય હું રવિ અને હેતલને આ ઘરથી અલગ નહિ કરું. " પારુલ એનાં ફેસલાથી મક્કમ હતી.
એ ક્ષણે એ જ ઘરનાં બીજાં રુમમાં હેતલ બોલી, "મારો ફેસલો અડગ છે. કાંઈ પણ થાય હું વહેલી તકે આ ઘરથી અલગ થવાં માંગું છું."
એક ઘરની છત નીચે રહેતાં સભ્યોમાં વિચારોમાં ઘણી વિભિન્નતા હતી. દરેક સભ્યો સોમનાથ દાદાનું નામ લઈને સુઈ ગયાં. હવે સોમનાથ દાદાને નિર્ધારિત કરવાનું હતું કે, એ કોની વાતને સમર્થન આપીને સાથ આપશે !
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"