Aekant - 22 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 22

Featured Books
Categories
Share

એકાંત - 22

પ્રવિણ હાર્દિક અને રાજ સાથે વેરાવળના દરિયાકિનારે ફરવા નીકળી ગયા હતા. રસ્તામાં ભાલ્કા તીર્થ આવતા તેઓ શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે મંદિરમાં સ્ટોપ કર્યું હતુ. રાજે મંદિરના પ્રાંગણમાં પગ મુકતા જ પ્રવિણ અને હાર્દિક પાસે પોતાના કરિયર વિશે વાત કરી હતી એ સાવ ખોટી હતી. જેની કબુલાત એણે કોઈ પણ શરમ વિના કરી લીધી હતી.

પોતે માંડ દસ પાસ હતો અને ખોટું બોલ્યો કે એ ગ્રેજ્યુએટ છે. એ વાત જાણીને પ્રવિણ એને માફ કરશે કે નહિ. એની ચિંતા રાજના ચહેરા પર વર્તાઈ રહી હતી.

"પ્રવિણકાકા, તમે મને એકવાર તો કહો કે તમે મને માફ કર્યો." પ્રવિણ અને હાર્દિકને આગળ જતા જોઈને પાછળથી રાજ બોલ્યો. 

પાછળથી રાજનો અવાજ સંભળાતા પ્રવિણે પાછું વળીને એની સામે જોયું.

"જો રાજ, તે કાંઈ પણ છુપાવ્યું એ આ પવિત્ર મંદિરની અંદર આવીને ચોખવટ કરી દીધી. મને તારા પર ગુસ્સો હોય તો મેં તને ક્યારની સજા પણ સંભળાવી દીધી હોત. તારી આ સાચા બોલવાની દિલદારી જ મને ખૂબ ગમી ગઈ. આવું વ્યક્તિ ત્યારે જ કરે છે જ્યારે એ સામે વાળાને પોતાનો ખાસ હિતેચ્છુ કે મિત્ર માની બેઠો હોય. તું મને તારી નજરમાં તારો મિત્ર કે સારો હિતેચ્છુ ગણે છે, એ જ મારા માટે ભાગ્યની વાત છે."

"એટલે શું તમે મને માફ કરી દીધો?" પ્રવિણની વાત સાંભળીને રાજ હરખાઈ ગયો.

"એ પણ કાંઈ કહેવાની વાત છે પણ હા હવે હું તારો મિત્ર બનવા માંગુ છુ, તો આજથી તું મારી સામે કોઈ વાત છુપાવતો નહિ. હું તને તારા ભવિષ્ય વિશે સલાહ આપું એ તારે માનવી જોશે. બોલ, તને મારી સાથે દોસ્તી કરવી મંજુર છે?"

પ્રવિણે પોતાનો જમણો હાથ રાજ સામે લંબાવી દીધો અને દોસ્તી માટે તેની સામે ખુલ્લું પ્રપોઝલ મુકી દીધું. પ્રવિણ માટે જગ્યા પણ એવી નસીબદાર મળી ગઈ હતી. જ્યાં સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન સુદામા, અર્જુન અને દ્રોપદી સાથે કરેલી દોસ્તી માટે હજુય જાણીતા છે. એમના ચરણની અંતિમ રજથી જે જગ્યા પવિત્ર બની ગઈ એ જગ્યા રાજ માટે પોતાના જીવનની નવી રાહ પર લઈ જવા તૈયાર થવાની હતી.

પ્રપોઝલ એ પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે એક પ્રેમી એના પ્રેમિકા સમક્ષ મુકે એ નથી હોતું. જ્યાં બે હૃદયની લાગણીઓ એક થઈ ગઈ હોય ત્યાં એના હૃદય સુધી પહોચવા માટે દોસ્ત પાસે પ્રપોઝલ મુકી શકાય છે. જેમાં રંગ, રૂપ, ઉંમર કે અમીરી - ગરીબી કશું જોવા મળતું નથી.

પ્રવિણે હાથ લાંબો કરી દીધો. રાજને વિચારવાનું હતું કે એને પ્રવિણે મુકેલો પ્રપોઝલ સ્વીકારવો જોઈએ કે નહિ. થોડોક વિચાર કરીને રાજે પ્રવિણના હાથ પર પોતાની હથેળી મુકી દીધી. રાજે એની ઉંમરના ત્રણ ગણા વ્યક્તિને દોસ્ત તરીકે સ્વીકાર કરી લીધો. એ જાણીને પ્રવિણ ખૂબ આનંદિત થઈ ગયો.

"ધીસ ઈઝ નોટ ફેર. તમે બન્ને દોસ્ત થઈ જશો તો હું એકલો પડી જઈશ."

"આવોને હાર્દિકભાઈ, તમને અલગથી આમંત્રણ ના હોય."

પ્રવિણે હાર્દિકને પોતાની દોસ્તીમાં સામિલ કરવાની મંજુરી આપી દીધી. હાર્દિક પ્રવિણ અને રાજની દોસ્તીનો પ્રપોઝલ સ્વકાર કરે એ પહેલા એણે બે શરત રાખી.

"દોસ્તીમાં શરતો ના હોય. હા પણ એક વિશ્વાસ જરૂર હોય છે કે કોઈ એક દોસ્તને તકલીફ આવે તો બીજો દોસ્ત એની પડખે એક ભાઈ બનીને જરૂર ઊભો રહેશે. હાર્દિકભાઈ, તમારી દરેક શરતો મને મંજુર છે."

પ્રવિણના પૂછવાથી હાર્દિકે પહેલા રાજ સામે જોયું પછી પ્રવિણ સામે જોતા એની બન્ને શરતો વારાફરતી કહેવાની ચાલું કરી.

"મારી પહેલી શરત એ છે કે આજથી તમે મને ભાઈ કહીને નહિ બોલાવો અને બીજી શરત એ છે કે હું અને રાજ તમારી પાસે કાંઈ છુપાવશું નહિ પણ તમારે તમારી સાથે ખરાબ વિતી ગયેલ અતિતમાં અમને સહભાગી બનાવવો પડશે. તકલીફો કહેવાથી ઓછી થાય છે. ખરો મિત્ર એ જ કહેવાય કે એ એના મિત્રની તકલીફોને સમજીને એના દુઃખનો ભાગ પાડી શકે."

હાર્દિકે પ્રવિણના ખભે હાથ રાખીને પ્રવિણના ચહેરા પર એના ભુતકાળને ગમછાથી ઢાંકેલ હતો એ તરફ જોવા લાગ્યો. પ્રવિણને પારુલની કહેલી વાત યાદ આવી ગઈ.

"એક દોસ્તીનો એવો નિ:સ્વાર્થ સંબંધ છે કે એને અપેક્ષા વગરનો સંબંધ નિભાવવામાં આવે છે."

પ્રવિણ પારુલની વાતોમાં ખોવાઈ ગયો. રાજે ચપટી વગાડી ત્યારે પ્રવિણ વિચારોમાંથી બહાર આવ્યો.

"તમે મહોદય સાહેબ, હવે શું વિચાર કર્યો છે. તમે તમારા દુઃખમાં અમને સહભાગી કરશો?"

બીજીવાર હાર્દિકનાં પૂછવાથી પ્રવિણે હકારમાં માથુ હલાવ્યું. હાર્દિક ખુશ થતા રાજના હાથ પર પોતાની હથેળી મુકી દીધી. ત્રણેય મિત્રોએ એમની દોસ્તીનું નામ ત્રિપુટી રાખી દીધું અને એકબીજાને ગળે વળગી પડ્યાં.

ત્રિપુટીને એવી જાણ હતી જ નહિ કે એમની દોસ્તમાં ખાસિયત હતી. ઉંમર અને લોકેશન સાથે તેઓ ત્રણ દિશાઓથી આવીને એક થયા અને ઉંમરમાં હાર્દકની ઉંમર પ્રવિણની ઉંમર નજીક હતી. રાજ અને હાર્દિકની ઉંમર વચ્ચે ઘણો તફાવત હતો.

દિશાઓ ત્રણ હોતી નથી. દિશાઓ ચાર હોય છે. હજી એક દિશાનો ખુણો ખાલી રહી ગયો હતો. એમ જ ત્રિપુટીમાં જોડાવવા માટે હજું એક દોસ્ત આવવાનો બાકી હતો જે બહુ જલ્દી એમની દોસ્તીના નામને બદલી નાખવાનો હતો.

ત્રિપુટી નવા દોસ્તથી અજાણ થઈને ભગવાને આપેલ દોસ્તો માટે આભાર માનીને વેરાવળના દરિયાકિનારે જવા નીકળી ગયા. આ સાથે તેઓ કારમાં દોસ્તીને વધાવતા સોલે મુવીનું અમિતાભ અને ધર્મેન્દ્રનુ સોન્ગ જોરથી ગાવવા લાગ્યાં.

"યે દોસ્તી હમ નહિ તોડેંગે, 
તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે."

"હાર્દિક્યા, તને નથી લાગતુ હવે આપણા આ વીરુ માટે બસંતી શોધવી જોશે."

હાર્દિક અને પ્રવિણની વચ્ચે બેસેલા રાજના માથામાં ટપલી મારતા પ્રવિણ બોલ્યો.

"ગબ્બરની સામે નાચી શકે એવી બસંતી મળવી મુશ્કેલ છે. જે દરિયાકિનારે જઈએ છીએ, એ દરિયાકિનારે આપણા વીરુને નચાવી શકે એવી લેટેસ્ટ બસંતી તો આપણને જરુર મળી જશે."

હાર્દિકની વાતથી પ્રવિણ અને રાજ બન્ને હસવા લાગ્યા. 

"મારી ચિંતા છોડો. મારે હજી જીવવું છે."

"તો બસંતી આવ્યા પછી કાંઈ તારુ જીવવાનુ બંધ નહિ થઈ જાય."

"તમારી પાસે એવી બસંતી જો આવશે તો નક્કી મારુ જીવવાનું બંધ થઈ જશે."

રાજે અજાણતા હાર્દિકને તકલીફ પહોચે એવી વાત કહી દીધી. હાર્દિકનો મસ્તી વાળો મૂડ થોડોક દુઃખી થઈ ગયો. પ્રવિણે રાજને કોણી મારતા ઈશારેથી હાર્દિકની માફી માંગવાનું સુચવ્યું.

"હાર્દિક કાકા, આઈ એમ સોરિ. મસ્તીમાં મારાથી બોલાઈ ગયું. તમને મારી મસ્તીથી દુઃખ પહોચ્યું હોય તો મને માફ કરી દેજો."

હાર્દિકે કારની બારી સામે નજર રાખીને રાજ સાથે વાત કરવાની શરુઆત કરી, "દુઃખ તો લાગે જ ને હવે તું મારી માફી માંગે છે. એ જો બસંતી જેવી સ્માર્ટ અને સુંદર હોય તો દુઃખ લાગે પણ એનામાં બસંતી બને એવો કોઈ ગુણ હતા નહિ તો કેમનું દુઃખ લાગે. આવી લેડિઝ આપણા જીવનમાંથી જલ્દી જાય તો આપણે જીવનનો આનંદ તો માણી શકીએ."

હાર્દિકના બોલવાથી એના ચહેરા પર હાસ્યની રેખા ઊપસી આવી. હાર્દિકને હસતા જોઈને રાજ અને પ્રવિણે રાહતનો શ્વાસ લીધો. 

"એટલે તમને મારી વાતનું ખોટું નથી લાગ્યું?"

"ના મને તો તારી મસ્તીનું કોઈ ખોટું લાગ્યું નથી. ઉલ્ટાનું હું તમારી મસ્તી કરવા માટે સેડ મોઢું કરી રાખ્યું હતું."

હાર્દિકની વાતોમાં નિખાલસતા ભરેલી હતી. એણે હવે એના જીવનની વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. એણે સકારાત્મક અભિગમ જાળવી રાખ્યો હતો. ભગવાને જે આપ્યું અને એની પાસેથી જે કાંઈ છીનવી લીધું હતું. એમાં જ ભગવાનની કોઈ ભલાઈ છુપાયેલી હોય એવું માની લીધું.

એક દીકરાનું દુઃખ હતું કે એનો અંશ હોવા છતાં એની પાસે નથી પણ એક આત્મસંતોષ પણ હતો. એ જ્યાં પણ છે એ સહી સલામત હતો.

ત્રિપુટી કારમાં મસ્તી કરતા દરિયાકિનારે આવી પહોચ્યા હતા. જ્યાં એમનો નવો દોસ્ત એક એની નવી પીડા સાથે એની રાહ જોઈ રહ્યો હતો.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"