પાંચ દિવસ માટે રિમાનાં મમ્મી - પપ્પા કામ માટે ગામડે નીકળી ગયાં. ત્યાર બાદ, રિમા હાર્દિકનાં ઘરે રહેવાં આવી ગઈ. હાર્દિકે અનિચ્છાએ રિમાને ઘરમાં રહેવાની મંજુરી આપી દીધી. રિમાએ હાર્દિકનાં ઘરમાં પગ મુકતાં એનાં દાવ રમવાનાં ચાલું કરી દીધાં.
અડધી રાત્રે હાર્દિકનાં રૂમનો દરવાજો ખખડાવાનો અવાજ આવવાં લાગ્યો. રિંકલે હાર્દિકને ઊભા થઈને દરવાજાની બહાર કોણ નોક કરે છે ? એ જોવાં મોકલ્યો. હાર્દિકે ઊભા થઈને રૂમનો દરવાજો ખોલ્યો તો એની આંખો ફાટીને ફાટી રહી ગઈ.
રેશ્મી કાપડ પર ડાર્ક બ્લુ કલરનો શોર્ટ અને એ જ કલરનો શર્ટ પહેરેલ રિમા હાર્દિકની નજર સામે હતી. તેનાં સોલ્ડર સુધીનાં વાળ એણે ખુલ્લાં રાખ્યાં હતાં. રિમા એક નજરે હાર્દિક સામે જોવા લાગી. હાર્દિકે એની નજર રિમા પરથી હટાવી લીધી.
"કોણ બહારે ઊભું છે ?" રિંકલે બેડ પર બેઠાં - બેઠાં સવાલ કર્યો.
હાર્દિક રિંકલને એનાં પૂછાયેલાં સવાલનો જવાબ આપે એ પહેલાં રિમાએ હાર્દિકને હળવેકથી ધક્કો મારીને રૂમની અંદર પ્રવેશ કર્યો.
"દીદી ! એ રૂમમાં ઉંદર છે. મને ઉંદરની બહુ બીક લાગે છે. મને ત્યાં નિંદર આવશે નહિ. મને કાંઈક પાથરવાનું આપો તો હું બહાર હોલમાં સુઈ જઈશ."
રિમાની વાત સાંભળીને હાર્દિક કબાટમાંથી રિમાને આપવાં પથારીની વ્યવસ્થા કરવાં લાગ્યો.
"તમે કબાટ ખોલીને શું કરો છો ?" રિંકલે હાર્દિકને જોતાં સવાલ કર્યો.
"રિમાને સુવાં માટે ગાદલું લઈ રહ્યો છું."
"અડધી રાત્રે તમારું છટકી ગયું લાગે છે ! રિમા બહાર હોલમાં નીચે સુઈ જશે તો સારું નહિ લાગે." રિંકલે રિમાની સામે જોતાં કહ્યું : "રિમા, તું એક કામ કર. અહી મારાં બેડ પર સુઈ જજે. તને બેડ વિના નિંદર નહિ આવે."
"દીદી, મારું અહીં સુવું એ યોગ્ય નહિ લાગે. હું મેનેજ કરી લઈશ."
"મેં તને કહ્યું ને કે તારે એકલાં બહાર નથી સુવું. આવ, મારી સાથે સુઈ જા."
રિંકલનાં આગ્રહની રાહ જોતી રિમા હાર્દિક સામે ત્રાસી આંખે જોતી પોતાની બહેન પાસે જઈને બેસી ગઈ. તેણે પોતાનો જમણો પગ ડાબા પગ પર ચડાવીને હાર્દિકને એની પાસે બેસવાનો ઈશારો આપી દીધો.
"રિંકલ ! આ રિમા અહીં આપણાં રૂમમાં સુઈ જશે તો હું ક્યાં સુવીશ ?" હાર્દિકે એનાં ગુસ્સાનાં ભાવને કંટ્રોલ કરતાં બોલ્યો.
"જીજાજી ! બેડ બહું મોટો છે. તમે મારી સાથે...
આઈ મીન અમારી સાથે દીદીની પહેલી સાઈડ સુઈ જાવ." તર્જનીથી એનાં વાળની લટ સાથે રમતાં રિમા બોલી.
"નો થેન્સ ! હું પહેલાં રૂમમાં જઈને સુઈ જઈશ."
હાર્દિકે રિમા ઉપર આંખોનાં ડોળાં કાઢતો બીજાં રૂમમાં જતો રહ્યો.
"દીદી, જીજાજીને કદાચ હું તમારી પાસે સુવા આવી એ પસંદ આવ્યું લાગતું નથી.મને માફ કરી દેજો કે હું તમારી પાસે ખોટું બોલી. મને તમારી સાથે સુવાની ખૂબ ઈચ્છા થઈ હતી. તમને ખબર છે; આપણે આપણી ઘરે એક રૂમમાં એક બેડ શેર કરતાં હતાં. તમે મારી સાથે વાતો કરતાં રહેતાં અને હું તમને ચિપકી સુઈ જતી. મને ક્યારે નિંદર આવી જતી; એનું પણ મને ભાન રહેતું નહિ." રિમા રિંકલ સાથે બેડ પર સુતાં બોલી રહી હતી.
"તારે મારી સાથે સુવું હતું તો તું ડાયરેક્ટ મને કહી શકતી હતી. આમ,ખોટું બોલવાની તારે શું જરૂર હતી ?"
"દીદી, હું તમારી પાસે સાચું બોલીને સુવાં આવી હોય તો જીજાજીને એમ ના થયું હોય કે હું તમારાં બન્નેને અલગ કરવાં માંગું છું. હું અહી રોકાવાં આવી એ શાયદ એમને ગમ્યું નથી."
"એવું કાંઈ નથી, રિમા. એમનાં મનમાં એવું કોઈ દિવસ આવે જ નહિ. એમને મહેમાન આવે એ બહું ગમે છે. તું કાંઇપણ મનમાં ના લઈ લે."
"મને તો એવું લાગે છે. દીદી ! મારાં સમ ખાઈને કહો કે જીજાજીને તમે નહિ કહો કે હું ખોટું બોલીને તમારી સાથે સુવાં માંગતી હતી."
"મેં એમની પાસે કોઈ વાત છુપાવી નથી."
"ના યાર, આજ પહેલીવાર આ વાતને મારાં માટે છુપાવોને. એમને એવું લાગશે કે હું ખોટું બોલું છું. મારી ઈમેજ એમની સામે ડાઉન થઈ જશે. પ્લીઝ...પ્લીઝ..દીદી, એકવાર."
રિમા રિંકલનાં પેટમાં ગુદગુદી કરવાં લાગી. રિમાની આવી હરકતથી રિંકલ જોરથી હસવાં લાગી :
"રિમા ! મને છોડને. મને ગુદગુદી થાય છે."
"પહેલાં કહો કે તમે જીજાજી સામે સાચું નહિ બોલો."
"હા મારી મા, હું એમને કાંઈ નહિ કહું. હવે તો ગુદગુદી કરવાનું મને છોડી દે."
"વાવ, યુ આર ટુ ગુડ માય સિસ્ટા. યુ આર ધ વર્લ્ડ બેસ્ટ મારી સિસ્ટા."
રિમા ખુશ થઈને રિંકલને ગળે વળગી ગઈ અને એનાં ગાલ પર કીસ કરવાં લાગી.
હાર્દિક રિમાને સોપેલાં રૂમમાં સુવા જતો રહ્યો. રિમાનો સામાન અસ્ત વ્યસ્ત પડ્યો હતો. કોઈ વસ્તુ એણે એની જગ્યાએ સરખી મુકેલી હતી નહિ. તેણે ચેન્જ કરેલાં કપડાં બેડ પર ઊડી રહ્યાં હતાં.
"આ છોકરીને સ્વચ્છતાનું કોઈ ભાન નથી. જરાય પણ શરમ જેવું નથી. કેવાં કપડાં પહેવાં એવું મારી સાસુએ શિખવ્યું નથી, પણ વસ્તુ હંમેશા વ્યવસ્થિત ગોઠવી જોઈએ; એવી શિસ્તતા એનામાં કેળવી નથી."
હાર્દિક રિમાનાં કપડાં બેડ પરથી હટાવીને ચેર ઉપર મુકતાં બોલવાં લાગ્યો : "આ ઉંદર તો ક્યાંય મને દેખાતો નથી. તેણીને જ બધું દેખાય આવે છે. મને એમાં એની કોઈ ચાલ લાગી રહી છે. મને અને રિંકલને અલગ કરવાની. જાવા દો, જે હોય તે પાંચ દિવસની વાત છે. એ પછી એ એનાં ઘરે જતી રહેશે."
હાર્દિકે નવાં બેડમાં સુવાની ટ્રાઈ કરી પણ બેડ ચેન્જ થતાં એને નિંદર આવી રહી ન હતી. એ ઊભો થઈને લાઈટ ચાલું કરીને એનાં ઓફીસનું કામ કરવાં લાગ્યો.
સવારે હાર્દિકે એની પથારી પરથી ઊઠીને જોયું તો આઠ વાગી ગયા હતા. મોડીરાત સુધી કામ કરતાં એને નિંદર આવી ગઈ; એ પણ એને ધ્યાન બહાર હતું. લેપટોપ બંધ કરેલું એની પાસે પડ્યું હતું. હાર્દિક લેપટોપ લઈને એનાં રૂમમાં જવાં નીકળી ગયો.
હાર્દિકનાં ડ્રેસિંગ પાસે રિમા રિંકલનો ડ્રેસ પહેરીને તૈયાર થઈ રહી હતી. હાર્દિકે રિમાનો ચહેરો જોયો નહિ. તેને લાગ્યું કે રિંકલ તૈયાર થઈ રહી હશે. એણે રિમાને પાછળથી હગ કર્યું. ત્યારબાદ, એણે રીમાને ગળામાં એક કિસ કરીને ગુડ મોર્નિંગ વીશ કર્યું.
"ગુડ મોર્નિંગ ! માય હેન્ડસમ જીજાજી."
રિમાનો અવાજ સાંભળીને હાર્દિક ચોંકી ગયો. એ જ ક્ષણે તેણે રિમાને પોતાની બાહોમાંથી છોડી દીધી, "આઈ એમ સોરિ. તું, આઈ મીન તમે, આ રિંકલનો ડ્રેસ કેમ પહેર્યો છે ?"
"તમને દીદી વધુ પસંદ છે તો મને લાગ્યું કે એનો ડ્રેસ પહેરી જોઉં. તમે મારી તરફ આકર્ષાવ છો કે નહિ ?" હાર્દિકની શકલ પર બાર વાગી ગયાં; એ જોઈને રિમા જોરથી હસવાં લાગી.
"તમારી દીદી ક્યાં છે ?" હાર્દિકે નજર જમીન પર રાખીને સવાલ કર્યો.
"એ રસોડામાં તમારાં માટે થેપલાં બનાવી રહી છે. પહેલાં એ તો કહો કે હું આ ડ્રેસમાં કેવી લાગી રહી છું ?"
રિમાનો સવાલ હાર્દિકનાં કાને પડે એ પહેલાં જ એ રૂમમાંથી બહાર નીકળી ગયો. રિમા હાર્દિકને શરમાતો બહાર જતાં જોઈને ફરીથી હસવાં લાગી, "તમે પણ, જીજાજી આઈટમ છો. વાહ, મારાં દીદીની પસંદની દાદ આપવી જોઈએ. કાશ! દીદી પહેલાં આપણી મિટીંગ સેટ થઈ ગઈ હોત તો. દીદી તમને મેળવીને ભાગ્યશાળી
થઈ ગયાં પણ જો તમે મને મેળવી લીધી હોત તો આ ચક્ર ઊંધું ફર્યું હોત. કાંઈ વાંધો નહિ, સાળી અડધી ઘરવાળી કહેવત પણ ખોટી નથી."
રસોડામાં રિંકલ થેપલાં બનાવી રહી હતી. હાર્દિક રસોડામાં રિંકલની પાસે ઊભો રહી ગયો.
"આ રિમાએ તારો ડ્રેસ કેમ પહેર્યો ?"
"એને આજે ડ્રેસ પહેવાની ઈચ્છા થઈ તો મેં પહેરવાં આપી દીધો. બિચારી કેટલી ખુશ લાગી રહી છે !"
"તે એને તારો ડ્રેસ પહેવાં આપ્યો એનો મને કોઈ વાંધો નથી પણ એ ડ્રેસ પહેલીવાર હું તારાં માટે ખરીદીને લાવ્યો હતો. એ ડ્રેસમાં મારી ભાવના છુપાયેલી છે. એ ડ્રેસમાં હું ફક્ત તને જોવાં માંગતો હતો." હાર્દિક થોડાંક ગુસ્સાથી રિંકલ સાથે વાત કરી.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ 'મીરા'