Aekant - 34 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 34

Featured Books
Categories
Share

એકાંત - 34

હાર્દિકે રિમાને પોતાનાથી અને આર્યથી દૂર કરવાં માટે રિંકલે એની સાથે જે શરતો રાખી હતી, એ શરત કબુલ કરવાં તૈયાર થઈ ગયો હતો.

રિંકલ એનાં સ્કુલનાં સમયે સ્કુલ જતી રહેતી હતી. હાર્દિક બપોરનાં સમયે આર્યને સુવડાવીને ઘરનું વધારાનું કામ પતાવીને એનાં ઓફીસનું કામ કરી લેતો હતો. શરૂઆતમાં એને બધું એક સાથે કામ કરવું અઘરું પડતું પણ ધીરે ધીરે એની આદત પડી ગઈ.

એકંદરે એને ઘરનાં કામ, આર્યને સાચવવો અને પોતાના ઑફીસનું કામ કરવા માટેનું બધુ ટાઈમ ટેબલ ગોઠવાઈ જતાં એને કામ કરવું સહેલું બની ગયું હતું.

રિમા સવારથી સાંજ સુધી હાર્દિકનાં ઘર તરફ દેખાઈ રહી ન હતી. એની હાર્દિકને ખૂબ શાંતિ રહેતી. રિંકલનાં મમ્મીને એનાં ઘરે આવવાની છુટ હોવાથી કોઈ વસ્તુની માંગણીનાં બહાને એ ઘરમાં રાઉન્ડ મારવાં આવી જતાં.

એક દિવસ એવું બન્યું કે, રિંકલ ઘરે હતી નહિ. હાર્દિક એનાં કપડાની ઈસ્ત્રી કરીને બેડ પર આર્યને રમાડી રહ્યો હતો. રિંકલનાં મમ્મીએ એનાં ઘરમાં પ્રવેશ કર્યો. કોઈ દેખાય રહ્યું હતું નહિ તો તેઓએ રૂમની અંદર પ્રવેશ કર્યો. 

"જમાઈ રાજ, મારો દીકરો શું કરી રહ્યો છે ?" રિંકલનાં મમ્મી એ હાર્દિકને આર્ય સાથે રમતાં સવાલ કર્યો.

"એ હમણાં ઊઠ્યો છે તો મારી સાથે રમી રહ્યો હતો. બોલો ! આજે તમે શું લેવાં આવ્યાં છો ?" હાર્દિક જાણતો હતો. રિંકલની ગેરહાજરીમાં એનાં સાસુમા કશુંક માંગવાં જ આવ્યાં હોય.

"એ..તો..આજે દૂધ ફાટી ગયું તો હું દૂધ લેવાં આવી છું. તમે આર્યને રમાડો. હું મારી રીતે લઈ લઈશ." એનાં સાસુમાંએ હાથમાં ખાલી પ્યાલો લાંબો કરતાં બોલી.

"તમે અહીં રહો. હું તમને દૂધ આપું છું." હાર્દિકે એનાં સાસુમા પાસેથી ખાલી ગ્લાસ લઈને એમાં દૂધ ભરવાં રૂમની બહાર નીકળી ગયો.

રૂમની અંદર રિંકલની મમ્મી અને આર્ય સિવાય કોઈ હતું નહિ. હાર્દિકે કપડાંને પ્રેસ કરીને ઈસ્ત્રીને બેડની પાસે રહેલ સ્ટુલ પર ગોઠવેલી હતી.

રિંકલની મમ્મીએ હળવેકથી ઈસ્ત્રીને ધક્કો મારીને બેડ પર ફેંકી દીધી. ગરમ ઈસ્ત્રી આર્યનાં હાથને અડી જવાથી એ જોરથી રડવા લાગ્યો. હાર્દિકે આર્યનો રડવાનો અવાજ સાંભળીને રૂમની અંદર ગયો. ઈસ્ત્રી એની પાસે પડેલી હતી.

"જમાઈ રાજ ! કોઈ ઈસ્ત્રીને સાવ બાળકની નજીક મુકે. આવી બેદરકારી પણ સારી નહિ." રિંકલની મમ્મીએ આર્યને ઊપાડીને ચૂપ કરાવવાં લાગ્યાં.

"પણ, મેં ઈસ્ત્રીને સ્ટુલ પર રાખી હતી. એનો હાથ ત્યાં સુધી પહોંચે એમ જ ન હતો."

"હવે તમે મને એમ કહેવાં માંગો છો કે હું ખોટું બોલી રહી છું. ઈસ્ત્રીને પગ તો આવ્યાં નહિ હોય કે એ ચાલીને આર્યની માથે પડી હોય." આર્યનું રડવાનું બંધ થઈ રહ્યું ન હતું અને રિંકલનાં મમ્મીની જીભ બે હોઠ વચ્ચે દબાયેલી રહેતી ન હતી.

"તમે મને આર્યને લાવો. મને જોવાં તો દો. એ વધુ દાઝેલો નથી. અત્યારે જ મારે એને હૉસ્પિટલ લઈ જવો જોશે." હાર્દિકે એની સાસુ પાસેથી આર્યને પડાવીને હૉસ્પિટલ લઈ ગયો.

દોઢ કલાક પછી આર્યને હાથમાં મલમ લગાવીને હાર્દિક ઘરે આવ્યો. એનાં ઘરનો માહોલ કંઈક અલગ હતો. રિંકલ સ્કુલેથી ઘરે આવી ગઈ હતી. એનાં પરિવારનાં દરેક સભ્યો હાર્દિકનાં આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.

આર્યને ઘરની અંદર જોઈને રિંકલ ઊભી થઈને હાર્દિક પાસેથી આર્યને લઈને રડવાં લાગી : "મારાં દીકરાં, આર્ય તને કાંઇ થયું તો નથી ? આમ જોતો કેટલો બધો હાથ લાલ થઈ ગયો છે ! હવે હું તને મારી પાસેથી અળગો નહિ થવાં દઉં."

હાર્દિકને જોઈને રિંકલ ધૂંઆપૂંઆ થઈ ગઈ હતી. એક માનો પ્રેમ આંખોથી આંસુ દ્રારા છલકાઈ રહ્યો હતો. રિંકલ આર્યને ગળે વળગીને એને ગાલની ચારે બાજુ વહાલથી ચુમી લઈ રહી હતી. આર્ય એની માને જોઈને રડવાં લાગ્યો. થોડીક વાર પછી રિંકલે આર્યને પાણી પીવડાવીને શાંત કર્યો. 

"બિચારી ! મારી રિંકલ માટે એનો દીકરો જ બધું છે. આ પુરુષોનાં કામમાં લાપરવાહી હોય છે. જમાઈ રાજે ધ્યાન રાખ્યું હોય તો એનો હાથ દાઝ્યો ના હોય."

"સાસુમા, એને સાચવવા માટે જ એની પાસે બેઠો હતો. તમે સાક્ષીમાં જ છો. હું તમને દૂધ આપવાં બહાર નીકળ્યો હતો. તમને મેં કહ્યું હતું કે આર્યનું તમે ધ્યાન રાખજો. તમારી જવાબદારી હતી કે તમે એને સાચવીને રાખો."

"વાહ ! જમાઈ રાજ, તમને તો તમારી ભૂલ દેખાય રહી નથી. તમારી ભૂલનો ટોપલો મારાં માથા કેમ ઢોળી રહ્યાં છો ? ભગવાન ઉપર બધું જુએ રહ્યો છે. હજું હું એની પાસે પહોંચું ત્યાં તો આર્યનો હાથ ઈસ્ત્રી સુધી પહોંચી ગયો હતો અને એનાં ઉપર ઈસ્ત્રી પડી. તમારે ઈસ્ત્રીને અલગ જગ્યાએ રાખવી જોઈએ. એ ભૂલ તમને દેખાતી નથી."

"આ બધું પુરુષોને કામ સોંપીએ એ કારણે થયું છે. દીદી, તમે મને અહીં અવવાની ના પાડી હતી. આર્યને રમાડવાની થોડી ના પાડી હતી. તમે આર્યને આપણાં ઘરે મૂકીને સ્કુલે જતાં રહ્યાં હોય તો આવી ઘટના આર્ય સાથે બની જ હોત." રિમા તાપસી પૂરતાં બોલી.

"આ રિમાને મેં મારાં ઘરે આવવાની ના પાડી છે, તો એ અહીં સુધી આવી જ કેમ છે ?" હાર્દિક રિમાને જોઈને ઉશ્કેરાઈ ગયો.

"એ આવશે, સો વાર આવશે. તમે ભૂલી ગયાં તો તમારાં જાણ ખાતર કહી દઉં કે આ ઘર મારાં નામે છે. ઘરની પ્રોપર્ટીમાં મારાં હસ્તાક્ષર કરેલ છે. હું ઈચ્છું એને ઘરમાં રાખી શકું છું અને ઘરની બહાર મૂકી શકું છું." ઊંચાં અવાજે રિંકલનાં મોઢે એનાં પિયરનાં શબ્દો સાંભળીને હાર્દિક યંત્રવત્ બની ગયો. એને વિશ્વાસ આવી રહ્યો ન હતો કે જેનાં પર એણે પૂરો વિશ્વાસ કર્યો હતો. એ - એની પત્ની આ ઘરની માલિકીનો હક જતાવશે.

"રિમા, બેટા હવે તું આ જ ઘરમાં રહેજે. હું પણ જોઉં છું કે તને આ ઘરમાં રહેવાની ના પાડવાં વાળા છે કોણ !" રિમાનાં પપ્પા બોલ્યાં.

"સાસરાજી, કોઈ પણ કાળે એક છત નીચે હું રિમાને મારાં ઘરમાં નહિ જ રાખું. તમારે જે કરવું હોય એ કરી શકો છો."

"હું પણ જોઉં છું કે તમે મારી બન્ને દીકરીઓને તમારી સાથે કેમ રાખવાં તૈયાર થતાં નથી ?" હાર્દિકનાં સાસુમા બોલ્યાં.

"સાસુમા, મેં તમને બધાને મારો ફેસલો જણાવી દીધો છે. આર્યને સાચવવામાં મેં કોઈ દિવસ લાપરવાહી કરી નથી. એક પિતા તરીકે મેં હંમેશા મારી જવાબદારીમાં સભાન રહ્યો છું. તે છતાં બીજી કોઈ પણ હું વાત માનવાં તૈયાર છું, પણ રિમાને આ ઘરમાં નહિ જ રહેવાં દઉં."

"એમ તો ! મારી મોટી દીકરી અને તમારાં દીકરાને છોડવાં તૈયાર થઈ જાવ. હું મારી બન્ને દીકરીને મારી સાથે લઈ જવાં તૈયાર છું."

રિંકલનાં પપ્પાનો આ નિર્ણય વિચાર્યા વગરનો સાંભળીને હાર્દિકને ધ્રાસકો લાગ્યો. એનાં સસરાની વાત સાંભળીને એણે રિંકલ સામે જોયું. રિંકલને આ નિર્ણયથી કોઈ ફરક પડ્યો ના હોય એમ હાર્દિકથી મોઢું ફેરવી લીધું.

"સસરાજી, ગુસ્સામાં કે ઊતાવળમાં એવો કોઈ ફેસલો ના લેવો જોઈએ કે પાછળથી આપણને પસ્તાવાનો વારો આવે."

"આ કોઈ ઊતાવળનો ફેસલો નથી. હું જે કહું છું એ સમજી વિચારીને કહું છું. તમને મારી રિમાને તમારી સાથે રાખવામાં તકલીફ કેમ પડી રહી છે?"

"કારણ કે સમાજની દ્રષ્ટિએ એ યોગ્ય નથી. મને રિમાથી કોઈ દુશ્મની નથી. મેં એને મારી બેન જ માની છે. સમાજ આ સ્વીકારી શકશે નહિ. એ ખોટો અર્થ સમજીને અમારી સાથે રિમાનું જીવવાનું અઘરું કરી દેશે."

રિમા હાર્દિક પાસે એને પોતાની બેન માની રહયો હતો. એ વાત સાંભળીને એને અંદરથી વધુ ગુસ્સો આવી રહ્યો હતો કારણ કે રિમા હાર્દિકને મનોમન પોતાનું સર્વસ્વ માની બેઠી હતી.

હાર્દિક ઉલ્જનમાં ફસાઈ ગયો હતો. એ એની જગ્યાએ સાચો હતો કે રિમાને એ બેન તરીકે ઘરની અંદર રાખશે તો સમાજને એવું લાગશે કે હાર્દિકે એક સાથે બન્ને બહેનો સાથે લગ્ન કરી લીધાં છે. હાર્દિક એનાથી બનતાં બધાં પ્રયાસો કરીને એના સાસરિયાં વાળાને સમજાવી રહ્યો હતો પણ એ માનવાં તૈયાર થઈ રહ્યાં ન હતાં. 

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"