Aekant - 38 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 38

Featured Books
Categories
Share

એકાંત - 38

જીવનમાં સંબંધ કોઈ પણ હોય પણ જો એની અંદર અન્ય ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થાય એટલે સંબંધ તુટવાની અણી પર આવી જાય છે. હાર્દિકની લાઈફમાં પણ એવું જ બન્યું હતું.

હાર્દિક અને રિંકલે એમનાં સંબંધમાં સમજદારી, વફાદારી અને પ્રમાણિકતાને શરૂઆતથી પકડીને રાખી હોય તો રિમા જેવી હજારો સ્ત્રી એમનાં જીવનમાં આવી હોય તો પણ લાખોનો સંબંધ કાચા દોરાની જેમ તુટી ના ગયો હોય. હાર્દિકનું મન એના મિત્રોને કહીને હળવું થઈ ગયું હતું.

દરેક વ્યક્તિના જીવનમા કોઈ એવું વ્યક્તિ તો હોવુ જોઈએ. જેના પર તમે અતુટ વિશ્વાસ મૂકી શકો. જે તમારા ના કહેવાયેલ વેદનાને પણ આંખો દ્રારા સમજી શકે. જરૂરી નથી કે એ વ્યક્તિ તમારો જીવનસાથી જ હોય શકે કે તમારો જુનો અને ખાસ મિત્ર હોય શકે. ઘણીવાર, એક દિવસની અજાણ્યા સાથેની મુલાકાત પણ આપણને એવો અહેસાસ કરી દે છે કે એના જેવો હિતેચ્છુ વ્યક્તિ મને જીવનમાં કોઈ દિવસ મળ્યો નથી કે પછી મળવાનો નથી. એ વ્યક્તિ સાથે ભલે તમારો સંબંધ લોહીનો કે લાગણીનો ના હોય પણ એ તમારા દુઃખનો સહભાગી બની જાય છે ત્યારે એની સાથે આત્મીયતાનો ગાઢ સંબંધ બની જતો હોય છે.

આવી વ્યક્તિ પાસે તમારૂં દુઃખ સાંભળવાનો સમય હોય છે. પોતાના દરેક કામોને બાજુ પર મૂકીને તમારી સાથે તમારા મનની વાત જાણવાનો પ્રયાસ કરશે. એને તમારૂં દુઃખ વહેચશો તો એના પર તમારા દુઃખનો ભાર નહિ આવી જાય કે પછી તમારા દુઃખની બાદબાકી થાય.

એક આત્મસંતોષ જરૂર રહે છે કે કોઈ તો એવું છે જે મારી આત્માની અંદર રહેલ તકલીફને અનુભવી શકે છે. સુખ સાંભળવા વાળા કે સુખમાં સાથે રહેનારને તમે રૂપિયા આપીને ખરીદી શકો છો પણ જે તમારા દુઃખને સમજી શકે એને ભૌતિકતા સાથે જોડેલ નથી પરંતુ તમારી આત્મા સાથે જોડાયેલ છે.

હાર્દિકે એનો ભૂતકાળ કહી જણાવ્યો હતો. હાર્દિકના કહેવાથી પ્રવિણને એના ચહેરા પરના દાઘની પાછળ રહેલ દુઃખદ ભુતકાળ કહેવાનો હતો. આવો સવાલ એની પત્નીએ પ્રવિણને એકવાર કહેલો હતો. પ્રવિણની એવી ઈચ્છા હતી કે એ હાર્દિકની જેમ એની આંખો વાંચીને એનાં દુઃખનો હાલ સમજી જાય. એવું એનાં જીવનમાં આટલાં વર્ષોથી કદી ના થયું. 

પ્રવિણ એની કોલેજમાં છેલ્લું વર્ષ પૂર્ણ કરી રહ્યો હતો. એના એ સમયમાં સૌથી હેન્ડસમ અને યુવાન લાગતો અપ ટુ ડેટ પ્રવિણ હતો. ચહેરો કલીનશેવ સાથે આછી મૂંછો ધરાવતો હતો. એ સમયે એના ચહેરામાં કોઈ ડાઘ પડેલો ન હતો. સુંદર છોકરીની ઈર્ષા એની સહેલી કરતી હોય છે પણ અહીં પ્રવિણના આકર્ષક લુકની ઈર્ષા એના મિત્રો હંમેશા કરતા હતા.

"યાર ! તારા આ દેખાવનું રહસ્ય શું છે ? કેટલો હેન્ડસમ લાગી રહ્યો છે ! કોઈ પણ છોકરી તને જોઈને તારાં પ્રેમમાં જરૂર ઘાયલ થઈ જાય." એનાં મિત્રોનાં ગ્રુપમાંથી ભુપત અવારનવાર એને કહીને ઈર્ષા કરતો હતો.

"રહેવા દે, ભાઈ. આ સુંદરતા સોમનાથ દાદાની દેન છે. એકવાર તું બોલ્યો એ શબ્દો પર થુ..થુ..કરી દે. ખબરદાર મારા મોટાભાઈ સમાન પ્રવિણભાઈ પર નજર નાખી છે. દલપતકાકાને આખુ સોમનાથ ઓળખે છે. એમને સોમનાથ દાદા પર અતુટ શ્રધ્ધા છે એટલે જ એમના ઘરે પ્રવિણ જેવો સુંદર, વિવેકી અને હોશિયાર દીકરાનો જન્મ થયો છે. ખરેખર દલપતકાકા ગયા જન્મમાં જરૂર કોઈ પૂણ્ય કરેલા હશે કે એમને પ્રવિણ જેવા દીકરાના પિતા બનવાનું સુખ મળ્યું છે." ભુપત સાથે રહેલો એના બીજા મિત્ર કુલદીપે જવાબ આપ્યો.

પ્રવિણ, કુલદીપ અને ભુપત એમની કોલેજના પહેલા વર્ષથી સારી દોસ્તી હતી. પ્રવિણનો સ્વભાવ પહેલેથી જ નિખાલસ અને હંમેશા લોકોને પોતાની વાતોથી આકર્ષિત કરી દેતો હતો. એના પચાસ ટકા કલાસમેટ હંમેશા એની પાસેથી નોટ લઈ જતા અને બીજી કોઈ પૈસા બાબતે જરૂરિયાત રહેતી એ વિના સંકોચે પ્રવિણ પાસે માંગી લેતા.

એક મહિના પહેલાં પ્રવિણ જે કલાસમાં ભણતો એ જ કલાસમાં કાજલ નામની છોકરી એનાં કોલેજમાં અને એનાં કલાસમાં દાખલ થઈ હતી. કાજલ અને પ્રવિણની આમ કોઈ ખાસ વાતચીત થતી નહિ. કાજલ પ્રવિણ જેટલી જ ભણવામાં હોશિયાર હતી અને પ્રવિણ છોકરીઓની બાબતથી હંમેશા દૂર જ રહેવા વાળો વ્યક્તિ હતો.

પ્રવિણ અને કાજલની પહેલી મુલાકાત પણ મજેદાર હતી. જ્યાં કોઈ વિજાતીય આકર્ષણ ન હતું, પણ કોલેજનાં સ્ટુડન્ટ હોવાના નાતે ટીચરે કોઈ પણ આપેલ કામને સાથે મળીને પૂરી નિષ્ઠાથી પાર પાડવાનું હતું.

"હેલો ! સ્ટુડન્ટ, નેકસ્ટ મંથ આપણે સ્વાતંત્ર્ય દિવસની ઊજવણી કરવાની છે. જેમાં ગ્રુપ દ્રારા આપણાં ક્લાસે એક દેશભક્તિ સોન્ગ પર ડાન્સ કરવાનો રહેશે. આ ગ્રુપ ઓછામાં ઓછા સોળ મેમ્બરનું રહેશે. ડાન્સની પ્રેકટીસ પણ તમારે મારી પાસેથી શીખવાની રહેશે. જે કોઈને ડાન્સમાં પાર્ટ લેવો હોય એ બે દિવસમાં મારી પાસે નામ નોંધણી કરી લેવાની રહેશે."

પ્રવિણનાં કલાસ ટીચર ચારુબેન અનાઉમેન્ટ કરીને જતાં રહ્યાં. એ બાદનો પિરીયડ ફ્રી હતો. સૌ કોઈ અંદરોઅંદર ચર્ચા વિચારણાં કરવાં લાગ્યાં. 

"યાર, આ વર્ષ આપણી કોલેજનું લાસ્ટ યર છે. અહીંથી આપણે છુટ્ટા પડીશું તો પછી સોમનાથ દાદા જાણે કે આપણે ફરી ક્યારે મળશું ! આપણે ત્રણેય દોસ્તોએ આ ડાન્સ પ્રોગ્રામમાં નામ લખાવું જોઈએ. આપણા જીવનનો યાદગાર ડાન્સ બની રહેશે."

કુલદીપે બેન્ચની પાછળ બેસેલા એના દોસ્ત ભુપત અને પ્રવિણને જણાવ્યું.

"તું વળી મોટો આવ્યો એ કહેવા વાળો કે આપણે ડાન્સમાં નામ લખાવુ જોઈએ. આપણા જીવનનો યાદગાર ડાન્સ બની રહેશે. એ તો આપણે બેય ડાન્સ ગ્રુપમાં જોડાશું તો યાદગાર જ રહેશે. કારણ કે આપણા બન્નેને ડાન્સના નામે મીંડુએ નથી આવડતું. જો આપણો આ સાવજ પ્રવિણ ડાન્સ ગ્રુપમાં પાર્ટ લે તો આપણા દોસ્તની કલાસની અંદર શાન જરૂર વધી શકશે."

ભુપતે પાસે બેસેલા પ્રવિણના પીઠ પર ઢુંબો મારીને એનો ઉત્સાહ વધાર્યો. જાણે ભુપતની પહેલી વારની વાત પ્રવિણ માની જાવાનો હોય.

"જરાય નહિ હો. મારે કોઈ ડાન્સ બાન્સ કરવા નથી. હું મારા સ્ટડીમાં વ્યસ્ત રહું એ જ બરાબર છે. મારે કોઈ પ્રોગ્રામમાં ભાગ લેવો નથી." પ્રવિણ એની બુક ખોલીને રીડ કરવા બેસી ગયો.

"અરે ! પ્રવિણ, તું આ સ્ટડિનું ખોટું બહાનું કેમ આપી રહ્યો છે ? હું અને કુલદીપ ખૂબ સારી રીતે તને ઓળખીએ છીએ. તને ગર્લ્સની એલર્જી છે. આથી તું હંમેશા ગર્લ્સથી દૂર ભાગતો ફરે છે." ભુપતે પ્રવિણની સરી કરી.

"અરે ભાઈસા'બ તમારી કોઈ ભૂલ થતી લાગે છે. મને કોઈ ગર્લ્સની એલર્જી નથી. હું ગર્લ્સની રિસ્પેક્ટ કરું છું. એમને કોઈ તકલીફ ના પડે એટલે જ હું એમનાથી દૂર રહું છું."

"હા તો તું પ્રોગ્રામમાં પાર્ટ લઈને બતાવ કે તને ગર્લ્સથી કોઈ પ્રોબ્લેમ નથી."

"અરે છોડને ભુપત, કેમ તું જ્યારે હોય ત્યારે પ્રવિણની પાછળ હાથ ધોઈને પડી જાય છે ? મારી ઈચ્છા પ્રોગ્રામમાં નામ લખાવવાની છે. હું જઈને ચારુ મે'મ પાસે મારું નામ લખાવી આવું છું. તારે પાર્ટ લેવો હોય તો તારું નામ પણ હું લખાવતો આવું."

પ્રવિણનો ચહેરો જોઈને કુલદીપ સમજી ગયો હતો કે એને ડાન્સમાં કોઈ ઈન્ટરેસ્ટ જ નથી. ભુપત વધુ ફોર્સ કરી રહ્યો હતો. પ્રવિણને એની કોઈ વાતથી કાંઈ લેવા દેવા જ ન હતું.

"ના ભાઈ, મને ડાન્સમાં કોઈ ટપ્પા પડતા નથી. ગર્લ્સની સામે આપણી આબરુના કાંકરા થાય. એના કરતા આપણે આવા પ્રોગ્રામથી દૂર જ રહેવું સારુ. તારે નામ લખાવું હોય તો તું શોખથી નામ લખાવી શકે છે."

ભુપતે ડાન્સ પ્રોગ્રામ માટે હાથ ઊંચા કરી દીધા. કુલદીપ એનું નામ પ્રોગ્રામ માટે લખાવા ચારુબેન પાસે જવાં ઊભો થઈ ગયો.

"ઊભો રહે કુલદીપ."

પાછળથી પ્રવિણનો અવાજ સાંભળતા કુલદીપે પાછળ વળીને એની સામે જોયું.

"પ્રોગ્રમમાં તારા નામની સાથે મારું નામ પણ લખાવજે. હું ડાન્સ પ્રોગ્રામમાં એટલે જ નામ લખાવું છું કે ભુપતની એક ગેરસમજ દૂર થઈ શકે. એને એવું લાગે છે કે મને ગર્લ્સથી એલર્જી છે. હકીકતમાં એવું કશુ પણ નથી." કુલદીપને કહીને પ્રવિણે ભુપત સામે જોયું.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"