કુલદીપ અને ભુપત વચ્ચે બહુ મોટી લડાઈ થવાની હતી, પણ જો પ્રવિણ વચ્ચે આવીને સમાધાન ના કર્યુ હોય તો આ લડાઈ મારપીટ સુધી પહોચવાની હતી.
પ્રવિણે એ સમયે એક સાચા દોસ્ત તરીકે એની ફરજ નિભાવી. કુલદીપે ભુપતનું ગળુ પકડી લીધું હતું. પ્રવિણે મહા મુશીબતે કુલદીપનો હાથ છોડાવ્યો.
ક્રોધ એ માનવીનો એવો ગુણ હોય છે કે એની વિચારશક્તિને ક્ષીણ કરી દે છે. એ શું બોલે છે કે શું કરે છે એનું પણ એને ભાન રહેતું નથી. કેટલીક વાર ક્રોધાવેશમાં આવીને વ્યક્તિ એના શુભચિંતકને પણ ખોટો માની બેસે છે.
કુલદીપને પણ એવું થયું હતું. ગીતા સાથે હજું એનાં પ્રેમની શરૂઆત થઈ હતી. પ્રેમના એકરારમાં ગીતાએ એને પ્રેમની બહું મોટી ભેટ આપી હતી. કુલદીપ સાત આસમાને જાણે ચડી ગયો હોય એવો અનુભવ કરતો હતો. પ્રેમ આંધળો હોય છે. એને એની આસપાસનું કશું દેખાતું નથી. કુલદીપને પણ ભુપતની વાતો આંખના કાણાની જેમ ખૂંચી રહી હતી. ભુપત એના સારા ભવિષ્ય માટે ચિંતીત હતો, પણ કુલદીપને એવું લાગ્યું કે એનો દોસ્ત એની ઈર્ષા કરી રહ્યો હોય.
પ્રવીણના સમજાવટથી કુલદીપ થોડોક શાંત થયો. પ્રવિણે કુલદીપને ભુપતની માફી માગવાનું જણાવ્યું.
"એણે મારા સંસ્કાર ઉપર આંગળી ઊઠાવી છે. પહેલાં એ માફી માંગશે પછી જ હુ એની માફી માંગીશ." કુલદીપ એની હઠ મુકવા તૈયાર ના હતો.
પ્રવિણને કુલદીપની વાત યોગ્ય લાગી. દોસ્તીમાં ગમે એટલી નોક જોક હોય પણ ગુસ્સામાં આપણે કોઈના સંસ્કાર પર આંગળી ઊઠાવી ના જોઈએ. પ્રવિણે ભુપતને સમજાવ્યો. ભુપતે મોટું મન રાખીને માફી માંગવાની હા કરી.
"કુલદીપ ! મને માફ કરી દે. મારે વાતને આટલી લાંબી ના ખેચવી જોઈએ. હવે આવું કોઈ દિવસ નહિ થાય. દોસ્ત તરીકે તું મને માફ કરી દે." ભુપતે બે કાન પકડીને માફી માંગી.
"સોરિ યાર ! હું જ પાગલ થઈ ગયો હતો. મારે ગુસ્સામાં આવીને તારા પર હાથ ઊપાડવો ના જોઈએ."
કુલદીપે ભુપતના બન્ને હાથ કાન પરથી લઈને એને બાથ ભીડી લીધી. આ જોઈને પ્રવિણને રાહત થઈ. લાઈફમાં પ્રવિણ જેવો એક દોસ્ત હોવો જોઈએ. જે બન્ને દોસ્તની ભૂલને સામે લાવી શકે અને એની વચ્ચેની ગેરસમજને દૂર કરી શકે.
"નાલાયકો ! તમે બન્ને આમ ઊભા રહેશો કે જેને માટે એક થયા છો; એને પણ તમારી સાથે સામિલ કરશો."
પ્રવિણના કહેવાથી કુલદીપ અને ભુપતે પ્રવિણને પોતાના બન્નેની વચ્ચે લઈ લીધો. જોરથી ટાઈટ બાથ ભીડી લીધી.
જીવનમાં પહેલી વાર બે દોસ્ત વચ્ચે આટલો મોટો ઝઘડો થયો હતો; એ પણ એક છોકરીને કારણે જ બન્ને ઝઘડો કરવા પર ઊતરી આવ્યાં હતાં. પ્રવિણને આગળના ભવિષ્ય માટે એમની દોસ્તીની ચિંતા થવા લાગી. સોમનાથ દાદાએ જાણે એને ઈશારો આપી દીધો હોય કે દોસ્તીમાં બહુ મોટી દરાર પડવાની છે અને એ પણ છોકરીને કારણે પડવાની હતી.
પ્રવિણ આ વિચાર માત્રથી ધ્રુજી ગયો. વિચારમાત્રથી એની આંખમાં પાણી આવી ગયાં. એણે એના દોસ્તો સામે એ પાણીને છુપાવીને ઘર જવા નીકળી ગયો.
રાત્રિના સમયે ગીતા ખૂબ ખુશ દેખાય રહી હતી. કાજલે એને એનાં ઘરે સ્ટડિ માટે બોલાવી હતી. તેઓ બન્ને કાજલનાં રૂમમાં સ્ટડિ કરવાં બેડ પર બેસી ગયાં. ગીતાનું ધ્યાન સ્ટડિમાં ઓછું હતું, પણ એણે કુલદીપ સાથે વિતાવેલી એકાંતને યાદ કરવામાં વધારે હતું.
"તારે સ્ટડિ કરવું ન હતું તો તું મારાં બોલાવવાથી અહીં આવી જ કેમ ?" ગુસ્સા સાથે કાજલ બોલી.
"આજે કુલદીપે મને પ્રપોઝ કર્યું. મને વિશ્વાસ આવતો નથી કે જીવનમાં કોઈ મને આટલો પ્રેમ કરનારું પણ મળશે. બસ મારી ફીલીંગને તારી સાથે શેર કર્યાં વિના રહી ના શકી."
ગીતા કાજલ સામે કહેતાં એનાં હાથને પકડીને મરડવાં લાગી. કાજલે ગુસ્સામાં એનો હાથ ગીતા પાસેથી છોડાવી લીધો.
"તતેંએને પ્રોપોઝનો શું જવાબ આપ્યો ?" કાજલને વાત જાણવામાં રસ જાગ્યો.
"એનાં પ્રપોઝમાં મારે જવાબ આપવાનો આવ્યો જ નહીં."
"કેમ?" આશ્ચર્યથી કાજલે પૂછ્યું.
ગીતાએ કાજલનાં ગાલને પકડીને પોતાની નજીક લાવતાં બોલી : "મે તો એનાં પ્રપોઝની હા કરીને તેને હગ કરી લીધું."
ગીતા ધીરેકથી કાજલને ચુમવાં જતી હતી; ત્યાં ગુસ્સામાં એણે ગીતાને ધક્કો માર્યૉ. કાજલને ગીતાની આવી વિચિત્ર હરકતથી ગુસ્સો કરે - નવાઈ પમાડે એ સુઝી રહ્યું ન હતું.
"પાગલ થઈ ગઈ છે કે શું ? મને તું આમ છીં...."
"અરે મારું મન તો કુલદીપમાં ખોવાયેલું હતું. મને એમ કે તું જ મારો કુલદીપ છે." પ્રેમથી ગીતાએ કહ્યું.
"આ ઉંમર તારે સ્ટડિ કરવાની છે. આ પ્રેમનાં ચક્કર જ તને જીવનમાં કોઈ ધ્યેય સુધી પહોચાડવાં નહીં દે."
"અરે મારે સ્ટડિ કરીને પણ કરવું છે શું ? દરેક છોકરીનું સપનું મેરેજ કરીને એનાં સુખી સંસારને સાચવવાનું હોય છે."
"ઓકે તો તારે સ્ટડિ ના કરવું હોય તો તું જા. તારે ઘરે જઈને ગોદડાં ઓઢીને સૂઇ જજે. મારું મગજ ખરાબ ના કર અને મને સ્ટડિ કરવાં દે."
ગીતાની વાત સાંભળીને કાજલ અકળાઈ ગઈ. એણે બે હાથ જોડીને ગીતાને એનાં ઘરે મૂકી દીધી. ગીતાનું મન હવે કુલદીપમાં પરોવાઈ ગયેલું હતું. ગીતાની વાતો સાંભળીને કાજલનો મૂડ સ્ટડિમાંથી ભટકાઈ ગયો. એણે મહાપરાણે પોતાનું મન સ્ટડિ પર લગાવ્યું અને એનું કાર્ય પૂર્ણ કર્યું.
સવારનાં સૂરજ ઊગવાની સાથે સૌ કોઈ જાગી ગયાં હતાં. ગીતા જે ઊઠવામાં હંમેશા આનાકાની કરતી એ કુલદીપને મળવાની ઊતાવળમાં વહેલાં જાગી ગઈ હતી.
કુલદીપનાં હાલ પણ કંઈક ગીતા જેવાં હતાં. એ વહેલાં તૈયાર થઈને પ્રવિણની ઘરે એને બોલાવવા જતો રહ્યો. થોડીક વારમાં ભુપત પ્રવિણના ઘરે હાજર થઈ ગયો. ભુપત અને કુલદીપ બન્ને એક સાથે ખુશ દેખાય રહ્યા હતા.
ઘરની બહાર નીકળતા પ્રવિણે એ બન્નેને આટલા ખુશ જોઈને દોસ્તી માટે ગર્વ અનુભવ્યો. આગલા દિવસે જે કાંઈ કડવાશ હતી તેને એ બન્ને એક રાતમાં ભુલાવી દીધી હતી.
"હવે તમારા બન્નેને આમ જ વાતો કરવી છે કે કોલેજ પણ જશું." હરખાતા નજીક આવતા પ્રવિણ બોલ્યો.
"હા હવે આપણે જવું જોઈએ. આપણી નવી ભાભી આપણા દોસ્તની બેસબ્રીથી રાહ જોતી હશે."
ભુપતે એની મસ્તી ચાલુ કરી. પ્રવિણને ડર લાગ્યો કે વળી કુલદીપ એની વાતથી ખોટું ના લગાડી દે. કુલદીપનું રિએક્શન આ વખતે તો કાંઈક અલગ હતું.
"અરે તારી એકની ભાભી જ કેમ ? મારી થનાર કાજલ ભાભી પણ આપણા ભાઈની રાહ જોતી હશે."
કુલદીપની મસ્તી સાંભળીને પ્રવિણે એના પર ખોટો ગુસ્સો કર્યો અને એને બે ચાર ઢ્રૂબા મારી લીધાં. ભુપતનો ચહેરો તો કુલદીપની મસ્તીથી ઊતરેલી કઢી જેવો થઈ ગયો હતો; તે છતાં એના મિત્રો સામે એણે જાહેર ના કર્યુ.
"મને તું કેમ મારે છે ? તારા કરતા હું આ મામલામાં ફાસ્ટ છું. મેં ગીતાને મારાં મનની વાત તો કહી દીધી. હરામખોર, તારાથી એ પણ થતું નથી !" કુલદીપે પ્રવિણના હાથ પકડીને કહ્યું.
"તારી વાત પ્રેમમાં કાંઈ થતી હશે. મારી ઈચ્છા હાલ એને કાંઈ કહેવાની નથી. એકવાર હું પગભર થઈ જાવ પછી એના બાપની પાસે જ એનો હાથ માંગવાં જતો રહીશ. મારે લવ મેરેજ કરવા નથી. એની પણ એવી ઈચ્છા છે; એ મને ખબર છે. બસ થોડોક સમય જવા દે."
પ્રવિણે પ્રમાણિકતાથી વાત કરી. પ્રેમમાં એ એનું લક્ષ્ય ચુકવા માગતો ન હતો. વાતોને એમણે ત્યાં જ વિરામ આપ્યો અને કોલેજ જવાના રસ્તે નીકળી પડ્યા.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ"મીરા"