કોલેજની અંદર મોટાં ભગનાં સ્ટુડન્ટ્સ ભણવામાં ધ્યાન ઓછું આપતાં હોય છે અને પ્રેમના ચકકરમાં વધુ પડતાં હોય છે. એમાં સ્ટુડન્ટ્સનો કોઈ દોષ નથી હોતો. એ લોકોની ઉંમર એવી હોય છે કે હોર્મોસને કારણે વિજાતીય આકર્ષણમાં પ્રેમ કરી બેસે છે. અહીં જ એ લોકો બહું મોટી ભૂલ કરી બેસતાં હોય છે. આકર્ષણને તેઓ પ્રેમ માની બેસે છે. એ કારણે એમનું સ્ટડિમાં ઓછું ધ્યાન હોય છે અને એકબીજામાં વધારે ધ્યાન હોય છે. અમુક સ્ટુડન્ટ્સ તો ફ્યુચરનો વિચાર કરતાં નથી. એમની અંદર એક ડર પેસી જાય કે તેઓ કદી એક નહિ થાય તો સ્યુસાઈડ પોઈન્ટ પર જઈને બન્ને સાથે એમની જીંદગી ટુકાવી નાખતાં હોય છે.
ચારુ મેડમ ગીતા અને કુલદીપનાં સંબંધને કારણે લાપરવાહી બતાવી, એ એમને પસંદ ના આવી. નાની ધમકીથી એમણે એ બન્નેને સમજાવી દીધું કે હવે પછી લેકચરમાં કોઈ બન્ક પડવાં ના જોઈએ.
ગીતા અને કુલદીપમાંથી કુલદીપ વધારે સમજદાર લાગી રહ્યો હતો. લાગણીની સાથે એ પ્રેકટીકલ વિચારી રહ્યો હતો. એ ગીતાની સાથે એનું મન સ્ટડિમાં પરોવતો રહેતો હતો.
ગીતા એકવાર કુલદીપના પ્રેમમાં પડી ગઈ એ પછી એણે સ્ટડિમાં મન પરોવવાનું સાવ ઓછું કરી નાખ્યું. ચાલું લેકચરમાં એ કુલદીપ સાથે ચીઠ્ઠીઓની આપ લે કર્યા કરતી હતી. રિસેસ પડે તો એ કુલદીપ સાથે વધુ દેખાવાં લાગતી.
કોલેજનું અડધું વર્ષ પૂર્ણ થઈ ગયું હતું. આટલાં સમય ગાળામાં ગીતા કુલદીપથી કોલેજમાં મળતી હતી. કોલેજની બહાર મળવાની એની ખૂબ ઈચ્છા હતી, પણ કુલદીપ કોઈપણ બહાનું બતાવીને મળવાનું ટાળી દેતો હતો. એમનાં પ્રેમ પ્રકરણની મોટાં ભાગનાં સ્ટુડન્ટ્સ અને પ્રોફેસરને જાણ થઈ ગઈ હતી.
ચારુ મેડમની ડરામણી સુચનાને કારણે કુલદીપ અને ગીતાએ એક પણ લેકચર બન્ક કરેલાં ન હતાં. એમનો એ પ્લસ પોઈન્ટ હોવાથી પ્રવિણ, ભુપત અને કાજલને પણ ખૂબ સારું લાગ્યું હતું.
કાજલ એક દોસ્ત તરીકે એની દરેક ફરજ નિભાવતી રહેતી હતી. ક્યારેક પ્રેમથી ગીતાને એનાં સ્ટડિમાં મન પરોવવાનું સમજાવતી તો ક્યારેક ગુસ્સા સાથે ગીતાને કહી દેતી હતી. ગીતા કુલદીપનાં પ્રેમમાં આંધળી બની ગઈ હતી. એને કોઈની કાંઈ કહેલી વાત મગજ પર લેતી નહીં.
ગીતાનો પ્રેમ ધીરે ધીરે દિવાનગી સુધી આવી ગયો હતો. એ સુતાં અને જાગતાં બસ કુલદીપ સાથે એકાંતની ક્ષણો માણવાં માંગતી હતી. એ કુલદીપને પામવાં માટે કોઈ પણ હદ સુધી જવાં તૈયાર થઈ ગઈ હતી.
એકવાર કલાસની અંદર ગીતાએ એક ચીઠ્ઠી લખીને કુલદીપને આપી દીધી. કુલદીપ કોઈ જુએ નહીં એ રીતે ચીઠ્ઠી વાંચવાં લાગ્યો.
જેમાં ગીતાએ લખ્યું હતું : "ડિયર કુલદીપ, મેં તન અને મનની તમને મારાં પતિ માની લીધાં છે. હવે મારાંથી તમારાં વગર એક દિવસ કાઢવો મુશ્કેલ પડી રહ્યો છે. કોલેજની અંદર આપણે એકાંતમાં મળી શકતાં નથી. કોલેજની બહાર તમે મળવાં માંગતાં નથી."
"કુલદીપ સમયની સાથે વ્યક્તિમાં પરિવર્તન આવતું રહે છે. હું તમારાં પ્રેમમાં પાગલ થઈ ગઈ છું. કોઈપણ રીતે હું તમારી સાથે એક પત્ની તરીકે રહેવાં માંગું છું. તમારે મારી સાથે મેરેજ હાલ ના કરવાં હોય તો કાંઈ નહિ પણ આપણે એકાંતમાં મળી શકીએ છીએ."
"આવતી કાલે રવિવારે સાંજે છ વાગ્યે હું લવ ગાર્ડનમાં તમારી રાહ જોઈશ. જો તમે અડધાં કલાકમાં મને મળવાં નહીં આવો તો હું મારો જીવ આપી દઈશ."
ગીતાની આવી સ્યુસાઈડ ભરી ચીઠ્ઠી વાંચીને કુલદીપનાં ચહેરાં પર બાર વાગી ગયાં. એના હોશ ઊડી ગયાં. એના ચહેરા પર પરસેવો વછુટી ગયો. આ વાત એ કોઈને કહે તો એમાં ગીતાની બદનામી થાય એવું હતું. એના ગળેથી થુંક પણ માંડ ઊતર્યું.
કુલદીપે ચીઠ્ઠીનો ડૂચો વાળીને પોતાની બેગમાં નાખી દીધો. ગીતાને એકલાં મળીને એને સમજાવી ખૂબ જરૂરી હતી.
રિસેસનો સમય થઈ ગયો. સૌ સ્ટુડન્ટ્સ કલાસની બહાર જવા લાગ્યા. પ્રવિણે કુલદીપને બહાર આવવાનું જણાવ્યું. કુલદીપે તબિયત બરાબર ના હોવાનું કારણ બતાવીને કલાસની અંદર બેસી ગયો.
ગીતા કાજલ સાથે બહાર નીકળી ગઈ. જ્યારે પાછળથી એને ખબર પડી કે કુલદીપ કલાસની અંદર એકલો હતો. એ કાજલ પાસે કોઈ નોટ લઈ આવવાનું બહાનું કરીને કલાસની અંદર જતી રહી.
"આ બધું શું તેં માંડ્યું છે ? આવી સ્યુસાઈડ નોટની ધમકી તે કેમ આપી છે ?"
ગીતાનાં કલાસની અંદર આવતાંની સાથે કુલદીપે એને એક ખૂણામાં ઊભી રાખીને સવાલ કરવાં લાગ્યો.
"હું તમને પ્રેમ કરું છું. તમે પણ મને પ્રેમ કરો છો. પ્રેમમાં આપણે એક થવાની વાત કરીએ છીએ. તમારી એવી કોઈ ઈચ્છા નથી ? " ગીતા કુલદીપનાં ચહેરાં પર હાથ ફેરવવાં લાગી.
"તું સાચે જ પાગલ થઈ ગઈ છે. આ પ્રેમ નહીં પણ પાગલપન છે. હું આ પ્રેમને નથી માનતો. તારાથી થોડાંક મહિના પણ રાહ જોવાતી નથી."
કુલદીપની આંખોમાં પહેલીવાર ગીતા માટે ગુસ્સો દેખાય રહ્યો હતો; જે શાંત થવાનું નામ લઈ રહ્યો ન હતો.
"તમને હું પાગલ લાગતી હોઉં તો ભલે લાગતી હોઉં. મારાં માટે આ જ પ્રેમ છે. મારી હાલતનો તમને અંદાજો નથી. એક ક્ષણ તમારાં વિના રહી શકતી નથી. એનાં કરતાં હું મરી જાઉં તો વધારે સારું. તમે આવતી કાલે મને મળવાં નહીં આવો તો હું મરી જ જઈશ."
ગીતા કુલદીપની સામે રડમસ થઈ ગઈ. કુલદીપ એને રડતાં જોઈ ના શક્યો. ગીતાની આંખમાંથી આવતાં આંસુને એણે સાફ કરી નાખ્યા અને એને પોતાની બાથમાં લઈ લીધી.
"તું શાંત થઈ જા. તને આમ હું રડતાં જોઈ નથી શકતો. તું મારી રાહ જોજે. હું તને મળવાં જરૂર આવીશ. હવે કોઈ દિવસ મરવાની વાત ના કરતી."
કુલદીપની હા સાંભળીને ગીતા ખુશ થઈ ગઈ. એણે પ્રેમથી કુલદીપનાં ગાલને કીસ કરી લીધી.
બીજે દિવસે રવિવારે કુલદીપનો પ્લાન ક્રિકેટ મેચ રમવાનો ફીક્સ રહેતો હતો. એક મોટા મેદાનમાં કુલદીપ, પ્રવિણ અને ભુપત દર રવિવારની સાંજે ક્રિકેટ રમવાં જતાં રહેતાં હતાં.
સાંજનો સમય થઈ ચુક્યો હતો. પ્રવિણ ભુપતની સાથે કુલદીપને ક્રિકેટ રમવા માટે બોલાવા આવી પહોંચ્યો.
"અરે ! તું હજી તૈયાર થયો નથી. આજે રવિવાર છે અને આપણે દર રવિવારે ક્રિકેટ રમવા જઈએ છીએ. કેમ તું ભૂલી ગયો ?" કુલદીપને એના બેડ પર સુતા જોઈને પ્રવિણે કહ્યું.
"અરે મને યાદ જ છે. આજે મારો મૂડ ક્રિકેટ રમવાનો બિલકુલ નથી. તમે લોકો જઈને રમો." બેડ પરથી ઊભા થતા કુલદીપ બોલ્યો.
"પ્રવિણ, મને ચુટ્યો ભરતો. આ એ જ કુલદીપ બોલે છે કે એને ક્રિકેટ રમવાનો શોખ નથી. એ તો ક્રિકેટ રમવા માટે બાવરો થતો હોય છે. દરેક બોલમાં એના ચોગ્ગા અને છગ્ગા હોય છે." ભુપતના કાનને કુલદીપની કહેલી વાત પર વિશ્વાસ આવી રહ્યો ન હતો.
"સાચે જ આજે કોઈ મૂડ નથી. તમને લોકોને મેં જવાની ના પાડી નથી. તમે તમારી રીતે રમી શકો છો."
"કુલદીપ, ગઈ કાલ કોલેજના સમયથી હું તને નોટીસ કરી રહ્યો છું. તું કોઈ મૂંઝવણમાં હોય એવું તારું મોઢું જોઈને કેમ લાગી રહ્યુ છે ?" પ્રવિણે કુલદીપ સામે જોઈને કહ્યું.
"તું આજકાલ મારુ બહુ ધ્યાન રાખવા લાગ્યો છે. મને કાંઈ નથી થયું. આજે વધારે સમય હું સુતો રહ્યો એટલે ચહેરો તને એવો લાગતો હશે."
"એવું હોય તો ઠીક છે, પણ તું ક્રિકેટ રમવા નહિ આવે તો આજની મેચ કેન્સલ. અમને તારા વિના ક્રિકેટ રમવામાં મજા નહીં આવે." પ્રવિણે એની મરજી જણાવી દીધી.
"તમે લોકો મારે કારણે નહીં જાવ તો મને નહીં ગમે. મારે હમણાં થોડીક વાર પછી એક જુના દોસ્તને મળવા જવાનું છે. મને હવે યાદ આવ્યું. તમે આજની મેચ કેન્સલ ના કરતા અને જીતીને આવજો." કુલદીપને વારંવાર કોઈકને કોઈક નવા જુઠ બોલવા પડતા હતા.
કુલદીપના વધારે આગ્રહને લીધે પ્રવિણ અને ભુપત ક્રિકેટ રમવા જતા રહ્યા. કુલદીપ બેડ પર બેઠાં બેઠાં વિચાર કરવા લાગ્યો. ગીતાને મળવા જશે તો આગળ શું થશે અને નહીં મળવાં જાય તો એની સ્યુસાઈડની ધમકીને કારણે કશું કરી બેસશે !
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"