ગીતાએ કુલદીપને ધમકી ભરી ચિઠ્ઠીથી એને લવ ગાર્ડનમાં એકાંતમાં મળવાં માટે મજબુર કરી દીધો. પ્રવિણ અને ભુપત રવિવારની સાંજે કુલદીપને ક્રિકેટ રમવા માટે બોલાવવા આવેલા પણ પોતાનું મન ક્રિકેટ રમવાનું નથી; એવું ખોટું બોલીને એ બન્નેને એના ઘરેથી મોકલી દીધા.
એના દોસ્ત ગયા પછી એને ગીતાને મળવા જવાનો વિચાર મનમાં ખટકવાં લાગ્યો. ગીતા એને ઈમોશનલ અત્યાચાર કરી રહી હતી. એક પળ માટે એને ગીતાની સ્યુસાઇડ વાળી નોટની બધી વાત પ્રવિણને કહેવાની ઈચ્છા થઈ હતી. ગીતાની ગેરવ્યાજબી માંગણીને કારણે એ આત્મહત્યા કરવાં સુધી આવી પહોચશે. એવી વાત જો એનાં મિત્રોને ખબર પડે તો ગીતાની આબરૂ એનાં મિત્રો પાસે શૂન્ય થઈ જવાનો ડર હતો.
કુલદીપે મન મક્કમ કરી લીધું. બ્લેક કલરનું હાલ્ફ સ્લિવનું ટીશર્ટ અને એની નીચે ડાર્ક બ્લૂ કલરનું બુટ કટ પેન્ટ પહેરીને ગીતાએ એને જ્યાં બોલાવ્યો એ જગ્યાએ જવાં નીકળી ગયો. ઘરમાં એણે એવું બહાનું બતાવી દીધું કે એનો જુનો મિત્ર સોમનાથ ફરવા આવેલો હોવાથી એને મળવા જવાથી ઘરે આવવામાં મોડું થઈ જશે.
ગીતા લવ ગાર્ડનમાં એક બાકડા પર લાલ રંગના નાના ફૂલની ડિઝાઈનનો લાઈટ વાદળી કલરનો ટોપ પહેરીને બેઠી હતી. એની સાથે લાલ રંગની સલવાર અને દુપટ્ટો ઓઢીને કુલદીપની રાહ જોઈ રહી હતી. સાંજનાં છ વાગી ગયા હતા. શિયાળામાં અંધારુ જલ્દી થવાને કારણે ગાર્ડનમાં પબ્લીક ઓછી દેખાય રહી હતી.
અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું. થોડીક ક્ષણોમાં ખાલી આકાશમાં વાદળો પાણી ભરીને ગીતાની ઉપર ઊભાં હતાં. કમૌસમી વાદળો જાણે હમણાં ફાટે અને ગીતા પાણીથી પલળી જાય.
વાદળમાંથી મોટાં મોટાં પાણીનાં ટીપાં પડવાં લાગ્યાં. ગીતાને ટીપાં પહેલાં ઠંડાં લાગ્યાં પણ કુલદીપને યાદ કરતાં બાકડે પલળવાં બેસી ગઈ.
વરસાદનું જોર વધવાં લાગ્યું. આકાશમાં ગાજવીજ થવાની ચાલું થઈ ગઈ હતી. વરસાદને કારણે ચારે તરફ અંધારું છવાઈ ગયું હતું. અંધારામાં કોઈ સામેથી આવતું દેખાઈ રહ્યું ન હતું. વીજળીનાં એક કડાકાંથી માણસોને ઓળખી શકાતું હતું.
ગીતા વરસાદની પૂરી પલળી ગઈ. કુલદીપ લવ ગાર્ડનમાં આવીને એક ઝાડના ઓથે ઊભો રહી ગયો. વરસદને કારણે કદાચ બની શકે કે, ગીતા આવીને જતી રહી હોય; પણ કુલદીપ જાણતો હતો કે, ગીતા ખૂબ જીદ્દી હોવાને કારણે હજું ગાર્ડનમાં હોવી જોઇએ.
કુલદીપે ગાર્ડનમાં ચારે બાજુ નજર કરી. વરસાદને લીધે એને ગીતા મળી રહી ન હતી. વીજળીનો એક ઝબકરો થયો તો એણે જોયું કે એની સામેની તરફ બાકડા પર કોઈ યુવતી બેઠેલી દેખાય. કુલદીપ એને ઓળખે એ પહેલાં વીજળી અદ્રશ્ય થઈ ગઈ.
બાકડે બેસેલી યુવતી ગીતા હોવી જોઈએ. એવો અંદાજો લગાડીને કુલદીપ દોડતો બાકડા પાસે પહોંચી ગયો. જોરદર વરસાદને લીધે કુલદીપ પૂરો પલળી ગયો.
બાકડા પાસે જઈને જોયું તો ગીતા પલળવાને કારણે થર થર કંપી રહી હતી. કુલદીપને જોઈને એ ઊભી થઈ ગઈ. એની હડપચી ઠંડી લાગવાને કારણે ધ્રૂજી રહી હતી.
"તારે ધ્યાન રખાયને આવાં વરસાદમાં તારે પલળવાની શું જરૂર હતી ? હવે જો બિમાર પડી જઈશ તો.."કુલદીપ ગીતાની હાલત જોઈને બોલ્યો.
"તમને મેં કહ્યું હતું કે હું તમારી રાહ જોવીશ. તમે અહીં આવો અને મને ના જુઓ. એ દુઃખ જે તમારાં ચહેરાં પર દેખાય એ હું જોઈ ના શકું. હું બિમાર પડીશ તો તમે છો જ મારું ધ્યાન રાખવાં માટે."
ગીતા કુલદીપની આંખો પર પોતાની આંખો સ્થિર કરતી બોલી. ગીતાની ભીની આંખો કુલદીપને નશા જેવી લાગી રહી હતી. કુલદીપ ગીતાની વાતમાં કોઈ જવાબ આપી ના શક્યો. ગીતાનાં ચહેરાં પરથી વરસાદની બુંદ નીતરતી એનાં બદનની અંદર જઈ રહી હતી.
વીજળીનો એક મોટો કડાકો થયો. અજવાળાનાં એક ઝબકારમાં કુલદીપે ભીની ગીતાને જોઈ તો એની નજર બીજું કાંઈ જોવા માટે તૈયાર થઈ રહી ન હતી.
ગીતાનાં ભીનાં કપડાં એનાં બદનમાં ચીપકી ગયાં હતાં. એનો ભીનો શ્વેત દેહ કુલદીપને આકર્ષવાનું કામ કરી રહ્યો હતો. ગીતાની હડપચી ઠંડીને કારણે હજું ધ્રુજી રહી હતી. ગીતાનાં ખુલ્લાં હોઠની અંદર વરસાદ બુંદ જતી હતી; એવું લાગતું હતું કે જાણે એ પ્રેમનો જામ પી રહી હોય.
"ગીતા તને ઠંડી લાગી રહી છે."
"તો ઠંડીને તમે દૂર કરી શકો છો."
"અત્યારે તારી તબિયતનું ધ્યાન રાખવું જોઈએ."
"એ જ તો તમે રાખતાં નથી."
ગીતા કુલદીપની નજરમાં નજર પરોવીને વાત કરી રહી હતી. કુલદીપ ગીતાની વાત સમજી રહ્યો હતો. કુલદીપે ગીતાના બન્ને હાથ પકડ્યાં તો એ વરસાદમાં સાવ ઠંડા પડી ગયાં હતાં.
કુલદીપે એને બાકડા પર બેસાડી અને પોતે પણ એની પાસે બેસી ગયો. ગીતાની હથેળીને એણે પોતાનાં એક હાથમાં લીધી અને બીજાં હાથેથી મસળીને હૂંફ આપવાં લાગ્યો. ગીતાની ઠંડી વધતી જઈ રહી હતી. ઠંડીને લીધે ગીતાને બે દાંત વચ્ચે કચકચ અવાજ આવવાનાં ચાલું થઈ ગયાં.
કુલદીપ ગીતાની હાલત જોઈ ના શક્યો. એણે ગીતાને પોતાની બાહુમાં ટાઈટ પકડી લીધી. પ્રેમનો ઈઝરાર કરવામાં જેવું મિલન થયું હતું, એવું મિલન ચાલું વરસાદમાં બન્નેનું થઈ રહ્યું હતું. કુલદીપ એના ગરમ હાથનો સ્પર્શ ગીતાનાં શરીરને આપવાં લાગ્યો. પલળતાં બે યુવાન હૈયા એકબીજાના પ્રેમમાં ભીંજવવાં તૈયાર થઈ ગયાં.
વરસાદ બંધ થઈ ગયો હતો. અંધારું ઓછું થઈ ગયું હતું. કુલદીપ હજું ગીતાને બાથમાં ભરીને બેઠો હતો. ગીતાનું માથુ કુલદીપના ખભે ઢાળેલું હતું. બગીચાની બહાર કોઈ વ્યક્તિનો અવાજ થયો.
ગીતાએ કુલદીપને કહ્યું : "એય સાંભળો, વરસાદ રહી ગયો."
"ભલે રહી ગયો."
"તમારે ઘરે જવાનું મોડું થઈ રહ્યું હશે."
"આજ તને આવી હાલતમાં મુકવાની જરાય ઈચ્છા થઈ રહી નથી." કુલદીપ ગીતાનાં પ્રેમરસને વધુ પીવાં માંગતો હતો.
"તમારી તો અહીં સુધી પણ આવવાની ઈચ્છા ન હતી."
"સારું થયું કે હું આવ્યો નહિતર હું જીવનની બહું મોટી ભૂલ કરી બેસવાનો હતો."
કુલદીપનાં આમ બોલવાથી ગીતા એનાથી દૂર થઈ, "તમારી એ જ ઈચ્છા છે જે મારી....!"
"પ્રેમ પણ આવો સુંદર હોય એ મેં તને પલળતાં વરસાદમાં જોઈ ત્યારે ખબર પડી. ગીતા, તું સાચું જ કહે છે કે હૃદયની ઈચ્છા હોય એ આપણે કરી લેવું જોઈએ. આજ મારે તને મારાં પ્રેમમાં ભીંજવી દેવી છે."
"આપણે અહીં પબ્લીક એરિયામાં છીએ !"
"એ બધું તું ના વિચાર. મને આ ઠંડીની બહું ભૂખ લાગી છે. તને પણ લાગી જ હશે. એક કામ કરીએ પહેલાં આપણે ચાય અને સમોસા ખાય લઈએ."
કુલદીપની વાત સાચી હતી. ગીતાને ભૂખ કકડીને લાગી હતી. તેઓ ઊભા થઈને બગીચાની બહાર નીકળતાં હતાં ત્યાં જ કુલદીપે એને રોકી.
"હવે શું થયું?"
"જેનાં પર મારો હક હોય એનાં પર હું કોઈની નજર પડવાં દેવાં માંગતો નથી."
ગીતાનાં દુપટ્ઠાથી કુલદીપે એને પૂરી ઢાંકી દીધી. કુલદીપનો આવો પ્રેમ જોઈને ગીતાને એનાં પર વધુ માન ઊભરાઈ ગયું. પબ્લીકને કારણે એ કુલદીપને હગ કરવાં માંગતી ન હતી.
બગીચાની બહાર નીકળીને પાસે રહેલ એક ટી શોપ પર ચાય અને ફરસાણ બન્ને બની રહ્યા હતા. કુલદીપ ગીતાને શોપની અંદર લઈ ગયો.
બે આખી ચાય અને બે સમોસાનો ઓર્ડર કુલદીપે કરી દીધો. દસ મિનિટની અંદર ચાય અને સમોસા આવી ગયાં. ગીતા અને કુલદીપ કાંઈ બોલ્યાં વિના ચાય અને નાસ્તો કરી લીધો.
"તમે કાંઈ પ્લાન કર્યુ કે આજે આપણે ઘરે જતાં રહી."
"તું ઘરેથી તારાં પેરેન્ટ્સને શું કહીને આવી છે ?"
"એ જ કે હું મારી ફ્રેન્ડની ઘરે જાઉં છું. કદાચ મારે રાત પણ થઈ જશે તો એ મારી ચિંતા ના કરે. તમે શું કહ્યું ઘરે ?"
ગીતાની વાત સાંભળીને કુલદીપ હસ્યો. ગીતાનાં પૂછાયેલાં જવાબમાં એણે કહ્યું : "તું જે બહાનું બનાવી આવી છે એ જ બહાનું હું બનાવીને આવ્યો છું."
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ"મીરા"