ગીતા અને કુલદીપ વરસાદમાં સાવ પલળી ગયાં હતાં. એક ટી શોપ પર બન્નેએ ચાય અને સમોસાનો નાસ્તો કરી લીધો. ખાલી પેટે આગળ શું કરવું એવો કોઈ વિચાર આવી રહ્યો ન હતો.
નાસ્તો કરી લીધાં પછી તેઓ બન્ને શોપની બહાર નીકળી રહ્યાં હતાં, ત્યાં ફરી વરસાદનું એક ઝાપટું આવી પહોંચ્યું. આવા વરસાદમાં ઘરે જવું મુશ્કેલ બની પડ્યું હતું. ટી શોપની સામે ગેસ્ટ હાઉસનું બોર્ડ કુલદીપને નજરે ચડ્યું.
"તને કોઈ તકલીફ ના હોય તો આપણે ગેસ્ટ હાઉસમાં એક રૂમમાં સમય પસાર કરી શકીએ? મોસમ વિનાનો. વરસાદ આજ પાગલ બની બેઠો છે." કુલદીપ ગીતાના જવાબની રાહ જોઈ રહ્યો હતો.
ગીતાએ થોડોક વિચાર કર્યો અને બોલી, "તમારી વાત સાચી છે. અહીં ઊભા રહેવું એ જોખમી લાગે છે. કોઈ વ્યક્તિ આપણા બન્નેને આમ જોઈ જશે તો બબાલ થઈ શકે છે."
ગીતાને કુલદીપની વાતને સ્વીકારી લીધી. કુલદીપ અને ગીતા ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયાં.ખાસ સિક્યોરિટીનો અભાવ હોવાને કારણે કુલદીપને ફર્સ્ટ ફ્લોર પર પહેલો રૂમ આસાનીથી મળી ગયો. રજીસ્ટરમાં કુલદીપે પોતાનું અને ગીતાનું ખોટું નામ લખાવ્યું હતું. જેથી ભવિષ્યમાં તેઓને કોઈ તકલીફ ના પડી શકે.
તેઓ બન્ને ચાવી લઈને રૂમમાં પહોંચી ગયા. રૂમમાં કોઈ ખાસ સજાવટ દેખાઈ રહી ન હતી. એક બેડ જેની પાસે લાકડાનું સ્ટુલ પડેલું હતું. સ્ટુલ પર પાણીનો જગ અને પ્યાલો હતો. દિવાલો પર કળી ચુનાના કારણે પોપડા ઊખડી રહ્યાં હતાં. એક દિવાલ પર નાનો મિરર લગાવેલો હતો. મિરરનાં સ્ટેન્ડમાં એક કાંસકો રાખેલો હતો. મિરરની દિવાલ પાસે એક મોટી બારી મુકેલી હતી. બારીની બહાર વરસાદનો અવાજ આવી રહ્યો હતો. રૂમની અંદર એક નાનું બાથરૂમ હતું, પણ બાથરુમનું બારણું લાકડાનું હોવાથી જામ થઈ ગયું હતું.
કુલદીપ અને ગીતાને રૂમની સજાવટથી કોઈ લેવાં દેવાં ન હતો.એ બન્ને વરસાદ બંધ થાય ત્યાં સુધી રહેવા માંગતાં હતાં. રૂમની લાઈટ ચાલું કરીને કુલદીપ ગીતાનો હાથ પકડીને બારી પાસે લઈ ગયો. રાતનાં નવ વાગી ગયાં હતાં. બન્ને બારીની બહાર આવતાં વરસાદને નીરખી રહ્યાં હતાં.એક વરસાદ બન્નેનાં અંદરનાં હૈયામાં વરસી રહ્યો હતો.
ગીતા કુલદીપની સામે જોઈ રહી હતી. વરસાદનાં પલળવાથી કુલદીપની આંખો લાલ અને હોઠ કાળા થઈ ગયાં હતાં. કુલદીપના કપડાં ગીતાનાં કપડાંની જેમ ભીનાં હતાં.
બહાર વરસાદ ધરતીને ભીંજવી રહ્યો હતો. અંદર કુલદીપ ગીતાને ભીંજવવાં તૈયાર થઇ ગયો હતો. ગીતાનો હાથ પકડીને એ એને બેડ તરફ લઈ ગયો.ગીતાને બેડ પર બેસાડીને રૂમની લાઈટ બંધ કરીને બન્ને યુવાન પ્રેમી પંખીડા પ્રેમમય બની ગયાં.
સવાર પડતાં ગીતાની આંખો ખુલ્લી તો એનું માથુ કુલદીપની છાતી પર હતું.ગીતા ઊભી થવાં ગઈ તો એનાં વાળ કુલદીપે પહેરેલાં સોમનાથ દાદાનાં પેન્ડલમાં અટવાઈ ગયાં.
ગીતાનાં વાળ ખેંચવાથી એની જોરથી રાડ નીકળી ગઈ. ગીતાનો અવાજ સાંભળતાં કુલદીપની નિંદર ઊડી ગઈ. રાત્રે જે કાંઇ એ બન્ને વચ્ચે થયું એ વિચારીને ગીતા લજામણીનાં છોડની જેમ શરમાઈ ગઈ.
વાળ પેન્ડલમાં અટવાઈ જવાથી ગીતા બેડ પર સરખી બેઠી ના થઈ શકી. કુલદીપ ગીતાની મુંઝવણ સમજી ગયો. એ બેડ પર બેઠો થતાં ગીતાનાં વાળને એનાં પેન્ડલમાંથી કાઢવાં લાગ્યો.
મહા મુસીબતે કુલદીપે ગીતાનાં વાળને એનાં પેન્ડલથી છુટાં કર્યા. ગીતાએ એનાં વાળને સરખાં કરવાં મિરર પાસે જઈને કાંસકેથી ઓળવાં જતી રહી.
કુલદીપ પોતે સ્ટુલ પર રાખેલી ઘડિયાળ પર જોયું તો સાડા છ વાગી ચુક્યાં હતાં. કોલેજ જવાને એક કલાકની વાર હતી. તેઓ બન્ને હજું ઘરનાં લોકોને જાણ કર્યા વગર ગેસ્ટ હાઉસના એક રૂમની અંદર હતાં.
"ગીતા ! સાડા છ થઈ ચુક્યાં છે. આપણે જલ્દી અહીંથી નીકળવું જોશે. કોલેજ નહીં પહોંચીએ તો મારા દોસ્ત સવાલો પૂછીને મારી પતર ઠોકી નાખશે. ગઈકાલે મેચમાં ના ગયો તો પ્રવિણે કેટલાય સવાલો પૂછી નાખ્યા હતા. દર વખતે એ લોકો સામે ખોટું બોલવું પસંદ નથી."
ગીતાને સમજાવતો કુલદીપ બેડ પરથી બેઠો થઈને વ્યવસ્થિત તૈયાર થવા લાગ્યો. ગીતાએ એનાં માથાનાં વાળ બાંધી લીધાં હતાં. રૂમની બહાર નીકળીને ટેબલ પર બેસેલાં એક વ્યક્તિને જાણ કરીને તેઓએ રૂમની ચાવી આપીને ગેસ્ટ હાઉસની બહાર નીકળી ગયાં.
બન્નેને સાથે એક રિક્ષામાં જવું યોગ્ય ના લાગ્યું. તેઓએ બન્નેએ અલગ અલગ રિક્ષામાં બેસીને એમનાં ઘરે જતાં રહ્યાં. કુલદીપ અને ગીતાએ અગાઉથી બહાનું બનાવેલું હતું. કોઈ પૂછે તો જણાવી દેવાનું કે રાત્રે ખૂબ વરસાદ હોવાથી દોસ્તનાં ઘરે રોકાઈ ગયાં. વરસાદને કારણે લેન્ડલાઈન બંધ હોવાથી કોલ કરવો શક્ય બન્યો નહીં.
ગીતા અને કુલદીપનાં પરિવાર આ બહાનાથી માની ગયાં હતાં. એનું મુખ્ય કારણ એ હતું કે એમને એમની પરવરિશ પર પૂરો વિશ્વાસ હતો. કાંઈપણ થઈ જાય તો પણ એમનાં સંતાન એમનાથી કોઈ વાત છુપાવશે નહીં.
દરેક પેરેન્ટ્સ એવી જ ભૂલો કરી બેસતાં હોય છે. એમને એવું લાગે છે એમણે આપેલાં સંસ્કારનો એમનાં સંતાન ગેરઉપયોગ કરશે નહીં. વધતી ઉંમરને કારણે યુવાનો એમની ઈચ્છાઓને કંટ્રોલ કરી શકતાં નથી. પરિણામે તેઓ કુલદીપ અને ગીતા જેવી ભૂલો કરી બેસતાં હોય છે.
કોલેજમાં કુલદીપ એનાં દોસ્તો સાથે પહોંચી ગયો હતો. ગીતાને ગઈરાત્રે પલળવાને કારણે તાવ આવવાથી કાજલ સાથે દેખાઈ રહી ન હતી.
"કુલદીપ, આજ અમારી ભાભી ક્લાસમાં દેખાય રહી હતી નથી." ભુપતે મસ્તી કરવાની ચાલુ કરી.
ગીતા દેખાય ના હોવાથી કુલદીપ ચિંતીત થઈ ગયો હતો. કાજલને ગીતા વિશે પૂછવું તો પણ એ કઈ રીતે પૂછી શકે. આખરે ગીતાની ચિંતા થતાં રિસેસનાં સમયે એ કાજલ પાસે જઈને પૂછી લીધું.
"આજે તમારી કંપની સાથે કેમ દેખાઈ રહી નથી." કુલદીપ પ્રવિણની સાથે કાજલ પાસે જઈને સવાલ કર્યો.
"એને આજ તાવ આવી ગયો છે. એને કારણે મારી કંપની અને તમારી દોસ્ત દેખાઈ રહી નથી." કાજલે સીધો જવાબ આપ્યો.
"વરસાદમાં પલળે તો બિમાર થાય. એને મેં કહ્યું હતું કે પલળવું નથી તો પણ માની નહિ."
કુલદીપ ધીમેકથી બોલ્યો એ પ્રવિણ સાંભળી ગયો.
"તને ક્યાંથી ખબર એ વરસાદમાં પલળી છે ?"
"અરે...એ ..તો...મેં ખાલી અંદાજો લગાવ્યો. એ મને હમેંશા કહેતી કે હું વરસાદમાં પલળું તો બિમાર પડી જાઉં છું. હું એને સમજાવતો કે વરસાદમાં પલળતી નહીં."
કુલદીપ અને પ્રવિણની વાતોને અધવચ્ચે મૂકીને કાજલ નીકળી ગઈ. પ્રવિણને વાત પૂછવાથી કાંઈ નવીન જાણવા મળ્યું નહીં.
પાંચ દિવસ પછી ગીતા સ્વસ્થ થઈને કોલેજ આવી પહોંચી હતી. ઘણાં દિવસ પછી ગીતાને જોઈને કલદીપનાં શ્વાસમાં શ્વાસ આવ્યો. દર વખતે ચાલું કલાસમાં ગીતા ચીઠ્ઠીની આપ લે કરતી. આ વખતે કુલદીપે ચીઠ્ઠીની આપ લે કરવાની શરૂઆત કરી દીધી. જેમાં કુલદીપે ગીતાની તબિયત વિશે પૂછી લીધું.
આમને આમ દિવસો પસાર થવાં લાગ્યાં. ગીતા સાથે ગેસ્ટહાઉસમાં સમય પસાર કર્યા પછી કુલદીપનું મન સ્ટડિમાંથી ઓછું થવાં લાગ્યું હતું. એ રાત પછી કુલદીપ સામેથી ગીતાને એકાંતમાં મળવાની વાત કરતો હતો. ગીતા એની વાત સરળતાથી માની જતી.
હોશિયાર અને સમજુ કુલદીપ એકવાર કરેલી ભૂલને વારંવાર દોહરાવવા લાગ્યો. એ પછી ગીતા સાથે મહિનામાં બે વાર મળવાં નીકળી જતો. કોઈક વાર ગીતા ઘરે એકલી હોય તો એ કુલદીપને અગાઉથી જાણ કરી દેતી. કુલદીપ ગીતાનાં કહેવાથી ચોરી છુપી એનાં ઘરે જતો રહેતો.
એક્ઝામ નજીક આવવાં લાગી હતી. કુલદીપ અને ગીતાનો પ્રેમ હવે કોઈ સીમામાં બંધાયેલો ન હતો. સૌથી રહસ્યની વાત એ હતી કે એમનો આટલો વધી ગયેલાં પ્રેમની જાણ એમણે એમનાં દોસ્તોને પણ જણાવી ન હતી.
કુલદીપ છેલ્લાં ઘણાં દિવસોથી બદલાયેલો લાગતો હતો. રજાના દિવસે એણે ક્રિકેટ રમવા જવાનું બંધ કરી દીધું હતું. એ સ્ટડિમાં પણ ઓછું ધ્યાન આપવાં લાગ્યો હતો. પ્રવિણ અને ભુપત એને અવાર નવાર પૂછતા તો પણ એ વાતને ટાળવાં લાગ્યો હતો.
એક્ઝામ આવીને જતી રહી હતી. રિઝલ્ટ જાહેર થઈ ગયું. કુલદીપનું આ રિઝલ્ટ એક સાથે બે આઘાત આપવા વાળું થવાનું હતું.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"