કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ લોકોને શોધવાની ના પાડી દીધી અને એ સાથે એની દીકરીથી દરેક સંબંધો પણ એમણે પૂરા કરી નાખ્યા.
કુલદીપને ભૂલીને પ્રવિણ અને ભુપત એમના કરિયરમાં વ્યસ્ત થઈ ગયાં. જ્યારે પણ એ લોકોને સમય મળતો ત્યારે એ લોકો કુલદીપના ઘરે જઈને એક પુત્ર તરીને બધી ફરજ નિભાવી જતાં.
કુલદીપના મમ્મી અને પપ્પાનું મન રાખવા માટે પ્રવીણ વાતો કરતાં કરતાં ટિખળ કરતો. એ ટિખળથી કુલદીપનાં પેરેન્ટ્સ એની સામે આછું મલકાતાં હતાં.
"કાકા, આ ભુપત્યા માટે આપણે બીજા દેશમાં બાયડી ગોતવાં જવી પડશે. એના ગુસ્સાને કારણે આજુબાજુની છોકરીઓએ એની સાથે પરણવાની જ ના પાડી દીધી."
પ્રવિણ આવી હસી મજાક કરીને કુલદીપનાં પેરેન્ટ્સને હસાવી દેતો હતો. તેઓને પ્રવિણ અને ભુપતના આવવાથી જાણે એમનો ખોવાયેલો કુલદીપ આવ્યો હોય એવી રાહત થતી હતી.
"મારે પણ ઘણાંય ઓરતાં હતાં કે મારાં એકના એક કુલદીપનાં લગ્ન હું ધામધુમથી કરાવીશ. એની વહુ પાસે એક સાસુ બનીને હુકમની સાથે ઘરનાં બધાં કામો હું કરાવું. એવી આશાઓ બસ મારી મનની મનમાં જ રહી ગઈ." કુલદીપનાં મમ્મીએ એક મોટો નિ:સાસો નાખ્યો.
"કાકી ! એમ મન દુઃખી નહીં કરવાનું. તમારે એવું વિચારવાનું કે એક દીકરો દૂર થયો તો ભગવાને તમને બે દીકરા આપી દીધા. આ પ્રવિણ તો સરકારી નોકરી મળશે નહીં એ પહેલાં એનાં લગ્ન થશે નહીં. લગ્નનો લહાવો લેવાનો પહેલો વારો મારો જ આવશે. તમે મારી વહુને તમારી વહુ સમજીને જે હુકમ ચલાવવા હોય એ ચલાવજો."
ભુપત એની વાતોથી વાતાવરણને હર્યુંભર્યું રાખતો હતો. પ્રવિણ કુલદીપનાં ઘરમાં જરૂર પૂરતી ઘરવખરી પણ લઈને આવતો. કુલદીપના પપ્પા લેવાની ના પાડતા પણ પ્રવિણે આપેલા સોમનાથ દાદાના કસમથી એ ના પાડી શકતા નહીં.
પ્રવિણ સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરવાં લાગ્યો. એક સમય એવો આવ્યો કે એને સોમનાથ દાદાની કૃપાથી તાલુકા પંચાયતમાં નોકરી મળી ગઈ.
ભુપતને એક મોટી કંપનીમાં સારી પોસ્ટ મળી ગઈ. પ્રાવેટ હતી પણ એની ધારણા કરતાં વધુ સેલેરી એને મળી જતી હતી.
સરકારી નોકરી મળ્યા પછી પ્રવિણનો પહેલો ખ્યાલ કાજલનો આવ્યો હતો. કોલેજ છોડ્યાં પછી એને કાજલ સાથે કોઈ જાતની વાતચીત કરવાનો વ્યવહાર બંધ થઈ ગયો હતો.
કાજલની સાથે એને કુલદીપની પણ યાદ આવી ગઈ. એણે કહ્યું હતું, "જો તું કાજલને પ્રેમ કરતો હોય તો એને પ્રપોઝ કરી નાખ. પછી એવું ના થાય કે કાગડો દહીંથરું લઈ જાય."
કુલદીપના ઘણા ઓરતાં હતાં કે કાજલ એની ભાભી બનીને એનાં દોસ્ત પ્રવિણની ઘરે આવી જાય. લોકો દૂર જતાં રહે છે પણ એની વાતો અને યાદો કદાપિ વિસરાતી નથી.
કુલદીપે એનાં જીવનમાં કરેલી ભૂલને કારણે એ ખરાબ હતો; એવું લેબલ ચડાવી ના શકાય. દરેક ભૂલો પરિસ્થિતિને આધિન પણ થતી હોય છે. આપણી ઈચ્છા ના હોવા છતાં આપણે એવી ભૂલો કરી બેસતા હોય છીએ કે એ આપણા નિયમોની વિરુધ્ધ હોય.
પ્રવિણ કુલદીપની યાદોમાંથી બહાર આવ્યો. ઘરની અંદર તક જોઈને એણે દલપતકાકા પાસે કાજલની વાત કરી દીધી.
દલપતકાકા અને એનાં મમ્મી પ્રવિણનાં લગ્નની વાત સાંભળીને મૂંઝાઈ ગયાં. પ્રવિણે કરેલી વાતથી એમણે કોઈ પ્રત્યુતર આપ્યો નહીં.
"પપ્પા તમને કાજલ પસંદ ના હોય તો મને જણાવી દેજો. મને એની સાથે કોઈ એવો ખાસ લગાવ નથી. મને એ પણ ખબર નથી કે કાજલ મને પસંદ કરે છે કે નહીં." પ્રવિણે ચોખ્ખી વાત દલપતકાકાને જણાવી દીધી.
"એક દીકરાના લગ્નની ક્યા માતા પિતાને ખુશી ના હોય ! તારી ખુશી એ જ મારી ખુશી છે, પણ કદાચ સોમનાથ દાદાએ અમારાં નસીબમાં એ ખુશી આપી નથી." પ્રવિણનાં મમ્મી વાત કરતાં રડવાં લાગ્યાં.
"મમ્મી, તમે મહેરબાની કરીને રડો નહિ. તમે સાચી વાત મને જણાવશો તો મને ખબર પડશે. તમે આવી વાત કેમ કરો છો ?"
"દીકરાં, એ એનાં મોઢે બોલી નહીં શકે. હું જ તને સાચી હકીકત જણાવું છું."
"તમે જે વાત કહેશો એ હું સ્વીકારવા તૈયાર છું. હું તમારો જ દીકરો છું. તકલીફોને હું મક્કમતાથી સામનો કરવા તૈયાર છું."
"વાત જાણે એમ છે કે નાનપણમાં તને યાદ પણ નહીં હોય ત્યારે તારો અકસ્માત થઈ ગયો હતો. અકસ્માત પછી ડૉકટર દ્રારા અમને જાણવા મળ્યું કે તું પિતા બનવાની દરેક શક્તિ ખોઈ બેઠો છો."
દલપત કાકાએ પૂરી હિમ્મત એકત્ર કરીને આ વાત એમણે પ્રવિણને જણાવી. પ્રવિણને એનાં જીવનનું આટલું મોટું રહસ્ય સાંભળીને એનાં ગળામાંથી અવાજ નીકળતો બંધ થઈ ગયો. એની આંખોમાં એક પળ માટે અંધકાર છવાઈ ગયો. માંડ એક દિવાલનો એને ટેકો મળ્યો તો એને પકડી લીધી અને એ પડતા રહી ગયો.
"આ વાત તમે મને પહેલાં...પહેલાં પણ કહી શકતા હતા." પ્રવિણથી આટલું માંડ બોલાયું.
"આ વાત અમે તને ક્યા મોઢેથી કહી શકવાના હતા ? સૌથી વધુ તકલીફ અમને આ વાત સાંભળીને થઈ હતી. દીકરો હોવા છતાં અમારો વંશ વેલો આગળ વધી શકશે નહીં. જાણ પણ અમને ત્યારે થઈ જ્યારે બહું મોડું થઈ ગયું હતું." દલપત કાકાને વાત કરતાં આંખમાંથી આંસુ વહી ગયાં.
"આ બધામાં મારે લગ્ન કરવામાં શું તકલીફ પડવાની છે ? દરેક રીતે હું સક્ષમ છું. બસ એક પિતા બની શકતો નથી. લગ્ન પછી બાળકનું હોવું એ જરૂરી નથી હોતું." પ્રવિણે એની વાત રજૂ કરી.
"તારે બાળકની જરૂર ના હોય પણ આવનારી વહુને એવી ઈચ્છા હોય કે એનું એક બાળક હોય. એ એનાં પોતાનાં બાળકને જન્મ આપે." પ્રવિણનાં મમ્મીએ આંસુ લૂછીને વાત કરી.
પ્રવિણ એની મમ્મી પાસે બેસી ગયો. એમનાં ખભે હાથ મૂકીને આગળ બોલ્યો : "એ એવું અનપઢ લોકો વિચારતાં હશે. કાજલ સમયની સાથે ચાલનાર છોકરી છે. એ ગ્રેજ્યુએટ છે. મને નથી લાગતું કે એ આવું કાંઈ વિચારે. જો એને હું પસંદ હોઈશ તો એ ફક્ત મારી ખુશી માટે હા કરી દેશે."
"આશા રાખું છું કે તું જે વિચારે છે એવું જ થાય, પણ ગમે એટલી ભણેલી સ્ત્રી હોય એનાં ઓરતાં હોય છે, કે એ માં બની શકે." એક સ્ત્રી તરીકે પ્રવીણનાં મમ્મીએ બીજી સ્ત્રીની લાગણીની વ્યથા જણાવી.
પ્રવિણને વિશ્વાસ હતો કે એ કાજલને મનાવી લેશે. કાજલ સાથે સૌથી પહેલાં એ વાત કરશે. જો એની મરજી હશે તો એ એના પપ્પાને કાજલનો હાથ માંગવાં એનાં ઘરે મોકલશે.
પ્રવિણ પિતા બની શકતો નથી. એવી વાત જાણીને એને દુઃખ થયું હતું. એક પુરુષ તરીકે એને લાગેલું કલંક એ કોઈપણ રીતે મિટાવી શકે નહીં. એ કોશિશ જરૂર કરી શકતો હતો કે આ વાતને એ હમેંશને માટે ભૂલી શકે.
પ્રવિણને અજાણતાં કોઈ પાસેથી કાજલનાં લેન્ડ લાઈન નંબર મળી ગયાં. પ્રવિણને વિચાર આવ્યો કે એ કાજલનાં ઘરે કોલ કરીને એને મળવાં માટે કહી શકે, પણ કોઈનાં ઘરે આમ કોલ કરવો એ એને ઉચિત ના લાગ્યું.
કાજલ સાથે એને વાત કરવી હતી, પણ ચોરીછુપી એને મળવાં માંગતો ન હતો. બન્ને વિચારોમાંથી પ્રવિણે વચગાળાનો ફેસલો લઈ લીધો.
પ્રવિણને જાણ હતી, કે કાજલ ક્યાં સમયે ઘરે રહે છે અને એ સમયે એનાં પપ્પા બહાર હોય છે. એ કાજલનાં ઘરે એની સાથે વાત કરવાં ગયો.
પ્રવિણ કાજલનાં ઘરે પહોંચી ગયો. એનાં હૃદયનાં ધબકાર કાજલનું ઘર જોઈને વધવાં લાગ્યાં. એણે કોઈપણ રીતે અહીં સુધી આવવાની હિમ્મત કરી નાખી, પણ કાજલનાં ઘર પાસે ઊભા રહીને એને ઘરની અંદર જવાની હિમ્મત થઈ રહી ન હતી.
કાજલનો દરવાજો બંધ હતો. પ્રવિણ વિચાર કરતો એનાં દરવાજાની પાસે આટાં ફેરાં કરવાં લાગ્યો.
"પ્રવિણ, તું અત્યાર સુધી જે ધાર્યું હતું એ તું કરીને આવ્યો છે. હવે આગળ પણ તું કરીને જ રહીશ. તું કાંઈપણ કર્યાં વિના હથિયાર નીચે મુકી દે એવો નથી." પ્રવિણે મનમાં આવો વિચાર કરીને કાજલનો દરવાજો ખખડાવ્યો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"