Aekant - 57 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 57

Featured Books
Categories
Share

એકાંત - 57

પ્રવિણને એના જીવનની સૌથી મોટી વાત જાણવા મળી કે એ કોઈ દિવસ પિતા બની શકશે નહીં. આટલી મોટી વાત જાણ્યાં પછી એ વિખરાઈ ગયો નહીં. 

પ્રવિણને એક આશા કાજલ સાથે બંધાયેલી હતી કે, એ એની તકલીફમાં જીવનભર સાથ આપશે. એ હિમ્મત કરીને એનાં ઘરે એનાં મનની વાત કરવાં ગયો.

પ્રવિણ કાજલનાં ઘરનાં દરવાજા પાસે પહોંચ્યો. મનની અંદર બધી હિમ્મત એકત્ર કરીને એણે દરવાજો ખટખટાવ્યો. એક, બે, ત્રણ -  એમ એણે દરવાજો ખોલવાં કોઈ આવ્યું નહીં, ત્યાં સુધી ખખડાવાનું ચાલું રાખ્યું. 

ઘરની અંદરથી એક વ્યક્તિ દરવાજો ખોલવા આવી. પ્રવિણે એ વ્યક્તિ સામે જોયું તો એ કાજલની મમ્મી હતી.

"જય સોમનાથ, કાકી. મારું નામ પ્રવિણ છે. કાજલ સાથે મારે થોડીક વાત કરવી છે. એ ઘરની અંદર હોય તો એની સાથે વાત થઈ શકશે." પ્રવિણે બે હાથ જોડીને વિવેકથી કહ્યું.

"મેં તને કોઈ દિવસ જોયો નથી. કાજલે કોઈ દિવસ તારી વાત કરી નથી." કાજલનાં મમ્મી વિચારમાં પડી ગયાં.

"અમે કોલેજમાં સાથે હતાં. કોલેજનાં છેલ્લાં વર્ષનાં સ્વાતંત્ર્ય દિન પર અમે સાથે ડાન્સ કર્યો હતો. એ પછી અમે અમારાં સ્ટડિમાં વ્યસ્ત થઈ ગયા હતા, તો કોઈ દિવસ અમે મળ્યાં નથી."

કાજલનાં મમ્મીએ મગજ પર થોડોક ભાર દેતાં : "અરે હા ! એકવાર એણે તારું નામ ઘરમાં લીધું હતું. એણે કહ્યું હતું કે તું કલાસમાં એને ટક્કર આપી શકે એવો હોશિયાર હતો અને તું એનો ડાન્સ પાર્ટનર હતો."

"હા કાકી, મને તાલુકા પંચાયતમાં જોબ મળી ગઈ છે. તમારી મંજુરી હોય તો.."

પ્રવિણે ઈશારેથી અંદર આવવાની મંજુરી માંગી. કાજલનાં મમ્મીએ હસતાં હસતાં એને અંદર આવકાર આપ્યો. પ્રવિણને પાણી પીવડાવીને કાજલની પાસે એનાં રૂમમાં જવાની પરવાનગી આપી દીધી.

કાજલ બેડ પર બેઠાં નોવેલ વાંચી રહી હતી. પ્રવિણ રૂમની અંદર આવીને કાજલને વાંચતાં જોઈ રહ્યો હતો : "હજી એવી જ છે; જેવી મેં એને કોલેજનાં છેલ્લાં વર્ષમાં જોઈ હતી. એનાં હાથ કોઈ બુક વિના ખાલી હોતાં નથી." 

પ્રવિણ મનમાં બોલીને રૂમનો દરવાજો નોક કર્યો. કાજલનું ધ્યાન બુકમાંથી બહાર નીકળીને દરવાજા તરફ ગયું. પ્રવિણનો લુક કોલેજનાં સમય પછી થોડોક ઘણો બદલાય ગયો હતો. કાજલ એને જોતી રહી હતી.

"આમ મારી સામે જોયા કરીશ કે મને અંદર આવવાં માટે કહીશ. અહીયાં આવ્યાં પહેલાં મેં કાકીની પરવાનગી લીધી છે." પ્રવિણ દરવાજા પાસે બોલ્યો.

"મને તમારી ઓળખાણ પડે તો હું તમને અંદર આવવાં દઉં. " કાજલ બેડ પરથી ઊભા થઈને બોલી.

"એટલી જલ્દી ભૂલી ગયાં!" પ્રવિણે મોઢું બગાડ્યું.

"કોઈ ઓળખાણ આપો તો વ્યક્તિ ઓળખી શકે."

"ઓળખાણ એટલી કે એક સમયે હું તારો પાર્ટનર આઈ મીન કે ડાન્સ પાર્ટનર હતો." પ્રવિણ આટલું બોલીને મનમાં બોલ્યો, "હવે તને હું લાઈફ પાર્ટનર બનાવીને લઈ જવાં આવ્યો છું."

"પ્રવિણ તમે તો સાવ બદલાય ગયા છો. આવોને અંદર. કોલેજ પછી આપણે મળવાનું નથી થયું. બોલો આજકાલ બધું કેમ ચાલે છે?"

કાજલે પ્રવિણને બેસવાની ખુરશી આપી. પ્રવિણ રૂમની અંદર આવીને ખુરશી પર બેસી ગયો. જમણા પગ પર એણે ડાબો પગ ચડાવીને કડક થઈને કાજલનાં સવાલનો જવાબ દેવાં તૈયાર થઈ ગયો.

"મને સરકારી નોકરી મળી ગઈ છે. એ કહેવાં આવ્યો છું અને એક બહું જરૂરી વાત પણ તને કહેવાં આવ્યો છું."

કાજલ બેડ પર એની સામે બેસતાં અભિનંદન આપ્યું : "બીજી કઈ જરૂરી વાત તમારે કરવી હતી ? જેને કારણે તમારે મારાં રૂમ સુધી આવવું પડ્યું."

પ્રવિણે ખોખારો ખાધો અને ડાબો પગ નીચે કર્યો : "કાજલ એ પહેલાં તું મને કહે કે, તારી બેરિસ્ટરની ડિગ્રી કેમ ચાલે છે ?"

"બહું ખાસ નહીં. સોમનાથમાં જોઈએ એટલી સ્ત્રી માટે વકીલાતની વેલ્યુ નથી. ડિગ્રી મળી ગઈ છે પણ સરકારી મળી ના શકી. હજું કોઈ કેશ મારાં હાથમાં આવ્યો નથી." ઉદાસીનાં સ્વરે કાજલે કહ્યું.

"એમ હાર માની જાય એ મારી સામે બેઠી એ કાજલ હોય ના શકે. એકદિવસ તારું કામ જરૂર ચાલું થઈ જશે. મને તારાં પર વિશ્વાસ છે."

પ્રવિણે કાજલ પર વિશ્વાસ દર્શાવ્યો એ જાણીને કાજલને સારું લાગ્યું. એ પછી બન્નેએ અહીંતહીંની વાતો કરી. કાજલનાં મમ્મી પ્રવિણને ચાય આપીને જતાં રહ્યાં. પ્રવિણે ચાય પીવાં માટે થોડોક બ્રેક લીધો. ચાય પીધાં પછી કુલદીપ અને ગીતાની વાતો તેઓએ ઉખેડી લીધી. 

વાતો પરથી પ્રવિણને કાજલનાં મનની વાત જાણવાની તક મળી ગઈ : "કાજલ, જોકે એ ડાન્સ પ્રેક્ટકસમાં કોઈ એક વ્યક્તિ હતો જે તારો ક્રશ હતો. બિચારો તને કહેવાની હિમ્મત ના કરી શક્યો."

પ્રવિણ પાસેથી આ વાત જાણીને કાજલને આશ્ચર્ય થયું : "તમે ખોટાં ફાંકા ના મારો. મારાં જેવી ખડૂસનું કોઈ ક્રશ ના હોય શકે."

કાજલને પ્રવિણની વાત પર વિશ્વાસ આવતો ન હતો. એણે એની વાત હસાવીને હવામાં ઊડાડી દીધી.

"હું તને એનું નામ આપું તો શું તું એનો સાથ જીવનભર આપીશ ?"

પ્રવિણ ખુરશી પરથી ઊભા થઈને બારી પાસે ગયો. કાજલ કોલેજ કાળનો સમય વિચારવા લાગી. એણે ખૂબ જોર કર્યું પણ એને એવું કોઈ યાદ આવી નહતું રહ્યું કે, એને કોઈ એક તરફી પ્રેમ કરતું હોય.

કાજલ બેડ પરથી ઊભી થઈને પ્રવિણ પાસે જતી રહી : "મને એવું કોઈ યાદ આવી નથી રહ્યું કે કોઈ મને પ્રેમ કરતું હોય. તમને ખબર હોય તો તમે મને કહી દો."

"એ બીજું કોઈ નથી પણ તારી સામે ઊભો એ જ તારો ડાન્સ પાર્ટનર છે. જે તારો લાઈફ પાર્ટનર બનવાની ઈચ્છા રાખે છે." પ્રવિણે કાજલની આંખોમાં આંખો પરોવીને વાત કરી.

કાજલે વાત સાંભળી એ સાથે એનાં ધબકાર વધી ગયાં. થોડીક વાર એ ચૂપ રહી. પ્રવિણે પોતાનાં હાથમાં એનો હાથ પકડી લીધો.

"આ વાત મારા પપ્પા તારા પપ્પા પાસે કરવા આવવાના હતા, પણ મારી ઈચ્છા હતી કે પહેલાં હું તારાં મુખે સાંભળું કે, તું મારાં માટે શું ફીલ કરે છે ?"

કાજલ શરમાઈને એની નજરને નીચી કરી નાખી. પ્રવિણના હાથમાંથી એણે હાથ છોડાવીને બોલી : "સાચું કહું તો તમારી સાથે ડાન્સ કરતાં મને તમારી કંપની ખૂબ ગમતી હતી. મારે ડાન્સમાં પાર્ટ લેવો ન હતો પણ ગીતાનાં વધુ આગ્રહથી વશ થઈને પાર્ટ લીધો. મારા પપ્પા પછી લાઈફમાં તમે બીજા પુરુષ છો જેને મેં અડવાં દીધાં. એ સમયે મારું પૂરું ધ્યાન મારાં કરિયરમાં હતું. હું એ વિચારીને તમારાથી દૂર રહેતી, કારણ કે મને એવું લાગતું હતું કે આ પ્રેમ નહીં પણ આકર્ષણ છે પણ...."

"પણ શું, કાજલ ? મારે તારાં મુખેથી સાંભળવું છે." પ્રવિણે એની તર્જનીથી કાજલની હડપચીને ઊંચી કરતાં બોલ્યો.

કાજલનું મુખ પ્રવિણનાં મુખને લગોલગ હતું : "પણ તમારાંથી દૂર થયાં પછી મારાં જીવનમાં એવો કોઈ પુરુષ મિત્ર આવી ના શક્યો જે મને અડકવું અને સ્પર્શનો મર્મ સમજાવી શકે. તમારું મને અડવું એ મારાં આત્મા સુધી સ્પર્શ કરીએ જતું હતું. આવી લાગણી બીજા કોઈ પુરુષ માટે મને આવી ન હતી."

કાજલે વાક્ય બોલવાનું બંધ કર્યુ. પ્રવિણ એને સ્પર્શ કર્યા વિના રહી ના શક્યો.એણે ખૂબ જ પ્રેમથી કાજલનાં કપાળને ચુમી લીધું.બન્ને પ્રેમીઓનું આ પહેલું મિલન હતું જે વર્ષોથી એનાં વિના તરસ્યાં હતાં. કાજલ શરમાઈને પ્રવિણને પ્રેમથી ધક્કો માર્યો અને એનાથી દૂર થઈ ગઈ.

પ્રવિણ કાજલની હરકતથી મુખ મલકાવ્યું. કુલદીપની તડપ એ આ સમયે યાદ આવી ગઈ. સામે ભાંગનો નશો પડ્યો હોય તો કોઈ નશો કર્યા વગર કઈ રીતે રહી શકે ! પ્રવિણ અને કાજલ બન્ને શરમાઈ ગયાં.

"હું મારા પપ્પાને તારાં ઘરે આપણાં મેરેજની વાત કરવાં મોકલું ?"

પ્રવિણે હળવેકથી કાજલનાં કાનમાં કહ્યું અને કાજલે હકારમાં હા કહીને પ્રવિણનાં ગળે વળગીને રડવાં લાગી.

કાજલનો રડવાનો અવાજ સાંભળીને પ્રવિણ બોલ્યો : "એય ગાંડી, હવે આ રડવું કેમ આવે છે ?"

"એમ જ તમે એક સ્ત્રીનાં હૃદયને નહીં સમજી શકો." આંસુ લૂંછતાં કાજલ બોલી.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"