"આપણાં છુટાછેડા થઈ જાય પછી હું બીજાં મેરેજ કરું કે ના કરું પણ તું બીજાં મેરેજ કરી લેજે. પાછલાં જીવનની ક્ષણોમાં તું એને આમ જ કોફી પીવડાવતી રહેજે." કટાક્ષ કરતા સંજયભાઈએ કહી જણાવ્યું.
સંજયભાઈનું આમ કહેવું રેખાબેનને જરાય પસંદ આવ્યું નહીં. એમણે વળતો જવાબ આપતાં કહી દીધું, "સ્ત્રીના જન્મ પછી એનું ગૌત્ર એકવાર જ બદલાય છે. જ્યારે એ ચોરીના ચાર ફેરા ફરીને સાસરે જાય છે. એક સ્ત્રી લગ્ન પછી એના પતિને સર્વસ્વ માની બેસે છે; ભલે એ એમની સાથે હોય કે ના હોય. કોઈ પણ સંજોગોમાં એ એક ભવમાં બે ભવ થાય એવું જ્યાં સુધી બને ત્યાં સુધી ટાળીને રહે છે. આથી તમે મારાં બીજાં લગ્નની વાત હવે પછી બીજી વાર કરતાં નહીં. હું તો તમને છુટાછેડા આપીને તમને મારાંથી મુક્ત કરું છું; જેથી તમારે કોઈ સારી સ્ત્રી સાથે લગ્ન કરવા હોય તો કરી શકો છો."
રેખાબેને એમનો જવાબ આપી દીધો હતો. સંજયભાઈ રેખાબેનના એક એક શબ્દ સમજી ચુક્યાં હતાં.
"તને એવું લાગે છે કે હું હજું આ ડિવોર્સ બીજાં લગ્ન કરવાં માટે આપી રહ્યો છું ?"
"આ ઉંમરમાં છુટાછેડા આપીને તમને બીજો કોઈ ફાયદો થવાનો પણ નથી. તમારે બીજાં લગ્ન કરવા હોય તો મને દુઃખ નહીં લાગે. હું તો ખુશ થઈશ કે અત્યાર સુધી તમે જે પ્રેમથી વંચિત હતાં એ તમને મળી જશે."
"હું આ ડિવોર્સ બીજાં લગ્ન કરવાં માટે કરી નથી રહ્યો. મારે મારું નામ કોઈની સાથે બાંધીને રાખવાં ઈચ્છતો નથી. આજ સુધી મેં તને ડિવોર્સ આપ્યાં નહિ, કારણ કે મારે કે તારે ડિવોર્સની જરૂર ન હતી. હવે મને એવું લાગે છે કે નામ માત્રનાં સંબંધને આપણે છેલ્લી ક્ષણ સુધી રાખવો ના જોઈએ. કોઈ એવી અપેક્ષા રહી જ નથી કે આપણે આ સંબંધને બીજી તક આપી શકીએ. મારે નિજાનંદ બનીને રહેવું છે. સાંસારિક દરેક સંબંધોને મારાથી મુક્ત કરવા માગું છું."
"તમે ઈચ્છો તો આપણે આ સંબંધને છેલ્લી તક આપી શકીએ છીએ. આપણે ફરી પહેલાં જેવા સંબંધો વિકસાવી નહીં શકીએ પણ તુટેલા સંબંધની તિરાડમાંથી લાગણીની ઉષ્ણ હૂંફ મળશે તો આપણા બન્નેને ગરમાવો મળતો રહેશે."
રેખાબેનની વાતનો સંજયભાઈ પાસે કોઈ જવાબ હતો નહીં. એ રેખાબેન સાથે વધુ રહી શકે એમ ન હતાં.
"હું જાઉં છું. તારી ઈચ્છા ડિવોર્સ આપવાની નથી, પણ મારી ઈચ્છા ડિવોર્સ લેવાની જરૂર છે. મને માફ કરી દેજે. આ ફેસલો મારે પહેલાં લઈ લેવાની જરૂર હતી. નામનાં સંબંધે તને આટલાં વર્ષો ગુમનામ બનાવીને રાખી દીધી. આવતી કાલે જ તારે ડિવોર્સ આપવાં જરૂરી નથી. તું નિરાંતે મને ડિવોર્સ આપીને કાગળીયા મોકલાવી દેજે."
સંજયભાઈ આટલું કહીને રેખાબેનના ચહેરા સામે જોયાં વિના ઘરની બહાર નીકળી ગયાં. રેખાબેન એમને જતાં જોઈ રહ્યાં હતાં. ટિપોઈ પર કોફી પીતાં થોડીક બાકી રાખેલી કોફી મગમાં પડી હતી. એ મગ પર એમનું ધ્યાન પડ્યું અને હાથમાં લીધો.
"તમારી હજી એવી આદત છે. કોફી હોય કે જમવાનું એઠું તો મુકવું પડે, પણ હવે હું તમને વસ્તુ કે સંબંધ કશું અધુરું મુકવાં નહીં દઉં."
રેખાબેન એટલું બોલીને સંજયભાઈની એઠી કોફી પીવાં લાગ્યાં. ઠંડી કોફીમાં રેખાબેનને હૂંફની ઉષ્ણતા મળી ગઈ. એમણે મગ કિચનનાં બેઝિનમાં મૂકીને મલકાતાં ચહેરે એમના રૂમમાં સુવા જતા રહ્યા.
"સાવ બેકાર મુવી હતી. હવે તમારે અને નીલને મુવી જવાં જાઉં હોય તો એકલાં જતાં રહેજો પણ મને આવી વાહિયાત મુવી જોવાં જવાનું કહેતાં પણ નહીં."
મુવી જોઈને પાછા વળતાં હિમજાએ નિસર્ગને ફરિયાદ કરી. નિસર્ગને કહીને એણે કારની બહાર નજર કરી લીધી. હિમજાની વાત સાંભળીને નિસર્ગ જોરથી હસવા લાગ્યો.
"એ વાહિયાત મુવી જરાય ન હતી. કેટલી સરસ એ મુવી હતી. એ મુવીની વિલન પણ તારા કરતાં પણ વધુ સુંદર લાગતી હતી. આહ ! શું એની નાજુક કમર હતી."
નિસર્ગ હિમજાને જલાવવાં માટે જાણી જોઈને મુવીની વિલનનાં વખાણ કરવાં લાગ્યો. હિમજા ગુસ્સો કરીને એને મારવાં લાગી.
"થોડીક તો શરમ રાખો. પાછળ નીલ બેઠો છે. એ સાંભળી જશે તો વિચારશે કે એના પપ્પાની નજર બીજે ક્યાંય ના પડી પણ વિલનની કમર પર પડી." ધીમેકથી હિમજા બોલી.
"જે સારું હોય એ જ મેં કહ્યું. તું નીલનું ટેન્શન ના લે. એ ખૂબ થાકી ગયો છે. એકવાર મોબાઈલ પર એનું ધ્યાન જાય છે પછી બીજી આડી અવળી વાતો એને કાને પડતી નથી." નિસર્ગે જવાબ આપ્યો.
"પપ્પા, રહેવા દો. તમે પહેલી વિલનની કમરની વાત કરો છો ? તમને સાચે જ શરમ આવવી જોઈએ કે આ માસુમ બાળકની સામે આવી વાતો કરો છો."
નીલની વાત સાંભળીને નિસર્ગ અને હિમજા બન્નેની આંખો પહોળી થઈ ગઈ.
"હજી એને મોબાઈલની આદત પડાવ" નીસર્ગે બે દાંત વચ્ચે જીભ લાવી દીધી.
"એ મોબાઈલને કારણે બગડતો નથી પણ એ એનાં પપ્પાની આદત પર ગયો છે. તમારા બધા સંસ્કાર એનામાં આવી રહ્યા છે. મૂગે મોઢે કાર ચલાવવા માંડો."
હિમજાની ડાંટ પછી નિસર્ગ એક શબ્દો બોલ્યો નહીં અને કાર ચલાવવાં લાગ્યો.થોડીક મિનિટમાં નિસર્ગે ક્રિષ્ના એપાર્ટમેન્ટની અંદર કારનો પ્રવેશ કર્યો. પાર્કિગ એરિયામાં કાર પાર્ક કરીને તેઓ લિફ્ટ વડે એમનાં ફલેટ પર ચઢી ગયાં. ઘરની એક ડુપ્લીકેટ ચાવી નિસર્ગની કારની ચાવી સાથે હોવાથી રેખાબેનને જગાડ્યાં વિના તેઓએ ચાવી વડે ડોર ખોલીને ઘરની અંદર પ્રવેશ કરી લીધો.
નિસર્ગ, હિમજા અને નીલ મુવી જોઈને ઘરે પાછાં આવ્યાં એટલી વારમાં ખૂબ થાકી ગયા હતા. નીલે એનાં પેરેન્ટ્સને ગુડ નાઈટ વિશ કરીને એના રૂમમાં જતો રહ્યો. નિસર્ગ પણ એની ઓફીસનો સામાન હોલમાં રાખીને એના રૂમ તરફ નીકળી ગયો.
હિમજાએ ઘરના મેઈન ડોરને અંદરથી સરખો લોક કરી નાખ્યો. એ પછી કિચનમાં તેણી પાણી પીવાં જતી રહી. કિચનનની લાઈટ ઓન કરીને એ ફ્રિજ તરફ ગઈ ત્યાં પાસે રહેલાં બેઝીનમાં કોફીનો ખાલી મગ એમ જ પડ્યો હતો. રેખાબેન હરખમાં સાફ કર્યા વિના મૂકી દીધો હતો. મગ જોઈને હિમજાને સંજયભાઈ યાદ આવી ગયાં. શાયદ એમનાં ગયાં પછી તેઓ અહીં આવેલાં હશે અને રેખાબેને કોફી પીવડાવી હશે.
તેઓ બન્નેને એકાંતમાં મનની અંદર લાગણી બહાર કાઢવાની તક મળી હશે. એ વિચારીને હિમજાને ખુશી થઈ. પાણી પીને તેણી રેખાબેનના રૂમમાં એમને જોવાં ગઈ. રેખાબેન લાઈટનું આછું અજવાળું કરીને સૂઈ રહ્યાં હતાં. તેણી એમની સાવ નજીકથી જોયું તો રેખાબેનનો ચહેરો નિંદરમાં મલકાઇ રહ્યો હતો. એમને સરખી ચાદર ઓઢાડીને હિમજાએ એના રૂમમાં પ્રયાણ કર્યું.
નિસર્ગ શાવર લઈને કપડાં બદલીને સૂવાની તૈયારી કરી રહ્યો હતો. હિમજા એનો નાઈટશુટ લઈને બાથરૂમમાં શાવર લેવાં જતી રહી.
પંદર મિનિટમાં તેણી નાઈટ શુટ પહેરીને બાથરૂમની બહાર નીકળી ગઈ. તેણી બહાર આવીને મિરર સામે કાંસકો ફેરવીને વાળને બંધનમાંથી મુકત કરી દીધાં. વાળ ખુશ થતાં તેણીનાં ગાલને સ્પર્શવાં લાગ્યાં.
"આ વાળને રાત્રે આઝાદ કરીએ એટલે હેરાન કરવાં ગાલ સુધી આવી પહોચે છે."
બંધ આંખ કરીને સુતા નિસર્ગને મિરરમાંથી જોતાં હિમજાએ વાળની ફરિયાદ કરી. તેણીનો અવાજ સાંભળીને નિસર્ગે બંધ આંખથી જવાબ આપ્યો, "એ તારો ગયાં જન્મનો પ્રેમી હશે. તેં એને આઝાદ કર્યો તો તને પ્રેમ કરવાં માટે ગાલને કિસ કરતો હશે."
હિમજા ડ્રેસિંગ ટેબલ પર પડેલી નાઈટ ક્રિમ હાથ અને પગને લાગાડવાં લાગી. ક્રિમ લગાડ્યાં પછી તેણી બેડ પર નિસર્ગ પાસે આવીને બેસી ગઈ.
"પ્રેમી એ એની પ્રેમીકાને હેરાન ના કરે. એ તો દૂરથી એની પ્રેમિકાને જોઈને ખુશ થતો હોય. જે આજે તમે પહેલી વિલનની કમર જોઈને એમનાં દિવાના થઈ ગયાં હતાં." મોં મચકોડીને હિમજાએ કહી જણાવ્યું.
હિમજાની વાત સાંભળીને નિસર્ગ આંખ ખોલીને બેઠો થઈ ગયો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"