રેખાબેનને હજી એક આશ જાગી હતી કે, જો સંજયભાઈ એમનો સાથે આપે તો એમનાં જીવનના કોરાં પન્નાઓમાં પ્રેમ અને લાગણીના રંગોનો છંટકાવ કરીને રંગીન બનાવી નાખે. એમણે આ વાત સંજયભાઈની સમક્ષ જાહેર પણ કરી.
સંજયભાઈ પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું હતું. તેઓ એમની સાથે જે કાંઇ ઘટના બની એ કોઈ કુદરતી સંકેત હોય અને એમને અનુસરીને બધુ ચાલતું હોય એમ માની લીધું.
"જુઓ ! હું તમને ફક્ત એક જ વાત કહેવાં માંગું છું કે નિયતિ આપણી સાથે હોય તો હવે આપણે આનાકાની કરીને પીછે હઠ કરવી ના જોઈએ. આ બધું કર્મોને આધિન છે. શાસ્ત્રો પણ એ જ કહે છે કે, વ્યક્તિનું સારું નરસું જીવન એમના પૂર્વ જન્મના કર્મોથી નિર્ધારિત થાય છે. ગયા જન્મના કોઈ એવાં પાપકર્મો હોય એ આ જન્મમાં આપણને પરમ શાંતિ આપી શકતાં નથી. એનો જેટલો સમયગાળો હોય એટલું આપણે ભોગવ્યે વિના છુટકો નથી."
"હવે આપણે ગયાં જન્મનાં પાપકર્મોનાં ઋણથી મુક્ત થતાં ગયાં છીએ. એ જ કારણ છે કે, આ સત્યાવીસ વર્ષ પછી તમને મારી સાથે ડિવોર્સ લેવાની બાબત પર વારાફરતી મુલાકાત થઈ રહી છે. આ પણ એક કુદરતનો ઈશારો છે, તો આપણે પ્રસાદ તરીકે ગ્રહણ કરવો જ મને યોગ્ય લાગે છે."
રેખાબેનની વાત સાંભળીને સંજયભાઈ ફરી મૌન થઈ ગયાં. એમણે જે કહ્યું એ સાચું જ કહી રહ્યાં હતાં. કોઈ કોઈની સાથે કારણ વગર જોડાતું નથી. કોઈ ગયા જન્મના કર્માનુબંધ હોય જેને લીધે એમને છુટકારો મળતો નથી અને એકબીજા સાથે રહેવાનું શક્ય બનતું નથી. સંજયભાઈએ રેખાબેન સામે જોયું.
સંજયભાઈ એમની વાતનો જવાબ દેતાં બોલ્યાં, "માની લે કે, તું કહે છે એ બધું સાચું જ હોય. આપણે ગયા જન્મના પાપકર્મો ભોગવ્યાં જ છુટકો. મને લાગે છે કે, ગયા જન્મમાં તારાથી વધુ પાપ મેં જ કર્યાં હશે. તું મારા એકથી દૂર થઈ તો પણ તને નિસર્ગનો સાથ મળ્યો."
"મેં તો મારા કર્મોથી તમને બન્નેને હંમેશ માટે મારાંથી દૂર કરી દીધાં. આટલાં વર્ષો મને પત્ની અને પુત્ર હોવાં છતાં પણ એમનો પ્રેમ ના મળી શક્યો. ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે તમારે આ જન્મમાં મારા કરેલા કર્મોની જે સજા આપવી હોય એ આપી દો. આવતા જન્મમાં હવે આવું એકલવાયું જીવન જીવવાની મારી હિમ્મત નથી."
સંજયભાઈ આટલું કહીને ભાવુક થઈ ગયા. તેઓની આંખો એકલતાને કારણે ભરાઈ ગઈ હતી. એમને રેખાબેનની સામે રડવાની ખૂબ ઈચ્છા થઈ, પણ તેઓએ એમનાં આંસુને બહાર આવવા દીધા નહિ. રેખાબેન સંજયભાઈની હાલત સમજી ગયાં.
એક પુરુષ એના જીવનસાથી પાસે એની વેદનાનો દરિયો ખાલી કરે છે. સંજયભાઈને માંડ આવી તક મળી હતી કે, તેઓ રેખાબેનની સામે રડીને હૃયું ખાલી કરી શકે.
"તમારાં હૃદયમાં મારા માટે હજું પણ થોડીક લાગણી હોય તો તમે આજે મારી સામે રડીને હળવાં થઈ શકો છો."
રેખાબેનનાં કહેવાથી સંજયભાઈ કમજોર પડી ગયાં. એમણે વર્ષો સુધી દબાઈને રાખેલી વેદનાને રેખાબેન સામે વહેડાવી દીધી. એમની આંખોમાં આસુઓ ટપ ટપ કરતાં સરી પડ્યાં.
રેખાબેને સંજયભાઈનું માથુ એમનાં ખભે રાખીને એમનાં માથા પર હાથ ફેરવવા લાગ્યા. વર્ષો સુધી જે ખભાથી વંચિત હતા એ ખભો મળતા સંજયભાઈ ધ્રુસકેને ધ્રુસકે રડવાં લાગ્યાં. રેખાબેન પણ એમને બાળકની જેમ રડતાં જોઈને પોતાના આંસુ સાચવી ના શક્યાં.
તેઓ બન્ને એક સાથે રડી રહ્યાં હતાં. એમને શાંત પાડનારું કોઈ ત્રીજી વ્યક્તિ ત્યાં હાજર ન હતી. બન્નેએ જાહેરમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાગણીને કાબૂ કરી શક્યાં.
સંજયભાઈએ રડતા રડતા ચારે તરફ નજર ફેરવી તો એમને ખ્યાલ આવ્યો કે, તેઓ બન્ને ઘરની ચાર દિવાલોમાં નથી પણ પબ્લીક સ્થળે હતાં. ત્યાં કોઈ પણ ગમે ત્યારે આવી શકે. એમણે સ્વસ્થતા કેળવીને આંખના આસુ સાફ કરીને રેખાબેનનાં ખભે માથુ ઊંચું કરીને એમનાથી અળગાં થયાં.
સંજયભાઈ રેખાબેનથી અળગા થયાં પછી રેખાબેનને જગ્યાનો ખ્યાલ આવ્યો. તેઓએ પણ એમનાં આંસું લૂંછી નાખ્યાં.
સંજયભાઈ કશુક કહેવા માટે હોઠ ખોલ્યા, "આજે ! તું ખરેખર ખૂબ સુંદર લાગી રહી છે. માથાથી લઈને પગ સુધીનો એક સુહાગણ શણગાર સજે એવો જ શણગાર કરેલો છે."
વર્ષો પછી એમના પતિનાં મુખેથી રેખાબેને એમનાં વખાણ સાંભળ્યાં તો લજામણીનાં છોડની જેમ શરમાઈ ગયાં, "જી...આ પણ હિમજા દીકરીને ઊપકારે શક્ય બન્યું. તમે તો જાણો જ છો કે, મને એવો સાજ શણગારનો શોખ નથી અને મને આવો શણગાર કરતાં આવડતો નથી."
"એ તો હું પણ જાણી ગયો હતો. આ શણગાર તેણીએ જ કર્યો હશે. તે ગળું કેમ શણગાર વિનાનું ખાલી રાખ્યું છે ? ગળામાં કાંઇક પહેરીને અવાય.."
"હિમજાએ કહ્યું કે તમે ભલે અહીંથી ગળામાં કશું પહેરીને ના જાવ, પણ મારાં પપ્પાને મળીને આવો તો એમને કહેજો કે, ગળામાં મંગળસૂત્ર પહેરાવીને મૂકે." રેખાબેને આમ કહીને મંગળસૂત્ર પહેરાવવાની ઈચ્છા સંજયભાઈની સામે જાહેર કરી દીધી.
"તું પૂરાં હકથી મારી પત્ની જ છો. તારે મારાં હાથેથી મંગળસૂત્ર પહેરવું હોય તો હું તને મંગળસૂત્ર પહેરાવીને ખુશ છું. જો હું તને મંગળસૂત્ર પહેરાવીશ અને એ નિસર્ગને ગમશે નહિ તો ?" સંજયભાઈ હજુ અજાણ હતા કે નિસર્ગે એમને માફ કરી દીધો.
"તમને એક વાત કહેવાની રહી ગઈ. એ જાણીને તમે બહુ ખુશ થશો."
"કઈ વાત ?" આશ્ચર્ય સાથે સંજયભાઈએ સવાલ કર્યો.
"નિસર્ગે તમને માફ કરી દીધા છે. હકીકતે એમ કહું કે એ ખુદ સામેથી તમારી પાસે આવીને તમારી માફી માંગવાનો છે. આ વાત આજ સવારે મને હિમજાએ કહી. એ પણ હિમજાને કારણે શક્ય બન્યું છે. હિમજાએ નિસર્ગનાં હૃદયમાં તમારાં માટે જે કડવાશ હતી; એને દૂર કરવામાં સફળ રહી. આવી વહુ તો કોઈ નસીબદારનાં ઘરમાં જોવાં મળે." રેખાબેને મનોમન હિમજા જેવી વહુ આપવાં માટે ભગવાનનો આભાર માન્યો.
"ભગવાન આપણી કસોટી પણ ક્યા સુધી લઈ શકે છે ? આપણે સંયમ રાખીને આ કસોટીને પાર કરી ગયાં તો એનાં ફળ સ્વરુપે એમણે દીકરી જેવી વહુ આપી દીધી. તારાં મુખેથી નિસર્ગનાં હૃદયમાં મારાં માટેની દરેક કડવાશ નીકળી ગઈ છે; એ જાણીને મને ખુશી થઈ છે. હવે તો એ ઘડીને રાહ જોઉં છું કે ક્યારે આ દશરથ સાથે એના રામનું મિલન થાય ? ક્યાંક એવુ ના બને કે રામ સાથે મિલન થયા પહેલાં જ આ દશરથના શરીરમાંથી પ્રાણ પંખેરુ ઊડી જાય."
સંજયભાઈના મુખેથી શરીરમાંથી આત્મા ઊડી ના જાય. એ વાત સાંભળીને રેખાબેને એમનાં હોઠે પોતાનો હાથ મૂકી દીધો.
"ભગવાનને હું રોજ એ જ અરજ કરું છું કે, મારાં ભાગની ઉંમર એ તમને આપી દે. હવે તો આપણે ફરીથી નવાં જીવનની શરૂઆત કરવાની છે. જે ખુશીઓની તમે વર્ષોથી રાહ જોઈ છે. એ ખુશીઓ ફરી તમારા જીવનમાં દસ્તક દઈ રહી છે. એને સકારાત્મક વિચારોથી આવકારવાની હોય છે નહિ કે આવું અમંગળ બોલીને અપમાનિત કરવાનું હોય." રેખાબેન નારાજ થતાં બોલ્યાં.
"સારું હવે આવુ નહિ બોલું. મૌત પણ હવે મને લેવા આવશે તો હું એને કહી દઈશ કે મારા નવા જીવનની શરૂઆત થઈ છે; ત્યાં તુ કેમ આવી ગયો છે ? તારે પાછુ જ જાઉં જોશે, કારણ કે હું તારી સાથે આવવાનો નથી."
સંજયભાઈની વાતો સાંભળીને તેઓ બન્ને એક સાથે હસવાં લાગ્યાં. બન્ને એકબીજાંને હસતાં જોઈને ખુશ થઈ ગયાં. એવામાં એમની પાસેથી કુલ્ફી વાળો લારી લઈને પસાર થયો.
"સામે જુઓ. કુલ્ફી વાળો આવ્યો છે. તમને ખબર છે ને કે મને કુલ્ફી કેટલી પ્રિય છે ? મને અત્યારે જ એ કુલ્ફી ખાવી છે. તમે કુલ્ફી લઈ આવો."
રેખાબેને સંજયભાઈનો હાથ પકડીને કુલ્ફી વાળા સામે ઈશારો કરતાં બોલ્યાં. સંજયભાઈ રેખાબેનની બાળ જીદ્દ જોવાં લાગ્યાં." હજું નાના બાળક જેવી જીદ્દ કરવાનું ભૂલી નથી."
"તું અહી જ બેસ. હમણાં, હું તારાં માટે કુલ્ફી લઈ આવું." સંજયભાઈ રેખાબેનની જીદ્દ પૂરી કરવાં માટે બે કુલ્ફી લઈ આવ્યાં. રેખાબેન કુલ્ફી હાથમાં પકડીને રાજી થઈ ગયાં.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"