પારુલ હેતલને એનાં પિયરે સમજાવવાં ગઈ હતી. હેતલને જાણ થઈ કે એના સસરાએ પારકા લોહીને પોતાનું નામ આપીને સગા બાપ જેટલો પ્રેમ આપ્યો હતો. એ સાંભળીને હેતલનું હૃદય દ્રવી ઊઠ્યું. એ પુરુષનું કેટલું વિશાળ હૃદય હશે ! પારકા દીકરાને પણ પોતાનાથી પણ વિશેષ ખ્યાલ રાખે. વર્ષો સુધી હેતલ પણ સમજી ના શકી કે એનો પતિ રવિ પ્રવિણનો સાવકો દીકરો છે.
સાવકા જેવું વર્તન પ્રવિણે કે દલપત દાદાએ રવિ સાથે કર્યું ન હતું. એમને માટે રવિથી વિશેષ વત્સલ હતો. દલપત દાદા વત્સલને વ્યાજનું વ્યાજ માનતા હતા. વ્યાજનું વ્યાજ તો હંમેશાં સવાયું હોવું જોઈએ. એ કારણથી દલપત દાદા વત્સલને એમની નજરથી દૂર કરતા નહિ.
વત્સલનો પહેલો ખાસ મિત્ર એ કોઈને માનતો હોય તો એ એના મોટા દાદાને માનતો હતો. સ્કુલની દરેક વાતો એકત્ર કરીને એ દલપત દાદાને કહી દેતો. એ બધી વાતો દલપત દાદા પાસે કહીને ખડકલો કરી દેતો; એ પછી એને શાંતિ થતી. ઘરની અંદર વત્સલનો કલબલાટ ચાલુ રહેતો. એના તોફાનને રોકવા માટે કોઈ એને ટોકતુ નહિ.
હેતલ અને પારુલ ઘરને આવતાં સાંજ થઈ ચૂકી હતી. તેઓ બન્નેએ એક સાથે ઘરમાં પ્રવેશ કર્યો. વત્સલ બેઠક રૂમમાં દલપત દાદા પાસે વાર્તાઓ સાંભળી રહ્યો હતો. ઘરમાં બીજું કોઈ દેખાઈ રહ્યું ન હતું. હેતલે આવીને વત્સલનાં નામની બૂમ પાડી. એની મમ્મીનો અવાજ સાંભળીને વત્સલના કાન ચમક્યા.
"મોટા દાદા, મને મમ્મીનો અવાજ સંભળાયો. લાગે છે કે મમ્મી આવી ગઈ છે."
"મને તો એવો કોઈ અવાજ નથી સંભળાયો !"
હેતલે બીજી વાર વત્સલને બોલાવ્યો.
"જુઓ ! મોટા દાદા, સાચે જ મમ્મી બોલ્યાં. એ આવી જ ગઈ છે. હું બહાર એને મળવાં જાઉં છું."
વત્સલ દોડીને બેઠક રૂમમાંથી બહાર નીકળી ગયો. હોલમાં હેતલ એના સામાનને લઈને ઊભી હતી. વત્સલ એની મમ્મી પાસે જઈને બાથ ભરીને રડવાં લાગ્યો.
"મમ્મી, મેં તને ખૂબ યાદ કરી હતી. પૂરો દિવસ બધાં સાથે નીકળી જતો હતો. રાત્રે તારો હાથ મારે મારી છાતી ઉપર ના ફરતો તો મને નિંદર ના આવતી. પપ્પા મને સુવડાવાનો ઘણો પ્રયત્ન કરતા, તો પણ તારી ઓછપને પપ્પા પણ પૂરી ના કરી શકતા." વત્સલ એની લાગણી ઠાલલવા લાગ્યો.
વત્સલની લાગણી જોઈને હેતલ પણ રડવાં લાગી. દલપત દાદા બહાર આવીને હેતલને જોઈને ખુશ થઈ ગયા.
"વસુ મારા દીકરા મને માફ કરી દેજે. મારી જિદ્દને કારણે તારે પણ ખૂબ હેરાન થઉં પડ્યું હતું. તારા જેટલી મારામાં સમજણ શક્તિ આવતાં ખૂબ વાર લાગી. તારી આ નાદાન માની છેલ્લી ભૂલને તું ભૂલી જજે."
વત્સલ હેતલથી અળગો થયો. એણે હેતલના ગાલ પરના આંસુને સાફ કરી દીધાં. તેઓ બન્નેને રડતાં જોઈને પારુલ અને દલપત દાદાની આંખો હરખથી છલકાઈ ગઈ.
"મમ્મી, તમે મને પ્રોમિસ આપો કે હવે તમે મને અને આ ઘરને છોડીને ક્યાંય નહિ જાવ."
"હું તને પ્રોમિસ આપું છું કે હવે આ ઘરને અને ખાસ કરીને તને છોડીને ક્યાંય નહિ જાવ."
વત્સલે હેતલનો હાથ એનાં માથે મૂક્યો, "મારા સમ ખાઈને કહે કે તું આ ઘરથી મને અલગ નહિ કરે. ફરી ક્યારેય નવાં ઘરમાં રહેવાં જવાની વાત નહિ કરે."
"તારાં સમ ખાઈને કહું છું. સોમનાથ દાદાના સમ ખાઈને કહું છું. આજ પછી હું નવાં ઘરમાં રહેવાં જવાની વાત નહિ કરું."
હેતલ આટલી બધી એક દિવસમાં બદલાઈ ગઈ. એ જોઈને દલપત દાદાને આશ્ચર્ય થયું. દલપત દાદા પારુલ સામે આ ચમત્કાર કઈ રીતે થયો એ જાણવાં એની સામે જોયું. પારુલે ઈશારેથી જણાવ્યું કે એ નિરાંતે બધી વાત એમને જણાવશે.
વત્સલ પાસેથી માફી માંગીને હેતલને એક ખાસ વ્યક્તિ પાસે માફી માંગવાની હતી. તેણી ઊભી થઈને દલપત દાદા પાસે જઈને બે હાથ જોડ્યાં.
"દાદા, મને માફ કરી દો. હું તમારે માફી માંગવાને પણ લાયક નથી. આ ઘરના વડલાએ હંમેશા તેઓએ અમને એમની છત્ર છાયામાં રાખેલા હતા. એમનું હંમેશાં હાલતાં અપમાન કરતી આવી છું. તમારી દીકરીને નાસમજ માનીને માફ કરી દો. હું એક આદર્શ વહુ બનવાં પ્રયાસ કરતી રહીશ. એક દિવસ તમને પણ મારાં જેવી વહુ પર ગર્વ થશે."
દલપત દાદા હેતલની વાતોથી પ્રભાવિત થઈ ગયા. તેમણે હેતલને માફ કરતા બોલ્યા, "દરેક ઘરમાં આવા નાના મોટા ઝઘડાઓ થતા હોય છે. એના માટે આપણે સુખી લગ્નજીવન તોડવા બેસી ના જવાય. તમને તમારી ભૂલ વહેલી મોડી સમજાઈ. મારી માટે એ જ મોટી ખુશીની વાત છે. તમને અને પારુલ વહુને મેં હંમેશા દીકરી જ માની છે. દીકરી માફી માંગે એ સારી ના લાગે."
"હેતલ વહુ ! આદર્શ વહુ બનવું હોય તો ચાલો રસોડા તરફ પ્રયાણ કરો. હમણાં તમારાં પતિ દેવ અને સસરા જમવાની બૂમો પાડતાં આવતાં હશે."
પારુલની વાત સાંભળીને સૌ જોરથી હસવા લાગ્યાં. વાતાવરણ એકદમ હળવું ફુલ બની ગયું હતું. હેતલે કપડાંની બેગ એના રૂમમાં મૂકી દીધી. હાથ અને પગ ધોઈને રસોડામાં ઘણાં સમય પછી રસોઈ કરવાં જતી રહી. રસોડું પણ લક્ષ્મી વિનાનું સૂનું પડી ગયું હોય એમ હેતલને જોઈને ખુશખુશાલ લાગી રહ્યું હતું.
હેતલે એને હાથે સૌ માટે રસોઈ બનાવાની ચાલું કરી દીધી. પારુલનાં કહેવાથી શાક અને રોટલી બનાવવાની હતી. એ સાથે છુટી લાપસી પણ હેતલે બનાવી નાખી હતી.
સાંજે પ્રવિણ અને રવિ એક સાથે ઘરમાં આવી પહોચ્યા હતા. હેતલ આવી છે એ વાત તેઓ પણ જાણતાં ન હતાં. વત્સલે એની મમ્મી એનાં પિયરથી પાછી આવી ગઈ છે. એવી વાત કહી તો પ્રવિણને રાહત થઈ. પારુલના વિશ્વાસની આખરે જીત થઈ હતી.
રવિ પણ હેતલને જોઈને ખુશ દેખાઈ રહ્યો હતો પણ એનાં નોટીસને કારણે દાદાની તબિયત બગડી. એ કારણથી રવિ હેતલને માફ કરવાં માંગતો ન હતો.
દલપત દાદાને જમાડીને બાકીનાં સૌ સાથે જમવાં બેસી ગયાં. સૌની થાળીમાં મોઢું મીઠું કરવવાં માટે લાપસી પિરસવામાં આવી.
હેતલે ચમચા વડે રવિની થાળીમાં લાપસી મુકવાં ગઈ. રવિએ હાથ લાંબો કરીને લાપસી લેવાની ના પાડી દીધી. એ હેતલના હાથની બનાવેલ લાપસી જમવાં માંગતો ન હતો.
"રવિ બેટા, હેતલે પ્રેમથી લાપસી બનાવી છે. થોડીક લઈને ચાખી તો જો."
પારુલનાં કહેવાથી રવિએ ચમચામાંથી એક ચપટી લાપસી લઈને ચાખી લીધી. હેતલે લાપસીથી ભરેલો ચમચો પાછો લઈ લીધો.
"રવિ કેમ આવું કર્યું ?" પ્રવિણે સવાલ કર્યો.
"પપ્પા, તમને ખબર તો છે. મને વધુ સ્વીટ ભાવતું નથી. મમ્મીની વાતને હું ઠુકરાવી શકતો નથી. આથી મેં ચપટી લાપસી ચાખી લીધી."
રવિએ પ્રવિણના સવાલનો જવાબ આપીને એની રીતે શાક અને રોટલી લઈને જમવાં લાગ્યો. રવિનું વિચિત્ર વર્તન જોઈને સૌને નવાઈ લાગી.
રાતનું બધું કામ પતાવીને હેતલે પારુલ પાસેથી દાદાને ક્યા સમયે કઈ દવા આપવાની છે એ જાણી લીધું. હેતલે પારુલને દાદાની દેખભાળ માટે નિશ્ચિંત કરી દીધી. એણે જણાવ્યું દીધું કે હવે પછી એ સમયસર દાદાને દવાઓ આપતી રહેશે. દાદાની દરેક વસ્તુઓનું એ ખ્યાલ રાખશે.
પારુલને થોડીક કલાકોમાં ઘણો આરામ મળી ગયો. ધીરજ ધરીને બેઠાં તો જ સોમનાથ દાદાએ એનું પરિણામ સારું આપ્યું.
પારુલ દાદાની રજા લઈને એનાં રૂમમાં ગઈ. રૂમમાં પ્રવેશ કરવા સાથે એણે એની ખુશી પ્રવિણને કહી જણાવી.
"આજે હેતલ એની રીતે સમજીને ઘરમાં પાછી આવી ગઈ. મોડી પણ સોમનાથ દાદાએ એને સદ્દબુધ્ધિ તો આપી. એનાં આવાં વર્તનથી વેવાઈ અને વેવાણ પણ ખૂબ દુઃખી થઈ ગયાં હતાં. દીકરીનાં માતા પિતા હોવાને નાતે એમનું સમાજમાં જવાનું બંધ થઈ ગયું હતું." બેડ પર સુતા પ્રવિણની પાસે બેસતાં એ બોલી.
પ્રવિણ પારુલની વાત સાંભળીને બેઠો થઈને બોલ્યો, "આ બધું તારે કારણે થયું છે. આપણે દસ લાખ આપીને હેતલ વહુને ઘરમાં લઈ આવ્યાં હોય તો એ કુટુંબ અને સંબંધ વિશે જાણી ના શકી હોત. એક દિવસમાં હેતલ વહુની અંદર આટલો સુધારો કઈ રીતે આવ્યો ?"
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"