Quotes by Chaitanya Joshi in Bitesapp read free

Chaitanya Joshi

Chaitanya Joshi

@chaitanyajoshi.200906


નયનને પાપણનો સથવારો નિરંતર.
નયનને પાપણનો પલકારો નિરંતર.

છોને કરી ગર્જના ઘૂઘવેને ઊછળે,
સમદરને આંબવાનો કિનારો નિરંતર.

વહીને અંબુથી નીચાણે જનારી એ,
સરિતાને સાગરથી પનારો નિરંતર.

પંખીઓના ગાનથી જે શોભનારાં,
દ્રુમ વર્ષાને આપે આવકારો નિરંતર.

વર્ષો વીત્યા પછી સાવ મામૂલી લાગે,
જિંદગી જાણે વીજ ચમકારો નિરંતર.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Read More

બેઠો ઉપર ઈશ્વર, એનાથી ડરવાનું રાખો.
કર્મમાં એની અસર, એનાથી ડરવાનું રાખો.

લેખાંજોખાં કર્મના ચોક્કસ થવાનાં એકદિ'
નથી કોઈ અમર, એનાથી ડરવાનું રાખો.

સત્યની સદાય સહાય સ્વીકારે સર્વેશ્વર,
દરેકમાં વસે અંદર, એનાથી ડરવાનું રાખો.

નથી આવતો એની લાકડીનો અવાજ પણ,
ખોટાંને પડશે માર, એનાથી ડરવાનું રાખો.

તલેતલનો હિસાબ એ રાખે છે પ્રત્યેકનો,
કરીને ભૂલનો સ્વીકાર, એનાથી ડરવાનું રાખો.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

કર ગ્રહીને આવ્યો છો કુહાડી,
ઉજ્જડ કરીને જંપ્યો તું વાડી.
ના રાખ્યો માનવતાનો મલાજો
તારું કોઈકાળે ના સારું થાજો.

વસતાં પરિવાર સંગ સૌ તરૂવરે
કુટુંબકબીલા કેટકેટલા થરથરે.
આશરો ગુમાવ્યો તારો તકાજો
તારું કોઈ કાળે ના સારું થાજો.

બે ચાર પંથી લેતાં ત્યાં વિશ્રામ,
પિંખાયો માળોને થયું સૂમસામ.
ક્યા ભવનો રોષ ઠાલવ્યો ઝાઝો,
તારું કોઈ કાળે ના સારું થાજો.

મૂળમાંથી ઝાડ થયું જમીંદોસ્ત,
થયા નાના જીવો સઘળા ત્રસ્ત.
ક્યા વાંકગુનાની કાઢી છે દાઝો,
તારું કોઈ કાળે ના સારું થાજો.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Read More

માનવંતા એ બને જેનામાં માનવતા હોય.
માનવંતા એ બને જેનામાં સરળતા હોય.

બુદ્ધિ અને પુરુષાર્થથી સફળતા મળે છે,
માનવંતા એ બને જેનામાં બુદ્ધિમતા હોય.

આંટીઘૂંટી દુનિયાની પ્રભુને પસંદ નથી હોતી,
માનવંતા એ બને જેનામાં નિખાલસતા હોય.

ભીતર અને બહાર ન હોય ભિન્નતા જેને,
માનવંતા એ બને જેનામાં એકરૂપતા હોય.

કરી કામ કોઈના કદી ના વેણ ઉચ્ચારતા,
માનવંતા એ બને જેનામાં ગંભીરતા હોય.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

આજે કર્યું તે કાલે મળશે એની આ વાત છે.
કર્મ ચોક્કસ સૌને ફળશે એની આ વાત છે.

સારાં કે ખરાબ કર્મો વિચાર મુજબ થાય છે,
સિદ્ધાંત કર્મનો ના ટળશે એની આ વાત છે.

છોને હરખતાં બૂરાં કામ કરી મેળવી લીધુંને,
ઉંમર વધતાં જીવન ઢળશે એની આ વાત છે.

ઈશ્વરનેય બાધક બને કર્મ અવતાર ધર્યા પછી,
તો પછી માનવ કેમ બચશે એની આ વાત છે.

ક્ષુલ્લક લાભ સારુ કેટકેટલાં કર્મો કરાય અહીં,
એકદિ' પોથી પ્રભુની ખૂલશે એની આ વાત છે.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Read More

એમ કૈં વાતવાતમાં ક્રોધ ન કરાય સજનવા.
લગાડી ખોટું નૈનમાં નીર ન ભરાય સજનવા.

સાત જન્મની છે સફર આપણી ભવોભવની,
એમ કૈં અધવચ્ચે તારા જેમ ન ખરાય સજનવા.

ઓગાળવાનું છે અહં નહીં કે પુષ્ટ કરવાનું કૈં,
ભૂલ્યા ત્યાંથી એકડે એકથી ગણાય સજનવા.

આગપાણીનો વ્યવહાર પરસ્પર રાખવો ઘટે,
દોષ કોઈના ગણીને ગાંઠે ન બંધાય સજનવા.

સાતફેરાના સાત વચનો અકબંધ છે હજુપણ,
સ્નેહનું સુંવાળું જળ દામ્પત્યને સિંચાય સજનવા.

પ્રેમની પરાકાષ્ઠાએ ઐક્યની લબ્ધિ ચોક્કસ,
ઓતપ્રોતના આચારે પરસ્પર સમજાય સજનવા.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Read More

હાથનાં કર્યાં હૈયે વળગવાના એ નક્કી.
છાપરે ચડીને પાપ પોકારવાના એ નક્કી.

કોઈનું કર્મ ક્યારેય કદી એળે જતું નથી.
વહેલામોડાં ફળ તો પાકવાના એ નક્કી.

અહંની નિશામાં સારાસાર વિવેક જતો,
ખોટું કરનારા આખરે હારવાના એ નક્કી.

સદાચાર તો સર્વેશ્વરને પણ પ્રિય સદાએ,
સત્કાર્યો કરનારા અંતે જીતવાના એ નક્કી.

ગોળ છે એ તો અંધારે પણ મીઠો લાગશે,
સુકૃતો સુવાસ થકી પ્રસરવાના એ નક્કી.

નથી કોઈ ભેદભાવ નાનામોટાનો હરિદ્વારે,
પુણ્યપાથેય લૈ જનારા હરખવાના એ નક્કી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

પશ્ચાતાપનાં નયનાશ્રુથી ચરણ પખાડવાં હરિ તારાં.
તારામય સાવ બની જઈને નૈન નિહાળવાં હરિ તારાં.

આમ તો તું લેશમાત્ર નથી દૂર મારી દૈનિક ક્રિયાથી,
પરમ પ્રકાશિત પરમેશ્વર પદકમલ પકડવાં હરિ તારાં.

સ્મરણમાં તું મને લાગે હરિવર સૌથી સવાયો પ્રભુ,
અમીનજર પામી વદનકમળને નીરખવાં હરિ તારાં.

ભક્તવત્સલતા શરણાગત પર સહજ તારો ધારો,
પ્રસન્નવદને પ્રભુ અમીશાં વચનો સાંભળવા હરિ તારાં.

મુલાકાત મારી- તારી હશે હરિ સૌને અચંબો દેનારી,
વરદ હસ્તે હરિવર ઊઠાવજે કરને સ્પર્શવા હરિ તારા.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

હરિ તારી એક નજરની રહી અભિલાષ મારે.
તને પામવા કાજે અહર્નિશ કરવા પ્રયાસ મારે.

તું છો દીનબંધુને દયા વરસાવે શરણાગત પર,
છોને સહેવા પડે દુનિયાના બધા ઉપહાસ મારે.

તારાથી વિખૂટો ના પડું કદી એટલી કૃપા રાખજે,
નામસ્મરણ થઈ જતું હરિવર અનાયાસ મારે.

રહું મસ્તાન નિશિવાસર તવ ચરિત્રમાં દેવાધિદેવ,
તારા વિનાનું જગત લાગે સદા હરિ આકાશ મારે.

બની શકાય તો બનવું છે હરિ દાસ તારો હું ખાસ,
ન બને તો બનવું પ્રભુ કદી ચરણે દાસાનુદાસ મારે

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

રહું સદા તારામાં મસ્તાન એટલું હરિવર માંગુ.
બસ આટલું રાખજે માન એટલું હરિવર માંગુ.

નયન રહે તને અવલોકતાં પલકારાને પરહરેને,
તારી કથા સુણે નિત કાન એટલું હરિવર માંગુ.

જીહ્વા મારી નામસ્મરણ કરતાં કદીએ ના થાકે,
સાત્વિક રહે મારાં ખાનપાન એટલું હરિવર માંગુ.

ગાત્રો મારાં થાય પુલકિત તવ ચરિત્ર ગુણગાને,
ચાહે પછી ગમે તે કહે જ્હાન એટલું હરિવર માંગુ.

ભૂખ્યાંને હું ભોજન અર્પું તરસ્યાંને જળલોટો,
કર નિત્ય કરતા રહે પુણ્યદાન એટલું હરિવર માંગું.

ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર

Read More