એક નિયમ છે પ્રેમની ફરેબી દુનિયાનો... તમે વિચાર્યું પણ ના હોય એટલું દર્દ સહન કરવાની તૈયારી સાથે જ અખતરો કરવો અને એનો કોઈ અંત તો નથી જ છેલ્લે તમે એ દર્દ એ જ પ્રેમ છે એમ સમજી જશો!
પ્રેમમાં પડવું એટલે રડતી આંખો અને હસતા હોઠ વાળા ચહેરા સાથે જીવતા શીખવું. જુઠ્ઠું બોલવું એ પણ એની સાથે જેને દિલથી તમે બધું સાચું જ કહેવા માંગતા હો..! ભલે લાખ કોશિષ કરી રહ્યા હોય પણ એની આગળ જીભ જૂઠનો સહારો જ લેવાની... અચકાવું, અટકવું, ભટકવું અને રઝળવું આ ચારે ચાર પ્રેમના ખાસ લક્ષણો છે. કોઈ માઈનો લાલ કે લાલી આ ચાર લક્ષણોને પાર કર્યા વગર પ્રેમ કરી જ ના શકે.
સૌથી વધારે ચિંતા જેની કરતાં હોં એને જ સૌથી વધારે દુઃખી કરવા પડે, એવા સંજોગ ચારે બાજુથી આવી જ જાય ભલેને તમે ગમે એટલી તકેદારી રાખી લો... અને સામેવાળાની સાથે, એની કરતાંય વધારે દર્દ અને તકલીફ તમે ભોગવી રહ્યાં હોય ત્યારે તો હજી પ્રેમનો સૂરજ ઉગવાની શરૂઆત કરી રહ્યો હોય છે!
પ્રેમમાં પડવું એટલે વિચારી લેવું કે આ જે મને ગમે છે એ હંમેશા મારી સાથે જ રહેશે, મારા પક્ષે જ બોલશે, મારા માટે થઈને આખી દુનિયા સામે લડી લેશે અને એ જ વ્યક્તિ કોઈ વાર જો મજાકમાં પણ જો તમારા વિરોધીઓ સાથે ભળી જાય તો તો એ દુશ્મન નંબર વન લાગવા માંડે. તકલીફ તો ખૂબ પડે પણ થાય શું? છેવટે એની સાથે જ ઝઘડો કરી લેવાનાં જેની વગર દુનિયા નક્કામી લાગતી હોય.
પ્રેમીઓની જીદ પણ કેવી હોય, પોતે કંઈ ના કહે સામેવાળી વ્યક્તિ બધું જ કહી દે એવી અપેક્ષા હોય. પોતે ચૂપ રહે અને સામેવાળું બધું જ સમજી જાય એવી ઈચ્છા હોય... પોતાની સહાયતા કરવા દરેક વખતે એ વ્યક્તિ જ આવે એવું દિલથી ઇચ્છતા હોય અને એ આવે ત્યારે મોઢેથી એને ના જ કહેવાના...!
મગજ ચકરાઇ ગયું? આ તો હજી પ્રેમની શરૂઆત છે સાહેબ... એકરાર કર્યા પહેલાંની વ્યથા, મથામણ, રઘવાટ... એના પછીની લાંબી મજલ કાપવાની તો હજી શરૂઆત પણ નથી થઈ...!
બહુ મુશ્કેલ છે કોઇની યાદમાં હરપળ જીવવું, કોઇની ધડકનો સાથે ધબકીને જીવવું, કોઈને શ્વાસની સાથે અંદર ભરવું અને બહાર ના આવવા દેવું, કણ કણમાં એની હાજરી અનુભવવી... હજી કહું છું ચેતી જજો, પડવા જેવું નથી આ પ્રેમમાં અને મને પ્રેમ છે એવા ખોટા વહેમમાં...
ટુંકમાં આ જે થાય છે એને થવા દો.. તમારી મરજી એમાં ચાલતી જ નથી, ચાલવાની પણ નથી...સફરની મજા લો અંતમાં જે થવાનું હશે એ જ થશે! 😍
© નિયતી કાપડિયા.