સંબંધ...
જીવનમાં જીવ સટોસટ રહેવાનો પ્રબંધ,
એજ તમારો મારો, જીવથી પ્યારો સંબંધ.
ઘણીવાર આપણા મનમાં કોઈ ગ્રંથિ ( લઘુતા કે ગુરૂતા ) એટલી ઘર કરી જાય કે પછી નકારાત્મકતાથી એટલા ઘેરાઈ જઈએ છીએ કે પોતાની જાતને મહાન સાબિત કરવાના ચક્કરમાં હમેશાં કોઈની નાની નાની ભૂલો શોધવા તત્પર થઈ જઈએ છીએ. વાંક ના હોય તો પણ એ વ્યક્તિને નીચો દેખાડવાના પ્રયત્નમાં લાગી જઈએ છીએ અથવા કોઈની લીટી નાની કરીને પોતાની લીટી મોટી કરવાના ચક્કરમાં પડી જઈએ. ઘણીવાર કોઈ પાત્રને એના પર્સનલ મિત્રો, સ્નેહીઓથી મળતો અઢળક પ્રેમ અને અખૂટ વિશ્વાસ મળતો જોઈ આપણે એ વ્યક્તિની અદેખાઈ કરવામાં એટલા ઊંડા ઊતરી જઈએ છીએ કે સમજી જ નથી શકતા કે એ વ્યક્તિએ કેટ કેટલો ભોગ આપી, જીવનનો એક અમૂલ્ય સાથ આપી આ વિશ્વાસ કેળવ્યો હશે..!? જાણતાં અજાણતાં મારાથી તમારાથી આવું થતું જ હોય છે. પણ ઘણી વ્યક્તિનો અા સ્વભાવ બની જાય છે અને એ સ્વભાવ એ વ્યક્તિને અને એના સંપર્કમાં આવનાર વ્યક્તિને હેરાન કરી મૂકે છે. એના પરિણામ રૂપ એ ધીમે ધીમે બીજા વ્યક્તિ એનો સાથ છોડીને જતા રહે છે અને એના ભાગે એકલતા આવી શકે છે.
એકલા રહેવું અને એકલતામાં ઘણું અંતર છે. એકલા રહેવું સૌથી સહેલું છે. ના કોઈ રોકટોક, ના કોઇ અહમનો ટકરાવ, ના કોઇ થી થતી જલન. પણ જ્યારે આપણે આ વિશાળ દુનિયા ફલકમાં રહેવું હોય તો એકાંકી રહી શકવું શક્ય નથી. એટલા માટે આપણે સુમેળ સાધી આપણા ઘણા અહમ બાજુ ઉપર મુકી નવા નવા સંબંધો પ્રસ્થાપિત કરતા જઈએ છીએ. જે ખુબજ મુશ્કેલ કાર્ય છે. કેટલાક આમાં સફળ થાય છે કેટલાક પોતાની ચલાવવામાં નિષ્ફળ. અને આ નિષ્ફળ થયેલા લોકો પોતાની નિષ્ફળતા છાવરવાના પ્રયાસમાં સફળ લોકોની નાની નાની ભૂલો કાઢી પોતાને મહાન સાબિત કરવાની હોડ કરે છે.
કહી બતાવવું એ કરતાં કાંઈક કરી બતાવો..!!
જીવન સાથે સુમેળ સાધી જીવંત બની બતાવો..!!
@રોહિત પ્રજાપતિ
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...